Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં આપ કેટલું કાઠું કાઢી શકશે?

પંજાબના નવાસવા મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થઈ એટલે તમામ પક્ષોએ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ વર્ષના અંતે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત જેવી હલચલ હિમાચલમાં નથી. ગુજરાત તમામ પક્ષો માટે બહુ મહત્ત્વનું રાજ્ય છે એ હમણાં ચાલી રહેલી હલચલ પરથી દેખાઈ રહ્યુàª
ગુજરાતમાં આપ કેટલું કાઠું કાઢી શકશે
પંજાબના નવાસવા મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થઈ એટલે તમામ પક્ષોએ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ વર્ષના અંતે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત જેવી હલચલ હિમાચલમાં નથી. ગુજરાત તમામ પક્ષો માટે બહુ મહત્ત્વનું રાજ્ય છે એ હમણાં ચાલી રહેલી હલચલ પરથી દેખાઈ રહ્યું છે.  
લગભગ કુંભકર્ણની નિંદ્રામાં સરી પડેલી કોંગ્રેસમાં આજકાલ સંચાર દેખાઈ રહ્યો છે. મોંઘવારી કંઈ આજકાલનો મુદ્દો નથી. એ તો વર્ષોથી જનતાને પજવતો પ્રશ્ન છે. કોંગ્રેસે ગામેગામ ગેસના, પેટ્રોલ-ડીઝલના ભાવ સામે મોરચો કાઢીને આંદોલન શરુ કર્યાં છે. રોજેરોજ અવનવી વાતો આવે છે કે, કોંગ્રેસ છોડીને કોઈ રાજનેતા જાય છે તો કોઈ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પક્ષમાં જોડાય છે. ચૂંટણીના ફોર્મ ભરાશે ત્યાં સુધી આ આવન-જાવન ચાલતી રહેવાની છે. દિલ્હીથી માંડીને ગુજરાતના નાનામાં નાના ગામડાંમાં રાજકારણને કારણે ગરમાવો આવી ગયો છે.  
આમ આદમી પાર્ટીએ પંજાબમાં વિજય મેળવ્યો. શાસન સંભળ્યું એના બહુ થોડાં સમયમાં જ ભગવંત માને ઉડીને આંખે વળગે એવા ફેરફારો કર્યાં. જે આખા દેશે જોયા. પંજાબમાં કોંગ્રેસનો રકાસ થયો એના જુદા જ કારણો છે. અકાલીદળનું નામોનિશાન ક્યાંય દેખાતું નથી. પંજાબની પ્રજા અનેક પ્રશ્નોથી ત્રસ્ત હતી. કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈએ કોંગ્રેસને હરાવી દીધી.  
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પાટનગર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની બીજીવાર સરકાર બની. પહેલી ટર્મમાં કરેલી ભૂલો કેજરીવાલે સુધારી અને દિલ્હીની પ્રજાનું દિલ એમના ઉપર આવી ગયું. દિલ્હીનો મતદાર અને પંજાબનો મતદાર બંને જુદાં જુદાં પ્રોબ્લેમ્સ સાથે જીવી રહ્યાં છે. આ બંને રાજ્યોના મતદાર સાથે ગુજરાતના મતદારની સરખામણી બિલકુલ ન કરી શકાય. દિલ્હીમાં પણ કેજરીવાલે આપેલા વાયદા પૂરા કર્યાં. મહોલ્લા ક્લિનિક હોય કે પછી મફત વીજળી આપવાની વાત હોય એમણે બોલાયેલું પાળી બતાવ્યું છે. ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અરવિંદ કેજરીવાલ બખૂબી જાણે છે કે, કામ કર્યું હશે એ બોલશે. પાટીલ ભાઉના ગઢ સુરતમાં આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું, ગાંધીનગરમાં પણ આપને થોડાં મતદારોએ પસંદ કરી છે. પણ ગુજરાત આખાની વાત કરીએ તો  ગુજરાતના મતદારની તાસીર સાવ જુદી છે. 27 વર્ષ શાસનમાં રહી ચૂકેલો ભાજપ ગુજરાતની પ્રજાની સુખતી રગ જાણે છે.  
ગુજરાતના બે મહત્ત્વના ચહેરા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ. બંનેનો પોતાના રાજ્ય પ્રત્યેનો અનુરાગ જાણીતો છે. આ કારણે જ ગુજરાતમાં ગત વિધાનસભામાં મળેલી 99 સીટ કરતાં વધુ વિધાનસભાની સીટ મેળવવી એ ભારતીય જનતા પક્ષનો ટાર્ગેટ છે. આમ આદમી પાર્ટી જેટલું જોર લગાવશે એટલું ગુજરાતમાં નબળી બનેલી કોંગ્રેસને નુકસાન જવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ બહુ સમય પહેલાંથી ઘણું બધું કોર્નર કરવા માંડ્યું છે. ભાજપ એક પક્ષ એવો છે જે હંમેશાં ઈલેક્શન મોડમાં જ રહે છે. વર્ષો પછી મંડાવાના દાખલા એ અગાઉથી ગણવા માંડે છે.  
ગુજરાતના નવા મંત્રીમંડળને આજે 200 દિવસ થયાં. આ બસો દિવસમાં એકપણ વિવાદ વગર સરકાર કામ કરી રહી છે. વિધાનસભામાં પૂછાતાં સવાલો અને એના અપાતાં જવાબો એ જ સાબિત કરે છે કે, પ્રજાને એવો અહેસાસ થાય કે સરકાર કામ કરે છે. ગુજરાતની ચૂંટણી વખતે પ્રજાની સરકાર પ્રત્યે કોઈ નારાજગી મતદાનમાં ન દેખાય એટલે સમૂળગું મંત્રીમંડળ બદલાયું. નવાં અને પહેલીવાર બનેલા મંત્રીઓએ પણ નાનામાં નાના મુદ્દાને મહત્ત્વ આપ્યું છે. એ પછી તરછોડાયેલાં શિવાંશ માટે હૉસ્પિટલમાં દોડી ગયેલાં ગૃહ પ્રધાન હોય કે પછી વડોદરાની ઝૂંપડપટ્ટીની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચેલા આપણાં મુખ્યપ્રધાન હોય. પ્રજા બધું જ જોવે છે અને સમજીને જ મતદાન કરવાની છે.  
ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવતો સૌરાષ્ટ્રનો કમિટેડ મતદાર હોય કે પછી કોંગ્રેસમાં વિશ્વાસ ધરાવતો મતદાર હોય. એ હવે શાણો થઈ ગયો છે. આમ આદમી પાર્ટીને હજુ આ ઓક્ટોબરમાં દસ વર્ષ થવાના છે. પંજાબ અને દિલ્હીના મતદારોની માફક ગુજરાતના મતદારોને એમ આકર્ષવા સહેલાં નથી.  
ચૂંટણી આવશે એટલે આમ આદમી પાર્ટીના વચનોની વણઝાર કરશે. પોતાના શાસનમાં આપેલાં વચનોને પાળ્યાં છે એની હકીકતો પણ ગુજરાતની જનતા સામે મૂકશે. કોંગ્રેસ પોતાનાથી બનતું જોમ રેડશે. પણ મતદારનું મન કળવું કાઠું છે. વળી, ઈતિહાસમાં નજર ફેરવીએ તો ભલભલા માંધાતાઓએ પ્રાદેશિક પક્ષ રચ્યો છે પણ એ ઉંધે કાંધ પટકાયાં છે. આમ આદમી પાર્ટી જો એમ વિચારતી હોય કે, ગુજરાતમાં એમની રાહ સરળ છે તો એ સત્ય નથી. ગુજરાતમાં પોતાની પાર્ટીને જમાવવી અને ધારાસભાની સીટો જીતવા માટે આપની રાહ કાઠી છે. અહીં કાઠું કાઢવું દરેક નવા પક્ષને કાઠું પડે એમ છે.
Advertisement
Tags :
Advertisement

.