Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોઈની લીટી ટૂંકી કરવાથી પ્રગતિ થઈ જાય?

જિંદગી એક રેસ છે... કરિયર એ બહુ મોટી સ્પર્ધા છે. બીજા કરતા સારું પરર્ફોમ નહીં કરો તો પાછળ રહી જશો. તમારી સ્પર્ધા તમારાથી વધુ સારું કામ કરે છે, વધુ સારા માર્કસ લઈ આવે છે એની સાથે છે. જો તમે એના કરતા વધુ નહીં દોડો તો તમે પાછળ રહી જશો.  તારા માટે અમે આટલી મહેનત કરીએ છીએ, તને ભણાવવા માટે અમે અમારી સવલતોમાં કાપ મૂકીએ છીએ, તને સારી કોલેજમાં એડમિશન મળી જાય એ માટે અમે કરકસર કરીએ છીએ.... તારા કરતાં ઓછà
કોઈની લીટી ટૂંકી કરવાથી પ્રગતિ થઈ જાય
જિંદગી એક રેસ છે... કરિયર એ બહુ મોટી સ્પર્ધા છે. બીજા કરતા સારું પરર્ફોમ નહીં કરો તો પાછળ રહી જશો. તમારી સ્પર્ધા તમારાથી વધુ સારું કામ કરે છે, વધુ સારા માર્કસ લઈ આવે છે એની સાથે છે. જો તમે એના કરતા વધુ નહીં દોડો તો તમે પાછળ રહી જશો.  
તારા માટે અમે આટલી મહેનત કરીએ છીએ, તને ભણાવવા માટે અમે અમારી સવલતોમાં કાપ મૂકીએ છીએ, તને સારી કોલેજમાં એડમિશન મળી જાય એ માટે અમે કરકસર કરીએ છીએ.... તારા કરતાં ઓછી સવલતો મળે છે, આપણાં કરતા ઓછી આવક છે એ પરિવારનું બાળક તારા કરતાં કેમ આગળ છે?  
મારા સહિત તમામે તમામ લોકોએ આ પ્રકારના ડાયલોગ ભણતા હશો ત્યારે કે નોકરી કરતા હશો ત્યારે સાંભળ્યા જ  હશે. જિંદગીમાં સ્પર્ધા છે તો મજા છે એ વાત સાચી પણ આ સ્પર્ધા જીવલેણ બની જાય ત્યારે? કોઈ આપણાથી આગળ વધે અને એની આપણને ઈર્ષા થાય એ સ્વાભાવિક લાગણી હોય શકે. પણ એનો જીવ લઈ લેવો એ કેટલું વાજબી છે?  
સરખામણી કરવાથી હંમેશાં દુઃખ જ મળવાનું છે. સરખામણી ક્યારેય તમને સુખી નથી કરતી. છતાં માનવસહજ સ્વભાવ છે કે એ સાથે ભણતા સહાધ્યાયી, કામ કરતા કલીગ, પરિવારમાં સાસુ, જેઠાણી કે ભાઈ-ભાંડુ સાથે સરખામણી થતી જ રહે છે. સરખામણીને તમે પોઝિટીવ સેન્સમાં લો ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો હોતો. પણ એ કમ્પેરિઝન તમને દુઃખી કરે તો કમે ક્યાંયના નથી રહી શકતા. સમસ્યા આજે એ છે કે, આપણાં સુખે સુખી થનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે અને આપણાં દુઃખે સુખી થનારા લોકોની સંખ્યા વધતી જાય છે. કોઈનું દુઃખ આપણને સ્પર્શે છે પણ સરખામણી બાદ આપણને આપણી જાત વધુ દુઃખી લાગે છે. છેલ્લે માણસનું કંઈ ન ચાલે તો બહુ આસાનીથી નસીબ ઉપર ઢોળી દે છે.  
ઘણાં કિસ્સાઓમાં મહેનત, લગન બાદ પણ સફળતા ન મળે ત્યારે આપણને જાત ઉપર ગુસ્સો આવી જાય છે. પછી આપણે મન મનાવીને જાતને સમજાવીને સમસમીને બેસી રહીએ છીએ. ઘણી વખત સંજોગો સામે લડીએ પણ એ સફળતા ન અપાવે ત્યારે આપણને ફસ્ટ્રેશન આવે છે. વિદ્યાર્થી તરીકેની કરિયરમાં માર્કસ અને ગ્રેડ મહત્ત્વના છે.  નોકરી- ધંધાની કરિયરમાં કમાણી અને ડેઝિગ્નેશન વધુ મહત્ત્વનું છે. પરંતુ આ બધું જ્યારે તમારા અસ્તિત્વ ઉપર હાવી થઈ જાય ત્યારે એસી રુમ પણ અકળામણ આપે છે.    
પુડ્ડુચેરીના કરાઈકલમાં દિલને હચમચાવી દે એવો એક બનાવ બની ગયો. પોતાનું સંતાન જ ટોપ રેન્ક કરે એવી લહાયમાં એક માની મમતા બીજા બાળક માટે મોત બનીને આવી. આઠમા ધોરણમાં ભણતો બાલા મણિકનંદન હંમેશાં કલાસમાં પહેલા નંબરે આવતો. સહયારાની વિક્ટોરિયા નામની એક માતાની દીકરી પણ બાલાના કલાસમાં જ ભણતી હતી. વાત એમ હતી કે, આઠમા ધોરણમાં પણ બાલા જ પહેલા નંબરે આવ્યો. જ્યારે વિક્ટોરિયાની દીકરી બીજા નંબરે. પોતાની દીકરીને સરસ ટ્યૂશન કરાવ્યા. વધુ મહેનત કરી તો પણ એ બીજા નંબરે આવી એ વાત વિક્ટોરિયાથી સહન ન થઈ.  
ઈર્ષાની આગમાં એણે એવું કરી નાખ્યું કે કોઈ સપનામાં પણ ન વિચારી શકે. એક સવારે એ જ્યૂસ ભરેલી બોટલ લઈને સ્કૂલે ગઈ. વોચમેનને મળી અને કહ્યું કે, આ મારા દીકરા બાલા માટે છે. એ સ્કૂલે જતો હતો ત્યારે એને આ આપવાનું રહી ગયું. તમે એને આ કલાસમાં જઈને આપી દેજો.  
કોઈ દિવસ માતા કંઈ મોકલે નહીં પણ આજે મોકલ્યું એટલે ખાસ હશે એમ માનીને બાલાએ એ જ્યૂસ પી લીધો. થોડા જ સમય બાદ એની તબિયત બગડી અને ઉલટીઓ થવા લાગી. આખો ઘટનાક્રમ એણે માતાને કહ્યો બાદમાં પોલીસ ફરિયાદ થઈ, સીસીટીવી ચેક થયા અને વિક્ટોરિયા સુધી પોલીસ પહોંચી.  
માત્ર એક સ્પર્ધકને મારી નાખવાથી દીકરી આગળ આવી જશે આ માનસિકતા સાથે જીવતી માતાની મમતા ઉપર શું હાવી થઈ ગયું હશે કે એણે આવો ખૂની ખેલ ખેલ્યો? સ્કૂલ, કોલેજ, નોકરીથી માંડીને કઈ કઈ જગ્યાએ આ માતા ઝેરવાળો જ્યૂસ પીવડાવવા જાત? સંતાનનું ખરાબ થતું હોય તો વાલી એને પ્રોટેક્ટ કરવા આવે એ સ્વભાવિક વાત છે પણ આટલી ટૂંકી સમજણનો રસ્તો તો જેલ સુધી જ જતો હોય છે.  
એક કિસ્સો ટાંક્યા વગર નથી રહેવાતું. એક સિનિયર એડિટર છે. એ એમની ટીમને હંમેશાં એવું કહે કે, તમારે આગળ આવવું હોય તો તમારી નજર મારી ખુરશી ઉપર હોવી જોઈએ. તમને એમ થવું જોઈએ કે આનામાં એવું શું છે તો આ ખુરશી સુધી પહોંચ્યા હશે? બસ આ ઝનૂન જ તમને પ્રગતિ અપાવશે.   
સ્ટુડન્ટ લાઈફ હોય કે કરિયર બધે જ સ્પર્ધા રહેવાની. આ સ્પર્ધાનો સમુદ્ર છે એમાં કોઈની લીટી ટૂંકી કરવાથી ક્યારેય આગળ વધી નથી શકાતું. કોઈના પગલાં અને ડગલાં પર નજર રાખવા કરતાં આપણું દિલ અને દિમાગ ડગી ન જાય એ જોવું વધુ મહત્ત્વનું છે.  
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.