Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાગણી ઉપર ઘા થાય એવી હિંસા તમે કરો છો?

લગ્ન એક એવું બંધન છે જેમાં બે વ્યક્તિઓ એકબીજાને સાથ નીભાવવા અને જિંદગી જીવવા માટે સંકલ્પ કરે છે. લગ્નના તાંતણે બંધાતા બે લોકો એક રથના પૈડાં સમાન છે એવું બધાં કહેતા હોય છે. પરંતુ બંને પૈડાં એકસરખાં નથી હોતાં. એટલે જ ક્યારેક આગળ પાછળ થઈ જાય છે. સહજીવન શરુ થાય ત્યારે બધું સાથે અને સહિયારું હોય છે. બાદમાં ક્યાંક કંઈક એવું બનવા લાગે છે કે, સાથે જીવવું અઘરું પડી જાય છે. આગળ પાછળ થઈ જતાં બે પàª
લાગણી ઉપર ઘા થાય એવી હિંસા તમે કરો છો
લગ્ન એક એવું બંધન છે જેમાં બે વ્યક્તિઓ એકબીજાને સાથ નીભાવવા અને જિંદગી જીવવા માટે સંકલ્પ કરે છે. લગ્નના તાંતણે બંધાતા બે લોકો એક રથના પૈડાં સમાન છે એવું બધાં કહેતા હોય છે. પરંતુ બંને પૈડાં એકસરખાં નથી હોતાં. એટલે જ ક્યારેક આગળ પાછળ થઈ જાય છે. સહજીવન શરુ થાય ત્યારે બધું સાથે અને સહિયારું હોય છે. બાદમાં ક્યાંક કંઈક એવું બનવા લાગે છે કે, સાથે જીવવું અઘરું પડી જાય છે. આગળ પાછળ થઈ જતાં બે પાત્રો ક્યારે એકબીજાથી અળગા થઈ જાય છે એની એમને બંનેને ખબર નથી રહેતી. એકબીજાંમાં ખોડ દેખાવાનું શરુ થાય પછી એ ગેપ ક્યારે ખાઈ બની જાય છે એનો અંદાજ કોઈને નથી આવતો. ક્યાંક સહન કરીને જિંદગી પૂરી થઈ જાય છે તો ક્યાંક સંતાનોને ખાતર ખોડંગાતા બે પૈડાં હાંફી જાય છે.  
દર વખતે વિચારો કે મન ન મળે ત્યારે મારકૂટ એક જ હથિયાર નથી હોતું. શાબ્દિક અને માનસિક હિંસા પણ તમારું દામ્પત્ય તોડવા માટે કાફી બની જાય છે. સામાન્ય રીતે સાસરે ગયેલી દીકરી કેટલીક વાતો તો સ્વીકારીને જ જીવતી હોય છે. અમુક તમુક પ્રકારનું પિયરનું ઘસાતું બોલાય ત્યારે કડવો ઘૂંટડો પીને સાસરે જીવી જાય છે. પણ એ પળેપળ અંદરથી રડતી હોય છે. મા-બાપ અને પિયર ગમે એવું હોય ક્યારેય કોઈ દીકરીથી પિયરનું ઘસાતું સાંભળી નથી શકાતું હોતું. મા-બાપને દોષ દઈને સાસરિયાઓ જ્યારે વહુને ઉતારી પાડે ત્યારે એ દીકરી મજબૂરીમાં ત્યાં ટકી જતી હોય છે. કેમકે, જમાનો ગમે એટલો આધુનિક હોય સાસરેથી પાછી આવેલી દીકરી એમ જલદીથી આજના સમયમાં પણ સ્વીકાર્ય નથી. પેટ સમાણી દીકરી હાંડલે સમાઈ જશે એ કહેવત વાંચવામાં સારી લાગે પણ એ કદાચ મા-બાપ સુધી સિમિત રહી છે.  
સુરતમાં એક છૂટાછેડાના કેસનો ચુકાદો આવ્યો છે એ અનેક પરણેલી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે. સુરત ફેમિલી કોર્ટના એડિશનલ જજ ઉમેશ પરમારે સાડા ત્રણ વર્ષથી ચાલતા એક છૂટાછેડાના કેસમાં બહુ જ અગત્ચની વાત કહી છે. તેમણે ટાંક્યું છે કે, ઘરની ચાર દીવાલો વચ્ચે પત્નીને વારંવાર ઉતારી પાડવી, મનોબળ તોડી નાખવું પણ હિંસા જ છે. આ કેસના ચુકાદામાં જજે છૂટાછેડા આપવા અને ભરણપોષણની રકમ આપવા માટે કહ્યું છે.  
આ લેખ વાંચનારા તમામ લોકો એક વાત ઉપર તો સહમત થશે જ કે, ક્યારેક ને ક્યારેક એમણે વહુ બનીને આવેલી પારકા ઘરની દીકરીને કોઈક વાતે તો સંભળાવ્યું જ હશે. સાચું-ખોટું એની જગ્યાએ હશે પણ કંઈક વાંકુ પડે ત્યારે ટોન્ટ મારવાનું હાજર વ્યક્તિત્વ એક જ હોય છે વહુ. નવ્વાણું ટકા પરિવારોમાં જાણીને વહુને શાબ્દિક પ્રહાર થતાં રહે છે. ચૂપ રહીને સહન કરી લેવું એવું ઘણી સ્ત્રીઓ સમજે છે તો કેટલીક સ્ત્રીઓ સામી થાય છે. આજના સમયની કેટલીક વહુઓ સ્પષ્ટ કહી દે છે, મારાં મા-બાપની વિરુદ્ધનો એક શબ્દ હું નહીં સાંભળી લઉં. સામું થવું કે સહન કરી લેવું એ દરેકનો વ્યક્તિગત નિર્ણય હોય શકે. દરેકની પરિસ્થિતિ એવી નથી હોતી કે, સામા થઈને એકલા હાથે જિંદગી જીવી શકે. આથી જ જતું કરી દે છે. 
પહેલી જ વખત જ્યારે તમારા પિયરનું ઘસાતું બોલાય ત્યારે જ એક લાઈનદોરી કરી દેવી આવશ્યક છે. આ બાબતે કંઈ જ નહીં સાંભળી શકાય. આ વાત લખવામાં જેટલી સહજ અને સરળ છે એટલી જ બોલવામાં અઘરી છે. પણ આ અઘરું એક વખત લાગશે.  
ઓછી આવડત હોય કે, ઓછું ભણેલી હોય કે પછી ગરીબ કે મધ્યમ વર્ગની દીકરી વહુ તરીકે આવી હોય પોતાની મોટાઈ બતાવવી કે પૈસાનો રોફ બતાવવો એક સામાન્ય વર્તન આપણે આપણી આસપાસના ઘરોમાં જોતાં હોઈએ છીએ. પિયરમાં સ્કૂટર ચલાવીને કોલેજે કે બહારના કામ પતાવતી દીકરીને સાસરિયાના નિયમોમાં બાંધવામાં આવે એ પણ એને અત્યાચાર જ લાગવાનો છે. પોતે શું લેવું એનો નિર્ણય એકલી જ કરતી હોય અને સાસરે પાંચ જણાને પૂછવાનું આવે એ પણ એ દીકરીને અઘરું લાગવાનું છે. પરિવારની વહુની અણઆવડત વિશે વારંવાર બોલનારા સાસરિયાની પણ કમી નથી. કોઈ  વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ નથી હોતી. પરંતુ એની અધૂરપને યાદ કરાવીને ટોર્ચર કરવી એ પણ યોગ્ય નથી.   
એવું લખવાનો જરાપણ મતલબ નથી કે, બધાં જ લોકો આવા હોય છે. સામે થનારી સ્ત્રીઓની સંખ્યા અને સાસરિયાને ટોર્ચર કરનારી સ્ત્રીઓ પણ આપણે જોઈએ જ છીએ. પરંતુ અત્યારે વાત ફક્ત સુરતના ચુકાદાને લઈને થઈ રહી છે. સુરતના આ કિસ્સાની વાતને ધ્યાને લઈને જો થોડાંક ઘરોમાં ફરક આવે તો પણ ઘણી દીકરીઓને અપમાનના ઘૂંટડા નહીં પીવા પડે. જાણીને થતી શાબ્દિક હિંસા સામે જ્યારે જીભ ન ઉપડે અને પિયરમાં કોઈ સંઘરનારું ન હોય એવી દીકરી માટે તો આ ચુકાદો આશીર્વાદ સમાન છે.    
 jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.