મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકોનો ઉપક્રમ તેમના મુંબઈના એક દિવસીય પ્રવાસ મુલાકાત દરમ્યાન પ્રયોજ્યો છે.
બેઠકની શરૂઆત L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાતથી
આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ ક્ષમતાઓ ધરાવતું ૮૦ વર્ષથી વધુ જૂનું ઉદ્યોગ જૂથ છે. L&T કન્સ્ટ્રક્શન્સ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR)ના અમુક વિભાગોને એક્ઝિક્યુટ કરી રહ્યું છે. કંપનીએ સુરતના હજીરામાં K9 વજ્ર ટેન્કનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત હઝીરા ખાતે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈસીસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે.
તેમણે ગુજરાતમાં આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. તેમાં L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સના મિલકતોના રિટેલ પોર્ટફોલિયોમાં વિસ્તારની યોજના અંગે માહિતી આપી હતી. તેમજ ગત વર્ષ, L&T એ રૂપિયા ૭ હજાર કરોડના રોકાણથી વડોદરામાં IT અને IT- સક્ષમ સેવાઓ (ITeS) પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી. તેઓ હજીરામાં 1000 કરોડ ના રોકાણ સાથે એલેક્ટરાઈઝર પ્લાન્ટ આગામી સમયમાં શરૂ કરવાના છે અને ભારતમાં તેઓ આ સેકટરમાં પાયોનીયર છે તેની પણ જાણકારી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ L&T ૨૦૦૫થી વાઇબ્રન્ટ સમિટથી સક્રિય ભાગીદાર રહ્યું છે એમ જણાવી આગામી ૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.