ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'મારી માટી, મારો દેશ' કાર્યક્રમને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમના આયોજન બાબતે ભુજ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ...
08:24 PM Aug 05, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમના આયોજન બાબતે ભુજ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમમાં જોડાઈને દેશના વીર જવાનોને યાદ કરે, માટીને નમન કરે તે રીતે આયોજન કરવા પદાધિકારીશ્રીઓએ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.

"મારી માટી, મારો દેશ" કાર્યક્રમ અંગે પ્રાથમિક માહિતી આપીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ સૌને આવકાર આપ્યો હતો. જિલ્લામાં ગ્રામ્યસ્તરેથી તાલુકાકક્ષાના કાર્યક્રમની વિગતોની પ્રેઝેન્ટેશનના માધ્યમથી જાણકારી ડેપ્યુટી ડીડીઓ શ્રી આસ્થાબેન સોલંકીએ આપી હતી.

માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા, માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં ગ્રામ પંચાયતકક્ષાએથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે. ૦૯ ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકોને પ્રેરિત કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં કુલ ૬૩૫ ગ્રામ પંચાયતમાં ૦૯ ઓગસ્ટથી માંડીને ૧૫ ઓગસ્ટ સુધી મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

દેશના લોકોને માતૃભૂમિ એક તાંતણે બાંધીને રાખે છે, સહુને સાંકળીને રાખે છે. આથી ગ્રામકક્ષાએથી એકત્ર કરેલી માટીને રાજધાની દિલ્હી સુધી લઈ જઈને દેશની આઝાદીના શહીદો, સંરક્ષણ દળોમાં શહીદ થયેલા જવાનોને યાદ કરવામાં આવશે. અંદાજે ૭૫૦૦ જેટલા માટીના કળશ દેશના વિવિધ ગામડાઓ-તાલુકાઓમાંથી એકત્ર કરીને દેશની રાજધાની દિલ્હી કર્તવ્યપથ ખાતે એકત્રિત કરવામાં આવશે. દિલ્હી કર્તવ્યપથ ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાંથી માટી કળશમાં એકત્ર કરીને કર્તવ્યપથ સુધી લઈ જવામાં આવશે. કચ્છ જિલ્લાના ૧૦ તાલુકામાં તારીખ ૧૭ ઓગસ્ટથી તાલુકાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ યોજાયેલી બેઠકમાં કચ્છ જિલ્લાના વિવિધ એનજીઓના પ્રતિનિધિશ્રીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તમામ સહયોગની વહીવટીતંત્રને ખાતરી આપી હતી.

વીર શહીદોને યાદ કરીને દરેક ગામડાઓમાં શિલાફલકમ્ એટલે કે સ્મારક બનાવવામાં આવશે. આ શિલાફલકમૃ ઉપર વીર શહીદોના નામ અને વડાપ્રધાનશ્રીનું વર્ષ ૨૦૪૭નું વિઝન અંકિત કરવામાં આવશે. શહેરથી માંડીને ગામડાઓ સુધી લોકો "મારી માટી, મારો દેશ" કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરે, શહીદોને યાદ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા લેવી, માટી અને દીવા સાથે સેલ્ફી લેવી જેવી પ્રવૃતિઓના માધ્યમથી મહત્તમ નાગરિકોને અભિયાનમાં જોડવામાં આવશે.

ગામમાં ૭૫ જેટલા વૃક્ષો વાવીને અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. આ અમૃતવાટિકામાંથી માટીનો કળશ ભરીને તેને તાલુકાકક્ષાએ લઈ જવામાં આવશે. તાલુકાકક્ષાએ પણ અમૃત વાટિકા બનાવવામાં આવશે.આ ઉપરાંત, દેશની વિવિધ સંરક્ષણ પાંખમાં ફરજ બજાવતા શહીદ થયેલા જવાનોને વંદન કરીને તેમના પરિવારનું સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજને સલામી અર્પીને સામૂહિક રાષ્ટ્રગાન માટે લોકોને આહ્વાન કરવામાં આવશે.
તમામ સરકારી સંસ્થાઓ, શાળાઓ, પોલીસ વિભાગ, વન વિભાગ, નગરપાલિકાઓ વગેરેને આ કાર્યક્રમમાં સહભાગી બનાવવામાં આવશે. મહત્તમ જનભાગીદારી સાથે સુચારું રીતે "મારી માટી, મારો દેશ" કાર્યક્રમનું આયોજન થાય તે અંગે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આપ્યું હતું.

કચ્છ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર.ઝનકાંત, માર્ગ અને મકાનના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, ચીફ ઓફિસરશ્રી જીગર પટેલ, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા, ભુજ ઈન્ચાર્જ આરટીઓ અધિકારીશ્રી પ્રદિપ વાઘેલા સહિતના અધિકારીશ્રીઓ, એનજીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
chairmanshipdistrict collectorheldMaro Desh'Mr. Amit Aroraprogram 'Mari MatiReview Meeting
Next Article