ઝારખંડમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવવાથી 4ના મોત, 9ની હાલત ગંભીર
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહર્રમના જુલૂસ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં હાઇ ટેન્શન લાઇનના સંપર્કમાં આવવાથી કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. સવારે લગભગ 6.00 વાગ્યે લોકો તાજિયા લઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ 6:00 વાગ્યે બની હતી. તમામ લોકો મોહરમમાં તાજિયા લઈ રહ્યા હતા, ત્યારે 11000 વોલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે તાજિયા ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટની હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સાથે જ એમ્બ્યુલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે