ગુજરાતના સુરત શહેરમાં 118 વર્ષ પહેલા કેમ સ્થગિત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અધિવેશન?
- ગુજરાતમાં ફરી વાર કોંગ્રેસ અધિવેશન!
- 1907થી 2025 સુધી કોંગ્રેસનો પ્રવાસ
- સુરત અધિવેશનઃ વિભાજનનું મૌન સંકેત
- 1938નું અધિવેશન અને નેતાજી બોઝનું નેતૃત્વ
- ગાંધી-પટેલની ભૂમિ પર કોંગ્રેસનું અધિવેશન
- કોંગ્રેસ અધિવેશન 2025ઃ નવી રણનીતિના સૂત્રધાર
AICC National Convention : ભારતની સ્વતંત્રતા સંગ્રામની નેતૃત્વકર્તા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ગુજરાત સાથે ઊંડો સંબંધ રહ્યો છે. સુરત નજીક હરિપુરા ખાતે 1907માં યોજાયેલું અધિવેશન એક મહત્વપૂર્ણ ઘટના હતી, જે કોંગ્રેસના ઇતિહાસમાં વિભાજનના સંકેતો સાથે યાદ રહી. 64 વર્ષ પછી, 2025માં અમદાવાદમાં યોજાનારું રાષ્ટ્રીય અધિવેશન ફરી એકવાર ગુજરાતની ભૂમિ પર કોંગ્રેસના ઐતિહાસિક વારસાને જાગૃત કરશે.
1907નું સુરત અધિવેશન, વિભાજનની શરૂઆત
1907માં સુરત નજીક હરિપુરા ખાતે યોજાયેલું કોંગ્રેસ અધિવેશન ખૂબ જ મહત્વનું હતું, પરંતુ આંતરિક મતભેદોને કારણે તે સ્થગિત થયું. આ સમયે કોંગ્રેસમાં બે પ્રમુખ જૂથો ઉભરી આવ્યા હતા: ગરમ અને નરમ. ગરમ જૂથે લાલા લજપત રાયને અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત કર્યા, જ્યારે નરમ જૂથના રાસબિહારી ઘોષના નામનો બાલ ગંગાધર તિલકે વિરોધ કર્યો. બીજી તરફ, નરમ જૂથના નેતા સુરેન્દ્રનાથ બેનર્જીએ ઘોષને સમર્થન આપ્યું. લાલા લજપત રાયે ચૂંટણી લડવાનો ઇનકાર કરતાં રાજીનામું આપ્યું, અને અંતે ઘોષ અધ્યક્ષ બન્યા. પહેલા દિવસે જ્યારે બેનર્જીએ ઘોષને ઔપચારિક રીતે અધ્યક્ષ જાહેર કર્યા, ત્યારે ગરમ જૂથના નેતાઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. વિવાદ એટલો વધ્યો કે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને સભા સ્થગિત કરવી પડી. ગરમ જૂથોનું માનવું હતું કે સ્વતંત્રતા હડતાળ અને વિરોધ દ્વારા મેળવવી જોઈએ, જ્યારે નરમ જૂથ વાતચીત અને શાંતિપૂર્ણ માર્ગે આગળ વધવાના સમર્થક હતા.
1938નું હરિપુરા અધિવેશન, બોઝનું નેતૃત્વ
31 વર્ષ પછી, 19 ફેબ્રુઆરી 1938ના રોજ હરિપુરા ખાતે જ કોંગ્રેસનું 51મું અધિવેશન યોજાયું, જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ બન્યા. આ સત્રમાં કોંગ્રેસે ભારત માટે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરતો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો, જેણે સ્વાતંત્ર્ય ચળવળને નવી દિશા આપી. સત્રના અંતે, નેતાજી અને પટ્ટાભિ સીતારામૈયા વચ્ચે આગામી અધ્યક્ષ પદ માટે સ્પર્ધા થઈ. ગાંધીજીના સમર્થન છતાં સીતારામૈયાને, બોઝે મોટા માર્જિનથી વિજય મેળવ્યો.
2025નું અમદાવાદ અધિવેશન: ગાંધી અને પટેલની ભૂમિ પર પુનરાગમન
64 વર્ષના લાંબા વિરામ બાદ, કોંગ્રેસ 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને મહાત્મા ગાંધીના પ્રમુખ બનવાની સદીની ઉજવણી સાથે જોડાયેલો છે. 1961 પછી પ્રથમ વખત ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)નું સંમેલન યોજાશે, જે પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે અને 1885માં સ્થપાઈ હતી. આ અધિવેશનનું આયોજન સરદાર સ્મારક, સાબરમતી આશ્રમ અને સાબરમતી નદીના કિનારે થશે. 8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે શાહીબાગ ખાતેના સરદાર સ્મારકમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની મહત્વની બેઠક યોજાશે, જેમાં પક્ષની ભાવિ રણનીતિ પર ચર્ચા થશે. આ સ્થળો ગાંધીજી અને સરદાર પટેલના યોગદાનને પ્રતિબિંબિત કરે છે, જેમણે સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ગુજરાતનું ઐતિહાસિક મહત્વ
1907નું સુરત અધિવેશન વિભાજનનું કારણ બન્યું હતું, જ્યારે 1938નું હરિપુરા અધિવેશન સ્વતંત્રતાની માંગણીનું પ્રતીક બન્યું હતું. 2025નું અમદાવાદ અધિવેશન ગુજરાતની આ ભૂમિને ફરી એકવાર રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનાવશે. ગાંધીજીના સાબરમતી આશ્રમથી લઈને સરદાર પટેલના સ્મારક સુધી, આ સ્થળો પક્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરશે. આ સંમેલન દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સ્તરે નવું જોમ લાવવાનો પ્રયાસ કરશે. 1907ના વિભાજનથી લઈને 1938ની સ્વતંત્રતાની માંગણી અને હવે 2025ના આધુનિક રાજકીય પડકારો સુધી, ગુજરાત કોંગ્રેસના ઇતિહાસનું સાક્ષી રહ્યું છે.
આ પણ વાંચો : 80 જેટલા કોંગ્રેસી નેતાઓ 2 ચાર્ટર્ડ પ્લેનમાં આવશે અમદાવાદ! જાણો સુરક્ષા વ્યવસ્થા વિશે