Gujarat નું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ
- અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળી ચુક્યો છે
- યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર
- રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું
ગુજરાતનું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ છે. શહેરની સ્થાપના 614 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. આ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. 1970માં રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. શરૂઆતમાં અમદાવાદને આશાવલ કહેવામાં આવતું હતું. આ શહેરનો પાયો વર્ષ 1411માં નાખવામાં આવ્યો હતો. શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળી ચુક્યો છે
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળી ચુક્યો છે. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક અને ભારતનું સૌથી મોટું સાતમું શહેર છે. આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી પણ આ પહેલા આ શહેરને 11મી સદી આસપાસ આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક રીતે સૌથી મહત્વનું શહેર છે. અમદાવાદને "ભારતનું માન્ચેસ્ટર" તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં, અમદાવાદ ભારતના ગુજરાત રાજ્યમાં એક મુખ્ય ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું છે. અમદાવાદ એક બાદ એક સફળતા હાંસલ કરી રહ્યું હતું ત્યારે વર્ષ 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું.
અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર
અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર છે. વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ 10 જેટલા માનદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ-સન્માન મેળવ્યું હતું. અંગ્રેજ શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
એલિસબ્રિજ ખાતેના માણેક બુર્જ ખાતે અમદાવાદ શહેરની પ્રથમ ઇંટ મુકાઈ હતી
અમદાવાદના સ્થાપના દિવસે માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. જણાવી દઇએ કે, એલિસબ્રિજ ખાતેના માણેક બુર્જ ખાતે અમદાવાદ શહેરની પ્રથમ ઇંટ મુકાઈ હતી. પરંપરા મુજબ દર વર્ષે માણેકબુર્જની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, બાબા માણેકનાથ એ 15 મી સદીના હિંદુ સંત હતા. તેઓ ભારતના ગુજરાતના હાલના અમદાવાદ શહેર નજીક સાબરમતી નદીના કાંઠે રહેતા હતા. તેમણે 1411 માં અહમદશાહને ભદ્રનો કિલ્લો બનાવવામાં મદદ કરી હતી. જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમિયાન સાથે સાથે સાદડી વણતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા, ત્યારે જાદુઈ રીતે કિલ્લાની દીવાલો પણ તૂટી પડતી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેમની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહમદશાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું.
એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુર્જ તરીકે ઓળખવામાં આવે છે
બીજા કિસ્સામાં તેમણે રાજાને તે સ્થળ શોધવામાં મદદ કરી કે જ્યાંથી કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે. તેમની સલાહથી શહેરની સ્થપતિ અહેમદ ખાતુએ શહેરનો નકશો બદલ્યો. તેમણે સાબરમતી નદીના ફર્નાન્ડીઝ બ્રિજ નીચેના સ્થળે જીવતે જળ સમાધી લીધી હતી. શહેરના પ્રથમ પા ભાગને, માણેક ચોકનું નામ તેમના નામે અપાયું. તેમની યાદગીરી રુપે એક સ્મારક મંદિર પણ ઉભું કરવામાં આવ્યું છે. એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુર્જ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat : મની લોન્ડરિંગ કેસમાં પત્રકાર મહેશ લાંગાની મુશ્કેલીઓ વધી