Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: સિવિલ હોસ્પિટલ અંગદાન મહાયજ્ઞ 114 મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું

બ્રેઇન હેમરેજ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા પાટણના મહેશભાઇ સોલંકીના પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું. અત્યાર સુધીમાં મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી....
ahmedabad  સિવિલ હોસ્પિટલ અંગદાન મહાયજ્ઞ 114 મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું

બ્રેઇન હેમરેજ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા પાટણના મહેશભાઇ સોલંકીના પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું. અત્યાર સુધીમાં મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી.

Advertisement

કહેવાય છે કે "જિંદગી કેટલી જીવી ગયા એ મહત્વનું નથી, કેવી જીવી ગયા એ મહત્વનું છે". પાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ અને તેમના પરિવારે આ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. બ્રેઇન હેમરેજ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા મહેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને અન્ય કેટલાક લોકોના જીવનમાં ઉજાસ પાથરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું. એટલે જ કહેવાનું મન થાય કે, ખરાં અર્થમાં અમર થઇ ગયા મહેશભાઈપાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ સોલંકીને હાયપરટેન્શન બાદ હેમરેજને લીધે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયાના 2 દિવસ બાદ મહેશભાઈને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ મહેશભાઇના પરિવારને સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા 'અમર કક્ષ' મા કાઉન્સેલિંગ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમનો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે છે તે વિશે સમજાવવામાં આવ્યું.

Advertisement

નવજીવન આપવાના હિતાર્થે અંગદાન માટે સહમતી દર્શાવી
મહેશભાઇના પત્ની અને પરિવારજનોએ એકજુટ થઇને અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના હિતાર્થે અંગદાન માટે સહમતી દર્શાવી. આ રીતે પરિવારે સંમતિ આપતા મહેશભાઇના અંગોનું દાન મેળવવા માટેની કામગીરી કરવામાં આવી. 8 થી 10 કલાક સુધી ચાલેલી ઓર્ગન રીટ્રાઇવલની પ્રક્રિયા બાદ અંગદાનમાં સૌથી મહત્વનું અને દુર્લભ કહી શકાય તેવું હૃદય સહિત લિવર, બે કિડની અને બે આંખોનું દાન મળ્યું.
મળેલા અંગોમાંથી હૃદય યુ.એન.મેહતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે, લિવર અને કિડની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અને આંખો એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોનોલોજી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવી.જેમાંથી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મળશે.

અંગદાન માટે સમાજમાં ઉત્તરોતર જાગૃતિ વધતી રહે
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞ અંતર્ગત આ 114 મું અંગદાન મળ્યું છે. અત્યાર સુધીમાં મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. અંગદાન માટે સમાજમાં ઉત્તરોતર જાગૃતિ વધતી રહે અને આ જ રીતે વધુને વધુ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવી શકાય તે માટે સિવિલ મેડીસિટી સતત પ્રયત્નશીલ છે.

Advertisement

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડે ?

  • હાર્ટ ફેલ્યોર
  • કાર્ડિયોમાયોપેથી
  • કોરોનરી આર્ટરી ડીસિઝ
  • હૃદયના વાલ્વ સંબંધિત બિમારીઓ
  • જન્મજાત હૃદય સંબંધિત બિમારીઓ
  • અગાઉના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ખામી સર્જાઈ હોય તેવા કિસ્સાઓમાં

અંગદાન કોણ કરી શકે ?
- બ્રેઈન ડેડ દર્દીના અંગોનું દાન થઈ શકે
- લિવિંગ ડોનર - 18 વર્ષથી વધુ વયની જીવિત વ્યક્તિ શરીરના અમુક અંગોનું દાન કરી શકે છે. જેમ કે બોનમેરો, કિડની વગેરેનું દાન.

કોણ અંગદાન ન કરી શકે ?
- એચ.આઇ.વી. એઇડ્સ , કેન્સર, ફેફસાં કે હૃદય સંબંધિત બિમારીઓ કે અન્ય કોઈ લાંબી બિમારીઓ ધરાવતી વ્યક્તિ અંગદાન ન કરી શકે.

અહેવાલ- સંજય  જોશી ,અમદાવાદ 

આપણ  વાંચો -કોટેશ્વર સર્વે નંબર 62 માં માત્ર ચાર દુકાનોનું દબાણ દુર કરાયું

Tags :
Advertisement

.