Pappa : ભૂલ થાય તો પણ પડખે જ ઊભા હોય એ પપ્પા
Pappa : પપ્પાઓની ખાસિયત જ એ હોય છે કે તે જલદી સમજાતા નથી. પપ્પા કેમ ગુસ્સો કરે છે, કેમ આવા કઠોર છે, કેમ મને હંમેશાં રોકે છે, ટોકે છે જેવા પ્રશ્નો લગભગ દરેક બાળકને પજવતા હોય છે. બને કે ક્યારેક તેઓ ખોટા લાગ્યા હોય, તેમનું વર્તન ગેરવાજબી લાગ્યું હોય, પણ જીવનમાં એક સમય એવો આવે જ્યારે આપણને સમજાઈ જાય છે કે હા, પપ્પા સાચા હતા. આજે ફાધર્સ ડે (Father`s Day)નિમિત્તે જિગીષા જૈને સેલિબ્રિટીઝના જીવનમાંઆ ક્ષણ ક્યારે આવી એ વિશે જાણવાની કોશિશ કરી છે.
તેમનો ઉછેર બેસ્ટ હતો એનો એહસાસ મને ત્યારે થયો જ્યારે હું બાપ બન્યો: સિદ્ધાર્થ રાંદેરિયા
હું બીજાં બાળકો કરતાં વધુ નસીબદાર ગણાઉં, કારણ કે મારાં માતા-પિતા બંને શિક્ષક અને પ્રાધ્યાપક. એક વેપારી તેના બાળકને જે રીતે ઉછેરે એ રીતે એક શિક્ષકનો ઉછેર ઘણો જુદો હોય. વળી એમાં મારા પપ્પા એટલે કે મધુકર રાંદેરિયા નાટકો પણ કરતા એટલે કલાકાર જીવ. એ સમયે બાળકો પર હાથ ઉપાડવો ખૂબ સહજ વાત હતી, પણ મારા પપ્પાએ એક પણ વાર મારા પર હાથ નહોતો ઉપાડ્યો. ઊલટું અમને અમારી રીતે દુનિયાને સમજવાની, જાણવાની મોકળાશ આપી. તેમની ધીરજ અને મોકળાશ મને ક્યારેક ખૂંચતી કે પપ્પા કેમ કંઈ બોલતા નથી? અમારી વચ્ચે જનરેશન ગૅપ તો હતો જ પણ તેઓ જ્યારે એને લઈને જક્કી ન બનતા ત્યારે મને નવાઈ લાગતી. પપ્પા સાચા હતા અને તેમનો ઉછેર બેસ્ટ હતો એનો એહસાસ મને ત્યારે થયો જ્યારે હું બાપ બન્યો. સાચું કહું તો મને ખરેખર એવું લાગે છે કે મારામાં તેમના જેવી ધીરજ કે સહિષ્ણુતા નથી. હું બાળકો પર હજી પણ ગુસ્સે થાઉં છું. તેઓ ક્યારેય નહોતા થયા. છતાં તેમનું વ્યક્તિત્વ એવું કે એક બાપની આમન્યા ક્યારેય આપણાથી ચુકાય નહીં. હું તેમના સુધી પહોંચી શકું એમ જ નથી એ હું સમજી ચૂક્યો છું.
મજાની વાત કહું તો જ્યારે અમે મોંઘા ચંપલો કે કપડાં લઈ આવતા ત્યારે મારા પપ્પાને લાગતું કે આટલો ખર્ચો હોય! પપ્પા માટે ૨૫૦ રૂપિયાથી વધુ સારી કક્ષાનાં ચંપલ શું આવવાનાં? ત્યારે એમ થતું કે પપ્પા તમને ન ખબર પડે, રહેવા દ્યો. હવે આજે જ્યારે મારાં બાળકો ૧૦ હજારનાં જૂતાં લઈ આવે છે ત્યારે હું સમજી શકું છું કે પપ્પાને એ સમયે શું લાગતું હશે. એ તો હકીકત જ છે કે પિતાને તમે ત્યારે જ સમજી શકો જ્યારે ખુદ પિતા બનો.
ગ્લૅમર વર્લ્ડમાં પણ આવીને હું છકી ન ગઈ એનું કારણ મારા પપ્પા: કરિશ્મા તન્ના
ગ્લૅમર વર્લ્ડમાં પણ આવીને હું છકી ન ગઈ એનું કારણ મારા પપ્પા કરિશ્મા તન્ના પપ્પા કાર્તિક તન્નાને ગુમાવ્યા એને પણ ૧૨ વર્ષ થઈ ગયાં. ૫૬ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ હાર્ટ-અટૅકને કારણે થયું. નાના હતા ત્યારે પપ્પા પર ઘણા પ્રશ્નો હતા. હું મારા મિત્રો સાથે બહાર ગઈ હોઉં અને ઘરે આવતાં મોડું થાય તો પપ્પા જાગતા બેઠા હોય. હું ઘરે પહોંચું પછી જ સૂવે. પછી ભલે રાતના ૧૧ વાગે કે ૧, તે મારી રાહ જોતા બેઠા જ હોય. હું ઘરે જાઉં ત્યારે મને ખબર જ હોય કે તેઓ એ સોફા પર બેઠેલા, મારી રાહ જોતા જાગતા હશે. ત્યારે મને લાગતું કે આ શું છે? મને થોડી સ્પેસ આપો. તમે કેમ આટલા સ્ટ્રિક્ટ છો? આવું થોડું હોય? અમે હવે મોટા થઈ ગયા છીએ. ખુદની જવાબદારી સમજીએ છીએ. એવી કેટલીયે ફરિયાદો મને તેમના માટે હતી પણ સાચું કહું તો મને મોડેથી સમજાયું કે તેમના આ કડક નિયમોને કારણે હું શિસ્તબદ્ધ જીવન જીવી શકી. તે ઘરે જાગતા હશે એમ વિચારીને પણ હું ઘરે વહેલી આવતી થઈ ગઈ. ખુદ જવાબદાર બની.
તેમણે સદા અમને જમીનથી જોડેલા રાખ્યા. ગ્લૅમર વર્લ્ડમાં પણ આવીને હું છકી ન ગઈ કે એકદમ સહજ કે વાસ્તવિક રહી શકી એનું કારણ મારા પપ્પા. એક સમય એવો પણ હતો કે પપ્પાની જીવનશૈલી જોઈને લાગતું કે તેઓ કંજૂસ છે પણ પછી થોડા મોટા થયા, ખુદ કમાવાનું શરૂ કર્યું ત્યારે સમજાયું કે પપ્પાને કારણે મને પૈસાની કદર થઈ છે. પહેલાં જ્યારે લાગતું કે કેમ નથી ખર્ચતા એ પછીથી સમજાયું કે એને ફિઝૂલખર્ચી જ કહેવાય. નાના હતા ત્યારે તેમની પાસેથી જ સાંભળતા કે બુંદ-બુંદથી સાગર ભરાય. એ સમયે આવું સાંભળવું વધુપડતું ભાષણ લાગતું હતું. પણ પછીથી સમજાયું કે ખરેખર જીવનમાં ઉતારી લેવા જેવી આ વાત હતી. મેં ઉતારી પણ. આજે જે કંઈ પણ છીએ એમાં તેમના ઘડતરનો મોટો હાથ છે અને એમાં કોઈ શંકા નથી.
પપ્પા ગયા પછી મને સમજાયું ...મોનલ ગજ્જર
પિતા જ્યારે જતા રહે ત્યારે તમારી છત જ નહીં, જમીન પણ હલી જાય. હું ૧૫ની હતી ત્યારે મારા પપ્પા (કમલેશભાઈ ગજ્જર) જતા રહ્યા. અચાનક મારે એક નાનકડી છોકરીમાંથી મોટા બની જવું પડ્યું હતું, કારણ કે હું ઘરની મોટી દીકરી હતી. મમ્મી અને નાની બહેનની જવાબદારી મારા પર આવી ગઈ હતી. પપ્પા ગયા ત્યારે અમારા ઘરમાં પંખો કે ગૅસનો બાટલો પણ નહોતો. એ પરિસ્થિતિમાં બેઠા થવું ખૂબ જ અઘરું હતું.
નાના હતા ત્યારે હંમેશાં લાગતું કે પપ્પા કેમ આટલી રોકટોક કરે છે. ગરબામાં મોડે સુધી રમવાની ના પાડે છે, કેમ અમુક લોકોની સાથે મિત્રતા કરવા નથી દેતા, કેમ એક્ઝામ હોય ત્યારે રમવા નથી જવા દેતા, કેમ દરેક વાતમાં અમારા પર જુદી-જુદી બંદિશો લાદ્યા કરે છે. આખી દુનિયા જે કામ કરતી હોય એવાં કામ માટે પણ પપ્પા અમને ના પાડી દેતા. ત્યારે આવા કેટલાય ‘કેમ’ અમને ઘેરી વળતા પણ જીવનમાં આ બધા ‘કેમ’નો જવાબ ત્યારે મળ્યો જ્યારે પપ્પા અમને છોડીને જતા રહ્યા. જેવો મેં મારો પગ પપ્પાના જોડામાં નાખ્યો ત્યારે સમજાયું કે પપ્પા કેમ આવા હતા.
હું પ્રોટેક્શન અને સિક્યૉરિટીનો અર્થ સમજી. પપ્પા જેમ મારી સાથે રહેતા એમ જ હું મારાથી ૪ વર્ષ નાની બહેન સાથે રહેવા લાગી હતી. સમાજમાં ઘણું ન્યુસન્સ છે અને એનાથી બચાવવા માટે પપ્પા આવું કરતા હતા એ તેમના ગયા પછી મને સમજાયું. મને તેમને કહેવું હતું કે પપ્પા, તમે સાચા હતા પણ કહી ન શકી.
ભૂલ થાય તો પણ પડખે જ ઊભા હોય એ મારા પપ્પા : યશ સોની
મારા પપ્પા ચંદ્રેશભાઈ સોનીને તો ખબર જ નથી કે ગુસ્સો કોને કહેવાય. તેઓ મારા પર તો શું, કોઈના પર પણ ગુસ્સો કરે એમ નથી. તેમનું દૃઢપણે માનવું હતું કે માણસ અનુભવ પરથી જ શીખે એટલે પહેલેથી મને એવો જ તૈયાર કરવામાં આવ્યો કે નિર્ણયો જાતે જ લેવાના. ખોટો હોય નિર્ણય તો ચેતવે ખરા પણ જો ભૂલ થાય તો પણ તમારી પડખે જ ઊભા હોય. અમારી બંને વચ્ચે કોઈ જનરેશન ગૅપ છે જ નહીં. આખી જિંદગી અમે બંને સાથે રમતો રમતા આવ્યા છીએ. પહેલાં અમે ક્રિકેટ ખૂબ રમતા, હવે ચેસ રમીએ છીએ. ઊલટું તોફાન કરતાં તેમણે મને શીખવ્યું છે.
મારા ઘરમાં આ ફીલ્ડમાં કોઈ જ નથી. છતાં મારા દરેકે દરેક ઑડિશનમાં પપ્પા મારી સાથે જ હોય. મારામાં આજે પણ સ્ટેજ ફિયર છે. હજી પણ કૅમેરા સમક્ષ આવું તો નર્વસ થાઉં જ છું. પણ છતાંય આટલું કામ કરી શકું છું એનું કારણ મારા પપ્પા છે, કેમ કે દરેક ઑડિશન પહેલાં મારી નર્વસનેસ ભગાડવા તેઓ કહેતા કે આપણે ઑડિશન ફેલ થવા માટે જ આપીએ છીએ. એટલે અહીં કશું જ ગુમાવવાનું નથી. તેમના જ કારણે હું આટલું આગળ વધી શક્યો. એટલે હકીકત એ જ છે કે પપ્પા હંમેશાં સાચા જ હતા અને સાચા જ રહેવાના.
તેમનો સાથ એ મારી રિયલ સ્ટ્રેન્ગ્થ છે:ચિરાયુ મિસ્ત્રી
મારા પપ્પા (પ્રફુલભાઈ મિસ્ત્રી) પાસેથી કેટકેટલું શીખ્યો છું એનો હિસાબ લગાવવા જાઓ તો ગણિત ગોટે ચડી જાય. થોડાં વર્ષો પહેલાંની જ વાત કરું તો ૨૦૧૪માં કૉલેજના ત્રીજા વર્ષમાં હું હતો. ફક્ત ૨૧ વર્ષનો. ત્યારે મેં વિચાર્યું કે કૉમેડી કરીશ. સફળતા તો પછીની વાત છે, પણ લોકો પસંદ કરતા થાય, કામ મળતું પણ ખૂબ ધીમે-ધીમે. મારી ધીરજ ખૂટી રહી હતી. એ દરમ્યાન પપ્પાએ પણ એક સાઇડ બિઝનેસ તરીકે ટાયરની ડીલરશિપની દુકાન શરૂ કરી હતી અને તેમનું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. મહીને માંડ એક કે બે ટાયર જાય. આ પરિસ્થિતિમાં તેમની ધીરજ ખૂટી નહોતી. તેમને જોઈને મને લાગતું કે આમને કાંઈ કેમ થતું નથી. કેમ આટલી શાંતિ રાખીને બેઠા છે. ત્યારે તેમણે મને કહેલું, બેટા, ચિંતા ન કર. દરેક નવા કામને સેટ થતાં ૧૦૦૦ દિવસ લાગે. મેં તેમને પૂછ્યું કે ૧૦૦૦ દિવસ એટલે કે ૩ વર્ષ કરવાનું શું? તો કહે ધીરજ રાખવાની. હકીકતે એવું જ થયું. ત્રણ વર્ષની અંદર તેમની દુકાન એકદમ જામી ગઈ અને મારી કૉમેડી પણ. આ ત્રણ વર્ષમાં હું ઘણું શીખ્યો. કોઈ પણ એમબીએ ક્લાસમાં ગયા વગર પપ્પાને આ પ્રકારના ફન્ડા કઈ રીતે આવડ્યા એની મને ખબર નથી, પણ એ વખતે ફરી લાગ્યું કે હા, પપ્પા તમે સાચા છો. તેમનો સાથ એ મારી સ્ટ્રેન્ગ્થ છે. અમે ઘણી ઇમ્પૉસિબલ વસ્તુઓ પણ સાથે મળીને પાર પાડી શકીએ એમ છીએ. એક વાર અમે સાથે મળીને કૅમેરા ડોલી બનાવેલી. મેં એન્જિનિયરિંગ કર્યું છે, પણ મને આવું કાંઈ બનાવી શકું એવો ન તો અનુભવ છે કે ન તો આત્મવિશ્વાસ. પણ પપ્પા સાથે હતા એટલે કામ પાર પડી ગયું.
મને પછીથી નહીં, પહેલેથી જ એહસાસ હતો જ કે મારા પપ્પા સાચા છે:સૌમ્ય જોષી
મારો ઉછેર ખૂબ અલગ હતો. મારા પપ્પા જયંત જોશી પ્રોફેસર હતા અને હું તેમનાથી સાવ વિપરીત. તેમના માટે ભણતર સર્વસ્વ હતું અને હું તો ફેલ પણ થતો. મને રખડવાનો ખૂબ શોખ. અલગારી છોકરા તરીકે હું જીવ્યો. ભણ્યો, પણ ઘણું જુદી રીતે ભણ્યો. સામાન્ય રીતે આવા છોકરાને એક પ્રોફેસર પિતા મારી-મારીને ભણાવે, પણ મારો ઉછેર ખૂબ પ્રેમપૂર્વક થયેલો. પરાણે ભણતર મારા પર તેમણે ન થોપ્યું. ઊલટું તેમને એ એહસાસ હતો કે હું કવિતાઓ લખતો કે ક્રીએટિવ કામ કરતો તો એ મને ખૂબ પ્રોત્સાહન આપે. તેમને મારા પર ગર્વ પણ એટલો જ. અમુક મૂળભૂત નિયમો સિવાય કોઈ ખાસ વસ્તુ તેમણે મારા પર ઠોકી બેસાડી હોય એવું જરાય નહીં. મને તેમનાથી ધાક કે બીક જેવું તો નહીં પણ તેમના પ્રત્યે માન હંમેશાં અકબંધ રહેતું. એટલે મારા માટે જીવનમાં પપ્પા માટે ‘કેમ’ સવાલ આવ્યો જ નથી. એ જે પણ કરતા એ મારા માટે આદર્શરૂપ હતું. એનો મને પાછળથી નહીં, પહેલેથી એહસાસ હતો જ કે મારા પપ્પા સાચા છે.
અઘરા નિર્ણય આત્મવિશ્વાસથી લઈ શકું છું પપ્પાને કારણે: સ્નેહા દેસાઈ
મારા પપ્પા સ્વ. તુષાર પારેખે પહેલેથી તેમની દીકરીને પોતાના નિર્ણયો લેવાનો હક આપેલો. એ માટે હું તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો. એ કારણસર જ આજે અઘરામાં અઘરો નિર્ણય પણ પૂરા આત્મવિશ્વાસ સાથે હું લઈ શકું છું. મને યાદ છે દસમા ધોરણ પછી મારે એક કોર્સ કરવો હતો. એ કોર્સનું બ્રોશર લઈને હું પપ્પા પાસે ગઈ. એ એક મહિનાના કોર્સની ફી કંઈક ૮-૧૦ હજાર રૂપિયા હતી. પપ્પાએ મને એ કરવાની ના પાડી. પપ્પાઓ તેમની ‘ના’ને ખાસ એક્સપ્લેન કરતા નથી. એટલે ધારવામાં તો આપણે કંઈ પણ ધારી શકીએ. જ્યારે તેમણે કહ્યું કે તને મજા નહીં આવે, ત્યારે મેં કહ્યું કેમ નહીં આવે? છેક ચર્ચગેટ સુધી જવાનું ભારે પડશે એમ સાંભળીને મને થયું કે પૈસા નથી આપવા એટલે બહાનાં મારે છે. પણ હું જીદે ચડી કે મને તો આ કોર્સ કરવો જ છે. ત્યારે એવું નક્કી થયું કે તારે જો આ કોર્સ કરવો હોય તો તારા પૈસે કર. એ સમયે હું થોડાં નાટકો કરતી હતી. ખાસ પૈસા મળતા નહીં. સમજો કે બસ, જે હતું એ આટલું જ હતું. નાટકોના કેટકેટલા શોનાં કવર ભેગાં કર્યાં હતાં એ બધા ખર્ચી નાખું ત્યારે માંડ આ ફી નીકળે એમ હતી. પણ અહીં વાત ઈગો પર આવી ગઈ હતી. મારે એ કોર્સ કરવો જ છે અને હું કરીને જ રહીશ વાળી જીદ મગજ પર સવાર હતી. એટલે પૈસા તો ભરી દીધા પણ બે દિવસમાં સમજાઈ ગયું કે મને તો બિલકુલ મજા આવે એવું નથી અહીં. સમજાઈ તો ગયું કે પપ્પા તમે સાચા હતા! પણ હવે ઘરે આવું કહેવાય તો નહી. મજા એ વાતની છે કે પપ્પા મારું મોઢું જોઈને જ સમજી ગયા. તેમણે કહ્યું, પૈસા તો વેડફાઈ ગયા બેટા, હવે પરાણે કોર્સ પૂરો કરીને સમય ન વેડફતી. એ દિવસે પપ્પાએ મને સમજાવ્યું કે ભૂલ માનીને, સ્વીકારીને અને એમાંથી શીખીને આગળ વધી શકાય છે. આજે પપ્પા નથી પણ એમની શીખવેલી દરેક બાબત અને એમનો એહસાસ સતત મારી સાથે છે.
બાપ એ બાપ હોય છે. એ ઘડવૈયો છે. સંતાનને ધારે એ આકાર આપે.. પિતાનું વર્તન જ બાળકને ઘડે છે.
આ પણ વાંચો :ઘરમાં Wall Clock લગાવવાની સાચી દિશા કઈ છે ? શું કહે છે Vastu Expert ?