66 બાળકોના મોત બાદ ભારતની કફ સિરપ કંપની સામે WHOની લાલ આંખ
WHOએ મેડેન ફાર્માસ્યુટિકલ્સ (Pharmaceuticals),ઇન્ડિયા(India)દ્વારા બનાવેલ કફ અને શરદી માટે સિરપ (Syrup)ના 4 ઉત્પાદનો પર તબીબી ઉત્પાદન (Medical product)એલર્ટ જાહેર કર્યું છે. ડબ્લ્યુએચઓએ તેને કિડનીની ઇજાઓ અને ગેમ્બિયામાં 66 બાળકોના મૃત્યુનું સંભવિત કારણ જણાવ્યું છે. જો કે, હજી બાળકોના મોત માટે આ કફ સિરપ જવાબદાર હોવાની પુષ્ટી થઈ નથી. પરંતુ રોઇટર્સે WHOને ટાંકીને કહ્યું કે, કંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે આ દિશામાં વધુ તપાસ શરુ કરાઈ છે.
WHO એ મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં જણાવ્યું છે કે, "ભારતીય કંપની મેડેન ફાર્માસ્યુટિકલ્સના ચાર ઉત્પાદનોમાંથી દરેકના નમૂનાઓનું લેબ ટેસ્ટિંગ એ વાતની પુષ્ટિ કરે છે કે, આ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની વધુ પડતી માત્રા છે જે સ્વિકાર્ય નથી".
ડૉ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે શું કહ્યું
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓએ આજે ગામ્બિયામાં કિડનીની ગંભીર ઇજાઓ અને 66 બાળકોના મૃત્યુ સાથે સંભવિત રીતે સંકળાયેલી 4 દૂષિત દવાઓ માટે તબીબી ઉત્પાદન ચેતવણી જારી કરી છે. આ બાળકોના મૃત્યુ એ તેમના પરિવારજનો મોટો આઘાત છે.
અન્ય દેશો માટે ચેતવણી જાહેર કરાઈ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચાર દવાઓ ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ખાંસી અને શરદીની સિરપ (Cough Syrup) છે. WHO ભારતમાં સંબંધિત કંપની અને નિયમનકારી અધિકારીઓ સાથે વધુ તપાસ કરી રહ્યું છે. દૂષિત ઉત્પાદનો અત્યાર સુધી ફક્ત ગામ્બિયામાં (Gambia) જ મળી આવ્યા છે. આ દવાઓનું અન્ય દેશોમાં વિતરણ થઈ શકે છે. ડબ્લ્યુએચઓ તમામ દેશોમાં દર્દીઓને વધુ નુકસાન અટકાવવા માટે આ ઉત્પાદનોને શોધવા અને તેનો ઉપયોગ ના કરવાની ભલામણ કરે છે.