Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મરિયમે જયારે માસ્તરને ટિકિટ વહેલી કરાવવાનું કહ્યું ત્યારે...

માસ્તરે  ઘરને તાળું માર્યું અને ચાવી  મરિયમના હાથમાં મૂકી. પણ મરિયમે હાથ ન લંબાવ્યો. ચાવી ભલે તેમની પાસે જ રહી. એમ ઇશારાથી  જ કહ્યું. અત્યારે તેને કંઈ જ બોલવાનું મન નહોતું થતું. માસ્તર એ સમજી ગયા અને ચાવી તેણે પોતાના ખિસ્સામાં મૂકી. મરિયમ ઘરના સ્મરણમાં ખોવાયેલી રહી.   ઘરને તાળું મારી દેવાથી મનને કંઈ થોડું જ તાળું વસાઈ જાય છે ? આખે રસ્તે માસ્તર અને મરિયમ બંને ચૂપ જ રહ્યા. માસ્તર મરિયમનà«
12:30 AM Jun 26, 2022 IST | Vipul Pandya
માસ્તરે  ઘરને તાળું માર્યું અને ચાવી  મરિયમના હાથમાં મૂકી. પણ મરિયમે હાથ ન લંબાવ્યો. ચાવી ભલે તેમની પાસે જ રહી. એમ ઇશારાથી  જ કહ્યું. અત્યારે તેને કંઈ જ બોલવાનું મન નહોતું થતું. માસ્તર એ સમજી ગયા અને ચાવી તેણે પોતાના ખિસ્સામાં મૂકી. મરિયમ ઘરના સ્મરણમાં ખોવાયેલી રહી.   
ઘરને તાળું મારી દેવાથી મનને કંઈ થોડું જ તાળું વસાઈ જાય છે ? આખે રસ્તે માસ્તર અને મરિયમ બંને ચૂપ જ રહ્યા. માસ્તર મરિયમનું મૌન સમજી શકયા હતા કે તેને બહુ વસમું લાગ્યું છે. પણ શું થાય? માનવી માત્ર કાળદેવતાના હાથના રમકડાં માત્ર. 
ઘેર પહોંચ્યા ત્યારે પોતે  જાણે અંદરથી સાવ ખાલીખમ્મ બની ગઇ હતી એવો અહેસાસ મરિયમ કરી રહી. ભીતરમાં એક ખાલીપો ઘેરી વળ્યો હતો. બધું.. બધું પૂરું થઈ ગયું. હવે? હવે શું કરવાનું ? જેના માટે આટલી લાંબી સફર ખેડીને આવી હતી એ જ હવે નહોતા રહ્યાં. તો હવે અહીં આ રીતે કોઇને ઘેર કયાં સુધી રહી શકાય? જોકે આ બે દિવસમાં માસ્તરનો જે અનુભવ થયો હતો એથી તુરત જવાની વાત કરતા તે અચકાતી હતી. આ ભલા માણસના દિલને દુ:ખ પહોંચે એવું કશું કરવું તેને નહોતું ગમતું.
ઘેર પહોંચી ત્યાં રામજી અને જમનાએ અબ્દુલને તેડી લીધો. તે બંને માણસને આ નાનકડાં અબ્દુલની માયા લાગી ગઇ હતી. જમનાનું સુષુપ્ત માતૃત્વ જાણે જાગી ઊઠયું હતું. 
માસ્તરના સ્નેહની ઉષ્મા મરિયમ અનુભવી શકતી હતી. પણ એને એ નહોતું સમજાતું કે પોતે હવે શું કરે? હવે જયારે અબ્બુ નથી ત્યારે પોતે માસ્તરને ઘેર કેટલા દિવસ રોકાઇ શકે? કયા સંબંધના દાવે? તેણે પાછું ફરવું જોઇએ. પણ એ માટે ટિકિટ વહેલી કરાવવી પડે તેમ હતી. પોતે તો વરસો પછી અબ્બુ સાથે રહેવા મળશે એ આશાએ પૂરા બે મહિનાની રજા લઇને આવી હતી. પતિએ સામેથી જ કહ્યું હતું કે આટલા વરસે જાય છે તો નિરાંતે બે મહિના રોકાજે. તેના  આશ્વર્ય વચ્ચે સાસુએ પણ એ વાતને ટેકો આપ્યો હતો. 
પણ હવે આમ બે મહિના કેમ રોકાવાય?  
માસ્તરે ભલે તેને દીકરી જ  કહી હતી અને પિતા જેવો જ પ્રેમ આપી નચિંત મને રોકાવા કહ્યું હતું. પણ એથી એમ કંઇ આટલો બધો સમય રોકાઇ થોડું જવાય છે? 
મરિયમે જયારે માસ્તરને ટિકિટ વહેલી કરાવવાનું કહ્યું ત્યારે માસ્તર બોલી ઊઠયા. 
‘બેટા, એનો અર્થ એટલો જ કે તેં મને પિતા નથી માન્યો.’
‘ના, ભાઈ, એવું નથી. તમે મને, એક અજાણી છોકરીને પ્રેમ આપવામાં કોઇ કસર નથી છોડી. પણ એથી કંઇ મીઠા ઝાડના મૂળ થોડા ખવાય છે ?’
‘બેટા, આવું બધું બોલીને તું મારૂં અપમાન કરે છે. મને ખબર છે કે હું તારા અબ્બુની તોલે કદી ન આવી શકું. પણ  મેં તને સાચા દિલથી દીકરી માની છે. તું આ રીતે ચાલી જાઇશ તો મારું દિલ જરૂર દુભાશે. 
અને સાચું કહું તો તું રોકાય એમાં મારો પણ સ્વાર્થ છે.’
મરિયમને કંઇ સમજાયું નહીં. તે માસ્તર સામે જોઇ રહી.
માસ્તર હસી પડયા.
ન સમજાયું ને?
‘બેટા, તું નહોતી આવી ત્યાં સુધી હું રાત દિવસ હંસાની ચિંતામાં સૂઇ નહોતો શકતો. તારા આવ્યા પછી ન જાણે કેમ પણ હું એ ચિંતામાંથી મુક્ત થઇ ગયો. એક હળવાશ અનુભવી રહ્યો છું. હવે મનમાં એક શ્રધ્ધા દ્રઢ થઇ છે કે હંસાને કંઇ જ નહીં થાય. આ બધું તારે લીધે જ..બેટા..બોલ,  હવે આ  બુઢા  બાપને ફરીથી તું ચિંતાના ખાડામાં ધકેલીશ ?’
મરિયમ શું જવાબ આપે? આ નિર્ભેળ સ્નેહ સામે શબ્દોની શું વિસાત?
આખરે ત્રીજે દિવસે હંસાના શુભ સમાચાર આવ્યા. તેને દીકરી આવી હતી અને બંનેની તબિયત સારી હતી. ચિંતાની કોઇ વાત નહોતી.
માસ્તરને હૈયે હાશકારો થયો. તે ભગવાનનો લાખ લાખ ઉપકાર માની રહ્યા.
‘બેટા, તારે પગલે મારી હંસાને ત્યાં લક્ષ્મીજી પધાર્યા. અને સૌ સારા વાના થયા.’
માસ્તરના પત્નીને હજુ એકાદ મહિનો ત્યાં જ રોકાવું પડે એમ હતું. કેમકે દીકરીના ઘરમાં જમાઈ સિવાય બીજું કોઇ નહોતું. અને હજુ મુસાફરી કરી શકે તેવી સ્થિતિમાં હંસા નહોતી. એથી દોઢ મહિના બાદ જ તે હંસાને લઇને આવી શકે એમ હતા. માસ્તરે અહીંની ચિંતા કર્યા સિવાય ત્યાં દીકરી પાસે જ નિરાંતે રહે એમ જણાવ્યું. 
હંસાના સારા સમાચાર આવી જવાથી  મરિયમ પણ દિલથી ખુદાનો શુક્રિયા માની રહી.તેને થયું કે હવે પોતે જવું જોઈએ. પણ માણસ  શું ધારે છે અને ઈશ્વર શું કરવા ધારે છે એ કોણ પામી શકયું છે? સર્જનહારની અકળ લીલાનો પાર કયાં પામી શકાતો હોય છે?  મરિયમ પોતાના જવાની વાત કરે એ પહેલા જ માસ્તર તાવમાં પટકાયા. 
ટાઇફોઈડનું નિદાન થયું. બાપ જેવા માસ્તરને આ હાલતમાં એકલા છોડીને હવે મરિયમ જવાની વાત કેમ કરી શકે?
મરિયમ રાત દિવસ જોયા સિવાય માસ્તરની સેવામાં ડૂબી ગઇ. સમયસર દવા આપવી, તાવ માપતા રહેવું, રામજી ડોકટરને લઈને આવે ત્યારે તેમને નાની નાની વિગત પૂછીને તે મુજબ બધું કરતી રહેતી. તેમને માટે પચી જાય એવું ભોજન જાતે બનાવીને પોતાના હાથે ચમચી ચમચી કરીને પ્રેમથી ખવડાવતી, પીવડાવતી. કદીક માસ્તર કોઇ વસ્તુ ખાવાની આનાકાની કરે તો પ્રેમથી ધમકાવી નાખતા પણ અચકાતી નહિ. તાવ વધી જાય તો આખી રાત તેમની પાસે બેસીને પાણીના પોતા મૂકતા તે થાકતી નહીં. રામજી ઘણીવાર કહેતો,
‘બેન, તમે આરામ કરો. હવે હું તેમની  પાસે બેસું છું.’
પણ મરિયમ માને તો ને? તેને માટે માસ્તરમાં અબ્બુનો ચહેરો ભળી ગયો હતો. અબ્બુની સેવા તો પોતે નહોતી કરી શકી. હવે આ પિતાની સેવા કેમ ચૂકે? અબ્દુલનો હવાલો રામજી અને જમનાએ હોંશે હોંશે સંભાળ્યો હતો. અને માસ્તરનો હવાલો મરિયમે.. સંબંધોની સુવાસથી વાતાવરણ મઘમઘ.. ન જાણે આ કયો  રૂણાનુબંધ જાગ્યો હતો. 
માસ્તર તાવના ઘેનમાં કદીક કશુંક બબડતા રહેતા. એમાં કદીક હંસાનું નામ આવતું તો કદીક અલી ડોસાનું નામ આવતું. 
પૂરા વીસ દિવસે માસ્તરનો તાવ ઊતર્યો. પણ હજુ નબળાઇ ખૂબ હતી. હવે મરિયમ માસ્તરનો હાથ પકડી, ધીમેથી બહાર ફળિયામાં થોડીવાર બેસાડતી. હંસાની, તેની દીકરીની વાતો કરતી, માસ્તરના પત્ની વિશે પૂછતી, કદીક અબ્બુની વાત કરતી. કદીક કોઇ નજીવી વાત પર હસતી અને હસાવતી. કદીક માસ્તરની મજાક કરતી. ગમે તેમ કરીને માસ્તરના ચહેરા પર ખુશીની રેખા ફરકવી જોઇએ. માસ્તર હસે ત્યારે જ મરિયમના જીવને ટાઢક પહોંચતી. અબ્બુની કોઇ સેવા પોતે નહોતી કરી શકી. અત્યારે આ અબ્બુની થોડી સેવા કરીને તે પ્રસન્નતા અનુભવી રહેતી.
‘બેટા, હવે મને સારું છે. તું થોડો આરામ કરી લે.. તારું ધ્યાન તો તું રાખતી જ નથી. આ બુઢ્ઢાની સેવામાં જ આખો વખત લાગી રહે છે.’
‘ભાઈ, ચૂપ.. તમારે હમણાં કંઈ બોલવાનું જ નથી. ચૂપચાપ હું કહું એમ જ કરવાનું છે.’
‘હું તારો કેદી છું ?’
‘હા, હમણાં તો મારા કેદી જ છો. હું કહું એમ જ કરવાનું. 
અને તું આપે એ જ ખાવાનું. તું કહે ત્યારે સૂઈ જવાનું. તું કહે ત્યારે બેસવાનું. બરાબર ?’
‘બરાબર..’ 
માસ્તર હસી પડતા. આ કેવું સુખ સાંપડયું છે પોતાને? ઉપરવાળાની કૃપા જ તો.. અબ્દુલ  પણ આટલા  સમયમાં રામજી અને જમનાનો પૂરેપૂરો  હેવાયો બની ગયો હતો. એમાં પણ જમના તેને તેડીને તેને ગાય પાસે લઇ જાય, કદીક ફળીયામાં ફરતી બિલાડી બતાવે કે નાનકું ગલૂડિયું બતાવે ત્યારે તો અબ્દુલ હરખાઈને તેની પાછળ ભાગતો રહે. કે પછી જમનાનો હાથ પકડી, તેને  ખેંચીને ફળીયામાં લઇ જાય. એમાં જમનાનું કઈ ન ચાલે. બાળહઠ કોને કહી છે? અબ્દુલનો તો દિવસનો મોટો ભાગ આ પ્રાણીઓ સાથે જ જતો.  ફળિયામાં કબૂતરને જુવારના દાણા નાખવા પણ અબ્દુલને બહુ ગમતા. જમના તેના હાથમાં થોડાં દાણા મૂકે એટલે તે બહાર દોડે. કબૂતર ઉડે એટલે તાળીઓ પાડીને જોઈ રહે. તેણે માટે તો આ બધી રમત હતી. 
પોતાના નાનકડા હાથથી રોટલી ગાય સામે ધરીને ઉભા રહેવામાં તેને જરાયે બીક ન લાગતી. ફળિયામાં ખરેલા પીળી  કરેણના ફૂલો વીણવા પણ તેને બહુ ગમતા. ફૂલ વીણીને તે કયારેક જમનાના, મરિયમના કે કદીક માસ્તરના હાથમાં મૂકતો. અલબત્ત  એ વખતે તેને મસ્તી સૂઝતી. જમના હાથ ધારે તો દોડીને મરિયમના હાથમાં ફૂલ આપે. અને મરિયમ હાથ ધરે તો જમનાના હાથમાં એ ફૂલ આવે. એ હજુ બહુ થોડાં શબ્દો માંડ બોલતો હતો. એ પણ પૂરા સ્પષ્ટ નહોતા. પણ મસ્તી કરવામાં પાછળ પડે એમ નહોતો. રામજીની પીઠ ઉપર બેસીને પોતાના નાનકડા હાથેથી ટપલી મારીને તે રામજીને ચલાવતો અને ખુશ થતો.  જમના તેને ખવડાવે એટલે પોતે પણ જમનાના મોઢામાં રોટલીનો ટુકડો પરાણે ખોસી દેતો અને તાળી પાડીને હસી પડતો. તેના બાલસુલભ નખરા જોઇને જમના રાજીના રેડ થઇ જતી. મરિયમ તેને કોઈ વાતની ના પાડે તો દોડીને જમનાના ખોળામાં ચડી જતો. 
માસ્તર સાથે પણ એ એવો  જ હળી ગયો હતો. મરિયમને ભાગે તો રાત સિવાય અબ્દુલ આવતો જ નહિ.
સવારે માસ્તર પૂજા કરવા બેસે ત્યારે ઘંટડીનો અવાજ સાંભળીને અબ્દુલ દોડીને માસ્તરના ખોળામાં ચડી જાય. ઘંટડી વગાડવામાં તેને મજા આવતી. માસ્તરને પણ અબ્દુલમાં  પોતાના બાલગોપાલ દેખાતા હશે કે કેમ ? 
માસ્તર માટે મરિયમ હવે તેની દીકરી, તેનું માનસ સંતાન જ બની ગઇ હતી. એક વત્સલ પિતાને ન સમજી શકયાના અફસોસ, અજંપાને લીધે  શરૂ થયેલો એક સંબંધ બહુ ઓછા સમયમાં નિર્ભેળ, નિર્વ્યાજ ઉંચાઇએ પહોંચ્યો હતો. 
ઘણી વાર એક ક્ષણમાં પણ જીવનભરના સાચુકલા સંબંધો બંધાઈ જતાં હોય છે. તો કદીક વરસો સાથે વીતાવ્યા બાદ પણ સંબંધો ફકત નિભાવાતા હોય છે. એમાં ઉષ્મા, હૂંફની ગેરહાજરી વરતાતી હોય છે. 
અનેક વાર લોહીના સંબંધ કરતાં લાગણીના, અંતરના સંબંધોમાં વધારે ઉષ્મા, વધારે ઊંડાણ નથી અનુભવાતું?  જીવનમાં એવો અનુભવ વત્તે ઓછે અંશે દરેકને કયારેક નથી થતો હોતો? 
માસ્તરને તાવ આવ્યો એટલે મરિયમ રોકાઈ ગઈ હતી. પણ હવે તેને જલદી ઘેર પહોંચવાની ઉતાવળ આવી હતી.  તેણે  પોતાને ઘેર એક કાગળ  લખ્યો  હતો. જેમાં તેણે પોતાના અબ્બુના ઇન્તકાલના સમાચાર આપ્યા હતા. પોતે જાણે પોતાને ઘેર જ હોય એ રીતે જ કાગળ લખાયો હતો. 
માસ્તર વિષે કશું  લખવાની હિંમત તે નહોતી કરી શકી. એ બધી વાત પોતે ઘેર જઈને જ કરશે. 
સાસરેથી કોઈએ જવાબ નહોતો આપ્યો.  અબ્બુના ઇન્તકાલના સમાચાર લખ્યા હોવા છતાં કોઈએ એ વિષે કોઈ દરકાર કરી નહિ.  પતિ તરફથી પણ કોઈ સમાચાર ન મળ્યા. કોને પૂછે? કોની પાસે તપાસ કરાવે? પતિ ઘેર હતા કે નહિ એની પણ એને જાણ નહોતી.  જે હોય તે હવે પોતે જલદી ઘેર પહોંચી જવું જોઈએ એમ તેને લાગતું હતું. મરિયમનું મન હવે  ઘેર જવા ઊપડયું હતું. 
તેણે પોતાના જવાની, ટિકિટ વહેલી કરાવી લેવાની વાત કરી. પણ માસ્તરે એ સાંભળીને કહ્યું,  
‘બેટી, હવે તો બે દિવસમાં હંસા આવવાની. એને મળ્યા સિવાય, નાનકી ભાણેજને જોયા સિવાય, તારા બાને મળ્યા સિવાય તું જવાની વાત કરીશ? અને આમ પણ તું બે મહિના પછી જ જવાની હતી ને? તો હવે વહેલા શા માટે? તારા અબ્બુ નથી એટલે? અને તું કંઈ હવે વારે વારે થોડી અહીં આવી શકવાની છે?  આમ પણ હવે  તો બે મહિનામાં દિવસ જ કયાં  વધારે બચ્યા છે? 
શું જવાબ આપવો તે મરિયમને સૂઝયું નહીં. હંસાની વાતો સાંભળીને તેને મળવાનું મન તો પોતાને પણ થતું હતું. એક વાર અહીંથી ગયા બાદ પોતે પાછી અહીં આવી શકવાની નથી જ એની પણ એને જાણ હતી જ.  એથી જ તો એ રોજ સવારે ફૂલ લઈને પિતાની કબરે ચોક્કસ જતી. અહીં છે ત્યાં સુધી એ અબ્બુને મળ્યા સિવાય કેમ રહી શકે ? 
જોકે અહીં એને માસ્તરનો જે પ્રેમ મળ્યો હતો. પોતીકાપણું મળ્યું હતું એને લીધે મરિયમને હવે આ ઘર પારકું નહોતું લાગતું. પોતે જાણે માવતરે અબ્બુને ઘેર જ આવી હોય એવું અનુભવાતું હતું. મરિયમ માટે અબ્બુ અને માસ્તર અને માસ્તર માટે હંસા અને મરિયમ જાણે એકમેકમાં ઓગળી ગયા હતા. આવો પ્રેમ મળવાનું નસીબ બધાને કયાં મળતું હોય છે ? વહાલની એ અમીધારામાં ભીંજાઈને તે બધું ભૂલી જતી. 
એ  દિવસે મરિયમ અને માસ્તર બહાર તડકામાં બેઠા બેઠા સવારની ચા પીતા હતા. ત્યાં મરિયમે અચાનક પૂછયું, 
‘ભાઈ, આપણે અબ્બુની યાદમાં કશુંક કરીશું? શું કરી શકાય?  મારી પાસે તો એવા કોઈ ખાસ પૈસા નથી. પણ અમારું એ નાનકડું ઘર વેચીને એ પૈસામાંથી અબ્બુ માટે જો કંઈક થઇ શકે તો...’’
માસ્તર માથુ ખંજવાળી રહ્યા. જલ્દીથી કંઈ સૂઝયું નહિ. 
મરિયમની વાત સાંભળીને એમના મનમાં શેખચલ્લી જેવો વિચાર ઝબકી ગયો. અલીના નામની પોસ્ટઓફિસ ત્યાં બનાવી શકાય? જયાં કોઇ બાપને એની મરિયમના કાગળ વિના નિરાશ ન જવું પડે.
કદાચ માસ્તરના મનમાંથી હજુ યે અલીને કાગળ ન પહોંચાડી શકયાનો વસવસો ગયો નહોતો.
‘બેટા, આપણે શાંતિથી કશુંક વિચારીશું. હવે બે દિવસમાં હંસા પણ અહીં આવવાની. એને આવી બધી વાતમાં ભારે સૂઝકો પડે છે. આપણે એને  પૂછીશું.’
“ઠીક છે ભાઈ, તમે જેમ કહો તેમ. પણ તમારામાં વ્યક્તિના અવસાન પછી કોઈ ધાર્મિક વિધિ તો  થતી હશે ને ?’’ 
જાણે કોઈ વિચિત્ર  સવાલ સાંભળ્યો હોય એમ  માસ્તર ઘડીભર મરિયમ સામે તાકી  રહ્યા. 
ક્રમશ : 
Tags :
ExprimentGujaratFirstMariamThiMiraNovel
Next Article