ક્રાંતિકારી ભગત સિંહના પ્રેમ વિશેના વિચારો કેવા હતા? સુખદેવે પ્રેમિકા વિશે મેણું માર્યુ તેના જવાબમાં ભગતસિંહે શું કહ્યું?
ભગત સિંહ, માત્ર એક નામ નથી પરંતુ એક વિચારધારા છે. દેશમાં ભાગ્યે જ એવું કોઇ હશે કે જેમને શહીદ-એ-આઝમ ભગત સિંહ વિશે ખબર નહીં હોય. ભગત સિંહનું નામ સાંભળતાની સાથે જ નાના બાળકોના પણ કાન સરવા થઇ જાય છે. દેશની આઝાદી સમયે ક્રાંતિકારી ચળવળનો ચહેરો એટલે ભગત સિંહ. આજે પણ ક્રાંતિકારી કે પછી ક્રાંતિની વાત આવે એટલે તરત જ ભગત સિંહનો ચહેરો યાદ આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એક એવી ધારણા છે કે ક્રાંતિક
ભગત સિંહ, માત્ર એક નામ નથી પરંતુ એક વિચારધારા છે. દેશમાં ભાગ્યે જ એવું કોઇ હશે કે જેમને શહીદ-એ-આઝમ ભગત સિંહ વિશે ખબર નહીં હોય. ભગત સિંહનું નામ સાંભળતાની સાથે જ નાના બાળકોના પણ કાન સરવા થઇ જાય છે. દેશની આઝાદી સમયે ક્રાંતિકારી ચળવળનો ચહેરો એટલે ભગત સિંહ. આજે પણ ક્રાંતિકારી કે પછી ક્રાંતિની વાત આવે એટલે તરત જ ભગત સિંહનો ચહેરો યાદ આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એક એવી ધારણા છે કે ક્રાંતિકારી હોય એટલે તેમને પ્રેમ સાથે કોઇ નિસબત નથી હોતી. આ વાત સંપૂર્ણ ખોટી છે. ભગત સિંહના કિસ્સામાં પણ આવું થયું છે. ભગત સિહેં આઝાદીને પોતાની દુલ્હન ગણાવી હતી અને લગ્ન કરવાની ના પાડી હતી. જો કે તેમની સાથે એક રોચક ઘટના બની હતી. જે ઓછી જાણીતી છે. આ ઘટના સાથે જ જોડાયેલા છે ભગત સિંહના પ્રેમ વિશેના વિચારો.
ભગતસિંહ જ્યારે લાહોરના નેશનલ કોલેજના વિદ્યાર્થી હતા, ત્યારે એક સુંદર યુવતી આવતા જતા તેમને જાઇને હસતી હતી. તે યુવતીને ભગતસિંહ ગમવા પણ લાગ્યા. ભગતસિંહના કારણે જ તે ક્રાંતિકારી દળમાં સામેલ પણ થઇ હતી. જ્યારે વિધાનસભામાં બોમ્બ ફેંકવાની યોજના બની રહી હતી, ત્યારે ભગત સિંહ દળમાં રહે તે જરૂરી છે તેવું કારણ આપીને અન્ય સાથીઓએ બોમ્બ ફેંકવાની જવાબદારી તેમને આપવાની ના પાડી. ત્યારે ભગત સિંહના મિત્ર સુખદેવે તેમને મેણું માર્યુ કે તું મરવાથી ડરે છે અને તેનું કારણ પેલી છોકરી છે. આ આક્ષેપથી ભગત સિંહને મોટો આઘાત લાગ્યો. તેમણે બીજી વખત મીટીંગ બોલાવી અને વિધાનસભામાં બોમ્બ ફેંકવાની જવાબદારી પરાણે પોતે લીધી. ૮ અપ્રિલ ૧૯૨૯ના રોજ વિધાનસભામાં બોમ્બ ફેંક્યો, પરંતુ તે પહેલા ૫ એપ્રિલના રોજ તેમણે સુખદેવને એક પત્ર લખ્યો. જે નીચે આપેલો છે. ૧૩ એપ્રિલે જ્યારે સુખદેવની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી આ પત્ર મળ્યો. લાહોર ષડયંત્રમાં ભગતસિંહ સામે ચાલેલા કેસમાં આ પત્રને મહત્તવના પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રિય ભાઇ,
જેવો આ પત્ર તને મળશે, હું દૂર એક મંજિલ તરફ નીકળી ગયો હોઇશ. હું તને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે આજે હું બહુ ખુશ છું, દરરોજ કરતા વધારે. હું યાત્રા માટે તૈયાર છું. જીવનમાં અનેકોનેક મીઠી યાદો અને ખુશીઓ હોવા છતાં એક વાત જે મારા મનમાં ખટકે છે તે મારા ભાઇ, મારા પોતાના ભાઇએ મને ખોટો સમજ્યો. મારા પર નબળાઇનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો. આજે હું બધી રીતે સંતુષ્ટ છું. પહેલા કરતા અનેકગણો વધારે. આજે હું અનુભવું છું કે તે વાત કંઇ નહોતી, એક ગેરસમજ હતી. મારા મુક્ત વ્યવહારને મારું વાતોડીયાપણું સમજવામાં આવ્યું અને મારી આત્મસ્વીકૃતિને મારી નબળાઇ. હું નબળો નથી, આપણામાં કોઇનાથી પણ નબળો તો નથી જ.
ભાઇ! હું શુદ્ધ હ્દયથી વિદાય લઇશ. શું તારું હ્દય પણ શુદ્ધ થશે? તે મારા પર તારી બહુ મોટી દયા હશે, પરંતુ ધ્યાન રાખજે તારે ઉતાવળમાં કોઇ પગલું ના ભરવું જાઇએ. ગંભીરતા અને શાંતિથી તારે કામને આગળ વધારવાનું છે. ઉતાવળમાં તક મેળવવાના પ્રયત્નો ના કરતો. જનતા પ્રત્યે તારું જે કર્તવ્ય છે તેને બરાબર નિભાવીને શાંતિથી નિરંતર કામ કરતો રહેજે.
સલાહના રૂપમાં હું કહેવા માંગીશ કે શાસ્ત્રી મને પહેલા કરતા વધારે સારા લાગી રહ્યા છે. હું તેમને મેદાનમાં લાવવાના પ્રયત્નો કરીશ. એ શરતે કે તેઓ સ્વેચ્છાએ આવે અને નિશ્ચિત રૂપથી એક અંધકારમય ભવિષ્ય માટે પણ તૈયાર રહે. તેમને બીજા લોકો સાથે મળવા દો અને તેમના સ્વભાવનું અધ્યયન કરો. જો તેઓ સારી ભાવના સાથે કામ કરશે તો તે ઉપયોગી અને મુલ્યવાન સિદ્ધિ હશે. પરંતુ ઉતાવળ ન કરતો, તુ પોતે જ સારો નિર્ણાયક બનીશ. જેવી સુવિધા હોય તે પ્રમાણેની વ્યવસ્થા કરજે. ચાલ ભાઇ હવે આપણે ખુશ થઇએ.
ખુશી સાથે હું કહી શકું છું કે જે પ્રશ્ન પર આપણા વચ્ચે મતભેદ છે, તેમાં હું મારો પક્ષ લીધા વગર નહીં રહી શકું. હું પૂરા જોશથી કહેવા માંગુ છું કે હું આશાઓ અને આકાંક્ષાઓથી ભરપૂર છું અને જીવનના આનંદના રંગોમાં ઓતપ્રોત છું. પરંતુ જરૂરિયાતના સમયે આ બધાનો ત્યાગ પણ કરી શકુ છું અને એ જ સાચું બલિદાન છે. આ બધી વસ્તુઓ ક્યારેય પણ માણસોના રસ્તામાં બાધારુપ નથી બનતી, શરત માત્ર એટલી કે તે મનુષ્ય હોવો જાઇએ. નજીકના ભવિષ્યમાં જ તને આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ મળી જશે.
કોઇ પણ વ્યક્તિના ચરિત્ર વિશે વાત કરતી વખતે એક વાત વિચારવી જાઇએ કે શું પ્રેમ ક્યારેય કોઇ માણસ માટે સહાયક સાબિત થયો છે? હું આજે આ સવાલનો જવાબ આપું છું - હા, આ મેજિનીએ લખ્યું છે. તે જરૂર વાંચ્યું હશે કે પહેલી વિદ્રોહી અસફળતા, મનને કચડી નાંખતી હાર, મરેલા સાથીઓની યાદ તે સહન નહોતો કરી શકતો. તે પાગલ થઇ ગયો હોત અથવા તો તેણે આત્મહત્યા કરી લીધી હોત, પરંતુ પોતાની પ્રેમિકાના એક પત્રથી જ તે મજબૂત થઇ ગયો, સૌથી મજબૂત.
જ્યાં સુધી પ્રેમના નૈતિક સ્તરની વાત છે, હું એટલું કહીશ કે આપણામાં તે એક આવેગથી વિશેષ કંઇ જ નથી. પરંતુ આ કોઇ પાશવી વૃતિ નથી પણ એક માનવીય ભાવ છે, અત્યંત મધુર ભાવ. પ્રેમ ક્યારેય પણ પાશવી વૃતિ નથી. પ્રેમ તો હંમેશાં મનુષ્યના ચરિત્રને ઉપર લાવે છે. સાચો પ્રેમ ક્યારેય પણ બનાવી નથી શકાતો. તે પોતાની મેળે જ આવે છે, પરંતુ કોઇ નથી કહી શકતું કે ક્યારે આવશે?
હા, હું એમ કહી શકું છું કે એક યુવક અને યુવતી પરસ્પર પ્રેમ કરી શકે છે અને તેઓ પોતના પ્રેમની મદદથી આવેગોને હરાવી શકે છે. પોતાની પવિત્રતા જાળવી શકે છે. હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે જ્યારે મેં કહ્યું હતું કે પ્રેમ માણસની નબળાઇ છે, તો તે કોઇ સાધારણ માણસ માટે નહોતું કહ્યું. તે એક અત્યંત આદર્શ સ્થિતિ છે, જ્યારે મનુષ્ય પ્રેમ, ઘૃણા વગેરે આવેગો પર કાબૂ મેળવી લે છે. જ્યારે મનુષ્ય પોતાના કામનો આધાર આત્માને બનાવી દેશે. પરંતુ વર્તમાન સમયમાં આ કોઇ ખરાબ વાત નથી, પરંતુ મનુષ્ય માટે તો સારું અને લાભદાયી છે. મેં એક માણસના બીજા માણસ પ્રત્યેના પ્રેમની નિંદા પણ કરી છે, તે પણ એક આદર્શ સ્તર પર. તેની સાથે પણ મનુષ્યમાં પ્રેમની એક ઉંડી ભાવના હોવી જાઇએ, જેથી તે એક માણસ પૂરતો સિમિત ના રહેતા વિશ્વમય બની જાય.
હું વિચારું છું કે મેં મારી સ્થિતિ હવે સ્પષ્ટ કરી દીધી છે. એક વાત હું તને કહેવા માંગુ છું કે ક્રાંતિકારી વિચારો હોવા છતાં આપણે નૈતિકતાના સંબંધમાં આર્યસમાજ પ્રમાણેની કટ્ટર ભાવનાઓ નથી અપનાવી શકતા. આપણે વધારીને વાતો કરી શકીએ છીએ અને સરળતાથી છૂપાવી પણ શકીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં તો આપણે પણ થર થર ધ્રૂજવા માંડીએ છીએ.
હું તને કહીશ કે આ વાત છોડી દે. શું હું તને મારા મનમાં કોઇ ખોટા ભાવ વગરની નમ્રતા સાથે નિવેદન કરી શકું કે તારામાં જે અતિ આદર્શવાદ છે, તેને થોડો ઓછો કરી દે. તેવા લોકોની તરફથી ગુસ્સો ન કર જે પાછળ હશે અને મારા જેવી બીમારીનો શિકાર થશે. નિંદા કરીને તેમના દુઃખોને ન વધારતો. તેમને તારી સહાનુભૂતિની જરૂર છે.
શું હું એવી આશા રાખી શકું કે કોઇ ખાસ વ્યક્તિ સાથે દ્વેષ રાખ્યા વગર તું તેની સાથે સહાનુભૂતિ રાખીશ, જેને તેની સૌથી વધારે જરૂર હોય? પરંતુ તુ ત્યાં સુધી આ વાતો નહીં સમજી શકે, જ્યાં સુધી તું પોતે આ બધાનો શિકાર ન બને. હું આ બધું શા માટે લખું છું? હું બિલકુલ સ્પષ્ટ થવા માંગુ છું. મેં મારુ હ્દય સાફ કરી નાંખ્યુ છે.
તારી દરેક સફળતા અને પ્રસન્નતાની આશા સાથે,
તારો ભાઇ,
ભગત સિંહ.
Advertisement