કાકા કાલેલકરે કહ્યું હતું : વિકાસની દોડમાં આપણું ગામડું સચવાશે કે કેમ એની મને ચિંતા છે.
સવાઇ ગુજરાતી તરીકે ઓળખાતા કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે 'વિકાસની દોડમાં આપણું ગામડું સચવાશે કે કેમ એની મને ચિંતા છે' આજે કરીબ કરીબ કાકા સાહેબની ચિંતા સાચી પડવા તરફ જઇ રહી છે. ખાસ કરીને આઝાદી પછી મોટા ભાગના ગામડાઓને શહેરો સાથે રોડ રસ્તાથી જોડવાની દિશામાં થયેલા કામો અર્થતંત્રના વિકાસ માટે આશીર્વાદ રૂપ બન્યા હશે પણ ગામડાની મૂળ ગ્રામ્યતાના તાણા વાણા છિન્ન ભિન્ન કરવાનો અભિશાપ
05:25 AM Mar 02, 2022 IST
|
Vipul Pandya
સવાઇ ગુજરાતી તરીકે ઓળખાતા કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે 'વિકાસની દોડમાં આપણું ગામડું સચવાશે કે કેમ એની મને ચિંતા છે' આજે કરીબ કરીબ કાકા સાહેબની ચિંતા સાચી પડવા તરફ જઇ રહી છે. ખાસ કરીને આઝાદી પછી મોટા ભાગના ગામડાઓને શહેરો સાથે રોડ રસ્તાથી જોડવાની દિશામાં થયેલા કામો અર્થતંત્રના વિકાસ માટે આશીર્વાદ રૂપ બન્યા હશે પણ ગામડાની મૂળ ગ્રામ્યતાના તાણા વાણા છિન્ન ભિન્ન કરવાનો અભિશાપ પણ બન્યા છે. ગામડા સુધી માર્ગ વાહન વ્યવહાર સરળ બનતા વધેલી અવર જવરની અનુકૂળતાઓએ ગ્રામ્ય નાગરિકને શહેરની સુવિધાઓ તરફ લલચાવ્યા અને નોકરી, ધંધો, વ્યવસાય - વ્યાપાર વધારવાના હેતુથી લોકો ગામડા છોડીને નજીકના નાના મોટા શહેરોમાં વસવા લલચાયા. એ રીતે ધીમે ધીમે ગામડાઓ ખાલી થવા માંડ્યા. પરિણામે ગ્રામીણ અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો. બીજી બાજુ શહેરમાં જઇને વસેલા ગ્રામ્યજનો વાર તહેવારે કે પ્રસંગોએ ગામડે પરત ફરતા ત્યારે શહેરીજીવનની સુવિધાઓની પડી ગયેલી સારી ખોટી ટેવોનો ચેપ પણ ગામડાને લગાવતા હતા અને શહેરી જીવનના વખાણ ( ખોટા ખોટા ) સાંભળીને ગામડામાં રહી ગયેલા બીજા ગ્રામ્યજનો પણ શહેર તરફ જવા લલચાયા.
ગામમાં ઉચ્ચ શિક્ષણની જોગવાઇઓ ન હોવાથી વિદ્યાર્થીઓ, યુવક યુવતીઓ માટે અપડાઉનની સુવિધાઓ હોય તો તે રીતે નહીંતર શહેરના છાત્રાલયો કે સગાવહાવાને ત્યાં નિવાસ કરી શિક્ષણ મેળવતા થયા. ખેત પેદાશોના વેચાણ માટે પણ શહેરોમાં રચાયેલં ખેત ઉત્પાદન બજારો આર્થિક રીતે ફાયદામંદ હોવા છતાં ગામડાના ભોળા ખેડૂતને બજારું ખેડૂત તરફ વળવા મજબૂર કર્યા.
ગામડાઓમાં હોટેલો આવી, નાસ્તાઘરો ખુલ્યાને લોકોને નજીકના શહેરોમાં જઇને સિનેમા જોવાના ચસકા લાગ્યા. એ પછી તો આવેલી સંચાર ક્રાંતિએ ગામડામાં રહેલી રહી સહી ગ્રામ્યતાને પણ રગદોળી નાખી ટેલિફોન, ટેલિવિઝન અને પછી આવેલા મોબાઇલ ફોન અને સ્માર્ટ ફોને કહેવાતી ગ્રામ્યતા ઉપર શહેરી સંસ્કૃતિનો એવો તો ઢોળ ચઢાવ્યો કે ''બાવાના બેઉ બગડ્યા'' હોય તેમ ગામડું નતો પૂરેપૂરું ગામડું રહ્યું કે ના તો એ શહેર બની શક્યું.
અલબત્ત આતો સિક્કાની એકબાજુ છે, પણ જમાનાના પરિવર્તન અને આર્થિક વિકાસને વળી હવે તો ''ગ્લોબલાઇઝેશન'' ની આંધીમાં આપણું મૂળ ગામડું અને તેની ગ્રામ્યતા સાવ જ ઉડી જશે કે શું? અને એ ઉડવાની પ્રક્રિયા સમાજ જીવન માટે ફાયદાપ્રદ હશે કે નુકસાનકારક એ તો આવનારા વર્ષોમાં ખબર પડશે.
Next Article