ખુદ હીં કો મૈને ઇશ્ક કિયા રે…પોતાની જાતને પહેલા પ્રેમ કરો
“ ચલો આજ એક વાદા ઓર નિભાયા જાયે, આજસે ખુદસે ભી પ્યાર જતાયા જાયે” વેલેન્ટાઇન્સ વીક ચાલી રહ્યું છે અને એ પ્રમાણે પ્રેમી યુગલો પ્રોમીસ ડેની ઉજવણી કરશે. ઓળખાણથી શરૂ કરીને આ દિવસે બે પ્રેમ કરનાર વ્યક્તિઓ એકબીજાને વચન આપવાના તબક્કે પહોંચે છે, અને અહીં વચન હોય છે હંમેશા એકબીજાની સાથે રહેવાનું, હંમેશા એકબીજાને પ્રેમ કરવાનું અને એકબીજાનું સન્માન કરવાનું. અહીં પ્રોમીસ ડેની વ્યાખ્યા થોà
Advertisement
“ ચલો આજ એક વાદા ઓર નિભાયા જાયે,
આજસે ખુદસે ભી પ્યાર જતાયા જાયે”
વેલેન્ટાઇન્સ વીક ચાલી રહ્યું છે અને એ પ્રમાણે પ્રેમી યુગલો પ્રોમીસ ડેની ઉજવણી કરશે. ઓળખાણથી શરૂ કરીને આ દિવસે બે પ્રેમ કરનાર વ્યક્તિઓ એકબીજાને વચન આપવાના તબક્કે પહોંચે છે, અને અહીં વચન હોય છે હંમેશા એકબીજાની સાથે રહેવાનું, હંમેશા એકબીજાને પ્રેમ કરવાનું અને એકબીજાનું સન્માન કરવાનું. અહીં પ્રોમીસ ડેની વ્યાખ્યા થોડી જુદી કરવી છે, પ્રોમીસ ડેની ઉજવણી થોડી જુદી રીતે કરો. કદાચ તેની સાંપ્રતમાં અનિવાર્યતા પણ છે, આપણા આસપાસના અને આપણે જેને પસંદ કરીએ છીએ કે, પ્રેમ કરીએ છીએ તેના માટે તો આપણે જીવીએ છીએ. પણ આ પ્રોમીસ ડે પર ચાલો એક પ્રોમીસ પોતાની જાતને કરીએ.
જીવનને મનભરીને માણવાનું પ્રોમીસ
આપણામાંના ઘણા લોકો પોતાના જીવનને ખુલીને પોતાની મરજી મુજબ અને ઇચ્છાઓ મુજબ જીવતા નથી. પોતાના ગમતા લોકોને શું પસંદ આવશે કે શું નહીં આવે તેના પ્રયત્નોમાં તે પોતે ભુલી જાય છે કે, તેમનું પણ એક અસ્તિત્વ છે અને તેમને પણ પોતાના ગમા અણગમા હોઇ શકે. કેટલીક સ્ત્રીઓ એવી આપણા આસપાસ છે કે, તે ખુબ સરસ રસોઇ બનાવે, પોતાના પરિવાર માટે તે રોજ કંઇક ને કંઇક સ્વાદિષ્ટ રસોઇ પણ બનાવતા રહે. પણ જો તેમને પુછો કે તમારી ભાવતી વાનગી કઇ તો તેને જરીક વિચારીને જવાબ આપવો પડે કારણકે, તેણે તે રીતે વિચાર્યું જ ન હોય. તે પોતાના પરિવારને ભાવતી રસોઇ કરવામાં પોતાની પસંદ અને નાપસંદ તો તે સાવ ભૂલી ગઇ હોય છે.તો આજે એવી તમામ સ્ત્રીઓ માટેનો દિવસ છે, આજે પોતાની જાતને પ્રોમીસ કરો કે, પોતાની પસંદ નાપસંદને પણ જાણશો અને તેને જીવંત રાખવા માટે પણ પ્રયત્ન કરશો.
તમારા જીવનને પ્રેમ કરો
પ્રોમીસ ડેના દિવસે સાચુ પ્રોમીસ તો એ આપવાનું છે કે, આપણે પોતાના જીવનને પ્રેમ કરવાનો છે. પોતાના જીવનને પ્રેમ કરવો એટલે તમારા જીવનમાં આવતા પડકારો અને પરીક્ષાઓને પણ પ્રેમ કરવો. નાની નાની વાતમાં નાસીપાસ થઇ જઇ અને જીવનને ધિક્કારતા લોકો આપણા સમાજમાં વધતા જાય છે અને તેને કારણે જીવન ટુંકાવી નાખનારા લોકોની સંખ્યા પણ વધતી જઇ રહી છે. જીવન છે સુખ પણ લાવશે અને દુખ પણ, ઉતાર ચઢાવ તો જીવનનો ભાગ છે અને તે જ તો જીવનને રોમાંચક બનાવે છે, એનાથી નાસીપાસ ન થાવ. પોતાના જીવનને પ્રેમ કરો અને આજના દિવસે એજ પ્રોમીસ આપો પોતાની જાતને કે કોઇપણ સ્થિતીમાં પોતાના જીવનને પ્રેમ કરવાનું બંધ નહીં કરો. પ્રેમ કરો અને અનુભવો કે જીવન કેટલું સુંદર છે.
પોતાના માટે સમય કાઢો
પોતાના માટે જીવનમાંથી થોડો સમય કાઢવો એ પણ જરૂરી છે, પ્રકૃતિના સાનિધ્યમમાં સમય પસાર કરો. ક્યારેક ચાનો કપ લઇને ગમતા ગીતો વગાડીને બાલ્કનીમાં પસાર કરેલો સાંજનો એક કલાક પણ તમારા આખા અઠવાડિયાને રિચાર્જ કરી દેવા માટે કાફી હોય છે. ગમતું એક પુસ્તક વાંચીને તમારી જાતને તમે એક સુંદર સમયની ભેટ આપી શકો છો. ક્યારેક જે હંમેશા કરો છો તેમાંથી નાનકડો એક બ્રેક લઇને પોતાની જાત સાથે જ એક નાનકડી સોલો ટ્રીપ પણ તમારા જીવનમાં અઢળક પોઝીટીવીટી ભરી શકે છે. ક્યારેક પોતાને આ નાનકડી ભેટ તો આપી જુઓ.
તમારા શોખને રાખો જીવંત
કામ, વ્યવસાય અને પરિવારમાં આજનો માણસ એટલો વ્યસ્ત થઇ ગયો છે કે, તેને પોતાના શોખ શું છે, તેને શેમાં રૂચિ છે તે પણ યાદ રહ્યું નથી. નાના નાના શોખ કે તમારી આવડત તમને તમારા જીવનના રૂટિનમાં તાજગી આપી શકે છે. કહેવાય છે ને કે, દરેક વ્યક્તિમાં કુદરતે એક વિશેષ કલા આપી હોય છે. તેને જાણવી, તેને પોલીશ કરવી અને તેને જીવનનો એક ભાગ બનાવીને પોતાની જીંદગીને તમે એક અમૂલ્ય આનંદ આપી શકો છો અને તેને કારણે પોતાના જીવનમાં એક તાજગી લાવી શકો છો.
તો આ પ્રોમીસ ડે પોતાને ગમતી વ્યક્તિને પ્રોમીસ આપો. હા, એ ગમતી વ્યક્તિ જે તમને અરીસામાં દરરોજ દેખાય છે, આજે અરીસામાં તેને એક મીઠ્ઠી સ્માઇલ આપીને અરીસામાં રહેલી એ ગમતી વ્યક્તિને એક પ્રોમીસ આપી તો જુઓ! અને એ પ્રોમીસને પૂરી શિદ્દતથી પાળજો પણ, કહે છે કે જો તમે તમારી જાતને પ્રેમ આપશો તો તમે તમારા જીવનમાં રહેલા લોકોને પ્રેમ કરી શકશો. તો આ અનિવાર્ય શરતને પૂરી કરો, અને આપી દો તમારી જાતને પ્રોમીસ ડે પર પ્રોમિસ!
Advertisement