ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેલેન્ટાઇન ડે કે પ્રેમોત્સવ !

કવિ સુરેશ દલાલની એક જાણીતી રચનાનો ઉઘાડ આપણી આજની વાતને સરસ રીતે ખોલી આપશે  - કવિ કહે છે,  “કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોશી ડોસાને હજુ વ્હાલ કરે છે.“એક સંવાદી સ્નેહથી છલોછલ દાંમ્પત્યના ઉત્તરાર્ધની આ કવિતા અને મીરાબાઇએ ગાયેલું ગીત, “પ્રેમની, પ્રેમની,  પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની રે…” અને હજુ જરાક પાછળ જઇને પ્રેમની સર્વવ્યાપકતાને પરિભાષીત કરતા એવા જ બીજા મહાન ભક્ત કવિ કબીરજીએ
08:50 AM Feb 13, 2022 IST | Vipul Pandya
કવિ સુરેશ દલાલની એક જાણીતી રચનાનો ઉઘાડ આપણી આજની વાતને સરસ રીતે ખોલી આપશે  - કવિ કહે છે,  “કમાલ કરે છે, કમાલ કરે છે, 
એક ડોશી ડોસાને હજુ વ્હાલ કરે છે.“
એક સંવાદી સ્નેહથી છલોછલ દાંમ્પત્યના ઉત્તરાર્ધની આ કવિતા અને મીરાબાઇએ ગાયેલું ગીત, “પ્રેમની, પ્રેમની,  પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની રે…” અને હજુ જરાક પાછળ જઇને પ્રેમની સર્વવ્યાપકતાને પરિભાષીત કરતા એવા જ બીજા મહાન ભક્ત કવિ કબીરજીએ ઉચ્ચારેલુ સત્ય, “પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન કોઇ, ઢાઇ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોયે....”
આ બધી જ પ્રેમ પંક્તિઓમાં પરમતત્વ સમા ‘પ્રેમ’નો મહિમા થયો છે, પશ્ચિમમાં સંત વેલેન્ટાઇને ( અને બીજા અનેકોએ ) પણ આ શાશ્વત પ્રેમ તત્વનું અદકેરુ મહિમાગાન કર્યું છે. સાચુ સમજીએ તો, પ્રેમ એ સમસ્તિને સંચાલિત અને સંકલિત કરતું એક એવું પરમ તત્વ છે કે જેની વાત કરતા પૂર્વ - પશ્ચિમ, ઉત્તર - દક્ષિણ જેવી આપણી સમજમાં બેસતી દિશા કે દેશ, સીમા કે સરહદો ઓગળી જાય છે અને કોઇ એક સ્થિત્યંતર ઉપર સંત કબીર અને સંત વેલેન્ટાઇન, સેક્સપિયર અને મીરા, માધવ રામાનુજ કે સુરેશ દલાલ એક સાથે એકજ પરમતત્વ પ્રેમને પામવાની, સમજવાની, સંવેદવાની ને પછી વહેંચવાની મધુર મથામણ કરતા દેખાય છે.
યૌવનના ઉછળતા ઉન્માદમાં વેલેન્ટાઇન ડે ના દિવસે અપાતું લાલ ગુલાબ કે પછી સ્વ. લતાજીનો મધુર અવાજનો આધાર લઇને અનારકલી બનેલા સ્વ. મધુબાલાએ ફિલ્મ મોગલ એ આઝમમાં શહેનશાહની સામે ફેંકેલો પડકાર, “જબ પ્યાર કીયા તો ડરના ક્યા..” લગોલગની અનુભૂતિઓ લાગે છે. બસ આટલું સમજાઇ જાય તો આપણું ગામ, ગલી કે ફળિયું વૃંદાવન થઇ જાય અને આપણા દિવાનખાનામાં ને પછી આપણા હ્રદયમાં  પ્રેમની રાસલીલાનો રસાનંદ આંખવગો, કાનવગો કે હાથવગો થઇને હ્રદયવગો બની જાય.
વારંવાર કહેવાયું છે છતાં, કહેવાનું મન થઇ જાય છે કે આકાશની અનંતતા કે સાગરની અગાધતાને પણ આંબી જાય એવા ભવ્ય અને દિવ્યથી સંભારેલા આ ‘પ્રેમ’ શબ્દના વિનિયોગમાં માત્ર વિજાતીય અનુબંધનોને જ ન સમાવીએ. પણ શિવાલયોમાં ગવાતા શિવ મહિમ્ન સ્ત્રોતથી શરૂ કરીને મજૂરી કરીને પેટિયું રળતી એક મહિલા માતાની શ્રમ સાધનામાંથી થોડોક વિરામ લઇને, પોતાના ભુખ્યા નાના બાળકને ખોળામાં સુવડાવીને અડધો પડધો સાડલો ઢાંકીને સ્તનપાન કરાવે કે પછી મોટરબાઇક ઉપર દુનિયાને ભૂલીને એકબીજા સાથે ઓતપ્રોત થઇને પતંગિયાની જેમ ઉડી જતા હોય , કે પછી 80 ની ઉંમરની આસપાસનું કોઇ વયોવૃધ્ધ દાંમ્પત્ય જોડું બપોરની ચાની ચૂસકી સાથે પોતાના પ્રથમ મિલનને વાગોળતું હોય કે, પછી બગીચામાં ખીલેલા અને ખૂલેલા કોઇ ફૂલ ઉપર ભ્રમરનો ગુંજારવને મિલન સમાંરભ દેખાય કે પછી આંબા પર મહોરેલી મંજરીને જોઇને અકારણ કે સકારણ કોઇ કોયલનો ટહુકો સંભળાય, તો એ બધા દ્રશ્યો કે પ્રસંગો કે ઘટનાઓ પેલા જ પરમતત્વ પ્રેમનું જ પુનિત પરિણામ છે. એ તથ્ય આપણા વેલેન્ટાઇન ડે ને એક દિવસનો આનંદ નહીં પણ જીવનભરનો પ્રેમોત્સવ બનાવી દેશે. ચાલો આ વસંતમાં આપણે સહુ આજીવન ચાલનારા આ પ્રેમોત્સવના પ્રદેશમાં નીકળી પડીએ.

Tags :
GujaratFirstvalentineday
Next Article