આજના આ કહેવાતા “બળવાખોરો” એક મોટો ચિંતાજનક પ્રશ્નાર્થ બને છે
આજકાલના રાજકારણમાં “બળવાખોર” શબ્દના અર્થો સાવ બદલાઈ ગયા છે. આપણને અંગ્રેજો સામે ભારતની પ્રજાએ કરેલો ૧૮૫૭નો બળવો કે પછી ફ્રાંચની રાજ્યક્રાંતિમાં રાણી એન્ટોઇનેટ સામે થયેલો પ્રજાનો સ્વયંભુ બળવો- અને એવા અનેક દાખલાઓ આપી શકાય કે જેમાં વિવિધ દેશોની પ્રજાએ સ્વાતંત્રતા માટે, ભૂખમરા સામે, સરમુખત્યાર સામે કે લોકતંત્ર માટે બળવો થયો હોય. એવા બળવાખોરોમાં આખી જીંદગી જેલમાં કાઢી નાખનારા આફ્રિકી નેતા નેલ્સન મંડેલા
કે પછી ભારતની આઝાદી માટે હસતે હસતે ફાંસીના માચડે ચડીને શહીદી વ્હોરનારા શહીદ ભગતસિંહ અને એવા બીજા અનેક ક્રાંતિવીરોના નામ યાદ આવે જેમને પણ તેમના જમાનામાં “બળવાખોર” ગણવામાં આવ્યા હતા. એ બધા કહેવાતા બળવાખોરો પોતાના કોઈપણ અંગત સ્વાર્થ માટે, સત્તા માટે, સંપતિ માટે કે એવા બીજા કોઈપણ ક્ષુલ્લક કારણોસર બળવાખોર બન્યા નહોતા.
આજકાલ આપણા દેશમાં છેલ્લા બે ત્રણ દશકથી આપણા રાજકારણમાં માત્ર અને માત્ર સત્તા પ્રાપ્તિ માટે પક્ષપલટો કે પછી વિચારધારાનો કહેવાતો પલટો કે પછી સત્તા સામે પોતાના અંગત દુષ્કર્મો કે ભ્રષ્ટાચારો સામે સલામત બનવા માટે કેટલાક રાજકારણીઓ રાતોરાત “બળવાખોર” બની જાય છે. પોતાની અંગત લાલચાને સંતોષવા માટે આવા પલ્ટીમારો સિફતથી પોતાની પલટીને વૈચારિક મતભેદો જેવા રૂપાળા લેબલો મારીને પ્રજા સમક્ષ પોતાની બળવાખોરીને ન્યાયિક સાબિત કરવા પ્રયત્ન કરે છે. વળી તેમના પક્ષપલટાને ગેરકાયદેસર થતો અટકાવવા અને બંધારણીય રેશમી લક્ષણ નીચે છુપાવવા માટે નિયમ અનુસારના જરૂરી સંખ્યાબળને ભેગું કરવા માટે થોડાક સમય માટે ફાઈવસ્ટાર હોટેલ, રિસોર્ટ કે પછી ફાર્મહાઉસમાં અજ્ઞાત વાતમાં ચાલ્યા જાય છે અને જરૂરી બહુમતીનો કાયાકલ્પ કરીને નફ્ફટાઈ પૂર્વક પત્રકારો સામે હાજર થઈ પોતાને સાચા ઠેરવવાનો તર્ક પણ મુકે છે. ૧૮૫૭ની ઘટનાના ઈતિહાસના જાણકારો માટે આજના આ કહેવાતા “બળવાખોરો” એક મોટો ચિંતાજનક પ્રશ્નાર્થ બને છે.