Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ગુજરાત સ્થાપના દિવસ, ગૌરવવંતા ગુજરાતીઓ માટે ગર્વની વાત, જાણો ગુજરાતી સિનેમા જગતની અવનવી વાતો

એક સમય હતો જ્યારે માત્ર ભાતીગળ પહેરવેશ જ ગુજરાતી ફિલ્મોની ઓળખ હતી. ઘણા જ્યોતિષીઓએ તો ભવિષ્યવાણી પણ કરી દીધી હતી કે 21મી સદીમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પડી ભાંગશે, પણ આજની ગુજરાતી યુવા પેઢીએ એકવાર ફરી આ વાતને ખોટી સાબિત કરી છે. કોણ કહે છે કે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી. ‘કન્ટેન ઇઝ ધ કિંગ’ આ ગોલ્ડન વાક્ય હંમેશા મનોરંજન ઉદ્યોગની સફળતાની ફોર્મ્યુલા છે. 'વ્હાલમ આવોને આવોને' ગીત હોય કે 'છેલ્લો દ
આજે ગુજરાત સ્થાપના દિવસ  ગૌરવવંતા ગુજરાતીઓ માટે ગર્વની વાત  જાણો ગુજરાતી સિનેમા જગતની અવનવી વાતો
એક સમય હતો જ્યારે માત્ર ભાતીગળ પહેરવેશ જ ગુજરાતી ફિલ્મોની ઓળખ હતી. ઘણા જ્યોતિષીઓએ તો ભવિષ્યવાણી પણ કરી દીધી હતી કે 21મી સદીમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પડી ભાંગશે, પણ આજની ગુજરાતી યુવા પેઢીએ એકવાર ફરી આ વાતને ખોટી સાબિત કરી છે. કોણ કહે છે કે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી. ‘કન્ટેન ઇઝ ધ કિંગ’ આ ગોલ્ડન વાક્ય હંમેશા મનોરંજન ઉદ્યોગની સફળતાની ફોર્મ્યુલા છે. 'વ્હાલમ આવોને આવોને" ગીત હોય કે 'છેલ્લો દિવસ', 'હેલ્લારો', '21મું ટિફિન' જેવી અલગ અલગ વિષય વસ્તુવાળી ફિલ્મો હોય! મનોરંજન સાથે ગુજરાતીપણું આજે પણ સાત સમુદ્ર પાર તેનો ડંકો વગાડી રહ્યું છે. કોણ કહે છે કે ગુજરાતીઓ માત્ર ભોજન અને વ્યપાર કરવામાં જ રસ ઘરાવે છે? કલા, સાહિત્ય અને મનોરંજનના ક્ષેત્રમાં પણ ગુજરાતીઓ ક્યાંય પાછા પડ્યા નથી અને પડવાના નથી. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં રહેશે સદાકાળ ગુજરાત.
આજના આ ખાસ દિવસ પર વાત કરવી છે ગુજરાતી ફિલ્મ જગતની. ગુજરાતી સિનેમા કે ગુજરાતી ફિલ્મ જગતમાં 1932થી લઇને અત્યાર સુધીમાં બે હજારથી વધુ ગુજરાતી ભાષાની ફિલ્મોનું નિર્માણ થયું છે. સાયલન્ટ ફિલ્મ યુગમાં પણ આપણી ઈન્ડસ્ટ્રીમાં ઘણી ગુજરાતી પ્રતિભાઓ હતી. ગુજરાતી ફિલ્મ જગતની શરુઆત 1932માં થઇ હતી. નાનુભાઇ વકીલ દ્વારા પ્રથમ ગુજરાતી ટોકીઝ ફિલ્મ 'નરસિંહ મહેતા' રજૂ કરવામાં આવી હતી. 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી માત્ર 12 જ ગુજરાતી ફિલ્મો બની હતી. 1940ના દાયકામાં સંત, સતી અથવા ડાકુઓની કહાણી કે  પૌરાણિક કથાઓ અને લોકકથાઓ પર જ ગુજરાતી ફિલ્મો કેન્દ્રિત હતી. જો કે 1950-1960ના દાયકામાં સાહિત્યિક કૃતિઓ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરુ થયો. 1932 અને 2011ની વચ્ચે લગભગ એક હજાર ત્રીસ ગુજરાતી ફિલ્મો બની હતી પરંતુ દુર્ભાગ્યવશ બહુ ઓછી ફિલ્મો આર્કાઇવ થઇ શકી છે. હાલમાં નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયા (NFAI)પાસે બે પારસી-ગુજરાતી ફિલ્મો, વિજયા મહેતા દ્વારા દિગ્દર્શિત પેસ્ટોનેઈ (1987) અને પરવેઝ મેરવાનજી દ્વારા દિગ્દર્શિત પર્સી (1989) સહિત માત્ર વીસ ગુજરાતી ફિલ્મો જ સંગ્રહિત કરાયેલી છે. 1930 અને 1940ના દાયકાની કોઈ મૂંગી ફિલ્મો કે ટોકીઝ આપણી પાસે  બચી નથી. 
1970ના દાયકામાં ગુજરાત સરકારે કર મુક્તિ અને સબસિડીની જાહેરાત કરી જેના પરિણામે ફિલ્મોની સંખ્યામાં વધારો થયો, પરંતુ ગુણવત્તા બાબતે ઘણાં વિવેચકોની ફરિયાદ રહેતી હતી. 1960-1980ના દાયકામાં ફૂલ્યાં ફાલ્યાં બાદ 2000 સુધીમાં નવી ગુજરાતી ફિલ્મોની સંખ્યા ઓછી થઇ ગઈ હતી. જો કે 2005થી 2017 સુધીના વર્ષો મનોરંજન જગત માટે પ્રયોગાત્મક રહ્યાં અને આધુનિક 21મી સદીમાં ગુજરાતી ફિલ્મોમાં નવી ટેક્નોલોજી અને શહેરી વિષયોના આવવાના કારણે 2010ના વર્ષમાં ફરી એકવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી ફૂલી ફાલી. જો વાત કરવામાં આવે ગુજરાતી ફિલ્મોની સ્ક્રિપ્ટો અને  વિષય વસ્તુની તો તે પારિવારિક સંબંધો અને કુટુંબલક્ષી વિષયો તેમજ માનવીય આકાંક્ષાઓ પર આધારિત હોય છે. શરુઆતના સમયમાં 'નરસિંહ મહેતા' અને 'ગંગાસતી' જેવા ગુજરાતના લોકપ્રિય સંતો અને સતીઓના જીવન પર ફિલ્મો બનાવવામાં આવી હતી.  તે સમયે ફિલ્મ નિર્માતાઓને સામાજિક સુધારા સાથે સંકળાયેલા વિષયો વધુ આકર્ષક લાગતા હતાં. ત્યારબાદ કૌટુંબિક જીવન અને લગ્ન સાથે જોડાયેલી સામાજિક ફિલ્મો વધુ બની. ઘણી ગુજરાતી નવલકથાઓ અને વાર્તાઓ પરથી પણ ગુજરાતી ફિલ્મો બની છે. 1980 અને 90ના દાયકામાં ગુજરાતી ફિલ્મો હિન્દી સિનેમાથી વધુ પ્રભાવિત હતી. અને ઘણી એક્શન અને રોમાન્સ ફિલ્મો પણ બનાવવામાં આવી હતી. 
1973થી 1987 સુધી અરુણ ભટ્ટે હિન્દી ફિલ્મો સાથે મેળ ખાતી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમણે ઇશ્વર પેટલીકરની નવલકથા પર આધારિત 'મોટા ઘરની વહુ', 'લોહીની સગાઇ' (1980), 'પારકી થાપણ', 'શેતલ તારા ઉંડા પાણી' (1986) જેવી શહેરી પૃષ્ઠભૂમિ સાથે ઘણી ફિલ્મો બનાવી જે વ્યાવસાયિક તેમજ આલોચકોની દ્રષ્ટીએ સફળ રહી. 1980ના દાયકાની શરૂઆતમાં બનેલી તેમની ફિલ્મ ''પૂજાના ફૂલ'ને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. સાથે જ સંદીપ પટેલની 'મોતી વેરણા ચોક'માં પણ આવી. આજની સફળ ગુજરાતી હીરોઇન આરોહી પટેલના માતા આરતી પટેલ અને પિતા ડાયરેક્ટર સંદીપ પટેલનું પણ ગુજરાતી મનોરંજન ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે. સાથે જ ગુજરાતી ફિલ્મો માટે રવિવારના સ્લોટમાં દૂરદર્શન પર પણ પ્રસારિત કરવામાં આવતી ફિલ્મોનો ક્રેઝ પણ આપણે જોયો છે.
કેતન મહેતા દ્વારા 1980માં દિગ્દર્શિત 'ભવની ભવાઈ'ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને નેશનલ ઈન્ટિગ્રેશનમાં આ ફિલ્મે શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ સાથે જ મીરા લાખિયાને શ્રેષ્ઠ આર્ટ ડિરેક્શન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફ્રાન્સના નેન્ટેસ ફેસ્ટિવલમાં અન્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તો પરવેઝ મેરવાનજી દ્વારા દિગ્દર્શિત પારસી ગુજરાતી ફિલ્મ 'પર્સી' એ 37મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. સંજીવ શાહ દ્વારા દિગ્દર્શિત 'હું હુંશી હુંશીલાલ' તે સમયના રાજકીય વાતાવરણથી પ્રેરિત હતી અને તે પોસ્ટ-મોર્ડન ફિલ્મ હોવાનું પણ મનાય છે. 1998માં ગોવિંદભાઈ પટેલ દ્વારા દિગ્દર્શિત ''દેશ રે જોયા દાદા પરદેશ જોયા' બ્લોક બસ્ટર હીટ ગુજરાતી ફિલ્મ રહી.  આ ફિલ્મે રુપિયા 22 કરોડની કમાણી કરી હતી. જે તે સમયના ગુજરાતી સિનેમામાં સૌથી વધુ હતી. અંદાજીત 1.5 કરોડ લોકોએ આ ફિલ્મ જોઈ હતી. વિપુલ અમૃતલાલ શાહે 1999માં ''દરિયા છોરૂ' નામની ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. જેને ફિલ્મ વિવેચકો દ્વારા સરાહના મળી, પરંતુ વ્યાવસાયિક રીતે આ ફિલ્મ નિષ્ફળ રહી. 1990ના દાયકાની અન્ય હીટ ફિલ્મોમાં 'માનવીની ભવાઈ '(1993), 'ઊંચી મેડીના ઊંચા મોલ '(1997) અને 'પાંદડું લીલુને રંગ રાતો' જેવી ફિલ્મો હતી.
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સૌથી સફળ ગુજરાતી અભિનેતા અને નિર્માતાઓમાંના એક હતા. ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવદી અને સ્નેહલત્તાની જોડી ઘણી હિટ રહી. ઉપેન્દ્ર ત્રિવેદીએ 1972માં મનુભાઈ પંચોલી 'દર્શક'ની નવલકથા પર આધારિત 'ઝેર તો પીધા જાણી જાણી'નું નિર્માણ કર્યું. સાથે જ તેમણે પન્નાલાલ પટેલની આ જ નામની નવલકથા પર આધારિત 'માનવની ભવાઈ'માં નિર્માણ, અભિનય અને દિગ્દર્શન પણ કર્યું હતું.  આ ફિલ્મની પણ ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ આ ફિલ્મને 41મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સફળ અભિનેતા રહ્યાં છે. નરેશ કનોડિયા અને સ્નેહલત્તાની જોડી પણ ગુજરાતી ફિલ્મ જગતની બેસ્ટ ઓન સ્ક્રીન જોડી ગણાતી. તો  અરવિદ ત્રિવેદી, મહેશ કનોડિયા, રાજેન્દ્ર કુમાર, અસરાની, કિરણ કુમાર, રાજીવ, અરવિંદ કિરાડ, અને હિતેન કુમારની લાંબી અને સફળ કારકિર્દી રહી. રમેશ મહેતા અને પી. ખરસાણી તેમની કોમિક ભૂમિકાઓ માટે લોકપ્રિય રહ્યાં. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેત્રીઓની વાત કરીએ તો મલ્લિકા સારાભાઈ, રીટા ભાદુરી, રોમા માણેક, અરુણા ઈરાની, જયશ્રી ટી.,બિંદુ, આશા પારેખ અને સ્નેહલતાનો સમાવેશ થાય છે. અવિનાશ વ્યાસ ગુજરાતી સિનેમાના મુખ્ય સંગીતકારોમાંના એક હતા જેમણે 168 ગુજરાતી ફિલ્મો અને 61 હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસે પણ  ભવની ભવાઈ માટે સંગીત આપ્યું. તો મહેશ-નરેશે તાનારીરી સહિત અનેક ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. સાથે જ અન્ય નોંધપાત્ર ગુજરાતી સંગીતકાર અજીત મર્ચન્ટ હતા. 
2000ના દાયકાના પ્રારંભમાં, ફિલ્મો મુખ્યત્વે ગ્રામીણ પ્રેક્ષકોને લક્ષ્યમાં રાખીને જ બનાવવામાં  આવી હતી જે સ્થાનિક ભાષા અને શૈલી સાથે સ્થાનિક કન્ટેન્ટ આધારિત હતી. વર્ષ 2009 અને 2010માં તેમની પ્રતિવર્ષ નિર્માણ થતી ફિલ્મોની સંખ્યા 60થી વધુ હતી. 2012માં ગુજરાતી સિનેમાએ રેકોર્ડ બ્રેક 72 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં  હિતેન કુમાર અભિનીત જશવંત ગંગાણી દ્વારા દિગ્દર્શિત 'મૈયારમાં મનડું નથી લાગતું' ને સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મની સિક્વલ 2008માં રિલીઝ થઈ હતી. સાથે જ 'ગામમાં પિયારીયુને ગામમાં સાસરીયુ' (2005) અને 'મુઠ્ઠી ઉંચો માણસ' (2006)ને પણ  દર્શકોનો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. ગોવિંદભાઈ પટેલ દ્વારા દિગ્દર્શિત 'ઢોલી તારો ઢોલ વાગે' (2008), રિલાયન્સ બિગ પિક્ચર્સ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. સાથે જ સુપર સ્ટાર  વિક્રમ ઠાકોરની  'એક વાર પિયુ ને મળવા આવજે' સહિત અનેક ફિલ્મોમાં સફળ અભિનય કર્યો હતો. ગ્રામીણ પ્રેક્ષકો માટેની તેમની છ ફિલ્મોએ ₹3 કરોડથી વધુ કમાણી કરી. તાજેતરમાં 2019માં દિગ્દર્શક બીપીન બાપોદરાની ફિલ્મ 'કુટુંબ' આ ફિલ્મ અને તેના સંગીતે પણ દર્શકોમાં ખૂબ સરાહના મેળવી છે. સાથે જ હિતેન કુમાર, ચંદન રાઠોડ, હિતુ કનોડિયા, મમતા સોની, રોમા માણેક અને મોના થીબા પણ દર્શકોમાં ભારે લોકપ્રિય બન્યા છે. 
વર્ષ 2005માં રિલિઝ થયેલી  લવ ઈઝ બ્લાઈન્ડ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થયેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. તો આશિષ કક્કડ દ્વારા દિગ્દર્શિત 'ધ બેટર હાફ' ભલે કમર્શયલી રીતે નિષ્ફળ ગઈ પરંતુ વિવેચકો અને અર્બન પ્રેક્ષકોનું ધ્યાન ચોક્ક્સ ખેંચ્યું. સુપર 16 એમએમ ફોર્મેટમાં તે પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. સાથે જ  'લિટલ ઝીઝો' ફિલ્મ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં 2009ની ફિલ્મ હતી જે  સૂની તારાપોરેવાલા દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત કરાઇ હતી, જેને  56માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કુટુંબ કલ્યાણ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે સિલ્વર લોટસ એવોર્ડ તેમજ રજત કમલનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. 'મુરતીયો નંબર 1' અને 'વનેચંદનો વરઘોડો'  આ બંને દેવાંગ પટેલ અભિનીત, મોટા બજેટની ફિલ્મો હતી પરંતુ તેનું કલેક્શન સામાન્ય હતું. ત્યારબાદ  ઑગસ્ટ 2011માં, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે મોટી ઉપલ્બધ્ધી ગણી શકાય .જેમાં 2012માં  'વીર હમીરજી' આવી જે  એક ઐતિહાસિક ફિલ્મ હતી આ ફિલ્મે ઓસ્કારમાં ભારતીય પ્રતિનિધિત્વ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. 2016માં જ્ઞાન કોરેઆ દ્વારા દિગ્દર્શિત 'ધ ગુડ રોડ'એ, 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો અને બાદમાં ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલી તે પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. આ ફિલ્મે ઑક્ટોબર 2013માં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, હ્યુસ્ટન ખાતે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જ્યુરી એવોર્ડ જીત્યો હતો. 
2012માં આવેલી ફિલ્મ  'કેવી રીત જઇશ' અને 'બે યાર' આ બંને અભિષેક જૈન દ્વારા નિર્દેશિત ફિલ્મો હતી. જે  શહેરી પ્રેક્ષકોને મલ્ટિપ્લેક્ષ સુધી લાવવામાં  હિટ રહી.  'છેલ્લો દિવસ', 'લવની ભવાઇ', 'મોન્ટુની બીટ્ટુ' જેવી ફિલ્મોની સફળતાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવા કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતાઓને આકર્ષ્યા જેના પરિણામે ફિલ્મ નિર્માણમાં ઉછાળો આવ્યો.  મલ્હાર ઠાકર, આરોહી પટેલ, શ્રદ્ધા ડાંગર, યશ સોની,પ્રતીક ગાંધી, મોનલ ગજ્જર જેવા નવા ચહેરાઓએ ગુજરાતી ફિલ્મ જગતમાં નવો જોમ અને ઉત્સાહ જગાડ્યો છે. હવે  ગુજરાતી મનોરંજન જગતમાં નવો ડંકો વાગી રહ્યો છે.  'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' અને 'છેલ્લો દિવસ'ને 2015ની હિટ ફિલ્મો જાહેર કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન 2014માં ₹7 કરોડથી વધીને 2015માં ₹55 કરોડ  થયું હતું.  2014 અને 2015માં અનુક્રમે કુલ 65 અને 68 ફિલ્મો રિલીઝ થઈ હતી. ગુજરાતી ફિલ્મોની સ્ક્રીનોની કુલ સંખ્યા 2011માં 20 થી 25 હતી જે વધીને 2015માં લગભગ 150-160 થઈ ગઈ છે. જેનું કારણ ફિલ્મોની ગુણવત્તાની સાથે ટેકનિકલ પાસાઓ પણ કારણભૂત હતાં. ફિલ્મોના પ્રોડક્શન અને ગુણવત્તામાં આવેલો સુધારો, ટેક્નોલોજીનો વધતો ઉપયોગ, ફિલ્મના માર્કેટિંગમાં વધારો અને યુવાપેઢીને લક્ષ્યમાં રાખીને પસંદ થતા નવા વિષયોને કારણે ગુજરાતી ફિલ્મ જગત નવી ઉંચાઇઓ પર પહોંચી રહ્યો છે. 
એક અંદાજ મુજબ 2016 અને 2018ના સમયગાળામાં દર વર્ષે લગભગ 50 થી 70 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઇ છે. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ઓગસ્ટ 2018માં ન્યુ જર્સી, યુએસમાં થઈ હતી. જેમાં વર્ષ 2016ની બહુચર્તિત ફિલ્મ  'રોંગ સાઇડ રાજુ' ,2017ની ફિલ્મ 'ઢ ',2018ની ફિલ્મ ' રેવા' એ અનુક્રમે 64મા, 65મા અને 66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. તો સાથે જ 2019ની અભિષેક શાહની બહુચર્ચિત ફિલ્મ  'હેલ્લારો' 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની હતી.  યશ સોની અને  આરોહી પટેલ સ્ટારર રશ્મિન મજેઠિયાના પ્રોડક્શન હાઉસ કોકોનેટ મિડિયાના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ચાલ જીવી લઇએ' આ ફિલ્મે અંદાજે ₹52.14 કરોડની બમ્પર કમાણી કરીને ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 
આ સાથે જ 'બસ ચા સુધી', જેવી વેબ સિરિઝે ગ્લોબલ ગુજરાતી દર્શકોને આકર્ષ્યા. ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર આવેલી 'નોન-આલ્કોહોલિક બ્રેકઅપ'. કે જે પહેલી ગુજરાતી સિરિઝ હતી આ કોમેડી વેબ સિરિઝ 2019માં આવી.  ત્યાર બાદ  'તારી મારી યારી', 'એક બહાનુ આપીશ', 2020માં 'અધુરી વાત', 'પીજી બડીઝ', જેવી ઘણી ગુજરાતી સિરિઝો પણ સફળ રહી. જો કે કોરાના મહામારીમાં ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર પ્રતીક ગાંધીની હિન્દી વેબ સિરિઝ સ્કેમ-1992 અને ગુજરાતી દર્શકો સાથે ગ્લોબલ પ્લેટફોર્મ પર નવો ડંકો વગાડ્યો છે. હજુ પણ ગુજરાતી ફિલ્મ જગત નવી ઉંચાઇઓેને આંબવા અગ્રેસર છે. 
  
Advertisement
Tags :
Advertisement

.