Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વૃક્ષો હમણાં જરૂર કરતા વધારે જ ઝૂમી રહ્યા હોય એવું લાગે છે

હમણાં માસ્તરને ઘેર તો જાણે રોજ અવસરના લીલેરા તોરણ બંધાય છે. ફળિયામાં ઊભેલા થોડાં ઝાડવાઓ, થોડાં પંખીડાંઓ,ગાય અને તેનું વાછરડું એ બધા પણ જાણે આ ખુશહાલીના સહભાગી થયા છે. વ્રુક્ષો હમણાં જરૂર કરતા વધારે જ ઝૂમી રહ્યા હોય એવું લાગે છે. ચકલી, કબૂતર કે કાબરના કલબલાટ,  ગાય, વાછરડાના અવાજો, મોગરાની સુગંધ ફળિયામાં  એક નવી જ ઊર્જા  વેરતા રહે છે. સૂરજદેવતા સવાર અને સાંજને પોતાના કેસરીયા  રંગોથી રà
02:30 AM Jul 31, 2022 IST | Vipul Pandya
હમણાં માસ્તરને ઘેર તો જાણે રોજ અવસરના લીલેરા તોરણ બંધાય છે. ફળિયામાં ઊભેલા થોડાં ઝાડવાઓ, થોડાં પંખીડાંઓ,ગાય અને તેનું વાછરડું એ બધા પણ જાણે આ ખુશહાલીના સહભાગી થયા છે. વ્રુક્ષો હમણાં જરૂર કરતા વધારે જ ઝૂમી રહ્યા હોય એવું લાગે છે. ચકલી, કબૂતર કે કાબરના કલબલાટ,  ગાય, વાછરડાના અવાજો, મોગરાની સુગંધ ફળિયામાં  એક નવી જ ઊર્જા  વેરતા રહે છે. સૂરજદેવતા સવાર અને સાંજને પોતાના કેસરીયા  રંગોથી રંગતા રહે છે.એ પણ સૌમ્ય ભાવે. જરાયે આકરા થયા સિવાય. કયારેક શ્રાવણીયા સરવડાં વરસી પડે છે ત્યારે અબ્દુલને બહાર નીકળતા રોકી શકાતો નથી. બિલાડીની  દોડાદોડી અને ખિસકોલીની ભાગમભાગી હમણાં ફળીયામાં ધમાચકડી મચાવી રહે છે. નિર્જીવ, શાંત દેખાતું ફળિયું હમણાં તો કેવા યે ઉત્સાહથી ધમધમતું રહે છે. છેક મોડી  રાત્રે એ પણ જંપે છે. 
પોસ્ટ  ઓફિસેથી આવ્યા બાદ માસ્તરનો બધો સમય હંસા અને તેની નાનકી, મરિયમ અને અબ્દુલ એ બધા પાછળ જ જાય છે. મીનાબહેન પણ એમાં સામેલ થતા રહે છે. મરિયમ અને  જમના બધે પહોંચી વળે છે. જમના તેના બહારના કામ જલદી જલદી પતાવી નાખે છે. હવે તેને ઘેર આવવાની, અનિલ સાથે  રમવાની ઉતાવળ હોય છે. 
આજે   માસ્તર હંસાની દીકરીને  ખોળામાં રાખીને બેઠા હતા. ત્યાં તે રડતા તેને  તેડીને ઊભા થયા. આ નાનકડી ઢીંગલીને રમાડવી તેમને બહું ગમતી. પણ એ  હજુ  બહુ નાની અને  નબળી   હતી. એથી આવડીક છોકરીને બરાબર તેડતા તેમને ફાવતું નહીં. ત્યાં  હંસા આવી. 
‘ બાપુ, તેને લઈને થોડી વાર બહાર ફળિયામાં ખાટલા પર બેસો. કૂણા તડકામાં તમને પણ ગમશે અને આને પણ. લાવો, તમને એને તેડતા નહીં ફાવે. તમે બેસો હું એને  ત્યાં તમારા ખોળામાં આપું છું. ‘
 મરિયમ અંદર રસોડામાં હંસા માટે શીરો  બનાવતી હતી.’
માસ્તર  ફળિયામાં ખાટલા પર બેઠા. હંસા પિતાના ખોળામાં દીકરીને મૂકે એ પહેલા અબ્દુલ  ત્યાં દોડી આવ્યો.
અને  માસ્તરના પગ પર ઊભો રહી  ગયો.
માસ્તર એને બે પગ પર ઊભો રાખીને “ પાગલો પાવ, મામાને ઘેર જા..”   બોલતા બોલતા ઝૂલાવવા લાગ્યા.
હંસાને આ ગમ્યું નહીં. 
‘ અબ્દુલ , તું  જા. જમના પાસે રમ.  બાપુ, આને લો.’
‘ બેટી, એને બે ચાર મિનિટ ઝૂલાવી લેવા દે.હમણાં ટેવ પડી છે એને. જાજી વાર  તો હું એને કયાં ઝૂલાવી શકવાનો ? ‘ 
હંસાને ખરાબ લાગી ગયું. તે દીકરીને તેડીને અંદર જવા લાગી. આ અજાણ્યા છોકરા માટે  બાપુ પોતાની સગી દીકરીની લાગણી ભૂલી ગયા ? તેને હતું કે પોતે અંદર જશે એટલે બાપુ એને રોકીને દીકરીને લઈ લેશે.
પણ માસ્તરને તો એવો કોઈ વિચાર જ ન આવ્યો, એમને  સમજાયું નહીં કે દીકરીને ખોટું લાગવાથી રિસાઈને અંદર જાય છે.
હંસાને ઘરમાં અંદર જતી જોઈને તેને થયું બેબલીને ભૂખ લાગી હશે એથી દીકરી તેને અંદર લઈ જાય છે.
તે અબ્દુલને રમાડવામાં મશગૂલ બની રહ્યા.
રોજ  રોજ આવી કોઈ ને કોઈ નાની વાત અજાણપણે બનતી રહેતી અને  હંસાને ઓછું આવી જતું. 
અબ્દુલને જાનકી પાસે બેસી રહેવું બહું ગમતું. પોતે જાણે મોટો હોય તેમ  જાનકીના ટચુકડા હાથને પકડવા, તેના પર પોતાનો હાથ ફેરવવો, તેના હાથમાં પોતાનું રમકડું આપવું વગેરે તેને  બહુ ગમતું. તેની પાસે બેસીને નાનકડો ઘૂઘરો વગાડીને તેને રમાડતો. મરિયમે તેને સમજાવ્યું   હતું કે  જાનકી બહું નાની છે. એને અડાય નહિ..દૂરથી રમાડાય. પણ આખરે તો એ પણ  નાનો જ હતો ને. કદીક એને ધીમેથી અડકી લેતો. 
હંસા એક વાર એ જોઈ ગઈ હતી એટલે ખીજાઈને એને દૂર મોકલી દીધો હતો. અબ્દુલ રડતો રડતો જમના પાસે ભરાઈ ગયો.
જમના બિચારી શું બોલી શકે ? મરિયમ મીનાબહેન સાથે રસોડામાં હતી એને તો કંઈ ખબર જ નહોતી. આમ પણ આવી નાની નાની વાતોને મહત્વ આપવાનો એનો સ્વભાવ પણ નહોતો. અબ્દુલને કોઈ ખીજાય એ જમનાને ન ગમતું. પણ એ હંસાને કંઈ કહી શકે એમ નહોતી. હંસા નાનપણથી મોઢે ચડાવેલી છોકરી હતી. એ જમના જાણતી હતી. એને હંસાના સ્વભાવની બરાબર ખબર હતી કે એ રીઝે તો રાજપાટ આપી દે અને ખીજે તો.... તો પછી એનો કોઈ ભરોસો નહિ કે એ શું કરી બેસે. 
હંસાની આડે ન ઉતરો અને એનુ ધાર્યું  થાય તો પછી એને બીજી કોઈ તકલીફ નહોતી.  એ જયારે પણ આવતી ત્યારે જમના  માટે ઘણી વસ્તુઓ લેતી આવતી. જમના સામે એને કોઈ તકલીફ કે વાંધો હોવાનો સવાલ જ નહોતો. જમના તો આ ઘરની જ એક સભ્ય  ગણાતી.જયારે  મરિયમ એક તો મુસલમાન, સાવ અજાણી વ્યક્તિ અને સૌથી મોટી વાત એ કે એ પોતાના બાપુના પ્રેમમાં ભાગ પડાવતી.એથી મરિયમ એને પોતાની હરીફ જેવી લાગતી હતી. 
આજે સવારે માસ્તરની પત્ની કહે,
‘ આપણે હંસાની બેબીનું નામ પાડીએ તો ? ‘
‘ પણ નામ તો એના સાસરીવાળા નક્કી કરશે ને ? ‘
‘ બા, નામ તો અમે એનું નક્કી કરીને જ રાખ્યું છે. પણ અમારા ઘરમાં છ મહિના પછી જ નામકરણની વિધિ એના ફૂઈને હાથે થાય છે.’
‘ હા, એ  લોકો જ તો ઓળી, ઝોળી કરશે ને આ નાનકીને..’ 
માસ્તર હસી રહ્યા.
‘ વાહ, અમને કહે તો ખરી કે શું નામ નક્કી કર્યું છે.’
‘ એના ફૈબાએ એનું નામ જાનકી રાખવાનું નક્કી કર્યું છે.’ 
‘ વાહ..સરસ નામ છે. અમે તો અત્યારથી જ હવે એને જાનકી નામથી જ બોલાવીશું.
“ હા, સરસ નામ છે. મારા અબ્બુએ મને રામાયણની વાર્તા કરી હતી.’
મરિયમે પણ ટહુકો કર્યો. 
‘ તમારે વળી અમારા રામાયણ સાથે શું સંબંધ ? ‘ 
‘ હંસા, એ બધી વાત પછી હું નિરાંતે તને કરીશ. મરિયમ જવાબ આપે એ પહેલા માસ્તરે જ કહ્યું, 
‘ અત્યારે મને તો બહું ભૂખ લાગી છે. મરિયમ બેટા, આજે તો નાસ્તામાં તારા હાથના મેથીના ઢેબરાં જોઈએ હોં.’
‘ હા, ભાઈ, ચોક્ક્સ..’ 
અને મરિયમ રસોડામાં ઘૂસી.
‘ કેવી મજાની છોકરી છે નહીં ? ‘
‘ હા, સાચી વાત. જરા વાર જંપીને બેસતી નથી. આખો વખત કંઇ ને કંઇ કર્યા જ કરે છે. મને તો સાવ નિરાંત છે હમણાં. આ છોકરી જશે પછી ખબર પડવાની છે. 
‘ હંસા, બપોરે આપણે બધા સૂઈ જાઈએ છીએ ત્યારે એ છોકરી શું કરે છે ખબર છે ? ‘
હંસા મા સામે જોઈ રહી.
હવે મા પણ એના વખાણ કરવા લાગી ? હંસાના દિલમાં એક કસક ઊઠી. 
‘ હંસા તને ખબર છે ? આ છોકરી ન જાણે કેટલી યે ઊન અને જાતજાતના રંગીન દોરા લઈ આવી છે.  તારી આ નાનકી દીકરી માટે સરસ મજાનું સ્વેટર ગૂંથે છે. અને તારા માટે એક સાડી ભરે છે. નવરી બેસતા તો જાણે એ શીખી જ નથી.એના હાથમાં હુન્નર છે હોં. અને પગમાં તો જાણે પૈડા. મને કહે, જતા પહેલા બધા માટે એક એક ગૂંથવું છે.  તારા બાપુ માટે તો આપણે આવ્યા એ પહેલા જ ગૂંથી લીધું છે.  જો, કેવું  મજાનું છે.’ 
કહેતા મીનાબહેને દીકરી સામે આસમાની, ભૂરા  રંગનું એક સ્વેટર ધર્યું. પણ હંસાએ  એ જોયું ન જોયું કર્યું.  તે બેબીમાં પરોવાઈ રહી. તેના ચહેરા પર એક અણગમો છવાઈ રહ્યો હતો.
મા બાપ મરિયમના વખાણ કરે એમાં  હંસાને એનો ગરાસ લૂંટાઈ  જતો હોય  એવું લાગતું હતું. આ શું પોતાના ઘરમાં  પારકી અને એ પણ એક મુસલમાન છોકરીના આવડા માનપાન ? હંસાથી એ કેમ સહન થાય ?  એટલે એના ચહેરા પર અણગમો ઉભરી  રહ્યો.  
  માસ્તર માંદા હતા ત્યારે મરિયમે  રામજી પાસે ઊન મગાવીને તેમના માટે એક સુંદર  સ્વેટર ગૂંથ્યું હતું. 
માસ્તર એ સ્વેટર હાથમાં લેતા બોલી ઊઠયા. 
 ‘ મરિયમે આ ઘરમાં જનમ નથી લીધો એટલું જ. બાકી એ આપણી બીજી દીકરી જ બની ગઈ છે. જાણે હંસાની મોટી બેન. હંસા પહેલા જન્મેલી આપણી એક દીકરીને ભગવાને બોલાવી લીધી હતી ને ? જાણે મરિયમના રૂપે એ આપણને પાછી મળી. ’
એ સ્મરણ સાથે મીનાબહેન ભાવુક બની ગયા. 
‘ તમારી વાત સાચી છે.  મને પણ એવું જ લાગે છે. ‘ 
‘ હવે બીજી કોઈ વાત કરશો ? તમને તો મરિયમ સિવાય બીજું કંઇ જાણે સૂઝતું જ નથી.’
નહોતું બોલવું તો પણ હંસાથી બોલાઈ ગયું.
હંસાના શબ્દો કરતા પણ તેના અવાજની રુક્ષતા સાંભળી માસ્તર થોડા ડઘાઈ ગયા. તેમને થયું સારું છે મરિયમ અત્યારે રસોડામાં છે અને તેણે આ અવાજ નથી સાંભળ્યો.
‘ બેટા, તને ખબર નથી કે તું  કે તારી બા  અહીં નહોતા ત્યારે આ છોકરીએ મારી કેવી અને કેટલી ચાકરી કરી છે. બરાબર તારી જેમ જ.’ 
‘ હશે બાપુ, ઘરમાં હોય તો કરે જ ને ? બાકી બાપુ, તમારી દીકરી તો હું જ હોં.’
‘ હા.હા..બેટા, એમાં તો કોઇ શંકા થોડી છે ? તું તો મારી વહાલસોયી દીકરી..તારા સમાચાર નહોતા મળ્યા ત્યારે હું કેવો રઘવાયો થઈ ગયેલો. અને મારા એ રઘવાટે, એ અજંપાએ  જ મારી  દ્રષ્ટિ બદલાવીને મને  જીવનની બીજી બાજુ જોતા શીખવી અને સમજાવી. નહીંતર તારો આ બાપ તો..’
બોલતા બોલતા માસ્તર ગળગળા બની ગયા.
‘ બાકી બેટા, તું તો મારું જીવન. મારું લોહી, મારું પહેલું અને એક માત્ર સંતાન. તારા સિવાય તો હું સાવ અધૂરો..બેટા,’ 
માસ્તર વહાલસોયી દીકરીના માથે હાથ ફેરવતા કેટકેટલું બોલી રહ્યા. આજે સંવેદનાઓનો પ્રવાહ છલકી રહ્યો હતો. હંસાને એમાં ભીંજાવું ખૂબ સારું લાગ્યું. મનને થોડો સંતોષ થયો. 
આજ સુધી  ઘરમાં હંસાનું એકચક્રી સામ્રાજય ચાલતું. ઘરમાં બધું  તેનું ધાર્યું જ થતું. એથી તે થોડી જિદ્દી થઈ ગઈ હતી. નાની નાની વાતમાં તેના મગજનો પારો સાતમા આસમાને ચડી જતો કે  કયારેક ધાર્યું ન થાય ત્યારે રિસાતા વાર ન લાગતી. પછી તેને મનાવતા માસ્તરને નાકે દમ આવી જતો. એમાં પણ બાપુનું ખોટું તો બહું જલ્દી લાગી જતું. કેમકે એ  વધારે ચાગલી તો તે બાપુની જ હતી.   
આ વહાલસોયી દીકરીને સાસરે વળાવતી વખતે માસ્તરની આંખમાં દરિયો છલકયો હતો. દિવસો સુધી તે  અણોહરા બનીને બેસી  રહ્યા હતા. 
આજે આ ક્ષણે બાપ દીકરી બંનેની ભીતરમાં એ બધી  સ્મૃતિઓ રણઝણી ઊઠી હતી.
માસ્તરનો નેહ નીતરતો હાથ દીકરીના માથે ફરી રહ્યો હતો. હંસા ઘણાં સમય બાદ  બાપના હૈયામાંથી વહેતી વહાલપની અમૃતધારામાં નહાઈ રહી. બાપ દીકરી બંને ન જાણે આ કેવી ભાવસમાધિમાં ડૂબી ગયા.
ઘડિયાળના કાંટા સાથે દોડતો સમય પણ જાણે બે ચાર ક્ષણ થંભીને બાપ દીકરીની આ પુનિત સ્નેહસમાધિમાં ગરકાવ થઈ રહ્યો.
મરિયમ કંઇક કહેવા આવી પણ આ અનુપમ દ્રશ્ય જોઈ શબ્દો ગળામાં જ અટકી ગયા. તેની આંખો પણ અબ્બુની યાદમાં છલકી રહી. 
 આ  ભાવ સમાધિમાં ખલેલ ન પહોંચે એ રીતે તે પાછી ફરી.
હંસાનું ધ્યાન મરિયમ પર પડી ચૂકયું હતું, મરિયમને પાછી જતી જોઈ એને કોઠે ટાઢકનો શેરડો પડયો. એની ભીતરમાં કેવો યે હાશકારો છવાયો. બાપ દીકરીની  ભાવ સમાધિમાં ખલેલ ન પહોંચે એ માટે મરિયમ પાછી જતી હતી. ત્યાં માસ્તરનું ધ્યાન તેના પર પડયું.
‘ અરે, મરિયમ આવ , આવ બેટા..’
‘ ના, ના, ભાઈ, ખાસ કંઇ કામ નથી.’
‘ કામ હોય કે ન હોય, બેટા, આવ મારી પાસે ઘડીક બેસ. બધા આવ્યા છે ત્યારથી તું નિરાંતે મારી પાસે બેઠી જ નથી. હું જાણું છું, તું આખો દિવસ કામમાં જ રહે છે.પણ બેટા, અમને સૌને આમ પાંગળા ન બનાવી દે.તું તો હમણાં ચાલી જઈશ. પછી અમને બધાને કેવું આકરું લાગવાનું ?
 હંસાના  હોઠ પિતાની વાત સાંભળીને વંકાયા. એ કંઈ બોલી નહિ.
મરિયમે કહ્યું,
 ‘ ના, ભાઈ, એવું કંઈ નથી. આ તો હમણાં આ નાનકડી દીકરી અને મારી નાની બેન સાથે રહેવાનો લહાવો લઉં છુ. માસી છું તો જાનકીને મન ભરીને રમાડી  લઉં ને ?  આવો મોકો જીવનમાં બીજી વાર મળે કે ન મળે કોને ખબર છે ? ‘
 ‘ મળશે બેટા, જરૂર મળશે. ભાણીને  મન ભરીને પ્રેમ કરવાનો મોકો માસીબાને  જરૂર મળવાનો.’
ઘણીવાર અજાણતા બોલાઈ જતા શબ્દોમાં કુદરતનો કોઈ ગૂઢ સંકેત છૂપાયેલો હોય છે જેની જાણ સમય આવે જ થતી હોય છે. 
માસ્તરના આ શબ્દોમાં  પણ ભવિષ્યની કોઈ અગમવાણીના સૂર હતા કે શું ? 
 ક્રમશ :
Tags :
GujaratFirstMariyamthiMeeraNovel
Next Article