ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની (IND vs AUS)જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ પછી, બંને ટીમો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું કે રોહિત પારિવારિક કારણોસર સીરિઝની પ્રથમ મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. આ સાથે બીસીસીઆઈએ અંતિમ બે ટેસ્ટ માટે પણ ટીમ જાહેર કરી છે.
2013માં ભારત માટે છેલ્લી વનડે રમનાર જયદેવ ઉનડકટને આ શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઉનડકટે ભારત માટે 7 વનડે રમી છે. જેમાં તેની 8 વિકેટ છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાની પણ ટીમમાં વાપસી થઈ છે. એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર રહેલો અય્યર પણ વાપસી કરી ચૂક્યો છે.
18 સભ્યોની ભારતીય ટીમ
ત્રણ મેચની શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ અને ટી20ની જેમ ભારત વનડે રેન્કિંગમાં પણ ટોપ પર છે. જો રોહિત શર્મા પ્રથમ વનડે નહીં રમે તો તેના સ્થાને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.17 માર્ચે મુંબઈમાં ODI શ્રેણીની પ્રથમ મેચ બાદ બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. રોહિત આ મેચથી ટીમ સાથે જોડાશે. શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.