ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે રમાશે પ્રથમ વન-ડે, જાણો કોનું પલડું છે ભારે
T20 શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યા બાદ ભારતની નજર હવે વનડે શ્રેણી પર રહેશે. ટીમ ઈન્ડિયા આજથી ત્રણ મેચની વનડે શ્રેણીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ મેચ આજે લંડનના ઓવલમાં રમાશે. મેચ સાંજે 5:30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયાએ T20 સીરીઝમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું છે. આ સીરીઝમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મ વિશ્વાસ સાતમા આસમાને છે. હવે રોહિત સેનાની નજર વનડે શ્રેણી પર છે. જ્યાà
09:46 AM Jul 12, 2022 IST
|
Vipul Pandya
T20 શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યા બાદ ભારતની નજર હવે વનડે શ્રેણી પર રહેશે. ટીમ ઈન્ડિયા આજથી ત્રણ મેચની વનડે શ્રેણીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ મેચ આજે લંડનના ઓવલમાં રમાશે. મેચ સાંજે 5:30 વાગ્યાથી રમાશે.
ટીમ ઈન્ડિયાએ T20 સીરીઝમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું છે. આ સીરીઝમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મ વિશ્વાસ સાતમા આસમાને છે. હવે રોહિત સેનાની નજર વનડે શ્રેણી પર છે. જ્યારથી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી છે ત્યારથી તે એક પણ સીરીઝ હારી નથી. રોહિત શર્મા લાંબા સમય બાદ વનડેમાં વાપસી કરી રહ્યો છે. રોહિત શર્માએ છેલ્લે 11 ફેબ્રુઆરી 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI રમી હતી. ઈજા અને આરામના કારણે તેને ODI ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. મહત્વનું છે કે, બંને ટીમો વચ્ચેની ODI મેચોમાં હેડ-ટૂ-હેડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 42 ODI મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 16 મેચ જીતી છે, જ્યારે 22 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
મહત્વનું છે કે, વર્ષ 2018 બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ધરતી પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 3 વનડે રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આટલું જ નહીં, ટીમ ઈન્ડિયા વર્ષ 2019 પછી ઓવલમાં પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડ સામે રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે દરમિયાન હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે, ત્યારબાદ ભેજ 63 ટકા રહેશે. મેચ દરમિયાન 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે તેથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન વરસાદ નહીં પડે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડે મેચમાં મોટો ઝટકો લાગી શકે તેવી સંભાવનાઓ છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ઈજાના કારણે પ્રથમ મેચમાં બહાર થઈ શકે છે. BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે, વિરાટ કોહલીને છેલ્લી મેચ દરમિયાન સ્નાયુમાં ઈજા થઈ હતી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આવું બેટિંગ દરમિયાન થયું કે ફિલ્ડિંગ દરમિયાન. જો વિરાટ કોહલી આજની મેચમાં નહી રમી શકે તો શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરી શકાય છે.
ઓપનર શિખર ધવનના સમાવેશ સાથે વિરાટ કોહલીના ખરાબ ફોર્મમાં હોવા છતાં, ભારત બેટિંગ વિભાગમાં મજબૂત માનવામાં આવે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માના મતે ટીમ માટે તમામ મેચો મહત્વની છે. ટીમ એ વિચારીને રમી શકતી નથી કે ODI એ પ્રાથમિકતા નથી. વળી દરેકના વર્કલોડને ધ્યાનમાં લેવું પડશે. ટીમમાં ફેરફાર થશે પરંતુ અંતિમ લક્ષ્ય મેચ જીતવાનું રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે પ્રથમ વનડે મેચ રમાશે ત્યારે પીચ મહત્વનો ભાગ ભજવશે. અહીંની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. ફાસ્ટ બોલરોને અડધી મેચ પછી મદદ મળે તેવી શક્યતા છે, જ્યારે સ્પિનરો મિડલ ઓવરોમાં પોતાનો દબદબો જમાવી શકે છે.
Next Article