મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક, મોદી સરકાર સામે આ રહી આરોપોની વણઝાર
કોંગ્રેસ હવે મોંઘવારી મુદ્દે આક્રમક બની છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ શનિવારે પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર પર મોંઘવારી મુદ્દે આરોપ લગાવતાં કહ્યું હતું કે દેશની જનતા મોંઘવારીથી ત્રસ્ત થઇ ગઇ છે અને દેશમાં હવે મોંઘવારી પણ ઇવેન્ટ બની ગઇ છે. મોંઘવારીમુકત ભારતના કોંગ્રેસના અભિયાન અંતર્ગત રણદીજ સૂરજેવાલાએ કહ્યું હતું કે ભાજપે દેશને નવા વર્ષે ભેટ આપી છે અને દેશ પર 1,25,407.20 કરોડનું દેવુ થઇ ગયું છે.
ચૂંટણીમાં વિજય લૂંટનું લાયસન્સ બન્યું
રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે દેશની જનતા “મહેંગે મોદી-વાદ” થી ત્રસ્ત બની ગઇ છે. મોદી સરકારનો હવે મંત્ર છે ચૂંટણીમાં વિજય એ લૂંટનું લાયસન્સ બની ગયું છે. તેમણે કહ્યું હતું કે 1લી એપ્રિલથી મોદી સરકાર દ્વારા લાદવામાં આવેલા 'પ્રાઈસ રાઈઝ'ના આદેશે ભારતના દરેક ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે અને દરેક વ્યક્તિના ભરણપોષણ માટે “મોંઘવારી” એ સૌથી મોટો પડકાર છે. વધતી મોંઘવારી દરેક ઘરના જીવન અને આજીવિકા પર હુમલો કરી રહી છે, પરંતુ મોંઘવારીએ ભાજપ અને મોદી સરકાર દ્વારા લોકોની મજાક ઉડાડવા માટે ઉજવવામાં આવતી દૈનિક ઘટના બની ગઇ છે.
પેટ્રોલ-ડિઝલમાં રોજ ગુડ મોર્નિંગ ગિફ્ટ મળે છે
તેમણે આરોપ લગાવ્યો હતો કે જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની ડેઈલી ગુડ મોર્નિંગ ગિફ્ટ મળી રહી છે અને છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે 10મો વધારો છે. સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7.20 રુપીયે પ્રતિ લિટરનો વધારો થયો છે. ભારત સરકારના 'પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ' મુજબ, વર્ષ 2020-21માં પેટ્રોલનો વપરાશ 27,969 હજાર મેટ્રિક ટન હતો. રુપીયા 7.20 પ્રતિ લિટરના ભાવ વધારાથી લોકો પર વધારાનો વાર્ષિક બોજ 20,138 કરોડ થાય છે, જયારે વર્ષ 2020-21માં ડીઝલનો વપરાશ 72,713 હજાર મેટ્રિક ટન હતો. બીજી તરફ 1લી એપ્રિલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો, જેના કારણે ઘરેલું રસોઈ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ખાતરના ભાવ વધ્યા
રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે 62 કરોડ ખેડૂતો પર ટેક્સ લાદવામાં આવ્યો છે. મોદી સરકાર કિસાન આંદોલન માટે ભારતના અન્નદાતાઓ સામે બદલો લેવા માંગે છે. 50 કિલોની ડીએપી બેગની કિંમતમાં 150 રૂપિયા પ્રતિ બેગનો વધારો કરવામાં આવ્યો , જે તેને 1200 રૂપિયાથી લઈને 1350 રૂપિયા પ્રતિ થેલી પર લઈ ગયો છે. ભારતના ખેડૂતો દર વર્ષે 1,20,00,000 ટન (1.20 લાખ કરોડ ટન) DAP વાપરે છે. ભાવવધારાથી ખેડૂતો પર વધારાનો બોજ 3,600 કરોડ રુપીયાનો પડશે. બીજી તરફ 50 કિલોની NPKS બેગની કિંમત બેગ દીઠ રુપીયા 110 વધારીને રુપીયા 1290 થી લઈને 1400 રુપીયા પ્રતિ થેલી થઈ ગઈ છે, જેથી ખેડુતો પર વધારાનો બોજ 3,740 કરોડ રુપીયા પડશે. છેલ્લા 2 મહિનામાં તેમાં 346 રુપીયાનો વધારો કરવામાં આવ્યો છે.
ગેસ સિલીન્ડરના ભાવ વધ્યા
તેમણે આરોપોની વણઝાર લગાવતાં કહ્યું હતું કે ભાજપના છેલ્લા 8 વર્ષના શાસનમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 845 રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો છે. 22મી માર્ચ 2022ના રોજ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે જયારે માર્ચ 2021થી, ઘરેલું ગેસ સિલિન્ડરનાં ભાવમાં 140.50 રુપીયાનો વધારો થયો છે. ભારત સરકારના 'પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ' મુજબ, વર્ષ 2020-21માં LPGનો વપરાશ 27,384 હજાર મેટ્રિક ટન હતો. સિલિન્ડર દીઠ 140.50 રુપિયાના ભાવ વધારા સાથે, લોકો પર વધારાનો વાર્ષિક બોજ 27,095 કરોડ રુપિયા થાય છે.
સીએનજી પણ હવે મોંઘો
તેમણે કહ્યું કે CNG હવે સામાન્ય માણસનું બળતણ છે , કારણ કે લોકોને પેટ્રોલ અને ડીઝલ પોસાઈ શકતા નથી. 1 એપ્રિલે એક મહિનામાં છઠ્ઠી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો તથા 80 પૈસા પ્રતિ કિલોના વધારાથી છેલ્લા મહિનામાં જ CNG 4 રુપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. દિલ્હીમાં તેની કિંમત હવે 60.81 રુપિયા પ્રતિ કિગ્રા છે પરંતુ અન્ય શહેરોમાં 79.49 રુપિયા પ્રતિ કિગ્રા સુધી બદલાય છે. ભારતમાં CNG વપરાશ 3,247 હજાર મેટ્રિક ટન છે. તેના આધારે વર્ષ 2021-22 CNGનો વપરાશ 3,500 હજાર મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. આ મહિને 4 રુપિયા પ્રતિ કિલોના ભાવે લોકો પર વધારાનો બોજ 1,400 કરોડ થાય છે. રુપિયા 7.20 પ્રતિ લિટરના ભાવ વધારાથી લોકો પર વધારાનો વાર્ષિક બોજ ₹52,353 કરોડ થાય છે. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ-યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂ. 71.41 અને રૂ. 55.49 પ્રતિ લીટર હતા, જે હવે વધીને રૂ. 102.6 પ્રતિ લિટર અને દિલ્હીમાં રૂ. 93.87 પ્રતિ લિટર થઇ ગયા છે. 2014માં જ્યારે ભાજપે સત્તા સંભાળી ત્યારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી રૂ.9.20 પ્રતિ લિટર અને ડીઝલ પર રૂ.3.46 પ્રતિ લિટર હતી. ડીઝલ પરની આબકારી જકાતમાં 531% અને પેટ્રોલ પરની આબકારી જકાતમાં 203%નો આ આઘાતજનક વધારો છે. મોદી સરકારે આઠ વર્ષમાં માત્ર પેટ્રોલ અને ડીઝલ પર જ એક્સાઈઝ ડ્યુટી વધારીને રૂ. 26,00,000 કરોડની કમાણી કરી છે.
ટોલટેકસમાં પણ વધારો
રણદિપ સુરજેવાલાએ કહ્યું કે 1લી એપ્રિલથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સ 10-15 ટકા વધારવામાં આવ્યો છે. વર્ષ 2020-21માં ટોલ ટેક્સની વાર્ષિક વસૂલાત 28,458 કરોડ હતી. વર્ષ, 2021-22માં, ટોલ ટેક્સની વસૂલાત 34,000 કરોડ હતી. 18%ના વધારાથી જાહેર મુસાફરી પર 6,120 કરોડનો વધારાનો બોજ પડશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે બીમાર દર્દીઓને પણ છોડ્યા નથી. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 1લી એપ્રિલથી લગભગ 800 આવશ્યક દવાઓના ભાવમાં 10.76% ના વધારાની જાહેરાત કરી છે. સામાન્ય દવાઓ જેવી કે પેરાસીટામોલ, તાવની દવાઓ જેવી કે એઝિથ્રોમાસીન, સિપ્રોફ્લોક્સાસીન, મેટ્રોનીડાઝોલ અને કોવિડ-19ની સંભાળ માટેની અન્ય દવાઓ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, એનિમિયા, ચામડીના રોગ, વિટામિન્સ તમામના ભાવ વધી જશે. તેનાથી સામાન્ય ગ્રાહક પર 10,000 કરોડનો બોજ પડશે.
હવે ઘર ખરીદવું પણ મોંઘું
તેમણે કહ્યું કે સ્ટીલ, સિમેન્ટ, ઈંટો, તાંબુ, સેનિટરી ફીટીંગ્સ, લાકડું વગેરે જેવી બાંધકામ સામગ્રીની કિંમતમાં વધારો કરાયો છે , જેના કારણે એપ્રિલમાં આવાસની કિંમતો અને બાંધકામ ખર્ચમાં 15% વધુ વધારો થયો છે. સ્ટીલમાં માર્ચ 2021 થી માર્ચ 2022 સુધી 30%, સિમેન્ટની કિંમતમાં 22% ,કોપર અને એલ્યુમિનિયમ અનુક્રમે 40% અને 44% વધ્યા હતા જયારે સ્ટીલના ભાવ 35 રુપિયે કિગ્રાથી વધીને 90 રુપિયા કિગ્રા થઈ ગયા છે. સિમેન્ટની થેલીમાં લગભગ 100 રુપિયા વધી ગયા છે.
હોમ લોન પર કર કપાત નાબૂદ
રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે IT એક્ટની કલમ 80EEA જે પહેલીવાર ઘર ખરીદનારાઓને હોમ લોનના વ્યાજની ચુકવણી પર રૂ. 1.5 લાખ સુધીની વધારાની કર કપાતનો લાભ આપતી હતી તે મોદી સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. પીએફ એકાઉન્ટ પર ટેક્સ લદાયો છે, જયારે 1 એપ્રિલ, 2022 થી EPF ખાતામાં 2.5 લાખથી વધુના યોગદાન પર વ્યાજ પર ટેક્સ લાગશે. અગાઉ, પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરો 8.5% થી ઘટાડીને 8.1% કરવામાં આવ્યા હતા. જેની અસર લગભગ 6.7 કરોડ લોકોને થઈ હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે 1 એપ્રિલથી આધારને PAN સાથે લિંક ન કરવા પર એપ્રિલ-જૂન દરમિયાન 500નો દંડ અને માર્ચ 2023 સુધી 1,000નો દંડ વસૂલવામાં આવશે. નવું પાન કાર્ડ મેળવવાની કિંમત 107 રુપિયા છે અને આધાર માટે 100 રુપિયા છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી વધુ એક ભાવવધારાની જાહેરાત કરશે. મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2021 થી અત્યાર સુધીમાં ચાર વખત કિંમતોમાં વધારો કર્યો , જેમાં કુલ લગભગ 9%નો વધારો થયો છે. જે એક વર્ષમાં કાર નિર્માતા દ્વારા રજૂ કરવામાં આવેલો સૌથી વધુ ભાવ વધારો છે. ટાટા મોટર્સ પણ તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5% વધારો કરશે. ટોયોટાએ 4% સુધીના ભાવવધારાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ હવે મોંઘો થઈ ગયો છે.
ટીવી, ફ્રિજ સહિતની ચીજો પણ મોંઘી
ટીવી, એસી, રેફ્રિજરેટર, એલઈડી, મોબાઈલની કિંમતોમાં પણ વધારો થઇ ગયો છે. 1લી એપ્રિલથી મોદી સરકારે એલ્યુમિનિયમ ઑર અને કોન્સેન્ટ્રેટ પર 30% ડ્યુટી લાદી છે, જેનો ઉપયોગ ટેલિવિઝન, એસી અને રેફ્રિજરેટર હાર્ડવેર બનાવવામાં થાય છે. આ સિવાય કોમ્પ્રેસરમાં વપરાતા પાર્ટ્સ પર પણ આયાત ડ્યૂટી વધારવામાં આવી છે, જેનાથી રેફ્રિજરેટરની કિંમતમાં વધારો થશે. LED બલ્બ બનાવવામાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી વત્તા 6% રિઈમ્બર્સમેન્ટ ડ્યુટી વસૂલવામાં આવશે. એસી, ટીવી, ફ્રિજ, એલઇડી બલ્બના ભાવ 15% અને મોબાઈલના ભાવ 20-30% વધશે. નાગરિકના જીવનનો એક પણ ક્ષેત્ર એવો નથી કે જ્યાં કિંમતો વધી ન હોય તેવો આરોપ તેમણે લગાવ્યો હતો.