Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે સ્વામી વિવેકાનંદ જયંતી, તેમની આ વાતો રહી છે હંમેશા પ્રેરણાદાયી

માત્ર 39 વર્ષની યુવાન વયે દુનિયામાંથી વિદાય લેનાર ભારતના મહાન સપૂત નરેન્દ્ર વિશ્વનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ ઊજવવામાં આવે છે અને ભારતભરમાં સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda)ને આદરપૂર્વક યાદ કરી યુવા દિન (Youth Day)ના રૂપમાં તેમના જીવનકાર્યને શ્રદ્ધાંજલિ અપાય છે.યુવા શકિત દેશની અમોઘ સંપદાયુવા શકિત એ દેશની અમોઘ સંપદા છે. નિરંતર શકિતનો સ્ત્રોત એટલે યુવાન. કોઇ પણ સમયે પડકાà
આજે સ્વામી વિવેકાનંદ જયંતી  તેમની આ વાતો રહી છે હંમેશા પ્રેરણાદાયી
માત્ર 39 વર્ષની યુવાન વયે દુનિયામાંથી વિદાય લેનાર ભારતના મહાન સપૂત નરેન્દ્ર વિશ્વનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ ઊજવવામાં આવે છે અને ભારતભરમાં સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda)ને આદરપૂર્વક યાદ કરી યુવા દિન (Youth Day)ના રૂપમાં તેમના જીવનકાર્યને શ્રદ્ધાંજલિ અપાય છે.
યુવા શકિત દેશની અમોઘ સંપદા
યુવા શકિત એ દેશની અમોઘ સંપદા છે. નિરંતર શકિતનો સ્ત્રોત એટલે યુવાન. કોઇ પણ સમયે પડકારોને ઝીલી લે એ જ સાચો યુવાન છે એટલે જ કહેવાયુ છે કે જો તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ. આ જ યુવાનમાં અદભુત ધૈર્ય શકિત અને સ્‍થિતપ્રજ્ઞતા હોવી જોઇએ. ખંત અને અદમ્‍ય ઉત્‍સાહનો સમન્‍વય એટલે યુવાન. આવા યુવાનો પાસે રાષ્‍ટ્ર ઘણી અપેક્ષાઓ રાખે છે.
રાષ્‍ટ્ર જીવનના પાસાઓનો સૂક્ષ્મ વિચાર
સ્વામી વિવેકાનંદે કહયું હતું કે ‘‘આજે જરૂર છે તાકાત અને આત્‍મ વિશ્વાસની..... આપણામાં હોવી જોઇએ ફૌલાદની તાકાત અને મનોબળ. એમની એ સિંહ ગર્જનાએ કાશ્‍મીરથી કન્‍યાકુમારી સુધીના યુવકોમાં નવો જોશ અને ઉત્‍સાહ ભરી દીધો હતો. યુગદૃષ્‍ટા સ્‍વામી વિવેકાનંદે આપણા રાષ્‍ટ્ર જીવનના પ્રત્‍યેક પાસાંઓનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઉતારીને દરેક ભારતવાસી સ્‍વ કલ્‍યાણ, સમાજ કલ્‍યાણ, રાષ્‍ટ્ર કલ્‍યાણ અને વિશ્વ કલ્‍યાણ કરીને પોતાને અને દેશને ઉજ્જવળ કીર્તિ અપાવી શકે છે.
જન્મ
સ્‍વામી વિવેકાનંદનો જન્‍મ ઇ.સ. 1863ના જાન્‍યુઆરીની 12મી તારીખે, સંવત 1919માં પોષ મહિનાની સાતમને સોમવારના શુભ દિવસે થયો હતો. મહાદેવની કૃપાથી પ્રાપ્ત થયેલાં પુત્રનું નામ માતાએ વીરેશ્વર રાખ્‍યું હતું. અને ત્‍યાર બાદ એમનુ નામ નરેન્‍દ્રનાથ રાખવામાં આવ્‍યું હતું. તેમના પિતા વિશ્વનાથજી વકીલ હતા અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. શ્રી નરેન્દ્રના દાદા પણ નાની વયે સંન્‍યાસી બન્‍યા હતા.
બાળપણ
નરેન્‍દ્રને સાધુ સંતો પ્રત્‍યે નાનપણથી જ ખૂબ આદરભાવ હતો. નરેન્દ્રના માતા એ ઉત્તમ શિક્ષિકા હતા. નરેદ્રને બાળપણમાં માતા પાસેથી જીવનની ઉપયોગી તાલીમ મળી હતી. માતાના ખોળામાં બેસીને તેણે રામાયણ, મહાભારત અને બીજી અનેક પૌરાણિક કથાઓ સાંભળી હતી. એ રીતે પ્રથમ ધાર્મિક શિક્ષણના બીજ માતાએ જ નરેન્દ્રમાં  રોપેલા. બંગાળના સુપ્રસિધ્‍ધ પંડિત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્‍સ્‍ટીટયુશન નામની શાળામાં નરેન્‍દ્રએ શિક્ષણ લીધું હતું. અને  ત્‍યારબાદ પ્રેસિડેન્‍સી કોલેજમાં જોડાયા હતા.
અસાધારણ બુધ્‍ધિ પ્રતિભા
તેમની અસાધારણ બુધ્‍ધિ પ્રતિભાથી શિક્ષકો અને સહાધ્‍યાયીઓ આકર્ષાયા હતા. તેમજ તેમનું ભરાવદાર, સ્‍નાયુબધ્‍ધ સુડોળ શરીર, પ્રભાવશાળી ચહેરો અને વિશાળ આંખો જોઇને સૌ કોઇ એમના ઉપર મુગ્‍ધ બનતા. નરેન્‍દ્ર દૃઢપણે માનતા કે, ચારિત્ર્ય એ જ માનવ જીવનનો પાયો છે. બ્રહ્મચર્ય વિના આધ્‍યાત્‍મિક અનુભવ અશક્‍ય છે તેમ તેમને લાગતું. થોડો સમય તેઓ બ્રહ્મોસમાજના વાતાવરણમાં રહ્યા હતા.
રામકૃષ્‍ણ પરમહંસ સાથે મુલાકાત
સને 1881માં નરેન્‍દ્રનાથ શ્રી રામકૃષ્‍ણ પરમહંસને પ્રથમ વાર તેમના પાડોશમાં સુરેન્‍દ્રનાથ મિત્રને ત્‍યાં મળ્‍યા હતા અને દક્ષિણેશ્વર આવવા કહ્યું હતું. આ પ્રસંગ પછી તેમણે ઘરમાં લગ્ન કરવાની અસંમતિ દર્શાવી હતી. એક દિવસ તેઓ દક્ષિણેશ્વર ગયા અને ત્‍યાં તેમના ગાયેલા ભજનોની શ્રી રામકૃષ્‍ણએ પ્રશંસા કરી હતી. એક મહિના બાદ ફરી તેઓ રામકૃષ્‍ણને ત્‍યાં પહોંચી ગયા હતા ત્‍યારે રામકૃષ્‍ણ તેમને નજીકના મદુમલ્લિકના બાગમાં લઇ ગયા થોડું ફરી ઘરે આવ્‍યા અને નરેન્‍દ્રને ધ્‍યાનમાં બેસાડયાં. નરેન્‍દ્રને સારું ધ્‍યાન લાગી ગયું. આ પ્રસંગ પછી શ્રી રામકૃષ્‍ણ અને નરેન્‍દ્રનાથ વચ્‍ચે પ્રેમનું આકર્ષણ વધવા લાગ્‍યું.
ગુરુ શિષ્‍ય બન્યા
શ્રી રામકૃષ્‍ણના ત્‍યાગ, પવિત્રતા, સતત ઇશ્વર ભક્‍તિથી નરેન્‍દ્રનાથ એમના પ્રત્‍યે આકર્ષાયા હતા.જ્‍યારે શ્રી રામકૃષ્‍ણ નરેન્‍દ્રનાથના નીડરતા, સ્‍વાશ્રયવૃત્તિ, સત્‍યનિષ્‍ઠા વગેરે ગુણોથી આકર્ષાયા હતા. હવે બંને ગુરુ શિષ્‍ય બની ગયા હતા. શ્રી રામકૃષ્‍ણ સ્‍વધામ પધાર્યા પછી બધાં શિષ્‍યોમાં વિવેકથી જુદા પડી આવતા નરેન્‍દ્ર વિવેકાનંદજી કહેવાયા. ગુરુભાઇઓ સાથે સન્‍યાસનો સંકલ્‍પ લઇને વરાહનગરમાં મઠ સ્‍થાપ્‍યો. કેટલાંક ગુરુભાઇઓ પરિવ્રાજક બન્‍યા.
ભારતભ્રમણ
વિવેકાનંદજીએ વિચાયું હવે હું સંસારમાં મહાન કાર્યો કરીશ ગુરુજીના વિચારો વિશ્વમાં ફેલાવીશ. સ્‍વામી વિવેકાનંદે ઉત્તરભારત, રાજસ્‍થાન, ગુજરાત, મહારાષ્‍ટ્ર, કર્ણાટક, કન્‍યા કુમારી વગેરે સ્‍થળે પર્યટન કર્યું. ગુજરાતમાં તેઓ વડોદરા, ખેડા, અમદાવાદ, લીંબડી, ભાવનગર, શિહોર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, ભૂજ, પાલીતાણા, પોરબંદર સહિતના સ્‍થળે ફર્યા હતા.
ગુજરાતમાં રોકાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્‍વામી વિવેકાનંદના તીર્થાટન દરમિયાન જૂનાગઢમાં દિવાનજી હરિદાસ વિહારીદાસે સ્‍વામીજીને પોતાના મહેમાન બનાવ્‍યા હતા. અહીં તેમણે ગિરનારની ગુફાઓ અને પવહારી બાબાએ જ્‍યાં તપશ્ચર્યા કરી હતી તે સ્‍થાન જોયું હતું. સ્‍વામીજી પોરબંદરમાં સૌથી વધુ અગીયાર માસ રોકાયા હતા. અહીં તેમણે પતંજલીની યોગશાખાનો અભ્‍યાસ કર્યો અને ફ્રેન્‍ચ ભાષા પણ શીખ્‍યા.
સ્‍વામી વિવેકાનંદના પ્રેરણાદાયી ઉદ્‌ગારો
  • જે મનુષ્‍યને પોતાની જાતમાં શ્રધ્‍ધા નથી તે નાસ્‍તિક છે.
  • ઉઠો ! જાગો અને ધ્‍યેયપ્રાપ્તિ સુધી કાર્યરત રહો.
  • નિઃસ્‍વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.
  • જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે.
  • ઇશ્વરની શોધ બીજે ક્‍યાં કરવા જશો? શું બધાં દિન દુઃખી અને દુર્બળ લોકો ઇશ્વરરૂપ નથી ? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી ?
સંન્યાસ દેશભક્‍તિનું દર્શન
સ્‍વામી વિવેકાનંદજીએ તીર્થાટન દરમિયાન રાષ્‍ટ્ર જીવનને નજીકથી નિહાળ્‍યું હતું. દેશમાં વ્‍યાપેલા અજ્ઞાન, ગરીબાઇ અને હૃદયની દુર્બળતાને દૂર કરવા સ્‍વામીજીનો આત્‍મા પોકારતો હતો.  અને સ્વામીજીએ એનો ઇલાજ શોધી કાઢયો હતો. ત્‍યાગ અને સેવાના આદર્શથી જ ભારતવર્ષ જગદગુરુ તરીકે વિરાજતો હતો. એ ત્‍યાગ અને સેવાથી જ ભારતમાં નવજીવન પ્રગટ થશે. દુઃખી દેશ બાંધવોના દુઃખ નિવારણ કાજે તેમણે દેશભક્‍તિમાં સંન્‍યાસ જોયો અને સન્‍યાસમાં દેશભક્‍તિનું દર્શન કર્યું.
વિશ્વ ધર્મ પરિષદમાં સંબોધન
તા. 31 મે 1893ના રોજ મુંબઇ ખાતેથી અમેરીકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા સ્‍ટીમર માર્ગે સ્‍વામીજી ગયા હતા. ધર્મ પરિષદમાં સ્‍વામી વિવેકાનંદજીએ બહેનો અને ભાઇઓ એવું સંબોધન કરીને વ્‍યાખ્‍યાન આપ્‍યું. તેમનુ વ્‍યાખ્‍યાન સર્વોત્તમ હતું અને સર્વસ્‍પશી સચ્‍ચાઇ અને દ્રષ્‍ટિબિંદુની વિશાળતા તરી આવી હતી. તેથી સભા મુગ્‍ધ થઇ ગઇ હતી. અમેરીકાના ઘણાં  શહેરોમાં સ્‍વામીજીના અનેક વ્‍યાખ્‍યાનો ગોઠવાતા અને લોકો એમની અદ્‌ભૂત વાકછટા, તેજસ્‍વી વ્‍યક્‍તિત્વ અને વિરલ જ્ઞાન વૈભવથી અંજાઇ જતા. સ્‍વામીજીએ શ્રીલંકા, ઇંગ્‍લેન્‍ડ  અને યુરોપનો પણ પ્રવાસ કર્યો હતો.
મહાપ્રયાણ
સને 1897માં સ્‍વામી વિવેકાનંદજીએ તેમના શિષ્‍યો સાથે શ્રી રામકૃષ્‍ણ મિશનની સ્‍થાપના કોલકત્તામાં કરી 1898ની તા. 9મી ડિસેમ્‍બરે શ્રી રામકૃષ્‍ણ મઠની અને 1899 બેલૂર મઠની સ્‍થાપના કરી. સને 1902ની તા. 04 જુલાઇએ સ્‍વામી વિવેકાનંદજીએ એક સાચા યોગીને શોભે એ રીતે મહાપ્રયાણ કર્યું તેઓશ્રીએ 39 વર્ષ, 5 માસ અને 24 દિવસનું આયુષ્‍ય ભોગવ્‍યું હતું.
શ્રી રામકૃષ્‍ણ  પરમહંસ અને સ્‍વામી વિવેકાનંદે પ્રબોધેલ સત્‍યો અને આદર્શો મુજબ તેમની સ્‍થાપેલ સંસ્‍થાઓ ભારતના તેમજ સમગ્ર વિશ્વના કલ્‍યાણ માટે વિવિધ રીતે કાર્યો કરી  રહી છે. વિવિધ કાર્યો માનવમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાના ભાવથી કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.