એક ‘નો બોલે’ આશા પર પાણી ફેરવ્યું, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાંથી બહાર
આજે દેશવાસીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
વર્લ્ડકપમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બહાર થઈ ગઈ છે. મહિલા વર્લ્ડ કપ 2022ની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાએ
ભારતીય મહિલા ટીમને 3 વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચ
છેલ્લી ઓવર સુધી ચાલી હતી,
પરંતુ ભારતીય ટીમ જીત નોંધાવી શકી
નહોતી. આ હાર સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને
પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને સુકાની મિતાલી રાજની
શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતે આ કરો યા મરોના મુકાબલામાં સાત વિકેટે 274 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા
માટે 7 રનની જરૂર હતી. ભારતીય બેટ્સમેન
ત્રિશા ચેટ્ટી બીજા બોલ પર રન આઉટ થઈ ગઈ હતી. પાંચમા બોલ પર હરમનપ્રીત કૌરે શબમીન
ઈસ્માઈલનો શાનદાર કેચ પકડ્યો, પરંતુ
તે નો બોલ બની ગયો, જેના કારણે ભારતીય ટીમને વિકેટ ન મળી.
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી. દક્ષિણ આફ્રિકા
તરફથી લૌરા વોલ્વાર્ટે 80 રન બનાવ્યા હતા. લારા ડૂડલે 49 રન બનાવ્યા હતા, તેને રાજેશ્વરી ગાયકવાડે આઉટ કર્યો
હતો. મિનોઆન ડુ પ્રેઝે 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાજેશ્વરી
ગાયકવાડે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 61 રન આપ્યા. આ સાથે જ હરમનપ્રીત કૌરે 8 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાના ત્રણ
બેટ્સમેન રન આઉટ થયા હતા.
ભારતે 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને
પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ પહેલા જ સેમી ફાઇનલમાં
જગ્યા બનાવી ચૂકી છે. શેફાલી (46
બોલમાં 53) અને સ્મૃતિ (84 બોલમાં 71) એ 90 બોલમાં 91 રનની ભાગીદારી કરી હતી જ્યારે
હરમનપ્રીત કૌરે 57 બોલમાં 48 રન બનાવ્યા હતા. 18 વર્ષની શેફાલીએ ટૂર્નામેન્ટની પ્રથમ
અડધી સદી ઝડપી બોલર મસાબતા ક્લાસને મિડ-ઓન પર ફોર ફટકારીને પૂરી કરી હતી.
શેફાલીએ આક્રમક ઇનિંગ રમી હતી
શેફાલીએ ખૂબ જ આક્રમક બેટિંગ કરી.
શેફાલીએ દક્ષિણ આફ્રિકાની સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર શબનમ ઈસ્માઈલને શરૂઆતથી જ દબાણમાં
રાખ્યું હતું. તેણે શબનમની બીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની
ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ઓપનરો જે રીતે રમી રહ્યા હતા તે જોઈને
એવું લાગતું હતું કે ભારત ફરી એકવાર 300નો આંકડો પાર કરશે, પરંતુ
શેફાલી અને ત્રીજા નંબરની બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ એક પછી એક વિકેટ ગુમાવી, જેના કારણે રન-રેટમાં ઘટાડો થયો.
શેફાલી અને સ્મૃતિ વચ્ચે લેગ સાઈડ પર રન લેવાને લઈને ગેરસમજ થઈ હતી અને શેફાલી
રનઆઉટ થઈ ગઈ હતી.
મિતાલી-હરમનપ્રીતે ઇનિંગ્સ સંભાળી હતી
યસ્તિકાએ ઓફ-સ્પિનર ચોલ ટ્રાયોન પર
સ્વીપ શોટ રમ્યો અને બોલ તેના સ્ટમ્પ સાથે અથડાયો. ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન
વિના 91 રનથી સીધો બે વિકેટે 96 રન થઈ ગયો હતો. આ પછી મિતાલી અને
સ્મૃતિએ ઇનિંગ્સને આગળ ધપાવી હતી. શરૂઆતના સ્પેલમાં મોંઘી સાબિત થયેલી શબનમે
શાનદાર વાપસી કરીને ભારતીય કેપ્ટન પર દબાણ બનાવ્યું હતું. મિતાલી, જોકે, જ્યારે તે ક્રિઝ પર સ્થિર થઈ ત્યારે તેણે બિન્દાસ રમી. સ્મૃતિની
વિદાય બાદ મિતાલી અને હરમનપ્રીતે ઝડપી રન બનાવ્યા હતા. જોકે છેલ્લી દસ ઓવરમાં
માત્ર 51 રન જ બનાવી શક્યા અને ચાર વિકેટ પડી
ગઈ. મિતાલીએ આ મેદાન પર 22 વર્ષ પહેલા પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં
પણ અડધી સદી ફટકારી હતી.