Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કંઇક સંકોચાતી મરિયમ ધીમા પગલે માસ્તર પાછળ દોરાઈ.

માસ્તર અને મરિયમ ફળીયામાં  ગોઠવાયા. માસ્તર તેમની જૂની આરામ ખુરશી પર અને મરિયમ ત્યાં રહેલા ખાટલા પર બેઠી. બોરસલ્લીની ડાળીઓ મત્ત બનીને મહેકતી હતી. બાજુમાં ઊભેલો લીમડો મલકાતો મલકાતો બંનેને વિન્ઝણો  નાખતો હતો.  આસમાને પણ આજે તેનો પૂરો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. આખું આકાશ તારલાથી ખીચોખીચ  ભર્યું હતું. એ  પણ  અંતરની અમીરાત  ઠાલવતું હોય એમ ઝગારા મારતું હતું.  હતી. માણસોની અમીરાત આગળ પોતà
05:51 AM Jun 05, 2022 IST | Vipul Pandya
માસ્તર અને મરિયમ ફળીયામાં  ગોઠવાયા. માસ્તર તેમની જૂની આરામ ખુરશી પર અને મરિયમ ત્યાં રહેલા ખાટલા પર બેઠી. બોરસલ્લીની ડાળીઓ મત્ત બનીને મહેકતી હતી. બાજુમાં ઊભેલો લીમડો મલકાતો મલકાતો બંનેને વિન્ઝણો  નાખતો હતો.  આસમાને પણ આજે તેનો પૂરો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. આખું આકાશ તારલાથી ખીચોખીચ  ભર્યું હતું. એ  પણ  અંતરની અમીરાત  ઠાલવતું હોય એમ ઝગારા મારતું હતું.  હતી. માણસોની અમીરાત આગળ પોતે હારી ન જવું જોઇએ. કદાચ આ  બંનેની  વાતમાં તેમને પણ રસ પડયો હતો. ઓટલા પર બિલાડી આરામ ફરમાવી રહી હતી. તો નાનકડી ખિસકોલીને જાણે  અત્યારે પણ  સખ નહોતું વળતું. એ મોજથી લીમડા ઉપર ચડ ઉતર કરી રહી હતી. ગાય અને તેનું નાનકડું વાછરડું શાંતિથી પોઢી  ગયા હતા. મરિયમની નજર ફળીયામાં આ બધા તરફ ફરતી રહી. 
થાકેલો અબ્દુલ અંદર સૂઈ ગયો હતો.જમના અને રામજીએ પણ  જમી લીધું હતું. જમના  ફળિયામાં વાસણ ઘસતી હતી. રામજી ગમાણમાં ગાયને ચારો નીરતો હતો. 
મરિયમ મૌન બેઠી હતી. તેની  ઉદાસ આંખો જોઈ માસ્તરને થયું કે  મરિયમને  બીજી  કોઈ વાત ઉપર ચડાવવી જોઈએ. નહીતર તે તેના અબ્બુના વિચારોમાં જ અટવાયેલી રહેશ. પણ શું વાત કરે પોતે  ?   
“ બેટા, તને ખબર છે ? મારે પણ તારા જેવી જ મીઠી અને તારા જેવડી જ એક દીકરી છે.એનું નામ હંસા.” 
હંસાના નામ સાથે  પોસ્ટમાસ્તરના અવાજમાં  એક કુમાશ ઉમેરાઇ.
અત્યારે માસ્તર પાસે હંસા સિવાય બીજી કઈ એવી વાત હતી ?   
 “  હંસાની બા એની પાસે જ ગઇ છે. એની સુવાવડના  સમાચાર આજકાલમાં  આવવા જ જોઇએ. હંસાની તબિયત કંઇક સારી નથી એમ છેલ્લા સમાચાર આવ્યા હતા. આજે પાંચ પાંચ  દિવસથી... “ 
કહેતા માસ્તરનો સાદ ગળગળો બની ગયો.પોતે તો પાંચ દિવસમાં જ ધીરજ ખોઇ બેઠા હતા.
અલીએ કેવા વસમા પાંચ વરસો કાઢયા હશે ? એક પણ દિવસ ચૂકયા સિવાય તેનું રોજ પોસ્ટ ઓફિસે આવવું. બધાની મજાકનું પાત્ર બનવું. એની આશાભરી આંખો  કાગળોના થપ્પા પર કેવી મંડાઇ રહેતી.
માસ્તરના મનમાં ફરી ફરીને એ જ  વિચારોનો  ચક્રવાત...   
કાકા, મને ખબર નથી પડતી કે મારે તમને શું કહેવું જોઈએ ?  હું તમને કાકા કહું કે ? ” 
હંસા મને હંમેશા ભાઈ કહીને જ બોલાવે છે. મારી બા અને બહેન મને ભાઈ કહેતા એટલે એ પણ ભાઈ કહેતા જ શીખી હતી.તું પણ મને ભાઈ કહી શકે છે. 
મરિયમને એ ગમ્યું. 
“ હું પણ તમને ભાઈ જ કહીશ. “ 
‘ હા, ચોક્કસ.મને ગમશે.  તું પણ મારી હંસા જેવી જ છો. અને હા, મારી દીકરી માટે તું દુવા કરીશ ને ? ‘ 
મરિયમે હકારમાં ડોકું ધૂણાવ્યું. 
માસ્તર કેવા યે સ્નેહથી હંસાની, તેના શૈશવની વાત કરતા કરતા કયાંય સુધી અતીતની ગલીઓમાં ફરતા રહ્યાં. સામે મરિયમ બેઠી હતી એ પણ થોડી પળો ભૂલાઇ ગયું. એ તો જાણે હંસા સાથે જ વાત  કરતા હતા. અને આમ પણ સામે હંસા હોય કે મરિયમ હવે  શો ફરક પડતો હતો ? 
અત્યારે  સામે એક  દીકરી બેઠી હતી એ એક માત્ર સત્ય અને એ એક માત્ર ધરપત. 
 મરિયમ  મૌન રહીને આ વત્સલ પિતાની સ્મરણકથા સાંભળતી રહી.  પિતા માત્રનું ભીતરનું પોત કદાચ આવું જ હોતું હશે ને ? બહારથી રુક્ષ અને ભીતર તો આખું  ભીનું ભીનું.  
મરિયમને થયું પોતાના  અબ્બુને તો સમયે કયાંથી કયાં પહોંચાડી દીધા હતા ? કાશ ! અત્યારે એ અહી હોત. 
માસ્તરની વાત સાંભળતી મરિયમના મનમાં  એના અબ્બુની યાદો છલકતી હતી.
થોડી વારે માસ્તર કહે,
‘ મરિયમ, હંસાની તબિયત સારી નહોતી. તેની બા ત્યાં ગઇ તો છે પણ જોને આજ સુધી કોઇ સમાચાર નથી આવ્યા ? તે સારી તો હશે ને ? મારું મન તો કેવું ગભરાય છે. ખરાબ વિચારો જ આવ્યા કરે છે. બેટા, એને સારું હશે ને ? બધું હેમખેમ પાર તો ઉતરશે ને ? ‘ 
નાના બાળક જેવી નિર્દોષતાથી માસ્તર ફરી ફરીને એ જ સવાલ પૂછી રહ્યાં. જાણે મરિયમ  કહે કે સારું થઇ જશે  તો સારું થાય જ.  મરિયમ ઉપર ન જાણે કેવી યે શ્રધ્ધા માસ્તરના મનમાં બેસી ગઇ હતી.
“ ભાઈ, ચિંતા ન કરો. તમારી દીકરીના  સારા સમાચાર આવશે, બહુ જલ્દી આવશે. મને વિશ્વાસ છે. 
‘ બેટા, તારા મોઢામાં ઘી,સાકર. ઈશ્વર કરે ને  તારી વાણી ફળે એટલે ગંગ નાહ્યા.’ 
હંસાના સારા સમાચાર આવશે જ..મરિયમના એ શબ્દોમાં શ્રદ્ધા, વિશ્વાસનો  રણકો અનુભવીને માસ્તરનાં હૈયામાં  એક હાશકારો છવાયો. 
થોડી ક્ષણો બંને  મૌન બેસી રહ્યા. મરિયમ કદાચ તેના અબ્બુના વિચારોમાં અને માસ્તર તેની દીકરી હંસાના વિચારોમાં ખોવાઈ રહ્યા. વાતાવરણમાં એક ચુપકીદી છવાઈ રહી. થોડીવારે મરિયમનું મૌન તૂટયું.  
‘ ભાઈ, કાલે સવારે મારે અબ્બુની  કબર પર જવું છે.  તેમને  મળવા.  પછી ત્યાંથી  હું અબ્દુલને લઈને અમારે ઘેર જઈશ.  તમારી પાસે  અમારા ઘરની ચાવી છે ?  કાગળની  સાથે અબ્બુએ કદાચ  ચાવી પણ તમને આપી હોય. ‘
‘ ના, બેટા, મારી પાસે કયાંથી હોય ? હું તો.. ‘
આગળ શું બોલવું તે માસ્તરને સમજાયું નહીં. 
‘ કોઈ વાંધો નહીં,  ઘરની ચાવી આસપાસમાં કોઈ પાસે તો જરૂર હશે જ.’ 
‘ બેટા, અલીની કબર પર જરૂર જઈશું. પરંતુ  ઘેર જઈને શું કરીશ ? ત્યાં હવે કોણ છે ? ‘ 
‘ ત્યાં મારા વહાલા અબ્બુની યાદો છે. મારી યાદો, અમારી સહિયારી યાદો. અમારી જિંદગીના પાનાઓ. અલબત્ત એમાં સુખની ક્ષણો કરતાં વ્યથાના  વીતક વધારે છે. પણ સાથે અમારા બાપ દીકરીના વહાલનો ઘૂઘવતો સમંદર પણ ત્યાં જ છે.’ 
અરે વાહ..તને તો બોલતા બહુ સરસ આવડે છે. ‘માસ્તરને નવાઈ લાગી. 
‘ એના કારણમાં પણ મારા અબ્બુ છે. એ  એક શિક્ષક..’ 
કહેતા મરિયમ એકદમ અટકી ગઈ. પોતે ન બોલવાનું બોલી જાય છે એનું ભાન થતા એ મૌન બની.
પણ માસ્તરને એ ખબર ન પડી. એ કદાચ એની ધૂનમાં જ હતા. એમણે કહ્યું, 
‘ ઠીક છે બેટા, હું તારી ભાવના સમજી શકું છું. હું પણ તારી સાથે  તારે ઘેર આવીશ. એકવાર મન ભરીને તારા એ ઘરને મળી લે.  પછી શું કરવું એ આપણે સાથે બેસીને નક્કી કરીશું.’ 
‘ અને બીજી વાત. ભાઈ, મારી પાછા જવાની ટિકિટ બે મહિના પછીની છે.અબ્બુ સાથે  નિરાંતે રહેવાશે એમ માનીને સાસુ પાસેથી પૂરા  બે મહિનાની રજા મળવાથી હું તો કેવી  યે રાજી થતી આવી હતી. પણ હવે...બોલતા  મરિયમનો શ્વાસ રૂંધાયો. 
ખેર ! પણ ભાઈ, તમે મારી ટિકિટ વહેલી કરાવી આપશો ? હું એકાદ બે દિવસ મારા એ ઘરમાં અબ્બુની યાદો સાથે રહીને પછી પાછી જઈશ. હું કેવી કમનસીબ કે લગ્ન પછી અબ્બુને એકવાર મળી પણ ન શકી કે અબ્બુ  પોતાના દોહિત્રને  એકવાર જોઈ પણ ન શકયા.અબ્દુલને જોઇને, તેને રમાડીને અબ્બુ કેટલા ખુશ થયા હોત.તેમની સૂની જિંદગીને બે મહિના માટે  હું ખુશીથી છલકાવી દેત. અને પછી એ મીઠી યાદોને  સહારે અબ્બુ જીવી ગયા હોત. પણ ખુદાએ એવો સમય મારી ઝોળીમાં નાખ્યો નહિ.  હવે અહી રહીને શું કરવાનું ? અબ્બુને યાદ કરી કરીને  રોજ દુ:ખી થવાનું કે અફસોસ કર્યા કરવાનો.’ 
અબ્બુને ન મળાયાનો અફસોસ મરિયમના દિલને કોરી ખાતો હતો.
માસ્તર એ સમજી શકતા હતા. પણ શું જવાબ આપે તે ?
‘ બેટા, જવાની એવી ઉતાવળ કરવાની જરૂર નથી. આવી છો તો હંસા અને એની બાને મળીને જ જજે. ‘
‘ ના, ભાઈ, હવે રહેવાનું મન નથી થતું. ‘ 
‘ ઠીક છે.એ બધું આપણે પછી નિરાંતે નક્કી કરીશું. તું મનમાં કોઈ જાતનો સંકોચ ન રાખીશ. આજે જ આવી છો. લાંબી મુસાફરીનો થાક પણ લાગ્યો હશે. આજે આરામ કરી લે..પછી આપણે સાથે બેસીને વિચારીશું. ‘
ત્યાં અંદરથી અબ્દુલના રડવાનો અવાજ સંભળાતા મરિયમ અંદર દોડી. 
માસ્તર પણ થોડીવારે અંદર ગયા. પાણી પી, ભગવાનને નમીને તેમણે હાથમાં માળા લીધી. માસ્તરને હૈયે આજે  ટાઢક વળી હતી. મરિયમને મળીને હંસાની ચિંતા પણ થોડી વાર  વિસરાઇ ગઇ હતી. હંસાના સારા સમાચાર જ આવશે એવી પૂર્ણ શ્રધ્ધા ભીતરમાં વ્યાપી હતી. ઓમ નમ: શિવાયનો જાપ કરતા  આજે તે  નિરાંતવા જીવે સૂઇ ગયા.
 રાત ધીમે ધીમે વહેતી રહી. વત્સલ પિતા જેવા માસ્તરના સ્નેહથી  મરિયમના દિલને કદાચ  થોડી શાતા  વળી હતી. પણ અબ્બુને ન મળી શકાયાનો અફસોસ દિલને કોરી રહ્યો હતો. લાંબી મુસાફરીનો થાક હતો.  છતાં  સાવ અજાણી જગ્યાએ જલ્દીથી ઊંઘ ન આવી.  આખી રાત તે  તેના વહાલા અબ્બુ સાથે ન જાણે શું યે વાતો કરતી રહી.
છેક મોડી રાત્રે બીડાયેલી મરિયમની આંખો સવારે ઉઘડી ત્યારે  સૂરજદેવતાએ  ઓરડામાં પોતાનો અડ્ડો જમાવી દીધો હતો. અબ્દુલ પણ હજુ સૂતો હતો. થોડાં કિરણો અબ્દુલના ચહેરા પર  ઝળૂંબીને તેને વહાલ કરી રહ્યા હતા.  
પોતે મોડી ઉઠી છે એવું લાગતા મરિયમને  જરા સંકોચ થયો. સવારે વહેલા ઉઠવાની માસ્તરની તો વરસોની આદત હતી. એ તો  નાહી ધોઇને તૈયાર થઇને  પૂજા કરવા બેસી ગયા હતા. આમ તો પૂજાનું કામ પત્ની જ સંભાળતી હતી.પણ પત્નીની ગેરહાજરીમાં  તેના ઠાકોરજીની  જવાબદારી  માસ્તરને  માથે હતી. 
મરિયમ ઉઠતા જમના તેની પાસે આવી. માસ્તરે તેને સૂચના આપી રાખી હતી.તેણે મરિયમને બધું બતાવ્યું અને સમજાવ્યું. માસ્તરનું ઘર વરસો જૂનું હતું. તેના દાદાના જમાનાના એ ઘરમાં  માસ્તરે સમય અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં  થોડી સગવડો કરાવી હતી. ચાર ઓરડા, મોટી ઓસરી, રસોડું અને વિશાળ  ફળિયું. જગ્યાની કોઈ ખોટ નહોતી. ફળિયાના સામેના  ખૂણામાં આવેલી  એક ઓરડીમાં રામજી અને જમનાનો  સંસાર વસેલો  હતો. બીજા ખૂણામાં  છાપરું કરીને ગાયની ગમાણ કરી હતી. એક ગાય અને તેનું વાછરડું ફળિયાને જીવંત રાખવામાં ફાળો આપતા હતા. 
જમનાએ બધું બતાવ્યું. અને  મરિયમે  જલદી જલદી નાહી લીધું. મરિયમ મુસલમાન છે એ જાણીને જમનાને તેના માટે થોડો અણગમો જાગ્યો હતો. માસ્તરે પોતાના ઘરમાં એક મુસલમાન છોકરીને કેમ ઘાલી ? એવો સવાલ તેણે થયો હતો. રાત્રે પતિ આગળ તેણે પોતાનો અણગમો ઠાલવ્યો પણ હતો. પણ રામજીએ તેને સમજાવી હતી. આમ  પણ માસ્તરને તો તે શું કહી શકે ? 
જોકે મરિયમ માટે ભલે અણગમો જાગ્યો હોય. પણ નાનકડા અબ્દુલને જોઇને જમનાના હૈયામાં માતૃત્વનું અમીઝરણું ફૂટયું હતું. પૂરા એક દાયકાથી એક બાળકની આશાએ  રામજી અને જમનાએ પથ્થર એટલા દેવ કર્યા હતા. પણ હજુ જમનાનો ખોળો ખાલી જ હતો.
મરિયમ નહાવા ગઈ ત્યારે જ અબ્દુલ જાગી ગયો અને મા ન દેખાતા એણે  સ્વાભાવિક રીતે જ ભેંકડો તાણ્યો.
જમના દોડી આવી. તેણે બાળકને તેડી લીધો. અજાણી વ્યક્તિને જોઈ અબ્દુલનું રુદન વધ્યું. અસલામતીની, અસુરક્ષાની ભાવના, સમજ અબોધ બાળકમાં પણ  કુદરતે મૂકી જ હોય છે. રડતા અબ્દુલની આંખો માને શોધી રહી હતી.  
પણ જમનાએ  તેને ફોસલાવીને  તેડી લીધો અને ફળિયામાં  લઇ ગઈ.  તે અબ્દુલને ત્યાં ઉભેલા ગાય અને વાછરડું બતાવતી હતી ત્યાં જ  એક બિલાડી દોડતી આવી. અબ્દુલને જમનાએ બિલાડી બતાવી. અબ્દુલનું રડવાનું બંધ થઇ ગયું.  રડવાનું ભૂલીને તે બિલાડીની પાછળ  દોડયો.
બિલાડી સાથે રમતમાં પરોવાયેલો અબ્દુલ થોડીવારમાં માને પણ  ભૂલી ગયો. તેની સાથે કાલી ઘેલી વાતો કરતી જમનાએ  તેને ફોસલાવીને  દૂધ પણ પીવડાવી દીધું.  મરિયમ નાહીને બહાર નીકળી ત્યારે અબ્દુલ જમના સાથે રમી રહ્યો હતો.  તે જોઈ મરિયમને નવાઈ લાગી.
 બાળક બીજું કશું સમજી શકે કે નહીં પરંતુ  પ્રેમની ભાષા અવશ્ય પામી જતું હોય છે. 
મરિયમે અબ્દુલને નવડાવીને તૈયાર કર્યો. જમનાએ નાસ્તા માટે ગરમ ભાખરી બનાવી હતી. માસ્તરે  ટેવ મુજબ એક વાર તો ઉઠતાની સાથે જ તેમણે ચા પી લીધી  હતી. હવે બીજી વાર મરિયમ સાથે પીવા બેઠા. 
‘ બેટા, નાસ્તામાં તું શું ખાય છે એ ખબર નથી. અમારે તો રોજ સવારે ચા સાથે ભાખરી, થેપલું કે રોટલી એવું કંઈક જ  હોય.’ 
‘ ભાઈ, તમે એવી ચિંતા ન કરો. અમે પણ સવારે એવું બધું જ ખાતા હોઈએ છીએ. ‘ 
મરિયમનો સંકોચ હજુ દૂર થયો નહોતો. માસ્તરના સ્નેહ નીતરતા શબ્દોથી તેને થોડી સાતા ચોક્કસ મળી હતી. પણ  અબ્બુના મરણનો ઘા  એમ જલ્દીથી કેમ વિસરાય ? તે માંડ માંડ થોડું ખાઈ શકી.
આગલી રાત્રે વાત થયા મુજબ આજે  મરિયમને તેના અબ્બુની કબરે જવું હતું. 
‘ ભાઈ, તમારે  ધક્કો ખાવાની જરૂર નથી.તમે હેરાન ન થાવ.  હું કોઈને રસ્તો પૂછીને જઈ આવીશ. આમ પણ તમારે પોસ્ટ ઓફિસ પણ જવાનું હશે ને ? ‘
‘ આજે તો રવિવાર. રજાનો દિવસ. મારે ઘેર બીજું કરવાનું પણ શું છે ? હું તારી સાથે આવું છું. ‘ 
 થોડીવારે માસ્તર સાથે  અબ્દુલને  તેડીને મરિયમ બહાર નીકળી. 
ક્રમશ : 
Tags :
GujaratFirstMariyamthimiraNilamDoshiNovelpart5
Next Article