Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 1001 અંગો અને ટીસ્યુઓનું દાન

દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે. આદિવાસી સમાજના બ્રેઈનડેડ હીનાબેન રસીલભાઈ ચૌધરીના પરિવારે તેમના કિડની, લીવર, ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્ય
01:08 PM Apr 13, 2022 IST | Vipul Pandya
દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે. આદિવાસી સમાજના બ્રેઈનડેડ હીનાબેન રસીલભાઈ ચૌધરીના પરિવારે તેમના કિડની, લીવર, ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું.
વ્યારાની મહિલાનું અંગદાન કરાવાયું
 વ્યારામાં રહેતા હીનાબેનને ખેંચ અને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેઓને વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું.ત્યારબાદ ડોક્ટરોએ હીનાબેનને બ્રેનડેડ જાહેર કરતા કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હીનાબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલની સાથે રહી હીનાબેનના પતિ રસીલભાઈ, દિયર સુનીલભાઈ, પ્રવીણભાઈ અને રીતેશભાઈને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 
પરિવારની સમજાવટ કરાવાઇ 
હિનાબેનના પતિ રસીલભાઈએ જણાવ્યું કે અમે આદિવાસી સમાજના છીએ. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે મારી પત્નીના અંગોનું દાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વધુમાં તેઓએ જણાવ્યું કે આજે સમાજમાં લોકો અંગદાન માટે આગળ આવતા નથી જેને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને નવુંજીવન મળી શકતું નથી.જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેઈનડેડ થાય ત્યારે તેઓના અંગદાન માટે તેઓના પરિવારજનોએ આગળ આવવું જોઈએ.
અંગોનું અલગ અલગ વ્યકતીને દાન કરાયુ
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૧ વર્ષીય વ્યક્તિમાં ડૉ.રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૩ વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૦ વર્ષીય વ્યક્તિમાં ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીજ્ઞેશ ઘેવારીયા અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ ૫૦ વર્ષીય અને ૫૪ વર્ષીય મહિલામાં ડૉ.સંકેત શાહ અને તેમની ટીમ દ્વારા કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે સુરત અને દક્ષીણ ગુજરાતના દર્દીઓને તેનો લાભ મળી રહ્યો છે.
સમગ્ર પ્રક્રિયા પાર પડાઇ
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં હીનાબેનના પતિ રસીલભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, સંજય ટોચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો. 
અત્યાર સુધી 1001 અંગોનું દાન 
ઉલ્લેખનીય છે કે આજના હીનાબેનના અંગદાન દ્વારા અત્યાર સુધી ડોનેટ લાઈફ દ્વારા દક્ષીણ ગુજરાતમાંથી ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે. સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાળા જણાવે છે કે આ ઐતિહાસિક ઘટનાનો શ્રેય તમામ અંગદાતા પરિવારજનો, સુરત અને દક્ષીણ ગુજરાતના ડોકટરો, હોસ્પિટલોના સંચાલકો અને સ્ટાફ, સુરત નવી સિવિલ હોસ્પિટલ, સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત શહેર પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરીટી, ડોનેટ લાઈફના સ્વયંસેવકોને જાય છે. સુરતે આજે અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. 
Tags :
DonateLifeGujaratFirstorgandonationSurat
Next Article