સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ 2023માં બોટાદની દિવ્યાંગ ખેલાડી અને તેના કોચની પસંદગી
અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદ જિલ્લામાંથી વર્લ્ડ ગેમ્સમાં જનાર પ્રથમ દિવ્યાંગ ખેલાડી તથા કોચની પસંદગી થતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમાં પણ વર્લ્ડ ગેમ્સમાં જનાર જિલ્લાના પ્રથમ દિવ્યાંગ ખેલાડી અને તેના કોચ બંન્ને મહિલા હોય વિશેષ ગૌરવ બનેલ છે.
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ 2023 માં બોટાદની દિવ્યાંગ ખેલાડી અને તેના કોચની પસંદગી થઇ છે. આઠ વર્ષની સખત તૈયારી અને હિંમત થકી બોટાદ જિલ્લાની પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડી વર્લ્ડ ગેમ્સ રમવા જશે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરી અને બોટાદ જીલ્લાના સ્પે.એજ્યુ કેટર કોચ બકુલાબેનનું જર્મનીના બર્લિન ખાતે યોજાનાર વર્લ્ડ ગેમ્સ માટે સિલેકશન થયું છે.
મનોદિવ્યાંગ ખેલાડીઓને સમાન તક અને સમાજમાં માન સન્માન પૂર્વકનું સ્થાન મળે તે માટે સ્પેશિયલ ઓલિમ્પિકસ ગુજરાત કાર્યરત છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ ખાતે એસ.ઓ.જી. બોટાદ દ્વારા મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2013માં બોટાદ જીલ્લાની અલગ રચનાથી જ બોટાદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોચે તે માટે ટ્રેનિંગ પ્રોગ્રામ અને જિલ્લા કક્ષાના સિલેકશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
બોટાદ જીલ્લામાં આવેલ રાણપુર તાલુકાનાં પાણવી ગામમાં વસવાટ કરતા ખેત મજુરી કામ કરતા માલધારી સમાજના હનુભાઈ અને બાઘુબેનની દિવ્યાંગ દીકરી બોળીયા કાજલમાં રહેલ સ્પોર્ટ્સની ક્ષમતાને પારખી એસ.એસ.એ.નાં શિક્ષક રાજુભાઈ ધનવાણીયા દ્વારા તેને પ્રાથમિક તાલીમ સાથે જુદા-જુદા કેમ્પમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.આઠ વર્ષનાં સઘન પ્રયાસથી બોટાદ જીલ્લાની દિવ્યાંગ ખેલાડી બોળીયા કાજલ તથા તેના કોચ બકુલાબેન મોજીદ્રાએ પોંડીચેરી, ગાંધીનગર અને નોઇડા ખાતે એન.સી.સી.ના કેમ્પ પૂર્ણ કરી આગામી જુન-2023માં જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિકસ વર્લ્ડ ગેમ્સ માટે પસંદગી પામ્યા છે.
બોટાદ જિલ્લામાંથી વર્લ્ડ ગેમ્સમાં જનાર પ્રથમ દિવ્યાંગ ખેલાડી તથા કોચની પસંદગી થતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમાં પણ વર્લ્ડ ગેમ્સમાં જનાર જિલ્લાના પ્રથમ દિવ્યાંગ ખેલાડી અને તેના કોચ બંન્ને મહિલા હોય વિશેષ ગૌરવ બનેલ છે. ત્યારે આગામી દિવસોમાં તે સ્પેશ્યલ ઓલમ્પિક રમવા જઇ રહ્યા છે અને જીત મેળવી ગુજરાત અને બોટાદનુંનામ રોશન કરે તેમ બોટાદ જિલ્લા વાસીઓને આશા છે