Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંજીવ કુમારઃ The Actor We All Loved, પ્રેમની શોધમાં એક્ટિંગ કરી ગયેલો અદભૂત અભિનેતા

નવમી જુલાઈએ સંજીવ કુમારના જન્મદિવસે રીટા રામમૂર્તિ ગુપ્તા અને ઉદય જરીવાલાના હસ્તે લખાયેલા એક પુસ્તકનું વિમોચન થયું. સંજીવ કુમારઃ The Actor We All Loved આ ટાઈટલ સાથે સંજીવ કુમારની બાયોગ્રાફી પ્રકાશિત થઈ છે. સંજીવ કુમારના ભત્રીજા ઉદય જરીવાલા સંજીવ કુમારના અવસાન સમયે બાર વર્ષના હતા. આ બાયોગ્રાફીમાં પરેશ રાવલ, રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ પોતાના સ્મરણો આલેખ્યા છે. અભિનેત્રી તનુજા, શત્રુઘ્નસિંહા, સ
12:12 PM Jul 12, 2022 IST | Vipul Pandya
નવમી જુલાઈએ સંજીવ કુમારના જન્મદિવસે રીટા રામમૂર્તિ ગુપ્તા અને ઉદય જરીવાલાના હસ્તે લખાયેલા એક પુસ્તકનું વિમોચન થયું. સંજીવ કુમારઃ The Actor We All Loved આ ટાઈટલ સાથે સંજીવ કુમારની બાયોગ્રાફી પ્રકાશિત થઈ છે. સંજીવ કુમારના ભત્રીજા ઉદય જરીવાલા સંજીવ કુમારના અવસાન સમયે બાર વર્ષના હતા. આ બાયોગ્રાફીમાં પરેશ રાવલ, રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ પોતાના સ્મરણો આલેખ્યા છે. અભિનેત્રી તનુજા, શત્રુઘ્નસિંહા, સરિતા જોશી, અંજુ મહેન્દ્રુ, સચીન પીલગાંવકર જેવા કલાકારોએ આ પુસ્તકની સાથે સંજીવ કુમાર સાથેના પોતાના સ્મરણો વાગોળ્યા હતા.  
હરિહર જેઠાલાલ જરીવાલા- એટલે આપણા મૂળ ગુજરાતી અને સુરતમાં જન્મેલા એક એવા કલાકાર જેમને તમે કોઈપણ કેરેક્ટરમાં પરફેક્ટ ફીટ અનુભવી શકો. કોશિશનો બહેરો મૂંગો હીરો હોય કે મૌસમમાં યુવાન અને વૃદ્ધ વયના પાત્રો ભજવતા ડોક્ટર હોય, નયા દિન નયી રાતમાં નવ-નવ રોલ ભજવનાર સંજીવ કુમારની લગભગ દરેક ફિલ્મ આંખોની સામે પસાર થઈ જાય. આંધી અને અંગૂર ફિલ્મોમાં જે વર્સેટાઈલ પર્ફોમન્સ જોઈને તો આફરિન પોકારી જવાય એમ છે. સંવાદ કર્યા વગર આંખો અને હાવભાવથી પણ તમને પરિસ્થિતિ અભિનિત છે એવું જરાય ન લાગે એવા કલાકાર એટલે સંજીવ કુમાર. જિગર અને અમી, મારે જવું પેલે પાર, કલાપી જેવી ગુજરાતી ફિલ્મો આજે પણ માનસપટ પર છવાઈ જાય છે.  
આ અગાઉ પણ હનીફ ઝવેરી અને સુમંત બત્રાની લખેલી ઓથોરાઈઝડ્ બાયોગ્રાફી ઓફ સંજીવ કુમાર નામે એક પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. નવમી જુલાઈએ પ્રકાશિત થયેલા સંજીવ કુમાર ધ એક્ટર વી લવ્ડ ઓલ પુસ્તકમાં સંજીવ કુમારના ભત્રીજા ઉદય જરીવાલાએ બહુ મહત્ત્વનની ભૂમિકા ભજવી છે. સંજીવ કુમારે 47 વર્ષે વિદાય લીધી. એમણે સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું. મૂળ તો એ સ્ટેજના કલાકાર હતા. ધ ગ્રેટ ગુલઝાર સાથે એમનો મેળાપ થયો અને ફિલ્મની દુનિયામાં સંજીવ કુમારની એક જુદી જ ઓળખ સામે આવી. વર્ષો પહેલા ગુલઝારજીને કોઈએ પૂછ્યું હતું કે, હવે તમે કેમ ફિલ્મો નથી બનાવતા? ત્યારે એમણે સહેજ મુસ્કુરાઈને કહેલું, હવે હું મારા હરિભાઈને ક્યાંથી લાવું? ઘણી વખત તો એવું લાગે કે, આંધી કે મૌસમ ફિલ્મના હીરો તરીકે સંજીવ કુમાર સિવાય કોઈને કલ્પવા જ મુશ્કેલ છે.  
શત્રુધ્નસિંહા સાથે સંજીવ કુમારનો એક અનોખો નાતો રહ્યો છે. એક પુસ્તકમાં શત્રુઘ્ન સિંહાએ લખ્યું છે કે, મારી પત્નીનો જન્મદિન, સંજીવ કુમારનો જન્મદિન અને અમારી એનિવર્સરી નવમી જુલાઈના આવે છે. ખિલૌના ફિલ્મમાં અમે બંનેએ કામ કર્યું છે. લાંબા સમય સુધી અમે મળ્યા ન હતા ત્યારે  સંજીવ કુમારે એમના સેક્રેટરી જમનાદાસજી સાથે એક કવર મોકલાવ્યું હતું. એમાં મોટી રકમ હતી. સાથે લખ્યું હતું કે, returnable when able.... શત્રુઘ્ન સિંહા સંજીવ કુમાર સાથેના સ્મરણો વિશે લખે કે, એલ.વી. પ્રસાદની ખિલૌના સમયના સ્મરણો મારી પાસે છે. સંજીવ કુમાર હંમેશાં સેટ ઉપર મોડા આવતા. એમને લેટ લતીફની ઉપમા મળી હતી. સંજીવ કુમારને સમયસર લાવવા માટે મને એલ.વી. પ્રસાદે કહેલું કે, રોજ તારે એના ઘરે જવાનું અને એને લઈને જ આવવાનું. હું રોજ સમય કરતા પહેલા એમના ઘરે પહોંચી જાઉં અને એમને કહું ચાલો. તો એ તરત જ કહે, જવાય છે. બેસને... અમે રોજ સેટ ઉપર મોડા પહોંચતા અને રોજ કોઈને કોઈ અકસ્માતનું બહાનું કાઢીને ડિરેક્ટરનો ગુસ્સો ઠંડો પાડી દેતા. પછી અમે બંને ખૂબ જ હસતા કેમ કે, અમારી સાથે થયેલા અકસ્માતની જગ્યા રોજ એક જ રહેતી માહિમ ચર્ચની આસપાસ.  
શત્રુધ્ન સિંહા ઉમેરે છે કે, જો મારે અને મારી પત્ની પૂનમને ઝઘડો થાય તો હું એક જ વ્યક્તિને ત્યાં એને શોધવા જાઉં એ હતા સંજીવ કુમાર.  
તનુજાએ સંજીવ કુમારના સ્મરણો વાગોળતા કહ્યું કે, એક વખત એમણે ડ્રીંક લેવાનું શરુ કર્યું પછી એમને અટકાવવા મુશ્કેલ. ચિક્કાર પીતાં પણ કોઈ દિવસ એ માણસે એની ગરિમા નથી ખોઈ. ખૂબ ચડી જાય તો એ એકદમ ચૂપ થઈ જતાં.  
સંજીવ કુમારની જિંદગીમાં સાયરાબાનુ, હેમા માલિની, શબાના આઝમી, નૂતન, સુલક્ષણા પંડિતથી માંડીને અનેક અભિનેત્રીઓ આવી. સાયરાબાનુ પ્રત્યે તેમને અનહદ આકર્ષણ રહ્યું. શબાના આઝમીના માતા શૌકત આઝમી સાથે સંજીવ કુમારે થિયેટરમાં કામ કર્યું છે. એમણે સ્ટાર ડસ્ટને આપેલી મુલાકાતમાં કહેલું કે, શબાના આઝમી સાથે મારે લગ્ન કરવા હતા. પણ મારા બા ઝવેરબેન મુસ્લિમ વહુ સ્વીકારી શકે એમ ન હતા. હું મારી બાનો મોટો દીકરો ન હોત તો કદાચ સામે થયો હોત પણ મારી બાએ અમને ચારે ભાંડરડાંઓને પિતાના અવસાન પછી એકલપંડે ઉછેર્યાં છે.  
હેમા માલિની સાથે તો લગભગ પરણવા સુધી વાત પહોંચી ગઈ હતી પરંતુ, લગ્ન બાદ અભિનય છોડવાની વાતને લઈને લગ્ન ટળી ગયા. હેમા માલિનીએ વર્ષો પછી એક મુલાકાતમાં કહેલું કે, એ જમાનામાં દરેક પુરુષ અને માતા એમ જ વિચારતા કે વહુ લગ્ન બાદ પરિવાર સંભાળશે.  
અનેક બ્રેક અપ બાદ સંજીવ કુમાર માટે એવું કહેવાતું કે, એમને એમની દરેક હીરોઈન સાથે પ્રેમ થઈ જાય છે. નૂતન સાથેનો એમનો વિવાદ તો જગજાહેર છે. એક ફિલ્મના શૂટિંગના સેટ ઉપર નૂતને એમને તમાચો મારી દીધો હતો. ફિલ્મના મેગેઝીનમાં પરિણીત નૂતન સાથે સંજીવ કુમારનું અફેર છે એવી વાતો છપાયેલી એમાં નૂતન ધૂંઆપૂંઆ થઈ ગયેલાં. એમના પતિ રજનીશ બહલ તો પોતાની રિવોલ્વર લઈને સંજીવ કુમારને મારવા આવ્યા હતા ત્યાં સુધી વાતો છપાયેલી છે. સંજીવ કુમાર સાથે લાંબો સમય સુધી સુલક્ષણા પંડિત રહેલાં.  
વીતેલા જમાનાની સુંદર અભિનેત્રી મૌસમી ચેટર્જીએ એક મુલાકાતમાં કહ્યું કે, એમની ઘરે નોન વેજ ફૂડ એલાઉડ ન હતું. અમારી ઘરે હું અને મારા પતિ ન હોય તો પણ કોઈ એક વ્યક્તિ આવીને જમી શકે, ડ્રીંક લઈ શકે એવી હોય તો એ સંજીવ કુમાર જ હતા.   
સંજીવ કુમારના ઘરમાં એક વિચિત્ર વાત એ પણ છે કે, એમના પિતા, દાદા, કાકા, ભાઈઓ અને ખુદ સંજીવ કુમાર કોઈ પચાસ વર્ષની વયથી વધુ જીવ્યું નથી. આજની પેઢીએ સંજીવ કુમાર વિશે જાણવું હોય તો ગૂગલ કરવું પડે. પણ આ એક એવો અભિનેતા હતો જેને એની દરેક હીરોઈન સાથે પ્રેમ થઈ જતો તેમ છતાં એ પ્રેમભૂખ્યો માણસ હતો. એક મુલાકાતમાં કોઈએ સંજીવ કુમારના સેક્રેટરીને પૂછેલું કે, અમિતાભની તોલે કોણ આવે ત્યારે એમના સેક્રેટરીએ જવાબ આપેલો કે, અમિતાભના પેંગડામાં કોઈ જો પગ નાખી શકે તો એ વન એન્ડ ઓન્લી સંજીવ કુમાર જ છે. ચોકલેટી પ્રેમી, ગાંડો માણસ, બે હાથ વગરના ઠાકુર, બહેરો મૂંગો કોશિશ ફિલ્મનો હીરો બે અંતિમ અભિવ્યક્તિના પાત્રો એમણે એમની કરિયરમાં ભજવ્યા. સત્યેન કપ્પુએ એક વખત એમના વિશે કહેલું કે, હરી ભાઈ જેટલું રિસ્ક કોણ લે?
Tags :
actedBooklaunchGujaratFirstloveSanjeevKumarwonderfulactor
Next Article