અદાણી અને PM મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધી બોલ્યા - 2014 પછી અસલી જાદુ શરૂ થયો
હિન્ડરબર્ગના એક રીપોર્ટ જાહેર કર્યા બાદથી જ ગૌતમ અદાણીના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. આ મામલે વિપક્ષ સતત મોદી સરકાર પર આક્રમક જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આજે રાહુલ ગાંધીએ આ મામલે સરકારને ઘેરી લેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન
10:34 AM Feb 07, 2023 IST
|
Vipul Pandya
હિન્ડરબર્ગના એક રીપોર્ટ જાહેર કર્યા બાદથી જ ગૌતમ અદાણીના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. આ મામલે વિપક્ષ સતત મોદી સરકાર પર આક્રમક જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આજે રાહુલ ગાંધીએ આ મામલે સરકારને ઘેરી લેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને કેન્દ્રની અગ્નવીર યોજના પર જોરદાર નિશાન સાધ્યું હતું.
2014 પછી અમીરોની યાદીમાં 609માં નંબરે રહેલા ગૌતમ અદાણી બીજા નંબરે કેવી રીતે આવ્યા?
બજેટ બાદ કેટલાક દિવસો સુધી સ્થગિત કરાયેલી સંસદની કાર્યવાહી મંગળવારે પણ ચાલુ થઇ ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફોર્મમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધો શું છે કે અંગે પણ સદનમાં સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે, 2014માં અમીરોની યાદીમાં 609માં નંબરે રહેલા ગૌતમ અદાણી બીજા નંબરે કેવી રીતે આવ્યા? આખરે શું જાદુ થયો છે? અદાણીના એરપોર્ટ બિઝનેસ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે અનુભવ વગરની કંપનીઓને આ કામ નથી મળતું, પરંતુ ગૌતમ અદાણીની કંપનીઓને આપવામાં આવ્યું હતું. 6 એરપોર્ટ તેમને સોંપવામાં આવ્યા હતા.
ઉદ્યોગપતિ અદાણીજી સાથે વડાપ્રધાન મોદીના શું સંબંધ છે? : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે ભારતની બહાર અદાણીની શેલ કંપની છે, સવાલ એ છે કે શેલ કંપની કોની છે? શેલ કંપનીઓ ભારતમાં હજારો કરોડ રૂપિયા મોકલી રહી છે, આ પૈસા કોના છે? શું અદાણી આ કામ મફતમાં કરે છે? રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણી સાથે કેટલી વખત વિદેશ ગયા? પહેલા વડાપ્રધાન મોદી ગૌતમ અદાણીના જહાજમાં વિદેશ પ્રવાસ કરતા હતા પરંતુ હવે ગૌતમ અદાણી PM મોદીના જહાજમાં વિદેશ જાય છે. લોકસભાના સ્પીકર તેમને વારંવાર સંયમ રાખવા કહેતા રહ્યા. રાહુલે કહ્યું કે, મને ઘણીવાર લોકોએ પૂછ્યું કે અદાણીજી તમામ બિઝનેસમાં કેવી રીતે સફળ થઇ રહ્યા છે. આ ઉપરાંત મને પૂછવામાં આવ્યું કે, ઉદ્યોગપતિ અદાણીજી સાથે વડાપ્રધાન મોદીના શું સંબંધ છે?
બંદર અને સફરજન સુધી અદાણીજીનો ફેલાયો છે વ્યવસાય
રાહુલ ગાંધીએ કહ્યું કે, હિમાચલમાં સફરજનની વાત આવે તો અદાણી છે, કાશ્મીરમાં સફરજનની વાત આવે તો અદાણી છે, પોર્ટ અને એરપોર્ટમાં અદાણીજી, રોડ પર ચાલી રહ્યા છીએ તો અદાણીજી. રાહુલે કહ્યું, લોકોએ પૂછ્યું કે અદાણીજીને સફળતા કેવી રીતે મળી? સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ભારતના વડા પ્રધાન સાથે તેમનો શું સંબંધ છે અને કેવો સંબંધ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે રસ્તા પર ચાલો અને પૂછો કે કોણે બનાવ્યું છે, અદાણીનું નામ સામે આવશે.
યુવાનોને 'અગ્નવીર' બનાવવાની યોજના RSS અને ગૃહ મંત્રાલય તરફથી આવી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના યુવાનો શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સહમત નથી કે યુવાનોને 'અગ્નવીર' બનાવવાની યોજનાથી તેમને ફાયદો થશે. તેમણે કહ્યું કે, “વરિષ્ઠ સેના અધિકારીઓ અને ઘણા લોકોએ મને કહ્યું કે આ યોજના RSS અને ગૃહ મંત્રાલય તરફથી આવી છે. આ યોજના સેના તરફથી આવી નથી. આ સ્કીમ સેના પર થોપવામાં આવી છે.” કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં ઘણી બધી વાતો કહેવામાં આવી હતી, પરંતુ અગ્નિપથ યોજના પર માત્ર એક જ વાર વાત કરવામાં આવી હતી અને આ સ્કીમ ક્યાંથી આવી, કોણે બનાવી તે જણાવવામાં આવ્યું નથી. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)નું નામ લેતા તેમણે દાવો કર્યો કે આ યોજના તેમણે જ બનાવી છે.
રાહુલના ભાષણ પર હંગામો, ભાજપે કહ્યું- દેશની માફી માગો
રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જગ્યાએ લોકો મને પૂછતા હતા કે ગૌતમ અદાણીનો PM મોદી સાથે શું સંબંધ છે? ગૌતમ અદાણીના આરોપોનો જવાબ આપતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, રાહુલ ગાંધી જણાવે કે તેઓ કયા નિયમની વાત કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસ સરકારે બિરલા અને દાલમિયા સહિત અનેક કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હતા. તેઓને કયા નિયમો હેઠળ આપવામાં આવ્યા હતા? કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ રાહુલ ગાંધી પર મનસ્વી આરોપો લગાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ.
જનતાએ સવાલ પૂછ્યો - અદાણીની કંપનીઓમાં LICના પૈસા કેમ?
રાહુલ ગાંધીએ કહ્યું કે, મારો સવાલ એ છે કે ગૌતમ અદાણી દરેક બિઝનેસમાં કેવી રીતે પ્રવેશ કરે છે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન લોકોએ મને પૂછ્યું હતું કે LICના પૈસા ગૌતમ અદાણીની કંપનીઓમાં કેમ રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે LIC અને જાહેર ક્ષેત્રની બેંકોના પૈસા ગૌતમ અદાણીને આપવામાં આવી રહ્યા છે. આ રીતે સરકાર ગૌતમ અદાણીને મદદ કરી રહી છે. રાહુલે કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની ભારતની બહાર શેલ કંપનીઓ છે. આ કંપનીઓ પાસેથી હજારો કરોડ રૂપિયા ભારતમાં આવી રહ્યા છે. શું ગૌતમ અદાણી આ કામ મફતમાં કરે છે?
આ પણ વાંચો - શું અદાણીને ટાર્ગેટ કરી વિશ્વમાં ભારતના વધતા દબદબા અને મોદી સરકારની શાખને ખરડવાનો પ્રયાસ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article