ઉત્તરાખંડમાં સીએમના સસ્પેન્સ પર ઉઠ્યો પરદો, ભાજપે ફરી ધામીને મુખ્યમંત્રી બનાવવાનું કર્યું નક્કી
ઉત્તરાખંડમાં કોણ બનશે
મુખ્યમંત્રી ? આ સવાલનો જવાબ
હવે મળી ગયો છે. પુષ્કર સિંહ ધામીને રાજ્યના
મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય
જનતા પાર્ટીએ ઉત્તરાખંડના આગામી સીએમ તરીકે પુષ્કર ધામીના નામને મંજૂરી આપી દીધી
છે. અગાઉ સીએમની રેસમાં ઘણા નામો ચર્ચામાં આવ્યા હતા, જોકે ધામીએ બધાને પાછળ છોડી દીધા છે. 70 બેઠકમાંથી ભાજપે 47 બેઠકો જીતીને
ઉત્તરાખંડમાં બીજી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે. પુષ્કર સિંહ ધામી ખાતિમા
વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા તેથી નવા મુખ્યમંત્રીને લઈને ચૂંટણીના પરિણામોથી સસ્પેન્સ અકબંધ
રહ્યું હતું. ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી
લેખીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
ભાજપે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને 20 માર્ચથી દહેરાદૂનમાં રહેવા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ
કરવા જણાવ્યું છે. ઉત્તરાખંડના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ સતત બે ચૂંટણી
જીતીને ત્યાં બહુમતી મેળવી છે.
ધામી બે દિવસ પહેલા અમિત શાહને મળ્યા હતા બે દિવસ પહેલા જ ઉત્તરાખંડના કેરટેકર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી
દિલ્હી પહોંચ્યા હતા. પુષ્કર સિંહ ધામીએ સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેમની સાથે રાજ્યસભાના સાંસદ અનિલ બલુની પણ હતા.
શાહને મળતા પહેલા ધામીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠનના
રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી.