દુનિયાના મોટા આધુનિક દેશો પર્યાવરણને સૌથી વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે: નરેન્દ્ર મોદી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'માટી બચાવો આંદોલન' પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સમગ્ર વિશ્વના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષની ઉજવણી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'માટી બચાવો આંદોલન' પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સમગ્ર વિશ્વના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ અમૃતકાળમાં નવા સંકલ્પો લઈ રહ્યો છે. તેથી આ પ્રકારનું જાહેર અભિયાન ખૂબ મહત્વનું બની જાય છે. મને એ વાતનો સંતોષ છે કે દેશમાં છેલ્લાં 8 વર્ષથી ચાલી રહેલી તમામ યોજનાઓમાં કોઈને કોઈ રીતે પર્યાવરણની જાળવણી કરવાનો આગ્રહ છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેમની જમીન કેવા પ્રકારની છે, તેમની જમીનમાં શું ખામી છે, કેટલી ખામી છે તેની માહિતીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવા માટે એક વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પર્યાવરણના રક્ષણ માટે ભારતના પ્રયાસો બહુપક્ષીય રહ્યા છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિંવત છે, ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. વિશ્વના મોટા આધુનિક દેશો માત્ર પૃથ્વીના વધુને વધુ સંસાધનોનો નાશ તો કરી જ રહ્યા છે. સાથે જ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન પણ તેઓ જ કરે છે.
વડાપ્રધાને માટી બચાવવા માટે 5 બાબતો પર ભાર મૂક્યો
આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ માટી બચાવવા માટે પાંચ મુખ્ય બાબતો પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે આપણે સૌ પ્રથમ એ વાત પર ભાર મૂકવો જોઈએ કે જમીનને કેમિકલ મુક્ત કેવી રીતે બનાવી શકાય. ત્યારબાજ જમીનમાં રહેલા સજીવને બચાવવા અને જમીનના ભેજને જાળવી રાખવાની વાત કરી. તેમણે કહ્યું કે ભૂગર્ભજળ ઓછા હોવાને કારણે જમીનને જે નુકસાન થઈ રહ્યું છે તેને કેવી રીતે દૂર કરવું તે અંગે પણ વિચાર કરવો જોઈએ. તેમજ વન આવરણ ઘટવાથી જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું તે અંગે પણ વિચાર કરવો જોઇએ.
દેશમાં નદીઓના સંરક્ષણ માટે અભિયાન શરૂ થયું
તેમણે કહ્યું કે સૂક્ષ્મ સિંચાઈ અને અટલ ભૂ-યોજનાથી દેશના ઘણા રાજ્યોમાં જમીનનું સ્વાસ્થ્ય પણ સારું થઈ રહ્યું છે. અમે 'કેચ ધ રેઈન' જેવા અભિયાનો દ્વારા દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં જ દેશમાં 13 મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે નદીઓના કિનારે જંગલો વાવવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. એવો અંદાજ છે કે તેનાથી ભારતના વન આવરણમાં 7,400 ચોરસ કિલોમીટરથી વધુનો વધારો થશે. છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં 20,000 ચોરસ કિલોમીટરથી વધુનો વધારો થયો છે.
વન્યજીવોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૈવવિવિધતા અને વન્યજીવન સંબંધિત નીતિઓ કે જેનું ભારત આજે પાલન કરી રહ્યું છે, તેના કારણે વન્યજીવોની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. આજે વાઘ, સિંહ, ચિત્તા કે હાથી બધાની સંખ્યા દેશમાં વધી રહી છે. આ વર્ષના બજેટમાં અમે નક્કી કર્યું છે કે અમે ગંગા કિનારે વસેલા ગામડાઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીશું, કુદરતી ખેતીનો વિશાળ કોરિડોર બનાવીશું. આનાથી આપણાં ખેતરો કેમિકલ મુક્ત થશે અને નમામિ ગંગે અભિયાનને પણ નવી તાકાત મળશે.
ભારતે પેટ્રોલમાં 10% ઇથેનોલનું લક્ષ્ય હાંસલ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રયાસો વચ્ચે ભારતે પર્યાવરણ દિવસના દિવસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આજે ભારતે પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ભારત નિર્ધારિત સમય કરતાં 5 મહિના વહેલા આ લક્ષ્ય સુધી પહોંચી ગયું છે.
Advertisement