ભારત અને રશિયા વચ્ચે એક મોટી ડીલને લઈને ચાલી રહી છે ચર્ચા, ભારતને મળશે સસ્તા ભાવે તેલ
રશિયા અને
યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદી દીધા
છે. ત્યારે ભારતે રશિયા સાથેનો વ્યવહાર બમણો કરી દીધો છે. પ્રતિબંધો છતાં ભારત
રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરી રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ બાદ ભારતે રશિયા પાસેથી બે મહિનામાં
ક્રૂડ ઓઈલની ખરીદી બમણી કરી છે. તો સાથે સાથે દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે
હાલમાં દેશના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે લોકોને તેલના મોંઘા
ભાવમાંથી રાહત મળી શકે છે. મળતી માહિતી મુજબ ભારત અને રશિયા વચ્ચે રશિયાથી સસ્તા તેલની આયાત
કરવા માટે વાતચીત ચાલી રહી છે. જો આ ડીલને મંજુરી મળી જશે તો આગામી મહિનાઓમાં
દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. ભારત તેની ક્રૂડ તેલની
જરૂરિયાતના 80 ટકા આયાત કરે છે અને તે વિશ્વમાં
તેલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર છે.
એક રિપોર્ટમાં
કહેવામાં આવ્યું છે કે ભારતીય રિફાઈનર્સ રશિયા સાથે છ મહિનાની ઓઈલ ડીલ પર વાતચીત
કરી રહ્યા છે. જણાવ્યું હતું કે રશિયન કંપની રોઝનેફ્ટ ભારત અને ચીનની કંપનીઓ સાથે
સપ્લાય સોદા અંગે ચર્ચા કરી રહી છે. ભારતના ટોચના રિફાઈનર્સ ઈન્ડિયન ઓઈલ કોર્પ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પની રશિયન
કંપની રોઝનેફ્ટ વાતચીત ચાલી રહી છે. IOC
દર મહિને 6 મિલિયન બેરલ તેલની આયાત કરવા માટે ચર્ચા કરી રહી છે. જ્યારે BPCL અને HPCL 4 મિલિયન બેરલ અને 3 મિલિયન બેરલની માસિક આયાત માટે ચર્ચા કરી રહી છે.
ભારતીય
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર બિન-ભાજપ શાસિત રાજ્યો પર નિશાન
સાધ્યું છે. પુરીએ કહ્યું હતું કે
બિન-ભાજપ શાસિત રાજ્યો જે વેટ વસૂલ કરે છે તેનો અડધો ભાગ ભાજપ શાસિત રાજ્યોમાં
વસૂલવામાં આવે છે. ભાજપ અને બિન-ભાજપ શાસિત રાજ્યો વચ્ચે પેટ્રોલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો તફાવત છે. તેમણે કહ્યું કે અગાઉ કેન્દ્ર પેટ્રોલ અને ડીઝલ
પર 32 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી વસૂલતું
હતું, જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્રએ તેની જવાબદારી લીધી છે. હવે રાજ્યોએ પણ જવાબદારી લેવી જોઈએ.