પેટ્રોલ અને ડીઝલમાં થઈ શકે છે આટલા રૂપિયાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત સાત માસના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. હાલ ખનીજતેલના ભાવ 92 ડોલર પ્રતિ બેરલ પર છે અને નિષ્ણાતો કિંમતોમાં વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટર સુધીના ઘટાડાની શક્યતા છે.
આના પહેલા ફેબ્રુઆરીમાં ખનીજતેલ 90 રૂપિયા પ્રતિ બેરલની નજીક હતો. જ્યારે જૂનમાં ખનીજતેલનો ભાવ 125 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યો હતો. નિષ્ણાતોએ શક્યતા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં ખનીજતેલનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી શકે છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ બે રૂપિયાથી માંડીને ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ખનીજતેલની કિંમત ત્રણ માસમાં 26 ટકા જેટલી ઘટી છે. મહત્વપૂર્ણ છે કે 22 મેના રોજ કેન્દ્ર સરકારે મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. પેટ્રોલ પર ત્યારે એક્સાઈઝ ડ્યૂટી 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા ઘટાડવામાં આવી હતી. ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.