Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ એક એવો ટાપુ જ્યાં તમે જશો તો પાછા નહીં આવી શકો, જાણો શું છે રહસ્ય

નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ (North Sentinel Island) એક એવો ભારતીય ટાપુ છે જેના રહેવાસીઓ આજે પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે. જીહા, તમે સાચું વાંચ્યું છે. હજારો વર્ષ પહેલાં આપણા મનુષ્યોના પૂર્વજો જે રીતે ખુલ્લા શરીરે જંગલમાં રહેતા હતા અને પ્રાણીઓનો શિકાર કરીને જ પોતાનું પેટ ભરતા હતા, આજે પણ નોર્થ સેન્ટિનલ ટાપુના લોકો એ જ રીતે જીવન જીવે છે. જોકે, આ લોકો સાથે સંપર્ક કરી તેમને અને તેમની સંસ્કૃત્તિને ઘણી વખ
નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ એક એવો ટાપુ જ્યાં તમે જશો તો પાછા નહીં આવી શકો  જાણો શું છે રહસ્ય
નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ (North Sentinel Island) એક એવો ભારતીય ટાપુ છે જેના રહેવાસીઓ આજે પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે. જીહા, તમે સાચું વાંચ્યું છે. હજારો વર્ષ પહેલાં આપણા મનુષ્યોના પૂર્વજો જે રીતે ખુલ્લા શરીરે જંગલમાં રહેતા હતા અને પ્રાણીઓનો શિકાર કરીને જ પોતાનું પેટ ભરતા હતા, આજે પણ નોર્થ સેન્ટિનલ ટાપુના લોકો એ જ રીતે જીવન જીવે છે. જોકે, આ લોકો સાથે સંપર્ક કરી તેમને અને તેમની સંસ્કૃત્તિને ઘણી વખત સમજવાનો પ્રયત્ન કરવામાં આવી ચુક્યો છે પરંતુ તે આજે પણ શક્ય થઇ શક્યું નથી. તેઓ દુનિયાથી અલગ જ રહેવા માગે છે, તેઓ અહીં કોઇ અન્ય કે અજાણ્યા માણસને જુએ છે કે તુરંત જ તેના પર હુમલો કરી દે છે. આવો જ એક હુમલાનો શિકાર અમેરિકાનો એક યુવક બને છે. આવો જાણીએ નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ વિશે સાથે આ યુવકની સાથે શું થયું તે વિશે....
વાત નવેમ્બર 2018ની છે, જ્યારે એક 26 વર્ષીય અમેરિકન Missionary જોન એલન ચાઉ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લે છે. તે નિર્ણય કરે છે કે, તે ગેરકાયદેસર રીતે ઈન્ડિયાના નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ જશે. હવે અહીં એ વાત તમને જણાવી દઇએ કે, આ એક એવો આઈલેન્ડ છે કે જ્યાના લોકો દુનિયાથી બિલકુલ અલગ જ પ્રવાહમાં પોતાની જીંદગી ગુજારે છે. તેઓ દુનિયાથી પૂરી રીતે અલગ-થલગ થઇ ગયા છે. આજની તારીખે પણ તેઓ આજના માનવ જેવા નહીં પરંતુ પ્રાચીનકાળમાં કે માનવ સંસ્કૃત્તિ શરૂ થઇ તે સમયના માનવીઓની જેમ પોતાનું જીવન જીવે છે. આ દુનિયાના અંતિમ Uncontacted ટ્રાઇબ કહેવાય છે. 
આ ટાપુએ જવાની આજે પણ કોઇ હિમ્મત કરી શકતું નથી. પરંતુ અમેરિકન નાગરિક જોન એલન ચાઉ પર તો જાણે ભૂત સવાર થઇ ગયું હતું કે, હું તો ત્યા જઇને જ રહીંશ અને ત્યા લોકોને ક્રિશ્ચિયન સંસ્કૃત્તિનો પાઠ ભણાવીને જ રહીશ. અહીં તમને જણાવી દઇએ કે, જોન એક હદથી વધારે પોતાના ધર્મને લઇને ભ્રમિત થઇ ગયો હોય છે અને તે ભૂલી જ ગયો છે કે અહીં જે પણ જાય છે તેની સાથે શું થાય છે. તે સેન્ટિનેલ આઈલેન્ડ જવા નીકળી જાય છે અને આ આઈલેન્ડની નજીકના આઈલેન્ડ પાસે જઇને એક માછીમારને અમુક પૈસા આપી તેને આ ખતરનાક આઈલેન્ડ જવા માટે મનાવી લે છે. 
14 નવેમ્બર 2018ના રોજ રાત્રિના સમયે જોન અને તે માછીમાર આ ખતરનાક મુસાફરી માટે નીકળી જાય છે. રાત્રીના સમયે એટલા માટે કે કોસ્ટગાર્ડ તેમને જોઇ ન લે. જોન પોતાની સાથે GoPro કેમેરો, ઘણી બધી કાતર અને નાની નાવડી લઇને આવ્યો હોય છે. વળી આ સાથે તે અહીં રહેતા લોકો માટે માછલીઓ અને એક ફૂટબોલ પણ સાથે લઇને જાય છે. વળી બાઈબલ પણ તે આ લોકોને ભેટમાં આપવા લઇને જાય છે. પૂરી રાત સફર કર્યા બાદ બીજા દિવસે (15 નવેમ્બર 2018) જોન આ આઈલેન્ડની નજીક પહોંચે છે. ત્યારબાદ તે લોકલ માછીમારને ત્યા જ રહેવા કહે છે અને પોતે પોતાની નાની નાવડી સાથે આ આઈલેન્ડની વધુ નજીક જાય છે. 
નજીક પહોંચ્યા બાદ જોનને અમુક ઘર દેખાય છે અને મહિલાઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય તેવો અવાજ આવે છે. તે પોતાની નાની નાવડીને બીચ પર ઉભી રાખીને આગળ વધે છે કે તુરંત જ તે જુએ છે કે બે સેન્ટિનલી પુરુષ પોતાના હાથમાં ધનુષ અને તીર લઇને આવે છે, જોન ડર્યા વિના તેમની સામે જઇને કહે છે કે, Hello My name is John. I Love You and Jejus Loves You. ભગવાન ઈસુએ મને તમારી પાસે આવવાની ઓથોરિટી આપી છે. લો હું તમારા માટે ખાવાનું લાવ્યો છું. પરંતુ જોનની વાતો જાણે આ સેન્ટિનલ આઈલેન્ડના લોકોને ગુસ્સો અપાવે છે. 
આ સેન્ટિનલ પુરુષો ધનુષ પર બાણ તૈયાર કરે છે અને જોન પર નિશાન લગાવવાનો પ્રયત્ન જ કરે છે. આ જોતા જ જોન ફટાફટ પરત ફરી જાય છે. પરંતુ થોડા કલાકો બાદ તે એકવાર ફરી પ્રયત્ન કરે છે અને આ વખતે તે જુએ છે કે 6 સેન્ટિનલી લોકો તેની સામે જોઇને બૂમો પાડે છે અને કઇંક બોલવા લાગે છે. જોકે, અહીં ભાષા સમજવી પૂરી રીતે મુશ્કિલ છે. આપને તે પણ જણાવી દઇએ કે, આજની દુનિયામાં એવું એક પણ વ્યક્તિ નથી કે જે આ સેન્ટિનલી લોકોની ભાષાને જાણતું હોય. 
જોનને પણ આ ભાષા સમજાતી નથી તેમ છતા તે પણ કઇંક બોલે છે અને જોનને જોઇ આ સેન્ટિનલી લોકો હસવા લાગે છે. આ સમયનો લાભ ઉઠાવતા જોન એક સુરક્ષિત ડિસ્ટન્સ પર પહોંચી જાય છે. જોન જે પણ ભેટ આ સેન્ટિનલી લોકો માટે લાવ્યો હોય છે તે એક પછી એક આપવા લાગે છે. આ વખતે જોનની સામે એક બાળક અને એક યુવતી ત્યા હાજર હોય છે જેમની પાસે ધનુષ અને બાણ હોય છે. જોન સાવચેતી રાખતા પોતાની નાવડીથી નીચે ઉતરે છે અને તે બાળક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન એક સેન્ટિનલી પુરુષ પાછળથી આવીને જોનની નાવડી લઇને ચાલ્યો જાય છે. 
જોકે, જોન આ દરમિયાન તેની સામે રહેલા બાળકને બાઈબલનો કોઇ પાઠ ભણાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ થોડી જ ક્ષણો બાદ તે બાળક જોનની છાતી પર બાણ ચલાવવા તૈયાર કરે છે અને તે ચલાવી પણ લે છે. જોકે, એકવાર ફરી જોનની કિસ્મત સારી હતી કે આ બાણ તેના પર નહીં પણ તે બાઈબલની બૂક પર વાગે છે. ઉતાવળમાં જોન ફરી ત્યાથી ભાગી જાય છે અને હવે તે ગુસ્સામાં રાત્રિના સમયે પોતાની ડાયરીમાં લખે છે કે, શું આ આઈલેન્ડ રાક્ષસોનું આઈલેન્ડ છે જ્યા આ લોકોએ ઈસુનું નામ પણ નથી સાંભળ્યું? તેઓ આગળ પોતાની ડાયરીમાં લખે છે કે, હુ મરવા નથી માગતો, મારે આ જગ્યાએથી નીકળી જવું જોઇએ. પરંતુ તે પોતાના ધર્મને લઇને એટલો પાગલ થઇ જાય છે કે તે કોઇ રીતે પોતાને મનાવવાનો પ્રયત્ન કરે છે કે મારે ફરી ત્યા જવું જ જોઇએ. આ જ મારું લક્ષ્ય છે.  
16 નવેમ્બર 2018ના રોજ જોન પોતાના પરિવારને એક પત્ર લખે છે અને પોતાના માતા-પિતાને તે કહે છે કે, તમને સાંભળીને એવું લાગશે કે હું પાગલ થઇ ગયો છું પરંતુ મને લાગે છે કે આ લોકોને ભગવાન ઈસુ વિશે જણાવવું જોઇએ. જો આ દરમિયાન મારી મોત થાય છે ત્યારે આ લોકોને દોષ ન આપતા. આ લખ્યા બાદ તે એકવાર ફરી સેન્ટિનલ આઈલેન્ડ માટે રવાના થાય છે અને આ વખતે તેઓ પરત નથી ફરતા. જે માછીમાર જોનને છોડવા ગયો હતો તે દૂરથી જુએ છે કે, સેન્ટિનલી લોકો એક બોડીની બલી લઇ રહ્યા છે. કપડા જોઇને તે માછીમારને ખબર પડી જાય છે કે આ બોડી જોન એલન ચાઉની જ છે. 
નોર્થ સેન્ટ્રિનલ આઇલેન્ડ અંદમાન અને નિકોબાર આઇલેન્ડ એક ભાગ છે. અંદમાન અને નિકોબારમાં લગભગ 572 જેટલા આઇલેન્ડ છે. જેમાં માત્ર 38 જ એવા આઇલેન્ડ છે કે જ્યાં લોકો રહે છે. જેમાંથી માત્ર 12 જ ટુરિસ્ટ માટે ઓપન છે. આ તમામ આઇલેન્ડને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. નોર્થ એન્ડ મિડલ અંદમાન, સાઉથ અંદમાન અને નિકોબાર. આ આઇલેન્ડનું કેપિટલ પોર્ટબ્લેર (Port Blair) છે જે સાઉથ અંદમાન પર છે. આપને જણાવી દઈએ કે, પોર્ટબ્લેરથી નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ માત્ર 50 કિલોમીટરના અંતરે છે. આ આઇલેન્ડ માત્ર 60 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે. જોકે, આ આઇલેન્ડ સંપૂર્ણ રીતે જંગલોથી ઘેરાયેલું છે. આઇલેન્ડમાં રહેતા લોકોને આપણે નોર્થ સેન્ટિનલ કહીએ છીએ. જોકે, આ નામ આપણે આપેલું છે તે લોકો પોતાને શું કહે છે તે આપણે નથી જાણતા. 
કહેવાય છે કે લગભગ 70 હજાર વર્ષ પહેલા ઘણા લોકો આફ્રિકાથી માઇગ્રેટ થયા હતા. આ દરમિયાન ઘણા આફ્રિકન એશિયન કન્ટ્રીથી ઓસ્ટ્રેલિયા અને અન્ય અલગ-અલગ પહોંચ્યા હતા. આ હજારો વર્ષોમાં આ લોકો તે તમામ જગ્યાએ ભળી ગયા હતા કારણ કે આ તમામ જગ્યાએ તેમને અલગ અલગ સંસ્કૃતિના લોકો મળ્યા જેમની સાથે તેઓ વાતચીત કરવા લાગ્યા અને તે રીતે તેઓ તમામ જગ્યાઓ જ્યાં તેઓ પહોંચ્યા હતા ત્યાં ભળી ગયા. પરંતુ ઘણા આફ્રિકન લોકો એક રિમોટ આઈલેન્ડ પર જઈને વસ્યા હતા જ્યાં તેમને કોઈ માનવ ન દેખાયો. કહેવાય છે કે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર રહેતા લોકો તે જ છે કે જેઓ માનવ સંસ્કૃતિ કે આ પહેલા માનવ કેવા હોય છે તે અસલમાં તેમને ખબર જ નથી. 
માનવામાં આવે છે કે, નોર્થ સેન્ટિલન આઇલેન્ડના લોકો લગભગ 10,000 થી 30,000 વર્ષ પહેલા આઇલેન્ડ પર આવ્યા હતા અને ત્યારથી જ તેઓ આઈસોલેટેડ રહ્યા છે. જેનો અર્થ એ પણ કહી શકાય કે તેમણે ખેતી શું છે, માનવ શું કરી શકે છે, આજનો માનવ કેવો છે તેનું બળ શું છે આ તમામથી તે અજાણ છે. આ જ કારણ છે કે, તેઓ આજે પણ શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. જોકે એવું નથી કે આ આઇલેન્ડ પર કોઈ આવ્યું ન હોય કે આ લોકો સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન ન કર્યો હોય. જ્યારે જ્યારે પણ આ આઇલેન્ડના લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે આ લોકો દ્વારા Violence જ જોવા મળ્યું છે. 
વર્ષ 1771 માં એક ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શિપ આ આઇલેન્ડ પાસેથી પસાર થાય છે, ત્યારે તે શિપ પર રહેલા સર્વેયરને આ આઇલેન્ડ પરથી એક પ્રકાશ બહાર આવતો જોવા મળે છે. ત્યારે પહેલીવાર ખબર પડે છે કે, આ આઇલેન્ડ પર કોઈ રહે છે. ત્યારબાદ વર્ષ 1867માં એક ઇન્ડિયન મર્ચન્ટ શિપ જે લગભગ 100 પેસેન્જરને લઈને જઈ રહ્યું હતું તેનું કોઈ કારણોસર આ આઇલેન્ડ પર અકસ્માત થઈ જાય છે. આ દરમિયાન શિપ પર હાજર લોકો ઉપર આ સેન્ટ્રિનલ લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે. જોકે, તેમને બ્રિટિશ ઇન્ડિયન રોયલ નેવી દ્વારા બચાવી લેવામાં આવે છે. આ પહેલીવાર જોવા મળે છે કે, નોર્થ સેન્ટિનલ આઇલેન્ડના લોકો બહારથી આવતા કોઈ અન્ય લોકોને પોતાના આઇલેન્ડ પરથી બહાર ભગાડવા માટે ધનુષ અને તીર નો ઉપયોગ કરે છે. 
ત્યારબાદ વર્ષ 1880 માં મોરીશ વિડલ પોર્ટમેન નામના એક બ્રિટિશ ઓફિસર નિર્ણય લે છે કે, તેઓ આ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર રહેલા લોકો સાથે સંપર્ક કરશે અને તેમને માનવ સભ્યતા વિશે શીખવાડવાનો પ્રયત્ન કરશે. જોકે, આ પહેલા બ્રિટિશ લોકોએ ઘણા અંદમાન ટ્રાઇબ સાથે સંપર્ક કર્યો હતો અને તેઓ આ લોકો સાથે વાતચીત પણ કરી ચૂક્યા હતા. આ સંવાદ ફ્રેન્ડલી રહ્યો હતો. આ જ વિચાર સાથે તેઓ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ તરફ વળ્યા હતા. આ આઇલેન્ડ પર તેઓ અન્ય ટ્રાઇબ કે જેમની સાથે તેઓ પહેલા સંવાદ કરી ચૂક્યા છે તે લોકોને સાથે લઈને ગયા હતા. તેઓ વિચારતા હતા કે, નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર રહેતા લોકો સાથે આ ટ્રાઇબના લોકો સારી રીતે વાત કરી શકશે અને તે શું વિચારે છે તે શું સમજે છે અને તે કેવી રીતે જિંદગી જીવે છે તે જાણી શકાશે. 
પરંતુ અહીં આવ્યા બાદ તેમને ખબર પડે છે કે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડનું કલ્ચર અને ભાષા દુનિયાથી પૂરી રીતે અલગ છે. તેમની ભાષા અંદમાનની અન્ય ટ્રાઇબથી બિલકુલ અલગ હોય છે, જેથી તેમની સાથે વાતચીત કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થઈ જાય છે. જોકે એવું પણ કહેવાય છે કે પોર્ટમેનને તે આઇલેન્ડ નજીક એક વૃદ્ધ કપલ અને સાથે ચાર બાળકો મળે છે. તેમને જોયા બાદ પોર્ટમેન વિચારે છે કે આ લોકોને કિડનેપ કરીએ તો કેવું રહે. તે આ લોકોને કિડનેપ કરી પોતાની સાથે પોર્ટબ્લેર લઈને જાય છે. પોર્ટબ્લેર પહોંચ્યા બાદ પોર્ટમેન જે વિચારી રહ્યા હતા તેનાથી વિપરીત જ પરિસ્થિતિ તેમની સામે ઊભી થાય છે. 
અહીં જણાવી દઈએ કે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડના લોકો બાકી દુનિયાથી એટલા અલગ રહ્યા છે કે તેઓ જેવા પોર્ટબ્લેર પહોંચે છે કે થોડા જ દિવસોમાં તેમની મોત થઈ જાય છે. આ જોયા બાદ પોર્ટમેનને બાળકો પર તરસ આવે છે અને તે આ બાળકોને નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પરત કરીને આવે છે. અહીં તમે વિચારતા હશો કે એવું કેવી રીતે બની શકે કે અન્ય વાતાવરણમાં ગયા બાદ તે વૃદ્ધ કપલ મોતને ભેટી ગયું, તો તેનું ઉદાહરણ આપણે કોવિડથી પણ સમજી શકીએ છીએ. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં દુનિયાભરથી લાખો લોકો મોતને ભેટ્યા છે. જોકે હવે ધીમે ધીમે આપણે આ મહામારીથી બચવા ઇમ્યુનિટી ડેવલોપ કરી શક્યા છીએ. બસ આ જ ઈન્યુનિટી આ નોર્થ સેન્ટિનલ આઈલેન્ડના લોકોની ડેવલોપ થઇ નથી. તેઓ ક્યારે પણ આ આઈલેન્ડથી બહાર ગયા જ નથી. તેથી જ તેઓ બહારની કોઇપણ બિમારીને સહન કરી શકતા નથી, કારણ કે તેમની અંદર બહારની દુનિયામાં રહેલી બિમારીને સહન કરવા માટે ઈમ્યુનિટી ડેવલોપ જ થઇ નથી.
વર્ષ 1967માં ત્રિલોકનાથ પંડિત પ્રથમ માનવશાસ્ત્રી બન્યા કે જેમણે આ આઈલેન્ડનો પ્રવાસ કર્યો હોય. તેઓ તેમની સાથે 20 લોકોની ટીમ લઇને ગયા હતા. જેમા વૈજ્ઞાનિક હતા હથિયારધારી લોકો પણ હતા. આ આઇલેન્ડ પર પહોંચ્યા બાદ તેમણે સેન્ટિનલ આઇલેન્ડના લોકોના ફૂટ પ્રિન્ટ 1 કિલોમીટર સુધી ફોલો કર્યા. પરંતુ તેમને કોઈ જ મળ્યું નહીં. ત્યારબાદ આ ટીમ પરત ફરી. વર્ષ 1970 માં એક રિસર્ચ ટીમ આ આઇલેન્ડ પર જાય છે. અહીં જઈને તેમણે એક સ્ટોન ટેબલેટ સેટ અપ કર્યું તે ડીક્લેર કરવા માટે કે હવે આ આઇલેન્ડ Indian Territoryનો એક ભાગ છે. 
ત્યારબાદ 1974 માં એક ફિલ્મ આ આઇલેન્ડ પર જાય છે. જ્યાં જઈને તેમણે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. આ ફિલ્મ સાથે એકવાર ફરી ત્રિલોકનાથ પંડિત પણ ગયા હતા. ત્યાં જઈને તેમણે ઘણા બધા કોકોનેટ અને એક જીવતો Pig નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ માટે ભેટ સ્વરૂપે ત્યા જ મુકી દીધો અને તેઓ ત્યાથી થોડા સુરક્ષિત દૂરીએ જતા રહ્યા. જોકે, આ દરમિયાન સેન્ટિનલ લોકો બહાર આવ્યા અને તેમણે આ ફિલ્મ ક્રૂ ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું. આ સેન્ટિનલ લોકોએ તે Pig પર પણ હુમલો કરી દીધો જે તેમના માટે જ લાવવામાં આવ્યો હતો. જોકે, આ પહેલીવાર હતું કે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડના લોકો કેમેરામાં કેપ્ચર થયા હતા. ત્યારબાદ ઘણી વખત આ નોર્થ સેન્ટિનલના લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ દરેક સમયે તેમણે જે પહેલા કર્યું તે રીતે જ હુમલો ચાલુ રાખ્યો. 
આપને જણાવી દઈએ કે, વર્ષ 1981માં એક ઘટના બની હતી, એક મર્ચન્ટ શિપ Primrose બાંગ્લાદેશથી ઓસ્ટ્રેલિયા જઈ રહ્યું હતું, આ દરમિયાન દરિયાઈ તોફાન આવ્યું અને શિપ આ આઇલેન્ડ પર આવીને અટકી ગયું હતું. આ દરમિયાન શિપમાં હાજર પેસેન્જર પર નોર્થ સેન્ટિનલ દ્વારા હુમલો શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે, તેઓ આ મુશ્કિલ સમયમાં પણ એક અઠવાડિયા સુધી જીવતા રહ્યા અને આખરે તેમને બચાવી લેવામાં આવ્યા. જોકે, આ ઘટના નોર્થ સેન્ટિનલ લોકો માટે એક મોટી ઘટના બરાબર હતી કારણ કે તેમણે પહેલીવાર લોખંડને જોયું હતું. 
આ ઘટના થયા બાદ જ્યારે પણ આ નોર્થ સેન્ટિનલ લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે જોવામાં આવ્યું કે, તેઓ પોતાના ધનુષ બાણમાં લોખંડનો ઉપયોગ કરવા લાગ્યા હતા અને આ લોખંડ આ જ શિફ્ટ પરથી આવ્યું હતું. આ શિપને તમે આજે પણ google મેપથી આ આઇલેન્ડ પર અટકી ગયેલું જોઈ શકો છો.
Advertisement
Tags :
Advertisement

.