T20માં ન્યૂઝીલેન્ડની વાપસી, ભારતને 21 રને આપ્યો પરાજય
વનડે સિરીઝ 3-0થી ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે ટી20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે યજમાન ભારતીય ટીમને 21 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવી શકી હતી. હવે સિરીઝની બીજી ટી20 મેચ લખનઉમાં 29 જાન્યુઆરીએ રમાશે.
ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. માત્ર 15 રનના સ્કોર પર જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં સૂર્યકુમાર યાદવ અને સુકાની હાર્દિક પંડ્યાએ રમતને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે સૂર્યાની વિકેટ સાથે ફરી ભારતની મુશ્કેલીઓ શરુ થઈ ગઈ હતી. ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન નોંધાવ્યા હતા.
વોશિંગ્ટનનો ‘સુંદર’ સંઘર્ષ
જયારે સ્ટાર બેટ્સમેનોએ વિકેટો ગુમાવી દીધી ત્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે શાનદાર રમત દર્શાવી હતી. સુંદરે તોફાની અડધી સદીનોંધાવી હતી. સુંદરે 25 બોલમાં જ 50 રન પુરા કર્યા હતા. તેણે અણનમ તોફાની રમત દર્શાવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન નોંધાવતા તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત માટે રાંચીમાં પ્રથમ વખત હારનો ખતરો તોળાયો હતો અને તેને ટાળવા માટે વોશિંગ્ટને સુંદર પ્રયાસ કર્યો હતો. આ પહેલા સૂર્યકુમારે ભારત તરફથી સારો પ્રયાસ કર્યો હતો.
ઓપનરો ફરી ફ્લોપ રહ્યા
ટીમ ઈન્ડિયાની ઓપનીંગ જોડી માત્ર 10 જ રન સુધી ટકી શકી હતી. ઈશાન કિશન ઈનીંગની બીજી ઓવરના ત્રીજા બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે માત્ર 4 રન 5 બોલનો સામનો કરીને નોંધાવી બોલ્ડ થઈ પરત ફર્યો હતો. ત્યાર બાદ 11 રનના સ્કોર પર ત્રીજી ઓવરના ચોથા બોલ પર રાહુલ ત્રિપાઠીએ વિકેટ ગુમાવી હતી. તે 6 બોલનો સામનો કરીને શૂન્ય રન સાથે પરત ફર્યો હતો. શુભમન ગિલ 6 બોલમાં 7 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. આમ માત્ર 15 રનના સ્કોર પર જ ભારતે ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.
સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા નોંધાવ્યા હતા. જોકે ઈશ સોઢીના બોલ પર તે ફિન એલેનના હાથમાં કેચ ઝડપાયો હતો. સૂર્યાના બાદ ભારતની સ્થિતી મુશ્કેલ બની હતી. સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ 20 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. તે બ્રેસવેલનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડાએ 10 બોલમાં 10 રન નોંધાવ્યા હતા. શિવમ માવીએ 2 રન અને કુલદીપ યાદવ શૂન્ય રન આઉટ થયો હતો.
આપણ વાંચો-ટીમ ઈન્ડિયાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ, મિશેલની તોફાની ઈનિંગ