પિતા રેલ્વે ગાર્ડ, 2 વર્લ્ડ કપ જીત્યા, જાણો કોણ છે BCCIના નવા પ્રમુખ રોજર બિન્ની
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને1983માં ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપ જીતનાર રોજર બિન્ની(Roger Binny) હવે BCCIના નવા પ્રમુખ બન્યા છે. BCCI AGMમાં રોજર બિન્નીને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુંબઈમાં બીસીસીઆઈ (BCCI) ની એજીએમમાં તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. બિન્નીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું છે. રોજર બિન્ની, 67, બીસીસીઆઈ પ્રમુખ પદ માટે નામાંકન દાખલ કરનાર એકમાત્ર ઉમેદવાર હતા.
BCCIની જનરલ બોડીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા ન થઈ
જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. અરુણ ધૂમલ ખજાનચીનું પદ ખાલી કરશે. આશિષ શેલારને ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે. રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ હશે જ્યારે દેવજીત સૈકિયા સંયુક્ત સચિવ હશે. આઉટગોઇંગ ટ્રેઝરર અરુણ ધૂમલ IPLના નવા ચેરમેન બનશે.સૌરવ ગાંગુલીની વાત કરીએ તો તે હવે બંગાળ ક્રિકેટ એસોસિએશનમાં પરત ફરવા જઈ રહ્યો છે. સૌરવ ગાંગુલીના ICCમાં જવાની અટકળો પણ ચાલી રહી હતી, પરંતુ BCCIની જનરલ બોડીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ ન હતી.
BCCIના નવા પ્રમુખ રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી છે. બિન્નીએ ટેસ્ટમાં 47 અને વનડેમાં 77 વિકેટ લીધી હતી. આ સિવાય તેના નામે ટેસ્ટમાં 5 અને વનડેમાં એક અડધી સદી છે.બિન્નીએ કર્ણાટક માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી અને તેણે 14 સદી ફટકારી હતી, આ સિવાય તેની પાસે ફર્સ્ટ ક્લાસમાં 205 વિકેટ પણ છે.રોજર બિન્ની ભારત તરફથી રમનાર પ્રથમ એંગ્લો ઈન્ડિયન ખેલાડી છે. બિન્ની સ્કોટિશ મૂળના છે. તમને જણાવી દઈએ કે, રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
ક્રિકેટ સન્યાસ બાદ કોચ અને સિલેક્ટર રહ્યા
કર્ણાટક વતી ઘરેલુ ક્રિકેટ રોજર બિન્ની એ રણજી ટ્રોફીમાં કેરળ સામે 1977-78 દરમ્યાન 211 રનની ઇનીંગ રમી હતી. પ્રથમ વિકેટ માટે 451 રનની ભાગીદારી રમત રમી હતી. ક્રિકેટ છોડવા બાદ તેઓ કોચ બન્યા હતા. વર્ષ 2000 માં તેઓ અંડર 19 વિશ્વકપ જીતનારી ટીમ ઇન્ડીયાના કોચ તેઓ હતા. ત્યાર બાદ 2012 સપ્ટેમ્બરમાં ભારતીય ટીમના ફરીથી સિલેક્ટર બન્યા હતા. હવે રોજર બન્નીના હાથમાં બીસીસીઆઈની કમાન છે.