મુનાફ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાત, સૌથી ફાસ્ટ બોલર ઉમરાન મલિકને લઈને આપ્યું મહત્વનું નિવેદન
આઇપીએલની ચાલુ સીઝનમાં 157 કિ.મી.પ્રતિ કલાકની રેકોર્ડ સ્પીડે બોલ નાંખી સનસનાટી મચાવી
દેનાર જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળવું
જોઇએ તેવી માંગ ઉઠી રહી છે. જો કે ભારતીય ક્રિકેટ
ટીમનાં પુર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલનું માનવું છે કે ઉમરાનને હમણાં
ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવવો એ ઉતાવળ ગણાશે. ઉમરાન મલિકને હજી રણજી તેમજ ક્લબ
ક્રિકેટ રમી અનુભવ મેળવવાની જરૂર છે. મુનાફ પટેલ હાલ ઉમરાન જેવી ઘાતક ઝડપે બોલિંગ
કરતાં બોલરોની શોધમાં જોડાયા છે. દેશમાં ફાસ્ટ બોલિંગના વર્તમાન અને ભવિષ્ય અંગે
મુનાફ પટેલે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સંવાદદાતા અમિત ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી.
2011નો ક્રિકેટ
વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમનાં સભ્ય અને પુર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ
બરોડાની રણજી ટીમ તરફથી રમીને નિવૃત્ત થયા બાદ ભાવિ પેઢીને તૈયાર કરવા વર્ષ 2019 થી બરોડા
ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયા હતાં. બરોડા ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ તરીકે સેવા
આપી ચુકેલા મુનાફ પટેલ હવે સામાન્ય કરતાં વધારે ઝડપથી બોલિંગ કરી શકે તેવી
પ્રતિભાની શોધમાં જોડાયાં છે. બરોડા ક્રિકેટ એસોસિએશને અતિઝડપી બોલરોની શોધ માટે 'in quest of speed' પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે અંતર્ગત બીસીએ તેના કાર્યક્ષેત્રમાં
આવતાં 8 ક્રિકેટિંગ
જિલ્લાઓમાં બે-બે દિવસનાં કેમ્પ યોજશે.. જેમાં 140 કિ.મી.પ્રતિ
કલાક કે તેથી વધુ ઝડપે બોલિંગ કરતાં 16 થી 21 વર્ષ ઉંમરનાં બોલરો પોતાનું નસીબ અજમાવી શકશે. કેમ્પમાંથી
સિલેક્ટ થનાર બોલરોને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી પ્રોફેશનલ ક્રિકેટ માટે તૈયાર કરાશે.
જે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમમાં રમી વર્લ્ડ ક્રિકેટમાં ભારતનો ડંકો વગાડી શકે.
મુનાફ પટેલનું માનવું છે કે ગામડાંઓમાં અતિઝડપથી બોલિંગ કરી શકતા હોનહાર બોલરોની ભરમાર છે.
પરંતુ યોગ્ય પ્લેટફોર્મના અભાવે તે ટેલેન્ટ બહાર નથી આવતું. હું પોતે ટેનિસ
ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાસ્ટ બોલિંગ કરતો હતો. મારા જેવા ફાસ્ટ બોલરોનું ટેલેન્ટ
ગામડાંઓમાં ખૂબ છે. જેને પ્લેટફોર્મ પુરુ પાડવાનો સમય હવે આવી ગયો છે.
વર્તમાન ફાસ્ટ બોલિંગ માટે મુનાફ પટેલ ઉમરાન મલિકનું ઉદાહરણ આપે
છે. ઉમરાન હાલ આઇપીએલમાં ધૂમ મચાવી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલો
ઉમરાન મલિક સતત 150 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે ઘાતક બોલિંગ કરી રહ્યો છે. તેને
આઇપીએલની એક મેચમાં તો 157 કિ.મી.પ્રતિ કલાકની સ્પીડે બોલ નાંખી સનસનાટી મચાવી દીધી છે.
તેને વર્તમાન આઇપીએલ સીઝનની સૌથી મોટી શોધ માનવામાં આવી રહ્યો છે. તેવામાં દેશમાં
ઉમરાન જેવાં અન્ય ક્વોલિટી ફાસ્ટ બોલરોની શોધ શરૂ થઇ ગઇ છે. જે સતત 140 કિ.મી.પ્રતિ
કલાક કરતાં વધુ ઝડપે બોલિંગ કરી શકે. બરોડા ક્રિકેટ એસોસિએશને આ માટે પહેલ કરી ફાસ્ટેસ્ટ બોલરો શોધવાનું શરૂ કરી દીધું
છે. મુનાફનું માનવું છે કે, બીસીએની માફક અન્ય ક્રિકેટ એસોસિએશન પણ આ પ્રકારનાં ટેલેન્ટ
હન્ટ પ્રોગ્રામ શરૂ કરે તો ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલરોની
શોધ ઝડપથી પુર્ણ થઇ શકે છે.