Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાસુ-સસરાએ યુવકને દત્તક લઇને વિધવા પુત્રવધૂના તેની સાથે લગ્ન કરાવ્યા, જાણો અનોખો કિસ્સો

કચ્છ જીલ્લામાં રહેતા પટેલ પરિવારમાં યુવાન દીકરાનું અવસાન થતાં પુત્રવધૂ વિધવા બની હતી. જો કે સાસુ-સસરાએ  નિર્ણય કરી એક યુવકને દત્તક લીધો હતો અને વિધવા પુત્રવધૂના તે યુવક સાથે પુન:લગ્ન કરાવ્યા હતા. આખો પરિવાર હવે એક છત નીચે આનંદથી જીવન વિતાવી રહ્યો છે. આ હ્રદયસ્પર્શી બનાવમાં  દત્તક દીકરાએ પણ એક યોગીની જેમ પોતાનાં સગા મા-બાપને ત્યાગીને નવો જ સંસાર માંડી નવા વૃદ્ધ મા-બાપની સેવા કરવા
સાસુ સસરાએ યુવકને દત્તક લઇને વિધવા પુત્રવધૂના તેની સાથે લગ્ન કરાવ્યા  જાણો અનોખો કિસ્સો
કચ્છ જીલ્લામાં રહેતા પટેલ પરિવારમાં યુવાન દીકરાનું અવસાન થતાં પુત્રવધૂ વિધવા બની હતી. જો કે સાસુ-સસરાએ  નિર્ણય કરી એક યુવકને દત્તક લીધો હતો અને વિધવા પુત્રવધૂના તે યુવક સાથે પુન:લગ્ન કરાવ્યા હતા. આખો પરિવાર હવે એક છત નીચે આનંદથી જીવન વિતાવી રહ્યો છે. 
આ હ્રદયસ્પર્શી બનાવમાં  દત્તક દીકરાએ પણ એક યોગીની જેમ પોતાનાં સગા મા-બાપને ત્યાગીને નવો જ સંસાર માંડી નવા વૃદ્ધ મા-બાપની સેવા કરવાની નેમ લીધી છે.
કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામનો આ સુંદર કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. વરજડી ગામમાં રહેતા કડવા પાટીદાર ઈશ્વરભાઈ ભીમાણીના પરિવારમાં પત્ની માલતીબેન, પુત્ર સચિન, પુત્રવધૂ મિત્તલ તથા બે પૌત્ર ધ્યાન અને અંશ હતા. સચિનને ખેતી અને ગૌશાળામાં રસ હતો. નવ મહિના પહેલાં સપ્ટેમ્બર-2021માં સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાયો દોહતો હતો ત્યારે વીજ-કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ભીમાણી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. આ ઘટનાએ ઈશ્વરભાઈને અંદરથી હચમચાવી નાખ્યા હતા.
 દરમિયાન ઈશ્વરભાઈને પુત્રવધૂ મિત્તલના ફરી લગ્ન કરાવવાનો વિચાર આવ્યો. પણ મિત્તલે પોતાના બંને પુત્રોને પણ સાથે લઈ જવાનું કહ્યું, ત્યારે ઈશ્વરભાઈને ધ્રાસકો લાગ્યો. સાસુ-સસરાને પુત્રવધૂ મિત્તલ અને પૌત્રો સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયાં હતાં, આથી તેમણે પૌત્રો સાથે દીકરી જેવી વહુ પણ ઘરે જ રહે એવું નક્કી કર્યું. ઈશ્વરભાઈએ સાબરકાંઠા જિલ્લાના વડાલી કંપા ગામે રહેતા 35 વર્ષના યોગેશ છાભૈયાને પુત્ર તરીકે દત્તક લીધો અને તેની સાથે પુત્રવધૂના ધામધૂમથી લગ્ન કરાવ્યા.
ઈશ્વરભાઈ ભીમાણીએ જણાવ્યું કે  ''પરિવારમાં સચિન મોટો હતો. એ પછી દીકરી જાગૃતિ અને કોમલ હતાં. મારો વ્યવસાય ખેતીનો છે. હું કોન્ટ્રેક્ટરનું પણ કામ કરતો હતો. એ માટે પહેલાં બહારગામ રહેવું પડતું હતું. ત્યારે વિચાર્યું હતું કે જ્યારે પૌત્ર આવશે ત્યારે બહારગામના કામ છોડીને હું ઘરે જ રહીશ અને ખેતીવાડી સંભાળી હું અને તેમની સાથે સમય પસાર કરીશ. સચિનને ખેતીમાં રસ હતો. શાકભાજી અને ફ્રૂટની દુકાન પણ હતી, સાથે ગાયો પાળવાનો પણ શોખ હતો. પાંચ વર્ષથી તબેલો બનાવી ગાયો રાખી હતી. દૂધનો વેપાર પણ કરતો. એક દિવસ હું અને મારી પત્ની, સચિન અને એની પત્ની અમે ચારેય તબેલામાં સાથે જ હતાં. એ વખતે તેને કરંટ લાગ્યો અને ત્યાં જ તેણે અંતિમ શ્વાસ લીધા. હું સ્વિચની બાજુમાં ઊભો હતો. મેં એ ફટાફટ બંધ કરી. પણ... એ ભગવાનને શરણે થઈ ગયો.'' 
દીકરાના નિધન બાદ અમને થયું કે પૌત્રને બધા જતા રહેશે તો અમારું ઘર ખાલી થઈ જશે. જે સ્થિતિમાં અમે રહી નહીં શકીએ. પૌત્રો સાથે પહેલેથી જ લગાવ હતો. એ બંને તેમનાં મમ્મી-પપ્પા કરતાં અમારી પાસે વધુ રહેતાં હતાં. અમારી ચિંતાને પગલે મારા સાઢુભાઈ વિસનજીભાઈ ભગતે અમને રસ્તો બતાવ્યો અને કહ્યું કે આવું કરીએ તો બધા લોકો તમારી પાસે રહેશે, એટલે અમે પુત્ર દત્તક લઈને પુત્રવધૂના લગ્ન કરાવવાનું વિચાર્યું. પછી શાળાના આચાર્ય તથા અન્ય સંબંધીઓને પણ વાત કરી ત્યાં યોગેશ છાભૈયા સાથે મુલાકાત થઈ. યોગેશ મારા સચિન જેવો જ છે. યોગેશ કહે છે કે તમને કે મિત્તલને કોઈને ઓછું આવવા નહીં દઉં અને તમારાં સપનાં હું પૂરાં કરીશ. અત્યારે એ જ બધો વહેવાર સાંભળે છે. તેનાં સગા માતા-પિતાનો આભાર કે તેમણે મને તેમનો દીકરો આપી દીધો. અમને પૌત્રો મળવા કરતાં પણ અમારી દીકરી જેવી પુત્રવધૂ ઘરે રહી છે એનો વધારે હરખ છે. ''
ઈશ્વરભાઈ ભીમાણી સાઢુભાઈ વિસનજી ભગતે વાતચીતમાં જણાવ્યું, ''એકના એક દીકરા સચિનના અકાળે અવસાન બાદ ઇશ્વરભાઇ અને તેમના પરિવારને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. 2-3 મહિના થવા છતાં તેઓ સામાન્ય થઈ શક્યા નહોતા, પણ વધારે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા. તેમનું કહેવું હતું કે તેઓ દીકરા વગર નહીં રહી શકે. અમારા સમાજમાં એવું છે કે મૃત્યુના બારમા દિવસે કર્મ ક્રિયા કર્યા પછી પુત્રવધૂને તેનાં માતા-પિતા તેડી જતાં હોય છે. તેમને બે નાના પૌત્ર હતા- ધ્યાન (11 વર્ષ) અને અંશ (6 વર્ષ). જો પુત્રવધૂ મિત્તલ તેમને સાથે લઈ જાય તો પાછળ કોઈ વધે જ નહીં. પરિવાર આખો વેરવિખેર થઈ જાય. 
ઈશ્વરભાઈની પણ એવી ઈચ્છા હતી કે મિત્તલને પરણાવી તો બંને પૌત્ર તેમની સાથે જ રહે અને તેમનો વંશ રહી જાય, પણ મિત્તલે બાળકોને મૂકીને જવાની ના પડી. મિત્તલે કહ્યું હતું કે 'મારી તો અહીંથી જવાની ઈચ્છા જ નથી, પણ જો જઈશ તો બંને દીકરાને લઈને જ જઈશ. તેના પપ્પા મૂકીને ગયા છે, હું મૂકીને જઈશ નહીં.' અમને પહેલાં હતું કે તાજો બનાવ છે એટલે આવું હશે, પરંતુ 6 મહિના થવા છતાં ઇશ્વરભાઇ કે મિત્તલ કોઈમાં પણ કોઈ ફરક પડ્યો નહીં. ઈશ્વરભાઈએ કહ્યું, અમારે દીકરો તો જોઈશે જ. ગમે તે કરો.''વિસનજી ભગતે આગળ વાત કરતાં કહ્યું, ''આ સંકટના સમયમાં અમને દીકરો દત્તક લેવાનું સૂઝ્યું. આથી પહેલાં અમે મિત્તલના પરિવારને વાત કરતાં તેઓ પણ માની ગયા કે અમે તેના ફરી લગ્ન કરાવીશું તો બધું જ નવું હશે, પણ જો તમે દીકરો દત્તક લઈ લો તો મિત્તલને ફક્ત એક વ્યક્તિ સાથે જ એડજસ્ટ થવાનું રહેશે. બાકી ઘર ગામ અને બધી વ્યક્તિ એના એ જ રહેશે. એ પછી અમે સમાજમાં વાત વહેતી મૂકી. તપાસ કરતાં 2-3 જગ્યાએથી વાતો આવી. પછી મૂળ કચ્છના આણંદસર ગામના અને હાલ સાબરકાંઠાના વડાલી ગામે રામજિયાની નામનું ફાર્મ ધરાવતા ઇશ્વરભાઇ પેથાભાઇ છાભૈયાના પરિવાર સાથે સંપર્ક થયો. 
છાભૈયા પરિવારના 35 વર્ષીય પુત્ર યોગેશ સાથે અમે વાત કરી કે આ બહુ કઠિન છે, કારણ કે તારે સન્યાસીની જેમ બધું મૂકીને અહીં આવવું પડશે. અહીં આવ્યા પછી પણ ઘણી જવાબદારી છે. આવું કહ્યા બાદ પણ યોગેશ બધું સ્વીકારવા તૈયાર થયો અને પછી બધું નક્કી થયું.''તેમણે ઉમેર્યું, ''બધું નક્કી થયા પછી અમે દત્તક વિધિ પૂરી કરી ત્યાર બાદ મિત્તલના પિયર ગંગાપરગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં ફૂલહારની વિધિ કરી અને હિન્દુ રીતિરિવાજ મુજબ પુન:લગ્ન કરાવ્યા. બાદમાં યોગેશ અને મિત્તલને વરજડી લઈ આવ્યા. પછી દીકરાની પરિચય વિધિ માટે આખા ગામનો જમણવાર કરાવ્યો. ગામલોકોએ પણ હોંશભેર ભાગ લઈ યોગેશ, એટલે કે સચિનને આવકાર આપ્યો હતો.''
Advertisement
Tags :
Advertisement

.