Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ ફોરેસ્ટ ડે પર મળો એક વિરલ ગ્રીનમેનને!

આજે વિશ્વ વન દિવસ છે અને વિશ્વભરમાં વનોને બચાવવા માટેની ચિંતાઓ સેવાઈ રહી છે ત્યારે ગુજરાતના એક પર્યાવરણ પ્રેમી એવા છે, જે વનોના સંવર્ધનની વાત તો કરે જ છે, પરંતુ અર્બન ફોરેસ્ટના કન્સેપ્ટ સાથે વનોને શહેરોમાં લઈ આવવાની પણ હિમાયત કરે છે અને પોતે પણ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં સતત રમમાણ રહે છે. આ પર્યાવરણપ્રેમી એટલે ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈ, જેમને ઊર્જા સંરક્ષણ તેમજ પર્યાવરà
09:43 AM Mar 21, 2022 IST | Vipul Pandya
આજે વિશ્વ વન દિવસ છે અને વિશ્વભરમાં વનોને બચાવવા માટેની ચિંતાઓ સેવાઈ રહી છે ત્યારે ગુજરાતના એક પર્યાવરણ પ્રેમી એવા છે, જે વનોના સંવર્ધનની વાત તો કરે જ છે, પરંતુ અર્બન ફોરેસ્ટના કન્સેપ્ટ સાથે વનોને શહેરોમાં લઈ આવવાની પણ હિમાયત કરે છે અને પોતે પણ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં સતત રમમાણ રહે છે. આ પર્યાવરણપ્રેમી એટલે ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈ, જેમને ઊર્જા સંરક્ષણ તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે રાજ્ય કક્ષાએ, નેશનલ લેવલે અને આંતરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ એવોર્ડ્સ એનાયત થયા છે.

દરેક કાર્યમાં તેઓ પ્રકૃતિ સંરક્ષણને પ્રાધાન્ય 
ગ્રીનમેન વિરલ દેસાઈ આમ તો સુરતના ટેક્સ્ટાઈલ બિઝનેસમેન છે, પરંતુ તેમનો પ્રકૃતિપ્રેમ એવો અનોખો છે કે તેમના દરેક કાર્યમાં તેઓ પ્રકૃતિ સંરક્ષણને પ્રાધાન્ય આપે છે. પાછલા એક દાયકાથી વધુ સમયથી તેમની આખી ટેક્સ્ટાઈલ મીલ પવન ઊર્જાથી ચલાવે છે. તો રેઈન વોટર હાર્વેસ્ટિંગથી વર્ષે અઢી લાખ લિટરથી વધુ પાણી તેઓ બચાવે છે. પણ વિશ્વ વન દિવસ સંદર્ભે જ જો વાત કરીએ ગ્રીનમેન વિરલ દેસાઈ પાછલા સાતેક વર્ષથી વૃક્ષારોપણના કાર્યને તેમના જીવનનું મિશન બનાવીને જીવી રહ્યા છે, જેને પગલે તેમણે અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
 
કયા પ્રકારના વૃક્ષો રોપાવા જોઈએ એ વિશેની જાણકારીનો અભાવ
જોકે વૃક્ષોનું વાવેતર એ જ કંઈ તેમનું મિશન નથી. તેઓ વૃક્ષોના વાવેતરની સાથે વૃક્ષો વિશેની સાચી જાણકારી આપવાની જવાબદારી તેમજ વવાયેલા વૃક્ષોનાં સંવર્ધન સાથે પણ સંકળાયેલા છે. આ માટે તેઓ કહે છે, ‘મેં જોયું છે કે આપણે ત્યાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ જરૂર આવી છે, પરંતુ એ જાગૃતિમાં કયા પ્રકારના વૃક્ષો રોપાવા જોઈએ એ વિશેની જાણકારીનો અભાવ છે. જેને પગલે થાય છે એવું કે લોકો નોન નેટિવ સ્પિસિસના તેમજ ઑર્નામેન્ટલ સ્પિસિસના વૃક્ષોને પ્રાધાન્ય આપે છે, જેને પગલે બાયોડાવર્સિટીને અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશનને કોઈ લાભ મળતો નથી.’

ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર
બાયો ડાયવર્સિટી અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પરથી યાદ આવ્યું કે વિરલ દેસાઈએ સુરત પાસેનું ઉધના સ્ટેશન દત્તક લીધું છે, જે સ્ટેશન હવે દુનિયાનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાવર્સિટી પર તૈયાર થયું હોય. આ રેલવે સ્ટેશન પર જ તેમણે ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કર્યું છે, જે ફોરેસ્ટ જપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે. આ વિશે તેઓ કહે છે, ‘ગ્રીન ઉધના સ્ટેશન પર અમે જે ફોરેસ્ટ તૈયાર કર્યું છે એને અમે શહીદ સ્મૃતિ વન નામ આપ્યું છે. માત્ર ઓગણીસ હજાર સ્ક્વેરફીટની જગ્યામાં અહીં અમે લીમડો, પીપળો, સરગવો, બદામ, જમરૂખ અને વડ જેવા પંદરસો જેટલા નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર કર્યું છે. મિયાવાકી પદ્ધતિથી અમે વૃક્ષોમાં એવું મિમિક કર્યું કે અહીં ચોમાસુ બારેમાસ છે, જેને કારણે માત્ર બે વર્ષના ગાળામાં એક ઘટાટોપ વન તૈયાર થઈ ગયું છે.’

45 જેટલી પ્રજાતિનું સંરક્ષણ
તમને જણાવી દઈએ કે વિરલ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉધના સ્ટેશન પરના આ અર્બન ફોરેસ્ટમાં હવે 45 જેટલી પ્રજાતિના જીવજંતુ, સરીસૃપો, પક્ષીઓ કે પતંગીયા વસવાટ કરે છે અને ઉધના સ્ટેશનની આસપાસના બે લાખ જેટલા લોકોને માટે એ ફોરેસ્ટ ઑક્સિજન ચેમ્બર બની ગયું છે. જોકે વિરલ દેસાઈએ આ ઉપરાંત પણ સુરતમાં બે અલ્ટ્રા ફોરેસ્ટ તૈયાર કર્યા છે તો આગામી સમયમાં સુરતના સચીનમાં તેઓ પાંચ હજાર વૃક્ષોનું અર્બન ફોરેસ્ટ તૈયાર કરી રહ્યા છે. 
પણ વિરલ દેસાઈને અર્બન ફોરેસ્ટ કે અલ્ટ્રા ફોરેસ્ટ પ્રત્યે આટલું બધુ પેશન કેમ છે? એની પાછળ તેમનો શોખ જવાબદાર છે કે કોઈ ચોક્કસ કારણ? આ સવાલો જ્યારે ‘ગુજરાત ફર્સ્ટે’ વિરલ દેસાઈને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘પ્રકૃતિ સંરક્ષણ એ મારે માટે શોખ નહીં, પરંતુ પ્રાર્થના છે. એટલે અર્બન ફોરેસ્ટના પેશન પાછળ કોઈ શોખ જવાબદાર તો નથી જ. હા, જો કંઈ જવાબદાર હોય તો એ બાબત છે કેટલાક આંકડા, જે આંકડા એવું દર્શાવે છે કે વૃક્ષો તેમજ પૂરતા ગ્રીન બેલ્ટને અભાવે અર્બન પૉપ્યુલેશન ક્લાઈમેટ ચેન્જના દુષ્કર પરિણામોનો ભોગ બનશે. જેને કારણે જ મેં મારી જાતને વચન આપ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી અર્બન ફોરેસ્ટના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરતો રહીશ, જેથી બાયોડાવર્સિટી અને ઈકો સિસ્ટમને પૂરતો સપોર્ટ આપી શકાય અને અર્બન પૉપ્યુલેશનને તેનો સીધો લાભ મળે.’
તેઓ એમ પણ કહે છે, ‘વૃક્ષોની બાબતે આપણે હવે એ કગાર પર આવી ગયા છીએ કે શહેરોને હવે ગાર્ડન્સની નહીં, પરંતુ ડેન્સ અર્બન ફોરેસ્ટ અથવા પોકેટ ફોરેસ્ટની સૌથી વધુ જરૂર છે. જો આમ થશે તો શહેરોમાં વધી રહેલા તાપમાન સામે પણ આપણે લડી શકીશું અને શહેરોમાં જે હદે એર પોલ્યુશન છે, તેની સામે પણ બાંયો ચઢાવી શકીશું. નહીંતર શહેરોમાં શુદ્ધ હવા મળશે કઈ રીતે ? જોકે આપણી આયર્ની એ છે કે અર્બન ફોરેસ્ટ માટે આપણે ત્યાં કોઈ ચોક્કસ માર્ગદર્શિકા કે તેના સંવર્ધનના ચોક્કસ નિયમો નથી.’
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ અર્બન ફોરેસ્ત તેમજ વૃક્ષારોપણ સંદર્ભે વ્યાપક જાગૃતિ આવે એ માટે પાછલા એક વર્ષથી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ ચલાવી રહ્યા છે, જે મુવમેન્ટ અંતર્ગત તેઓ અઢી લાખથી વધુ વૃક્ષો રોપવાના સંકલ્પ સાથે હજારો વિદ્યાર્થીઓમાં જાગૃતિ અભિયાનો પણ ચલાવી રહ્યા છે. 
વર્લ્ડ ફોરેસ્ટ ડે પણ તેઓ આખરમાં કહે છે કે, ‘જંગલોને આપણે કોઈ પણ ભોગે સુરક્ષિત રાખવાના છે કારણ કે જંગલની પોતાની એક ઈકો સિસ્ટમ છે. પરંતુ હવે અર્બન ફોરેસ્ટની પણ આપણને એટલી જ જરૂર છે એટલે હું ગુજરાત ફર્સ્ટના લાખો વ્યૂઅર્સને કહીશ કે આપણે અર્બન ફોરેસ્ટ્રીને પણ પ્રોત્સાહન આપીએ અને એ રીતે આપણી ભાવિ પેઢીના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ.’
Tags :
gogreenGujaratFirstviraldesaigreenmanworldforestday
Next Article