મરિયમે ગીતાજી હાથમાં લીધી, ભાવથી માથે અડાડી
પિયર ઘર નાનકડી ઓરડી હોય કે મોટો બંગલો. પણ દીકરી માત્રની સંવેદનાઓ તો સરખી જ હોવાની ને? તરસી નજરે ઘરને જોઈ રહેલી મરિયમ સામે અતીતના કેટકેટલાં દ્રશ્યો હાઉકલી કરી ઊઠયા. પોતાને ભણાવતા અબ્બુ, વહાલ કરતા અબ્બુ, પોતાની બધી જીદ પૂરી કરતાં અબ્બુ, પોતાના રિસામણા, અને અબ્બુના મનામણા..રોજ રાત્રે અબ્બુના પડખામાં ઘલાઈને કેટકેટલી વાર્તાઓ સાંભળી છે. આંખમાં ઊંઘ ભરાય તો પણ અબ્બુ.. હજુ એક..બસ છેલ્લી એà
પિયર ઘર નાનકડી ઓરડી હોય કે મોટો બંગલો. પણ દીકરી માત્રની સંવેદનાઓ તો સરખી જ હોવાની ને?
તરસી નજરે ઘરને જોઈ રહેલી મરિયમ સામે અતીતના કેટકેટલાં દ્રશ્યો હાઉકલી કરી ઊઠયા.
પોતાને ભણાવતા અબ્બુ, વહાલ કરતા અબ્બુ, પોતાની બધી જીદ પૂરી કરતાં અબ્બુ, પોતાના રિસામણા, અને અબ્બુના મનામણા..રોજ રાત્રે અબ્બુના પડખામાં ઘલાઈને કેટકેટલી વાર્તાઓ સાંભળી છે. આંખમાં ઊંઘ ભરાય તો પણ અબ્બુ.. હજુ એક..બસ છેલ્લી એક..
મોટી થયા બાદ અબ્બુએ કહેલી, સમજાવેલી અનેક વાતો..
એ પછી અબ્બુએ તેને તેના જીવનની ઘણી અજાણી વાતો કરી હતી. જે જાણવાનો તેને પૂરો હક્ક હતો એમ તે માનતા હતા. તે દિવસ પછી રોજ રાત્રે વાર્તાને બદલે ગીતાજી અને રામાયણ, મહાભારતની કેટકેટલી વાતો. દિવસના ઉજાસમાં કુરાનની આયાતો અને રાતના અંધકારમાં ગીતાના શ્લોકો. બેવડું જીવન જીવતા અબ્બુ. પોતાના કેટકેટલાં સવાલો અને અબ્બુના જવાબો. રાતની નીરવતામાં બાપ દીકરી ધીમા સાદે કેટકેટલી વાતો ગણગણી રહેતા. આ દીવાલો તેની મૂક સાક્ષી હતી. મરિયમનું હૈયું ભરાઈ આવ્યું. વહાલા અબ્બુને તે ખરેખર હવે કયારેય નહીં જોઈ શકે ? કાશ! એકવાર ..ફકત એકવાર...
દિવસે કુરાનની આયાતો પઢાતી તો રાત્રે અબ્બુની સાથે ગાયત્રી મંત્ર.. અબ્બુના ફોટા સામે જોતી મરિયમના ગળામાંથી આ ક્ષણે પણ ધીમા સાદે ગાયત્રી મંત્ર સરી રહ્યો.
ત્યારે માસ્તરનું ધ્યાન ત્યાં દોડાદોડી કરી રહેલ અબ્દુલ પર હતું.
સાથે સાથે તેમની નજર અલીના અસબાબ પર ફરી રહી હતી.
બે ઓરડી, રસોડું અને નાનું સરખું ફળિયું. નાનકડાં ઘરમાં અત્યારે થોડાં વાસણો, એક પતરાની ટ્રંક, એક ખુરશી. એક જૂનો પુરાણો ખાટલો, થોડાં કપડાં, અને એવી નાની, મોટી બીજી બે ચાર વસ્તુઓ.
આ બધા જાણે મરિયમ સામે ડોકિયાં કરીને તેને આવકારી રહ્યાં હતાં.
“બેન, ઓછું ન આણીશ. અમે છેલ્લે સુધી તારા પિતા સાથે હતા હો.”
થોડો ઘણો સારો સામાન જે કંઈ હતો એ અબ્બુએ કોઈને આપી દીધો હતો એ મરિયમને સમજાઈ ગયું.
તેણે ઉત્સુકતાથી ત્યાં પડેલી પતરાની ટ્રંક ખોલી. સિમ જા ખૂલખૂલની જેમ ખજાનામાંથી જૂની યાદો હાઉકલી કરી ઊઠી.. મરિયમે ટ્રંકમાથી એક પછી એક વસ્તુઓ કાઢી નીચે ઢગલો કર્યો.
બધી પોતાની જ વસ્તુઓ. પોતાના જૂના કપડાં, તૂટયા ફૂટયા રમકડાં, બે ચાર ચોપડીઓ, પોતે વાળમાં નાખતી હતી એ રીબન, પીન, બોરિયા, ઝાંઝર..અબ્બુએ કેવા જતનથી બધુ સાચવ્યું હતું.
તરસી નજરે મરિયમ એક પછી એક આ અમૂલ્ય ખજાનો જોઈ રહી. એક લીલા રંગની રિબન હાથમાં આવતા જ મન વરસો કૂદાવી ગયું.
“અબ્બુ, આ લાલ રિબન નહિ, મને લીલી રિબન જ જોઈએ.નહીતર હું મારા ચોટલા ખોલી નાખીશ.”
મહામહેનતે અબ્બુએ ઓળી દીધેલા વાળ રિસાઈને પોતે ખોલી નાખ્યા હતા. અબ્બુ એ સાંજે લીલી રિબન લાવ્યા હતા.અને ત્યારે જ પોતે વાળ બંધાવ્યા હતા. આ લીલી રીબીન જોઇને મરિયમની આંખ સામે એ દ્રશ્ય હાઉકલી કરી ઊઠયું.
અબ્બુ, હવે હું કોની સામે જીદ કરીશ ? કોની સામે રિસાઈશ અને કોણ મને મનાવશે ? હવે તો મારે એકદમ ડાહ્યા ડમરા બનવાનું છે ને ? હા, અબ્બુ, તમે કહ્યા મુજબ હવે તમારી મરિયમ એકદમ ડાહી, શાંત, બની ગઈ છે હો. હવે એ કોઈ પાસે જીદ કરતી નથી. એની પાસે હવે રિસાવાનો હક્ક જ કયાં રહ્યો છે ? એ હવે કોઈથી રિસાતી નથી. હવે એને તો રિસાયેલા બધાને મનાવવાના હોય છે. હવે તો...
મરિયમનું ગળું ભરાઈ આવ્યું.
મનોમન પિતા સાથે વાત કરતી એ ટ્રંક ફંફોસતી રહી.
છેલ્લે ટ્રંકમાંથી રામાયણ, ગીતા અને ભાગવત , એક તુલસીની માળા નીકળ્યા.
બરાબર ત્યારે જ માસ્તરનું ધ્યાન એના પર પડયું. તેમની આંખો એ વસ્તુઓ જોઈને ચમકી. અલીના,એક મુસલમાનના ઘરમાંથી આ બધી વસ્તુઓ ?
મરિયમે ગીતાજી હાથમાં લીધી. ભાવથી માથે અડાડી.
ત્યાં ગીતાજીમાંથી એક કાગળ સરી પડયો.
મરિયમ ચોંકી.
આ તો અબ્બુના અક્ષર. કદાચ છેલ્લી માંદગીમાં ધ્રૂજતા હાથે લખાયો હશે. નહિતર તેમના અક્ષર તો મોતીના દાણા જેવા હતા.
મરિયમની અધીરી નજર કાગળના અક્ષરો પર ફરી રહી.
વહાલી બેટી મરિયમ,
સલામ.. દુવા .. આશીર્વાદ. આવી ગઈ બેટા તું ? મને ખબર હતી જ કે એક દિવસ તો તું અહી આવીશ જ. બેટા, બહુ રાહ જોવડાવી. પણ મને ખાતરી છે કે કોઈ કારણ હશે જ. બેટા, તું મજામાં છો ને ? અફસોસ માત્ર એટલો જ છે કે તારા ક્ષેમકુશળ જાણવાની લાલસા લઈને જવું પડશે. બેટા, મારા આશીર્વાદ છે, દુવા છે તું હમેશા ખુશ રહે. તારો કાગળ કેમ ન આવ્યો એ સમજાતું નથી. પણ જરૂર કોઈ એવું કારણ હશે.
આ ઘરમાં તારી કેટકેટલી યાદો સચવાયેલી છે. યાદ છે બેટા? એકવાર આપણે ઘોડાગાડીમાં સાથે ગયા હતા. મેં ઘોડાને ચાબૂક મારી હતી. ત્યારે તું દસેક વરસની હોઈશ. તું મને કેવી ખીજાઈ હતી, મારાથી થોડી વાર રિસાઈ ગઈ હતી. તારા એ શબ્દો મને આજે યાદ આવે છે.
“અબ્બુ, ઘોડાને મારો તો એને લાગે નહીં ? એને દુ:ખે નહીં ? એને મારવાનું નહીં.”
બસ..એ પછી મેં કયારેય હાથમાં ચાબૂક લીધી નથી.
બેટા, આજે તું બહુ યાદ આવે છે. તને તેડીને હું ભાગ્યો હતો એ દિવસ જીવનના આખરી દિવસોમાં હમણાં રોજ નજર સામે તરવરે છે. જતા પહેલા મારે કેટલી બધી વાતો તારી સાથે કરવી છે. તારા સાસરીયાની, તારા ઘરની વાતો સાંભળવી છે. કદાચ તું મા પણ બની ગઈ હો..તો તારું એ રૂપ પણ નીરખવું છે. મારા દોહિત્ર કે દોહિત્રી સાથે રમવું છે. પણ મને લાગે છે કે મારી આખરી ઘડી આવી ગઈ છે. તને મળ્યા વિના, તને જોયા વિના કે તારો કાગળ વાંચ્યા વિના જ મારે જવું પડશે ? એક કીડી ન મારનાર હું ક્રૂર શિકારી બન્યો હતો. ઈશ્વર કે અલ્લાહ મને કેમ માફ કરે ? તને ન મળાયું એ કદાચ મારા પાપની સજા છે. બેટા, તું આંસુ ન સારીશ. તને ખબર છે કે હું તારા આંસુ સહન નથી કરી શકતો. મને ખાતરી છે કે કયારેક તું જરૂર આવીશ. આ ક્ષણે કેટકેટલું યાદ આવે છે. બસ બેટા, આશીર્વાદ આપીને જાઉં છું. સુખી થજે. ખુશ રહેજે બેટા. તો જ મારા આત્માને શાંતિ મળશે. બેટા, દુ:ખી ન થતી. ઉપર મારો અનિલ અને તેની બા, અને મારો દોસ્તાર, પણ મારી રાહ જોતા હશે ને ? એમને મળવાનો સમય આવી ગયો છે.”
તારો હતભાગી અબ્બુ..જનક જોશી કે કોચમેન અલી.
તા.ક.
“આખરી ક્ષણે મારું આ નામ યાદ આવી ગયું. આજે હું મનમાં કે રાતના અંધકારમાં નહીં, પણ દિવસના ઉજાસમાં મોટે મોટેથી ગાયત્રીમંત્ર બોલ્યો છું. હવે કોઈ ડર નથી. મને એ પણ ખબર છે કે મને અગ્નિદાહ નહીં દેવાય. મારે કબરમાં જ પોઢવાનું છે. પણ એ બહાને તું કદીક એ જગ્યા તો જોઈ શકીશ. એ આશ્વાસન કંઈ ઓછું છે ? જયાં તારો અબ્બુ પોઢયો હોય ત્યાં એક દિવસ તું આવીશ અને ત્યારે હું તારી સાથે કેટકેટલી વાતો કરીશ.”
પોતે હમણાં જ અબ્બુ સાથે વાતો કરી આવી હતી. એ અહેસાસમાં આ સચ્ચાઈ હતી ?
ટ્રંકમાંથી નીકળેલ કાગળ વાંચતાં મરિયમની આંખો ચોધાર પાણી વહાવી રહી હતી. માસ્તર મૂંઝાતા હતા. મરિયમને શાંત કેમ કરવી ? પણ એ કામ અબ્દુલે આસાન કરી આપ્યું.
માને રડતી જોઈને અમ્મી,અમ્મી કરતો તે તેને વળગી પડયો. મરિયમ આંસુ લૂછીને અબ્દુલને અબ્બુના ફોટા સામે લઈ ગઈ. તેને પ્રણામ કરાવ્યા.
અબ્દુલને લઈને ઊભી થયેલી મરિયમના હાથમાંથી કાગળ નીચે સરી પડયો હતો. માસ્તરે તે ઉઠાવી તેના પર નજર ફેરવી.
વાંચતાં વાંચતાં તેમની આંખોમાં વિસ્મયની વીજળી ચમકારા લેતી રહી. આ બધું શું છે તે તેમને કેમે ય ન સમજાયું. એક મુસલમાનના ઘરમાં ગીતા, રામાયણ અને તેના પાઠ થાય? જનક જોશી ? આ વળી શું?
શું હશે આ રહસ્ય? માસ્તરની ભીતર અનેક સવાલો ખળભળાટ મચાવી રહ્યા.
પણ આ ક્ષણે તો મરિયમને કેમ પૂછાય?
કાળદેવતા તેના ગર્ભમાં ન જાણે કોના કોના, કેટકેટલા, કેવા કેવા રહસ્યો લઈને ઘૂમતા હશે?
મરિયમને પોતાના આ ઘરમાં જ રોકાવાનું મન હતું. અહી તેનું શૈશવ હતું. વહાલા અબ્બુના શ્વાસની સુગંધ હતી. પણ માસ્તરે એ વાત કબૂલ ન રાખી.
‘‘બેટા, તારી ભાવનાની કદર કરું છું. પણ અહી આ રીતે નાના બાળક સાથે તારું એકલું રહેવું મને હિતાવહ નથી લાગતું. છતાં તું ન જ માનવાની હોય તો હું પણ તારી સાથે અહી જ રહીશ. બસ ?”
‘‘ના..ના....”
માસ્તરની આ વાત સાંભળતા જ મરિયમના જીવને ન જાણે કેવો યે ઉચાટ થયો. પોતે ફરી એકવાર કોઈને...
પુરાણી સ્મૃતિઓના જખમ ફરીથી જાણે તેને ઉઝરડી રહ્યા. એક વાર પોતાને લીધે કોઈને કેટકેટલું છોડવું પડયું હતું. સહન કરવું પડયું હતું. હવે નહીં..
‘‘બેટા, તું મારી સાથે ઘેર આવવામાં કોઈ સંકોચ રાખીશ તો મને ખરેખર ઓછું આવશે.
શબ્દોમાં જયારે દિલની સચ્ચાઈ ઉમેરાય ત્યારે તે શબ્દોનું વજન આપોઆપ વધી જતું હોય છે. અને ત્યારે તેનો ઇન્કાર અઘરો પડે છે. માસ્તર કોઈ રીતે મરિયમને અહી રહેવા દેવા માટે કબૂલ ન થયા. આ વત્સલતા આગળ આખરે મરિયમે જીદ છોડવી પડી.
મરિયમે દીવાલ પરથી પોતાના અને અબ્બુના ફોટા ઉતાર્યા. કાળજીથી સાથે લીધા. ટ્રંકમાંથી નીકળેલી થોડી વસ્તુઓ યાદગીરી તરીકે એક થેલીમાં ભરી. અબ્બુએ કેટલા જતનથી સાચવી હતી. એને છોડી કેમ શકાય ? પણ અબ્બુનો આખરી કાગળ કયાં ? તે આમતેમ ફંફોસી રહી. માસ્તર સમજી ગયા. તેમણે ધીમેથી મરિયમના હાથમાં તે કાગળ મૂકયો. મરિયમે ભાવથી કાગળ ચૂમ્યો. માથે અડાડયો. અબ્બુની આખરી નિશાની. અંતિમ આશીર્વાદ.
મરિયમને અહીંથી જવાનું મન નહોતું. આ ઘર છોડીને તે કેમ જઈ શકે ? પણ જીવનમાં કપરી વાસ્તવિકતાઓ મને કે કમને સ્વીકારવી જ પડતી હોય છે.અબ્બુ વિનાના આ ઘરમાં રહેવાનું સહેલું નહોતું એ પણ પોતે જાણતી જ હતી. જિંદગી ફક્ત ભાવનાઓથી નથી ચાલી શકતી એ કપરું સત્ય સ્વીકારવું જ રહ્યું.
એ બધું સમેટી રહી હતી ત્યાં જમાલચાચા ઉતાવળે પગલે આવ્યા અને એક નાનકડી થેલી મરિયમ તરફ ફેંકી
‘તેરા અબ્બુ મુઝે યે દે કે ગયા થા. લો સમ્હાલો.
ચાચા, ઇસમે ક્યા હૈ ?
ઘર કે કાગજાત..ઔર થા હી ક્યા અલી કે પાસ ? ખુદ દેખ લો.
અને જેવા આવ્યા હતા એવા જ ઉતાવળથી ચાલી ગયા. આજે તેમના ઘરમાં કોઈ ઝગડો ચાલી રહ્યો હોય એવા અવાજો આવતા હતા.
નહીતર કોઈ પૂછપરછ કર્યા સિવાય તે રહે તેમ નહોતા.
મરિયમે કાગળિયા કાઢયા. બે ઘડી જોઈ રહી.એમાં અબ્બુએ કયાંય કશું લખ્યું છે ? પણ એવું કઈ દેખાયું નહિ. એટલે તેણે કાગળ માસ્તરના હાથમાં મૂકયા. માસ્તરે એ સાચવીને પાછા થેલીમાં મૂકયા.
ધડકતા હૈયે મરિયમે આખરી નજર આખા ઘરમાં ફેરવી. આખરે અબ્દુલને તેડી ભારે પગલે તેણે ઘરનો ઉંબરો ઓળંગયો. નાનકડો ઉંબર આજે મોટો ડુંગર ઓળંગવા જેવો અઘરો લાગ્યો. અબ્બુ જાણે ફરી એકવાર તેને વિદાય આપી રહ્યા. આ વિદાય આખરી હતી એ જાણતી હોવાથી ઉંબરો ઓળંગતી મરિયમના પગ ખટકો અનુભવે એ સહજ હતું.. હવે આ ઘરને પોતે કયારેય મળી શકશે ખરી ? મરિયમના મનમાં સવાલ જાગ્યો. કેટલાક સવાલોના જવાબ માનવીને જીવનભર નથી મળતા હોતા. મરિયમને પણ જવાબ કોણ આપે?
માસ્તરે ઘરને તાળું વાસ્યું. તાળું અતીતને મરાયું કે ભવિષ્યને ? મરિયમની જિંદગીનો એક અધ્યાય જાણે પૂરો થયો.
આખે રસ્તે માસ્તર અને મરિયમ બંને ચૂપ જ રહ્યા. માસ્તર સમજી શકયા હતા કે મરિયમને બહુ વસમું લાગ્યું છે. પણ શું થાય ? માનવી માત્ર કાળદેવતાના હાથના રમકડાં માત્ર.
મૌન રહીને ચાલતા માસ્તરના મગજમાં પોતે અનાયાસે વાંચેલા અલીના કાગળના શબ્દો સતત ઘૂમરાતા રહ્યા હતા. આ કેવું, કયું રહસ્ય હતું મરિયમ અને અલીની જિંદગીનું ? કોચમેન અલી ડોસો, જનક જોશી..ગીતા, કુરાન, ગાયત્રી મંત્ર ??? શું હતું આ બધું ? માસ્તરનું મગજ ભમી રહ્યું હતું. મરિયમને પૂછવાની જિજ્ઞાસા હાલ પૂરતી તો માંડ માંડ રોકી રાખી હતી.
જીવનમાં કલ્પના કરતા પણ વાસ્તવિકતા ઘણી વાર વધારે વિચિત્ર, વધારે સંકુલ હોય છે. ન કલ્પી શકાય એવી અનેક બાબત જિંદગીમાં બનતી રહે છે.
મરિયમ અને અલીની જિંદગીનું આ કયું રહસ્ય કાળદેવતા પોતાની બંધ મુઠ્ઠીમાં લઈને ઘૂમતા હશે ? કયારે ખૂલશે એ બંધ મુઠ્ઠી ?કેવા કેવા રહસ્યો નીકળશે એમાંથી?
ચાલતા ચાલતા માસ્તર મરિયમ સામે નજર નાખી રહ્યા હતા.પણ મરિયમ તો ન જાણે કઈ દુનિયામાં ચાલી રહી હતી. આસપાસ નજર સુધ્ધા નાખ્યા સિવાય તે યંત્રવત માસ્તર પાછળ દોરાઈ રહી હતી.
માસ્તરે એ રહસ્ય જાણવાની તાલાવેલી ઉપર અત્યારે તો તાળું જ વાસવું રહ્યું. સમય દેવતા જયારે જવાબ આપે ત્યારે.
મૂંગી મંતર બનેલી મરિયમ ફરી એકવાર અબ્દુલ સાથે માસ્તરના ઘરમાં પ્રવેશી.
ક્રમશ :
Advertisement