Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મરિયમની આંખો ફરી એકવાર વહેવા લાગી....

એકચિત્તે, ભારે આશ્વર્યથી મરિયમને વાત સાંભળતા માસ્તરનું મગજ જાણે બહેર મારી ગયું હતું. પોતે આ બધું શું સાંભળે છે? કોઈ વાર્તા કે વાસ્તવિકતા? ઘણીવાર વાર્તા કરતા પણ જિંદગીની વાસ્તવિકતા ઘણીવાર વધારે વરવી, વધારે ભયાનક હોય છે એનું ભાન માસ્તરને કદાચ આજે પહેલી વાર થયું. આજ સુધી સાવ સીધી લીટીએ જીવાયેલા તેમના જીવનમાં આવી કોઈ કલ્પનાને પણ સ્થાન નહોતું. જીવનમાં આવું પણ બની શકે? જો મરિયમની નીતરàª
12:30 AM Jul 17, 2022 IST | Vipul Pandya
એકચિત્તે, ભારે આશ્વર્યથી મરિયમને વાત સાંભળતા માસ્તરનું મગજ જાણે બહેર મારી ગયું હતું. પોતે આ બધું શું સાંભળે છે? કોઈ વાર્તા કે વાસ્તવિકતા? ઘણીવાર વાર્તા કરતા પણ જિંદગીની વાસ્તવિકતા ઘણીવાર વધારે વરવી, વધારે ભયાનક હોય છે એનું ભાન માસ્તરને કદાચ આજે પહેલી વાર થયું. 
આજ સુધી સાવ સીધી લીટીએ જીવાયેલા તેમના જીવનમાં આવી કોઈ કલ્પનાને પણ સ્થાન નહોતું. જીવનમાં આવું પણ બની શકે? જો મરિયમની નીતરતી આંખો કે તેના શબ્દોની સચ્ચાઈ, સંવેદના જો જોઈ કે સમજી શકયા ન હોત તો આ બધું સ્વીકારવું તેમને અઘરું લાગ્યું હોત. મરિયમની નાનકડી જિંદગીની આ કેવી કારમી સચ્ચાઈ તેમની સામે ઉઘડી રહી હતી? 
પછી? પછી શું કહ્યું તેમણે? એમણે આશરો આપ્યો કે નહિ? કોઈ શરત મૂકી તેમણે? માસ્તર અદ્ધર  શ્વાસે પૂછી રહ્યા. 
હા, ભાઈ, એ મિત્ર આમ તો મારા અબ્બુના મિત્ર હતા. પણ એ સમયે ત્યાં કોઈ મિત્ર, મિત્રતા નહોતા. હતી ફક્ત એક ધર્માન્ધતા. કોઈ માણસો કે માનવતા ખોવાયા હતા.  બાકી રહ્યા હતા ફક્ત હિંદુ કે મુસલમાન.
એમણે એક આકરી શરત મૂકી કે જો જનક કાકા મુસ્લિમ ધર્મ સ્વીકારે તો  એ અમને આશરો આપે અને  બચાવે. જનક કાકાને પોતાની કોઇ પરવા નહોતી. એ કોઇ પણ ભોગે મને બચાવવા માગતા હતા.  વિચારવાનો કે મુદત માગવાનો એવો કોઈ પ્રશ્ન  જ ત્યારે  અસ્થાને હતો. પગમાંથી લોહીની ધાર વહેતી હતી, શક્તિ ક્ષીણ થતી જતી હતી.  દૂરથી પડઘાતા  ટોળાના દેકારા હજુ શમ્યા નહોતા. એ વધારે ને વધારે નજીક આવતા જતા હતા. સમયનો તકાદો હતો. બીજો કોઈ રસ્તો, કોઈ ઉપાય નહોતો દેખાતો. હિંદુઓ મને મારી નાખે અને મુસ્લિમો તેમને. અમારા બેમાંથી કોઈ બચવા પામે એમ નહોતું. એમણે  પોતાની  નહિ, પણ મારી જિંદગી માટે, મને બચાવવા માટે કોઇ પણ હિંદુ માટે સૌથી આકરી ગણાય એવી એ શરત એમણે સ્વીકારી હતી અને ઢળી પડયા હતા. 
ભાનમાં આવ્યા બાદ એમને  કેવી કેવી વિધિઓમાંથી પસાર થવું પડયું હતું. એક ચુસ્ત સનાતની હિન્દુએ કેવું કેવું ખાવું પડયું હતું. ઈશ્વરને, મંદિરને નકારીને અલ્લાહ અને મસ્જીદ... ગીતાને બદલે હાથમાં કુરાન.. વેદની રૂચાઓને બદલે કુરાનની આયાતો પઢવી પડતી. નમાજ પઢતા મારા અબ્બુને તેમણે અનેક વાર જોયા હતા. પણ પોતાને કયારેય એ કરવાનું આવશે એવી તો કલ્પના પણ કયાંથી આવી હોય? અને છતાં.. છતાં તેમણે  એ બધું જ કર્યું. મારે માટે કર્યું. માંસનો પહેલો  કોળિયો તેમણે  કેવી રીતે ગળામાં ઉતાર્યો હશે એ વખતે એમનું દિલ કેવું કંપી ઉઠયું હશે એની કલ્પના સમજણી થયા બાદ મેં અનેકવાર કરી છે. તેમની આખ્ખે આખી જાત બદલાઈ કે વટલાઈ ગઈ હતી. તેમના અસ્તિત્વના કૂચા બોલી ગયા હતા. હું કેવી કમનસીબ.. મારે લીધે તેમણે કેવું કેવું સહન કરવાનું આવ્યું હતું એ તો તેમના ઈશ્વર સિવાય કોઈ જાણી શકે એમ નહોતું. 
બસ. એ ઘડીથી હું તેમની વહાલસોયી દીકરી અને તે મારા અબ્બુ.. શરૂઆતના બે વરસ તો એ લોકોએ અબ્બુ પૂરા મુસલમાન બન્યા છે કે નહીં એની કેવી કેવી રીતે ચોકસાઇ કરી હતી?  ચુસ્ત, સનાતની હિંદુ માટે એ કોઇ સહેલી વાત ન જ હોય.  છતાં આંસુઓને અંદર જ શમાવીને એ મારા અબ્બુ બન્યા. પૂજા આરતી, મંદિર છોડીને પાંચ વાર નમાઝ પઢી અને..અને..’ 
મરિયમની આંખો ફરી એકવાર વહેવા લાગી. માસ્તરે કશું બોલ્યા સિવાય ત્યાં પડેલો પાણીનો લોટો દીકરી સામે ધર્યો.
મરિયમે એકાદ ઘૂંટ ભર્યો.
‘મારા જનક ચાચુ  હવે  કોચમેન અલી  બની ગયા. પોતાના પરમ દોસ્તારની દીકરીને બચાવવા એમનું નામ, કામ, ધરમ બધું જ અપનાવ્યું.
ફકત અને ફકત મારા માટે.. હું તો ત્યારે માંડ છ વરસની હતી. મને તો આ બધી સમજણ કયાંથી હોવાની? આ તો મોટી થયા બાદ તેમણે એ બધી વાત  મને કહી હતી. જયારે એ જાણ થઇ અને સમજ આવી ત્યારે મને એક જ અફસોસ થયો કે એ સમયે બધાની સાથે હું પણ કેમ મરી ન ગઇ ?  મારે લીધે એમણે કેટકેટલું સહન કર્યું. અમારા બે કુટુંબમાંથી ફકત અમે બે જ બચવા પામ્યા હતા. બે આખા કુટુંબમાંથી બે વ્યક્તિ માત્ર.. મને ખભ્ભે બેસાડીને લોહી નીતરતા પગે દોડતા અબ્બુનું  દ્રશ્ય તો હું આજે યે ભૂલી નથી.  
શરૂઆતમાં  દિવસો સુધી હું  અમ્મીનું રટણ કર્યા કરતી. અબ્બુને યાદ કરીને રડતી. આ બધું શું થઇ ગયું ? મારી અમ્મી, અબ્બુ કેમ દેખાતા નથી? મારો દોસ્ત અનિલ કયાં ગયો?  મને કંઈ સમજાતું નહિ. હું ભયભીત બનીને ચાચુના  ખોળામાં લપાઈ જતી. ત્યારે તે  મને કહેતા, 
‘બેટા, હવે હું જ તારો અબ્બુ અને હું જ તારી અમ્મી.’
 હું  તેમના  ખોળામાં સૂઈને રડતી રહેતી.  મને યાદ છે એ કેવી કેવી રીતે મને ફોસલાવતા, શાંત કરવા મથતા રહેતા,  મારો ડર કાઢવાના અનેક પ્રયાસો કરતા. 
એ મને  હસાવતા,  રમાડતા,  વાર્તાઓ કરતા.  ધીમે ધીમે મારા બાળક મને સ્વીકાર કરી લીધો હતો કે આ જ મારા અબ્બુ છે. 
‘પછી ? પછી શું થયું ?’
માસ્તર  કદાચ અથરા થઇ ગયા હતા. કે પછી હજુ તેમના માન્યામાં નહોતું આવતું ? 
તે  આખેઆખ્ખા ખળભળી ઊઠયા હતા, સ્તબ્ધ બની ગયા હતા.  વાર્તા કરતા પણ જીવન વધારે આંચકા દેતું હોય છે. એ સત્ય આ ઘડીએ સમજાતું હતું.
તેમના મોઢામાંથી  અધીરતાથી, કોઈ અકળ  વ્યાકૂળતાથી  શબ્દો સરી પડયા હતા. 
પછી ? પછી શું થયું ?  
‘ પછી શું થવાનું હતું ? અમે તો સઘળું છોડીને આવ્યા હતા. કોઇ ગરીબ બાપ દીકરી માટે જે કંઇ કરી શકે એ સઘળું  એમણે કર્યું. અબ્બુએ મને કોઇ વાતની ખોટ નથી સાલવા દીધી. ‘ 
‘પણ કોચમેન અલી પહેલા તો ક્રૂર શિકારી હતો એવું સાંભળવામાં આવ્યું છે.’
‘હા, ભાઈ, એ શિકારી બન્યા. પણ  એના કારણો કયાં ઓછા હતા ? એક તો પોતાનું આખું  કુટુંબ  આ રીતે હોમાઇ ગયું. અધૂરામાં પૂરું મને બચાવવા તેમને પરાણે મુસ્લીમ બનવું પડયું. એક હિંદુને પરાણે વટલાઈને મુસ્લીમ બનવું પડયું હોય ત્યારે ભીતરમાં તો  કેવો  કાળઝાળ અગ્નિ ઉઠતો હોય ? એ અગ્નિ, ભીતરમાં  ભભૂકતો જવાળામુખી, ધગધગતો લાવા, કોઇક સ્વરૂપે તો બહાર આવવાનો  જ ને ? એ જનક જોશીમાંથી કોચમેન  અલી બન્યા. એમણે એમના મિત્ર અને મારા અબ્બુનું નામ અને કામ બંને અપનાવી લીધા હતા. ભીતરની  વ્યથા, હૈયાને દઝાડતી, કોરી નાખતી  કાળી બળતરા,  પ્રાણને વલોવી નાખતી એ પીડા  એક કે બીજી રીતે બહાર તો આવવાની જ ને ? આ કોઈ નાનુ સૂનું કામ નહોતું. એમણે એના દોસ્તની, મારા અબ્બુની મિત્રતા આવા સંજોગોમાં પણ જાળવી હતી.મને..મિત્રની દીકરીને બચાવી હતી. મોટી થયા બાદ હું કયારેક અફસોસ કરું તો તે  કહેતા,
બેટા,  મેં કંઈ મોટી મોથ નથી મારી.  મેં તો અમારો  દોસ્તીનો ધરમ નિભાવ્યો છે.  તારા  અબ્બુ હોત તો મારા અનિલને પણ તેમણે ગમે તે ભોગે બચાવ્યો જ હોત ને ? મારા ઈશ્વરે આ જવાબદારી મારી ઉપર નાખી છે. મારે નિભાવવી જ રહી.અલ્લાહ બોલું છું   ત્યારે પણ મારી નજર સામે તો મારો લાલો જ દેખાતો હોય છે.
ભાઈ, કોઈ સામાન્ય માણસનું એ કામ નહોતું. જનક જોશીમાંથી કોચમેન અલી બનવાની એ પ્રક્રિયા કંઈ સહેલી નહોતી. તેમનું ભીતર કેટલું વલોવાયું હશે. ખેર !  
અને ધીમે ધીમે  એ એક કુશળ શિકારી બની ગયા. આકાશમાં ઉડતા પંખીઓ પાડે એવા બાહોશ શિકારી. સાન, ભાન ભૂલીને આસમાનમાં ઊડતા પંખીઓને મારતી વખતે કદાચ ભીતરના અગ્નિને આ રીતે  થોડીક ટાઢક મળતી હશે કે શું ?
શિકાર કર્યા પછી ઘેર આવીને  છાનામાના આંસુ સારતા પણ એ જ માણસને મેં  જોયા છે.  પીડાની એ ઉંચાઇ હું સમજી શકી હતી. ભીતરનો એ વલોપાત એ કોની પાસે કાઢે ? એમની પાસે પોતાનું કહી શકાય એવું કોઈ સ્વજન નહોતું રહ્યું.  એ પીડાએ, સંજોગોએ એક જ માણસના આવા બે ભિન્ન્ સ્વરૂપ સર્જ્યા હતા. એક તરફ પીડાની ચરમસીમા અને બીજી બાજુ મારા જેવી છોકરી માટેના સ્નેહની ચરમસીમા..
પ્રેમ અને પીડા કદાચ એકમેકનો પર્યાય હશે.એવું મને આજે  સમજાય છે. 
સાંજે અમે બાપ દીકરી સાથે જ જમવા બેસતા. એમણે મને માબાપની ખોટ કદી સાલવા નથી દીધી કે  કદી આંસુનું એક ટીપું એમણે મારી આંખમાં નથી આવવા દીધું. હા,   કદીક કોઇ એકલવાયી રાત્રે એમના કુટુંબને, નાનકડા અનિલને યાદ કરીને એકલા એકલા આંસુ સારતા એમને મેં અનેક વાર, રોજ રોજ જોયા છે. હું દોડીને એમને વળગી પડતી. ચૂપચાપ એમની આંખના આંસુ લૂછતી. એ સિવાય બીજું શું કરી શકાય એ મને ખબર નહોતી પડતી. અને ત્યારે એમના ચહેરા પર જે ફિક્કુ સ્મિત  ઉઠતું એ તો..
ખેર ! પછી તો કેટલાયે વહાણા વાઇ ગયા. મને ભણાવી,  પરણાવી. હું સુખી થાઉં એ એક માત્ર એમનું જીવનકર્તવ્ય.
મને સાસરે વળાવ્યા બાદ, પોતાનું  આખરી કર્તવ્ય પૂરું થતાં એ આખા બદલાઇ ગયા હશે  હેં ને કાકા સાચી વાત ને ?  એમનો જીવનરસ સૂકાઇ ગયો હશે. અત્યાર સુધી ફકત મારે માટે જીવતા હતા. હવે પછી કદાચ એમની પાસે જીવવાનું કોઈ કારણ, કોઈ ધ્યેય નહીં રહ્યું હોય. સાચી વાત ને ?  હું હતભાગી એમને માટે કઈ જ ન કરી શકી.’
‘તારી વાત સોળ આના સાચી. પણ બેટા, આપણે સૌ તો નિયતિના હાથના પ્યાદા. તું વલોપાત ન કર. ધાર્યું ધણીનું થાય..આપણે સૌ તો એમાં નિમિત્ત માત્ર.’
મરિયમને આશ્વાસન આપતા માસ્તરની નજર સામે અલીનો ચહેરો, પુત્રીની પ્રતીક્ષા કરી રહેલી બે તરસી આંખો તગતગી ઉઠી. અલી એક મુસલમાન નહિ, પણ પોતાના જેવો જ એક સનાતની હિદુ હતો. ઓહ..પોતે એ જીવને કેવો દુભાવ્યો હતો. અલીની   સાચી હકીકત જાણ્યા બાદ તો માસ્તર વધારે દ્રવી ઊઠયા.  એ કેવો મહાન હતો. નરી માણસાઈથી ભરેલો એક સાચુકલો  માણસ. કાશ ! પોતે એને પહેલા સમજી શકયા હોત. 
પણ જીવનમાં એવા જો અને તો ને વટાવવા  સહેલા કયાં હોય છે ? તેર મણનો એકાક્ષરી અક્ષર, તો, કેટકેટલા લોકોના જીવનચક્રને ફેરવી નાખતો હશે ? જિંદગી આખી આવા અનેક જો અને તો ની વચ્ચે જ વીતતી રહેતી હોય છે ને ? 
‘ભાઈ, મારી બધી હોંશ, વણકહી ઇચ્છાઓ  પૂરી કરવામાં અબ્બુએ કોઈ કચાશ નહોતી રાખી.હું એમની દીકરી નથી એવું તો એક ક્ષણ માટે પણ મને કયારેય લાગ્યું નથી. એમને છોડીને જવું મારે માટે બહુ અઘરું હતું. અને વરસો પછી  હવે જયારે એમને મળવા આવી શકી ત્યારે એ દૂર દૂર ચાલ્યા ગયા. નહીંતર  આજે મારા દીકરાને જોઇને તો એ ગાંડા થયા  હોત. 
અને ભાઈ, એક ખાનગી  વાત કહું ? ‘
માસ્તરના ચહેરા પર હળવા સ્મિતની રેખા ઉભરી આવી.
 ‘બેટા, તું યે  હંસાની જેમ ભણી લાગે છે.’
’વધારે તો નહીં પણ દસમા ધોરણ સુધી ભણી છું. અબ્બુને તો મને આગળ ભણાવવાનું  મન હતું. પણ  અચાનક નસીબ મને છેક પંજાબ ખેંચી ગયું. એ બધી વાત પછી  કયારેક... 
‘ જોકે અબ્બુને છોડીને જવું મારા માટે સહેલું નહોતું.  મારે તો લગ્ન જ નહોતા કરવા. પણ  મને વળાવ્યા સિવાય તેમને ચેન પડે એમ નહોતું. અમે બાપ દીકરીએ વિદાય વખતે દરિયો વહાવ્યો હતો. હવે અબ્બુનું ધ્યાન કોણ રાખશે એ ચિંતા મને કોરી ખાતી હતી. અબ્બુ પાસેથી મેં કેટલા વચન લીધા હતા.પણ.. 
પણ હું તો અબ્બુને કદી …’ 
 મરિયમની આંખો  ફરી એકવાર ઉભરાણી..
માસ્તરને શું બોલવું તે સમજાયું નહીં. 
આશ્વાસનના  શબ્દો અનેક વાર સાવ પોકળ સાબિત થતા હોય છે. ભીનાશ વિનાના સાવ  કોરાકટ્ટ..
‘બેટા, તારી એ ખાનગી વાત ?’
ઉદાસ બની ગયેલી મરિયમને માસ્તરે ટપારી..મરિયમને ઉદાસી, પીડાના આ ઓથારમાંથી બહાર કાઢવા વાતને જુદી દિશાએ લઇ જવી આમ પણ જરૂરી હતી
ક્રમશ : 
Tags :
GujaratFirstMairyamthimeeraNilamDoshiNovel
Next Article