ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાંચ પાંચ વરસ પછી દીકરીએ શું લખ્યું હશે?

આખી રાત માસ્તરને એક જ વિચાર પજવતો રહ્યો. અલીના નિસાસા હંસાને લાગ્યા હશે ? એને કંઈ થયું તો નહિ હોય ને? બધું સમુસૂતરું પર ઉતાર્યું તો હશે ને? તો ઘડીકમાં અલીનો ઉદાસ, નિરાશ, વ્યાકુળ ચહેરો બંધ આંખ સામે તરવરી ઊઠતો. અને કોઈ અમંગળ આશંકાથી માસ્તર ગભરાઈ ઊઠતા. પોતે વરસો સુધી ઠંડી ક્રૂરતાથી અલીની મજાક, મશ્કરી કરતા, તેને પાગલ ગણતા. હવે અલીનો આત્મા જરુર બદલો લેવાનો. માસ્તર આકુળવ્યાકુળ બનીને પથારીમàª
04:27 AM May 15, 2022 IST | Vipul Pandya

આખી રાત માસ્તરને એક જ વિચાર પજવતો રહ્યો. અલીના નિસાસા હંસાને લાગ્યા હશે ? એને કંઈ થયું તો નહિ હોય ને? બધું સમુસૂતરું પર ઉતાર્યું તો હશે ને? તો ઘડીકમાં અલીનો ઉદાસ, નિરાશ, વ્યાકુળ ચહેરો બંધ આંખ સામે તરવરી ઊઠતો. અને કોઈ અમંગળ આશંકાથી માસ્તર ગભરાઈ ઊઠતા. પોતે વરસો સુધી ઠંડી ક્રૂરતાથી અલીની મજાક, મશ્કરી કરતા, તેને પાગલ ગણતા. હવે અલીનો આત્મા જરુર બદલો લેવાનો. માસ્તર આકુળવ્યાકુળ બનીને પથારીમાં બેઠા થઇ ગયા. વાતાવરણમાં સરસ ઠંડક હતી પણ માસ્તરનું શરીર પરસેવે રેબેઝેબ. માસ્તર ઊભા થયા. રસોડામાં જઈ પાણી પીધું. મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ઘરમાં રહેલા મંદિર સામે જઈ ભગવાનને પ્રણામ કર્યા.

ॐ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।

शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।। 

 શ્લોકનું રટણ  આપોઆપ  મનમાં ચાલુ થયું.   થોડીવારે  ફરી જગ્યાએ જઈને સૂતા.     

 રોજ ઘસઘસાટ ઊંઘી જનારા માસ્તરને આજે રાત બહુ લાંબી લાગી હતી. છેક મળસ્કે થાકેલી આંખો બિડાઈ હતી.  સવારે વહેલા ઉઠવાની માસ્તરની વરસોની આદત હતી. ઊઠીને થોડું ચાલવા જતા પછી આવીને ચાનો કપ અને છાપું લઈને ફળીયામાં નિરાંતે ગોઠવાતા. ત્યારે રામજી ગાય દોહતો હોય. થોડી વારમાં જમના ચા બનાવીને માસ્તરને  આપી જતી. મીનાબહેન એ સમયે તેમના પૂજા પાઠમાં મશગૂલ હોય. ઠાકોરજીની સેવા, પૂજા કર્યા સિવાય એ પાણી પણ ન પીતા. એમાં પણ હંસાના લગ્ન પછી તો મીનાબહેનને થોડું એકલું લાગતું. એટલે એમની સેવા ખાસ્સી લાંબી ચાલતી. સવારની ચા માસ્તર એકલા જ પીતા. આ તેમનો વરસોનો ક્રમ હતો. એ પછી તૈયાર થઈને એ પોસ્ટઑફિસ ઉપડતા. પોસ્ટઑફિસ કંઈ ઘરથી એવી દૂર નહોતી. એટલે માસ્તર ચાલતા જ જતા. 

લાલાની સેવામાંથી પરવારીને  મીનાબહેન રસોઈની તૈયારીમાં પરોવાતા. વચ્ચે વચ્ચે જમનાની અવરજવર ચાલુ હોય. મીનાબહેન સાથે અલક મલકની વાતો થતી રહે. જમનાએટલે મીનાબહેનનો હાથ વાટકો. રામજી કૈક લલકારતા લલકારતા ગાયની ગમાણ અને  ફળીયામાં સાફસૂફી કરે. પછી  ચા અને ભાખરી ખાઈને પતિ પત્ની કામે ઉપડે. બંને  મળીને   પોસ્ટઑફિસ અને  આજુબાજુની  બે ચાર દુકાન વાળવાનું, અને એવા બીજા  છૂટક કામ કરતા. 

આજે માસ્તરનો નિત્ય ક્રમ ખોરવાયો હતો. આજે માસ્તરની આંખ ખૂલી ત્યારે સૂરજદાદાના કિરણો આખા ઘરમાં હડીયાપટી કરતા હતા. કદાચ તેમને પણ નવાઈ લાગતી હતી કે  આજે આ માસ્તર હજુ ઉઠે કાં નહિ? ઘડિયાળમાં નજર પડતા જ માસ્તર સફાળા બેઠા થઇ ગયા. જલદી જલદી પ્રાત:કાર્ય પતાવ્યા. જમના રસોડામાં હતી. રામજી ચાનો કપ લાવ્યો. હમણાં મીનાબહેન નહોતા એટલે  ઘરની જવાબદારી સ્વાભાવિક રીતે જ રામજી અને જમના પર હતી.  રોજની જેમ નિરાંતે બેસીને ચા પીવાને બદલે આજે  તે એકી શ્વાસે પૂરી કરી ગયા. રામજી નવાઈથી માસ્તર સામે જોઈ રહ્યો. તે કંઈ બોલે તે  પહેલા જ  અથરા અવાજે માસ્તરે કહ્યું,  'જરા કામસર બહાર જાઉં છું.' તેમણે જલદી જલદી   માથે ટોપી ખોસી. હાથમાં  લાકડી અને છત્રી લીધા. એક યુવાનને પણ શરમાવે તેવી લાંબી  ડાંફો ભરતા  સીધા ઊપડયા કબ્રસ્તાન તરફ.  તેમના પગ સીધા અલીની કબરે રોકાયા. બેબાકળી નજર કબર પર પડેલા કાગળને તાકી રહી. શ્વાસ હેઠો બેઠો.  હાશ ! સારું થયું તે દિવસે કવર  ઉપર મૂકેલા પથરાના વજનને લીધે કાગળ હજુ સલામત હતો. 

કવર પર લખાયેલા શબ્દો “ કોચમેન અલી ડોસા “  તેમને  તાકી રહ્યા હતા કે પછી તેમની હાંસી ઉડાવી રહ્યા હતા. કવર પર લખાયેલા એ  નામને માસ્તર થોડી ક્ષણો એકીટશે નીરખી રહ્યા. એ નામમાંથી  બહાર નીકળીને  અલી  જાણે એને કંઈક પૂછી રહ્યો હતો કે શું ? બે ચાર ક્ષણ ભારે હૈયે તે અલીની કબર સામે જોઈ રહ્યા. હાથમાં કવર લઈ ઘર તરફ પાછા વળ્યા ત્યારે અનેક સવાલો તેમના મનને પજવી રહ્યા હતા. 

ઘેર આવી  અધીરાઈથી  કવર ખોલતા તેમાંથી કાગળ  સરકીને નીચે પડયો. વાંકા વળીને માસ્તરે કાગળ ઉપાડયો. થોડી પળો કાગળ એમ જ હાથમાં રાખી બેસી રહ્યા. ઘડીક કાગળ ખોલે, ફરી બંધ કરે, ખોલે. એમ થોડી વાર હાથમાં કાગળ ફરફરતો રહ્યો. જાણે વાંચવાની હિમત નહોતી ચાલતી. પાંચ પાંચ વરસ પછી દીકરીએ શું લખ્યું હશે ? પહેલા કેમ નહિ લખ્યો હોય ? કેવી હશે તેની દીકરી? પોતાનો બાપ કાગળની રાહ જોતો હશે એટલી ભાન નહિ હોય દીકરીને ? કે પછી બીજું કોઈ કારણ હશે ? એક પળમાં તો અનેક સવાલો માસ્તરના મનમાં ઉઠી રહ્યા. ન જાણે કેટલી પળો માસ્તર એમ જ હાથમાં કાગળ પકડીને બેસી રહ્યા. એકીટશે જાણે ત્રાટક કરતા હોય એમ કાગળ સામે જોઈ રહ્યા. 

જાણે એમાંથી હંસાના સમાચાર ન મળવાના હોય ? ઘડીકમાં અધીરાઈ જાગતી તો ઘડીક  મનમાં  ગડમથલ ચાલતી હતી. કોઈનો કાગળ આમ વાંચવો કે નહીં ? પણ કાગળ જેને આપવાનો હતો, એ વ્યક્તિ હવે હતી જ નહીં. તો પછી ? આમ પણ હવે માસ્તર પોતાની જિજ્ઞાસા રોકી શકે એમ હતા જ નહીં. આખરે માસ્તરે કાગળની ઘડી ખોલી. 

શું હશે કાગળમાં ? કાગળની ઘડી ખોલતા ખોલતા પણ માસ્તરનાં મનમાં એ જ વિચાર. અને... હિન્દી મીશ્રીત ગુજરાતીમાં લખાયેલ એ કાગળ પર માસ્તરની નજર વીજળીવેગે ફરતી રહી. 

 માસ્તરે કાગળ વાંચ્યો. એકવાર નહિ.. બે વાર વાંચ્યો. એક એક શબ્દ વાંચ્યો. 

“ મેરે પ્યારે  અબ્બુ, 

સબ ખેરિયત હૈ ન ? ન જાને  ક્યૂ આજ લિખતે વક્ત મેરા મન કાંપ રહા હૈ. કુછ અચ્છા નહીં લગતા. બુરે બુરે ખયાલાત  મનમેં  કયોં આતે હૈ ? અબ્બુ, મેરે પ્યારે અબ્બુ, આપ ઠીક તો હો ન?  મુઝે પતા  હૈ કિ આપ મેરે ખત કી પ્રતીક્ષા કરતે હોગે. બહુત ચિંતા ભી કરતે હોગે. મૈં ક્યા આપ કો પહચાનતી નહીં હૂં ? આપ મેરે લિએ ક્યા હો વહ આપ કો પતા  હૈ. આપ સોચતે હોંગે કિ  મૈં કૈસી બેટી હૂ. જો આજ તક એક ખત ભી નહીં લિખા. લેકિન નહીં, મૈં જાનતી હૂં , આપ મેરે બારે મે ઐસા સોચ હી નહીં સકતે.  અબ્બુ, સચ બાત તો યે હૈ કિ મૈંને આપ કો કઈ ખત લિખે, મગર ભલા આપ કો બિના લિખે મૈ કૈસે રહ સકતી હૂ ? બહુત સારી બાતેં કરની હૈ. વો સબ બાદ મેં. 

પ્યારે અબ્બુ, આપ કો પતા હૈ ? આપ કા નવાસા અબ્દુલ અબ પૂરે દો સાલ કા હો ચુકા હૈ.  મૈં તો દિન મેં કિતની બાર ઉસકે સાથ આપ કી બાતેં કરતી રહતી હૂં. મુઝે માલૂમ હૈ કિ આપ ઉસે દેખને કે લિએ અધીર હોગે. વહ  તો આપ કો બહુત તંગ કરેગા. ઔર આપ કે સાથ બહુત  ખેલેગા. આપ કે દામાદ તો ફૌજ મેં  ન જાને  કહાં સે કહાં ઘૂમતે  રહતે હૈ. સાલ મે એક  બાર હી આ સકતે હૈ. મૈ યહાં ઠીક હૂં. મેરી કોઈ ચિંતા મત કરના. બસ આપ અપના ખયાલ ઠીક સે રખના. 

અબ્બુ, જી ભર કે બહુત સારી બાતે કરની હૈ.. લેકિન..લેકિન..ખત મે નહીં. હાં  જી, અબ્બુ, મૈ વહાં આ રહી હૂં. આપ કો મિલનેકે લિએ આ રહી હૂ. મુઝે પતા હૈ આપ અપના ખ્યાલ બિલકુલ નહીં રખતે હોંગે. અબ મૈ આતી હૂં તો આપ કો બહુત ડાટૂંગી. અબ્બુ, આપ કો દેખને કે લિએ બહુત જી ચાહતા હૈ. અબ્બુ પતા નહીં, પર ઇન દિનો ન જાને ક્યૂ લેકિન  મેરા મન બહુત ઘબરા રહા હૈ. આપ કી બહુત ચિંતા હો રહી હૈ. ડરાવને સપને આતે હૈ. અબ્બુ, મેરે પ્યારે અબ્બુ, આપ ઠીક તો હો ન? આપ કે દામાદને પૂરે દો મહિને કિ ઇજાજત દી હૈ. મેરી ટીકટ કિ પૂરી જાનકારી ઇસકે સાથ ભેજ રહી હૂ. અબ તો સ્ટેશન પર હી મિલેંગે. 

અબ્બુ, યહાં જ્યાદાતર બાતે હિન્દી મે હી હોતી હૈ. અહી પંજાબમાં તો ગુજરાતી જાણવાવાળા કેટલા મળે ?  અબ્બુ.. મેરે પ્યારે અબ્બુ.. આપ કો મિલનેકે લિએ બેતાબ. બસ..અબ તો આપ કા દીદાર કરને  કે લિએ આંખે અધીર હો ગઈ હૈ. કિતની બાતેં કરની હૈં !  

આપકી  મરિયમ કા સલામ..દુવા..પ્રણામ. 

અધીરાઈથી કાગળ વાંચતાં માસ્તરની આંખો ભીની થઇ હતી. કોણ અને શું , કયાંથી મળશે  જવાબ આ દીકરીને ? 

કાગળ ફરી ફરી વંચાયો. મરિયમ અને અલી ડોસો કે પછી  પોતે અને હંસા ?  મરિયમનો કાગળ વાંચીને માસ્તરના મનમાં  ન જાણે કેવી યે ગડમથલ કયાંય  સુધી ચાલતી રહી. કાગળની સરખી ઘડી કરી કાળજીપૂર્વક ફરીથી એ જ કવરમાં મૂકી માસ્તર કયાંય  સુધી એમ જ બેસી રહ્યા. ભીતરમાં મરિયમ અને હંસાની આવનજાવન ચાલતી રહી. બંધ આંખો  સામે અનેક  દ્રશ્યો ઉપસતા  રહ્યા. પોસ્ટઑફિસના એક બાંકડે રોજ મૌન ઓઢીને બેસી રહેતો અલી , તેને ગાંડો   માનીને તેની ક્રૂર મજાક ઉડાવતા પોતે બધા, કયારેક ખાલી મજાક કરવા અલીનું નામ ઉચ્ચારતો કારકૂન અને ત્યારે પરમ આસ્થાથી  દોડી આવતો અલી, અને પછી કાગળ ન મળતા ચૂપચાપ ધીમા પગલે પાછો ફરી, પોતાની જગ્યાએ બેસી જતો અલી!  કેટકેટલા દ્રશ્યો આજે જાણે માસ્તરને સવાલ કરી રહ્યા છે. 

માસ્તર કયાંય સુધી એમ જ બેસી રહ્યા. શું કરવું તે સમજાતું નહોતું.  હંસાનો, વહાલસોયી દીકરીના જીવનનો સવાલ હતો. પોતે પ્રાયશ્વિત નહિ કરે તો હંસા નહિ જ બચે એવી કોઈ ભાવનાએ તેમના મગજમાં ઘર કરી લીધું હતું.  પ્રાણમાં એક વ્યાકુળતા જાગી હતી. બપોરે રામજીની વહુ જમના જમવા બોલાવવા આવી ત્યારે ઉભા થવું પડયું. આજે પોતે શું જમ્યા એનું યે ભાન નહોતું રહ્યું. ભીતરમાં  કંઈક ચૂંથાતું હતું. અલીનો શ્રાપ, એના મૂંગા નિસાસા તો હંસાને નહિ લાગે ને ? એટલે જ હજુ સુધી હંસાના સમાચાર નથી આવ્યા. કોઈ અમંગળ  શંકાથી  માસ્તર ફફડી રહ્યા. પોતાના પાપની સજા દીકરીને મળશે કે શું ?  

જમીને રોજની જેમ સૂવા ગયા ત્યારે મનમાં હંસા,  મરિયમ અને અલી ત્રણે સાથે જ ડોકાતા રહ્યા. અલી ડોસો જાણે એને કૈક કાકલૂદી કરી રહ્યો હતો. “ માસ્તર, મારી પારેવા જેવી મરિયમનું ધ્યાન રાખશો ને ? એની ભાળ લેશો ને ? “ 

બાજુમાં  રાખેલો મરિયમનો કાગળ સૂતા સૂતા જ તેમણે  ફરી એકવાર હાથમાં લીધો. ફરી એકવાર અક્ષરો પર નજર ફરી રહી. ત્યાં અચાનક તેમનું ધ્યાન અંદર લખેલી ટિકિટની વિગત પર પડયુ. અને ચોંકીને  માસ્તર સફાળા બેઠા થઇ ગયા. કાગળમાં લખેલી તારીખ પર નજર સ્થિર થઇ. આ તો આજની તારીખ હતી. અર્થાત મરિયમ આજે  અહી સ્ટેશને ઉતરવાની હતી. તેના વહાલા અબ્બુ પાસે આજે પહોંચવાની હતી. પણ અલી ડોસો.. મરિયમના અબ્બુ તો.... 

હવે ? હવે શું કરવું જોઈએ પોતે ? અલી રોજ  એકલો જ પોસ્ટઑફિસે ધક્કા ખાતો હતો. લાગે છે કે એના કુટુંબમાં બીજું કોઈ નહીં જ હોય. તો જ લક્ષ્મીચંદને કાગળ એની કબર પર પહોંચાડવાનું કહ્યું હોય ને ?  માસ્તરના  મનમાં ફાળ પડી. છેક પંજાબથી આવતી એ છોકરી હવે જશે કયાં ? એને તો ખબર પણ નથી કે એનો બાપ હવે આ દુનિયામાં નથી રહ્યો. અને પાછું સાથે નાનું છોકરું છે. 

માસ્તરનું દિલ કરૂણાથી ભરાઈ આવ્યું. કદી ન અનુભવેલી લાગણીઓનો ન જાણે કેવો જુવાળ ઉમટી રહ્યો. હંસાના જીવનમાં આવું કશું થાય તો ?  કયારેય ન આવ્યા  હોય એવા વિચારો આજે માસ્તરને, એક પિતાને પજવી રહ્યા. પોતે અલીના ગુનેગાર હતા. એની સાથે બે સારા શબ્દોમાં વાત કરીને સાંત્વના આપવાને બદલે હમેશા પાગલ ગણીને મજાક કરી. પોતે એનું પ્રાયશ્વિત કરવું જ રહ્યું. ઈશ્વરે જ આ મોકો આપ્યો હતો. પણ કેવી રીતે ? શું કરી શકે પોતે ? શું કરવું જોઈએ ? 

ક્રમશ : 

Tags :
chapter2DhumketuGaurishankarJoshiGujaratFirstIndianwritermariamtomiraNilamDoshiPostOfficeધૂમકેતુ
Next Article