એ ડોસાની યાદ આજે તેમના મનમાં ન જાણે કેવો યે અજંપો જગાવી રહી
ધૂમકેતુની પ્રખ્યાત કાલજયી નવલિકા “પૉસ્ટ ઑફિસ” વાંચ્યા પછી ઘણાં વરસોથી મનમાં એક સવાલ ઘૂમરાતો હતો કે મરિયમે આવા વત્સલ પિતાને પાંચ પાંચ વરસથી કાગળ કેમ નહીં લખ્યો હોય ?
૧. એ દીકરીને શું જાણ નહિ હોય કે એનો પિતા એના કાગળની રાહ જોતો હશે ?
૨. શું બાપ દીકરી વચ્ચે કોઈ અણબનાવ..અબોલા હશે ? દીકરીને કોઈ કારણસર પિતા માટે નારાજગી, ગુસ્સો હશે ?
૩. હકીકતે અલીને એવી કોઈ દીકરી હશે જ નહિ ? એ કોઈ ભ્રમણામાં જીવતો હશે ?
૪. કે પછી તેની દીકરી મૃત્યુ પામી હશે અને એ આઘાતમાં તે ગાંડાની જેમ કાગળની રાહ જોતો હશે.
૫. કે પછી દીકરીના એવા કોઈ સંજોગો, એવી કોઈ મજબૂરી હશે કે તે કાગળ નહિ લખી શકતી હોય.
૬. દીકરીને પિતા માટે એટલો સ્નેહ નહિ હોય ? એ બેદરકાર હશે ?પોતાનામાં મસ્ત હશે ? પોતાની જિંદગીમાં બહુ વ્યસ્ત હશે ?
7. કે પછી દીકરીએ કાગળ તો લખ્યા હશે પણ કોઈ કારણસર પિતાને મળ્યા નહિ હોય ?
પૉસ્ટ ઓફિસ વાર્તા વાંચ્યા બાદ વરસોથી આવા જાતજાતના વિચારો ભીતરમાં સળવળતા રહ્યા હતા. મારી જેમ જ અનેક વાચકો, ભાવકોના મનમાં આ વિચાર ચોક્કસપણે ઉઠયો જ હશે ને?
મને તો કયારેક અલીની એ વણદીઠી દીકરી મરિયમ ઉપર એવો તો ગુસ્સો આવતો કે જો મને મળે તો એને ઝંઝોડીને પૂછું કે કેમ બહેન, તને તારો બાપ યાદ નથી આવતો? આવા વત્સલ બાપને એક કાગળ સુદ્ધાં નથી લખી શકતી? શા માટે? આખરે શા માટે?
મરિયમ, તારે જવાબ આપવો જ રહ્યો. આવા સ્નેહાળ પિતાને તેં કેમ આટલા તડપાવ્યા? આખરે એ બિચારો તારા કાગળની પ્રતીક્ષામાં ઝૂરી ઝૂરીને મરી ગયો. ના, હું અમે કોઈ વાચકો તને માફ નહિ કરીએ. મરિયમ માફ નહિ કરી શકીએ.
તું એક વાર જવાબ તો આપ. એવું કયું રહસ્ય છે કે તેં પાંચ પાંચ વરસ સુધી અલીને કાગળની એક ચબરખી સુદ્ધાં ન લખી? કેટકેટલાં વાચકોને મારી જેમ આ સવાલ પજવતો રહ્યો હશે. ખેર! બહેન મરિયમ, તું સુખી રહે. તું ભલે મૌન રહે પણ અમે તો જવાબ શોધીશું જ. અમારી રીતે શોધીશું. અલીના આત્માને એ અમારી શ્રધ્ધાંજલિ હશે.
તો દોસ્તો, ચાલો મળીશું મરિયમને, અલીની દીકરીને. અને માગીશું જવાબ તેની પાસેથી? રહસ્યનો પડદો ઊંચકીને મરિયમને મળીશું ને? અલીને તેની વહાલસોયી દીકરીના ખબર આપીશુંને? તો જ એના આત્માની સદગતિ થાયને? અલી તો કબરમાં પણ દીકરીના કાગળની પ્રતીક્ષા કરતો જ હશે.
આ સવાલના જવાબની શોધ એટલે પૉસ્ટ ઓફિસ વાર્તા બાદ આગળ વધતી નવલકથા “મરિયમથી મીરા”
તો દોસ્તો, મરિયમના સમાચાર સાંભળવા, તેની કેફિયત જાણવા, માણવા મળીશું. મળતા રહીશુંને? મળવાનું સરનામું છે. એક તદ્દન નવી જ, નોખી, અનોખી વેબસાઇટ www.gujaratfirst.comના આંગણિયે.
‘મરિયમથી મીરા’ પ્રકરણ - 1
“ પાપ તારું પરકાશ જાડેજા.. ધરમ તારો સંભાળ જી,
તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે..એમ તોરલ કે’ છે જી..”
આજે ન જાણે કેમ પોસ્ટ માસ્તરના મનમાં રહી રહીને આ એક જ પંક્તિ ઘૂમરાતી હતી. આ પંક્તિએ આજે તેમના ગળા ફરતે ભરડો લીધો હતો. એની નાગચૂડમાંથી છૂટાતું કેમ નહોતું ? ભીતરમાં આ કેવી ઉથલપાથલ મચી હતી ?
ફળિયામાં જૂની પુરાણી આરામ ખુરશી નાખીને પોસ્ટમાસ્તર રોજની જેમ બેઠા હતા. આકાશ હજુ યે ગોરંભાયેલું હતું. થોડીવાર પહેલા વરસી ગયેલું વરસાદનું એકાદ ઝાપટું વાતાવરણને ઠંડક આપવાને બદલે કદાચ વધારે ગરમાવો દઈ ગયું હતું. વાદળાં તો વરસવાનું બંધ કરી ચૂક્યાં હતાં. પરંતુ ફળિયામાં ઊભેલા બે ચાર વૃક્ષો હજુ ટપક, ટપક વરસી રહ્યાં હતાં. આસપાસ પથરાયેલી નીરવતામાં એનો અવાજ પડઘાતો હતો. જયારે ખુરશીની સાવ પાસે ઊભેલા લીમડાની ભીની ડાળીઓ વરસાદી ગંધથી મત્ત બનીને મંદ મંદ ઝૂલતી હતી. એને સથવારો આપતી બાજુમાં ઊભેલી પીળી કરેણ પણ હવાના હિંડોળે હીચકા ખાતી હતી. તો બોરસલ્લીએ પોતાની ભીની સુગંધથી ફળિયાને મઘમઘતું કરવામાં કોઈ કચાશ નહોતી રાખી.
પણ આજે માસ્તરને આ કશું સ્પર્શતું નહોતું.
ફળિયાના સામેના ખૂણે ગમાણમાં બાંધેલી ગાય તેના નાનુકડાં વાછરડાંને ચાટતી, તેને સોડમાં લઈને હૂંફ આપવા મથતી હતી.
રોજ તો માસ્તર આ સમયે હાથમાં માળા લઈને બેઠા બેઠા નિરાંતવા જીવે ભગવાનનું નામ લેતા લેતા માળા ફેરવતા હોય તો કદીક મોટા સાદે કોઈ ભજનની કડી લલકારતા હોય કે પછી કયારેક રામજી સાથે ગપ્પાં મારતા હોય કે પૉસ્ટ ઑફિસની કોઈ વાતું કરતા હોય. અને રામજી પરમ ભક્તની જેમ સાંભળતો હોય. કોઈ સવાલ, જવાબ સિવાય જ. રામજી એટલે જાણે માસ્તરનો રામભકત હનુમાન. માસ્તર જે બોલે, જે કરે, એ બધું સાચું જ હોય એવી એને પાક્કી શ્રધ્ધા.
માસ્તરના પત્ની મીનાબહેનને વહેલા સૂઈને વહેલા ઉઠવાની આદત હતી. એટલે એ કામ પતાવીને પાંચ દસ મિનિટ પતિ સાથે બહાર બેસે અને પછી અંદર જઈને ખાટલા ભેગા થાય અને સીધી સવાર. આમ પણ એ ઓછા બોલા હતા. એટલે માસ્તરને આ સમયે ફળીયામાં રોજ એકલા બેસવાની આદત હતી. રામજી અને જમના હમણાં જ તેની ઓરડીમાં ગયા હતા. આજે પણ રોજની જેમ માસ્તરના હાથમાં માળા તો હતી. પણ આજે જીવ માળામાં નહોતો. માળા હાથમાં ફરવાને બદલે સ્થિર બનીને ચૂપચાપ હાથના કાંડામાં ઝોલા ખાતી હતી. આજે માસ્તરને જાણે કંઈ ગમતું નહોતું કે પછી શું કરવું તે સૂઝતું નહોતું.
માસ્તરની બંધ આંખો સામે ન જાણે કયા દ્રશ્યો ઉઘાડ બંધ થતા હતા. ચહેરા પર એક સ્પષ્ટ અજંપો તરવરી રહ્યો હતો.. વાદળ હજુ ગરજી રહ્યાં હતાં. વાદળની એક પ્રચંડ ગર્જના સાથે માસ્તરની આંખ ખૂલી. તેમની નજર ઊંચે આકાશમાં એકાદ બે તારલાને જોવા મથી રહી. પણ કાળા ડિબાંગ વાદળોએ આજે ચાંદ, તારાને બાનમાં રાખીને આસમાન પર કબ્જો જમાવ્યો હતો.
માસ્તરના મનમાં તો અત્યારે બસ એક જ વિચાર ઘૂમરાતો હતો.
“ હંસાની બાને એટલી પણ ભાન નથી પડતી કે જલ્દી સમાચાર મોકલે.”
હંસા.. નામ સાથે જ માસ્તરની આંખ સામે ડગુમગુ ચાલતી નાનકડી હંસા દોડીને તેમના ખોળામાં લપાઈ ગઈ.
કેટકેટલી બાધા આખડીઓ પછી હંસાની કિલકારી ઘરમાં ગૂંજી હતી. હંસા પહેલા પણ એક દીકરી આવી હતી. પણ એક વરસની થતા ફકત બે દિવસના તાવમાં જ એ ઈશ્વરને વહાલી થઈ ગઈ હતી. પતિ પત્નીને દીકરાની હોંશ હતી. પણ કમનસીબે એ પછી હંસાની બા ફરીથી એ સુખ ન જ પામી. ત્યારે દીકરી કે દીકરો જે ગણો તે આ એક હંસા જ છે એવું સ્વીકારીને બંનેએ મન મનાવી લીધું હતું. અંતરનું બધું યે વહાલ આ એક માત્ર દીકરી પર અનરાધારે ઠલવાયું હતું. એટલે હંસા કદાચ જરૂર કરતાં વધારે લાડકોડ આ ઘરમાં પામી હતી. તેને સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ પતિ પત્નીના જીવ ઊંચા થઈ જતાં. હંસા તેમના જીવનનું કેન્દ્રબિંદુ હતી. હંસાનો પડયો બોલ ઝીલાતો. તેની કાલી ઘેલી વાતો માસ્તરના શુષ્ક જીવનનું રસબિન્દુ હતી. એથી હંસા થોડી જિદ્દી અને ધાર્યું કરવાવાળી બની હતી. એને બહુ જલદી ખોટું લાગી જતું. રિસાઈ જતી ત્યારે એને મનાવતા માસ્તર દીનાનાથને નવે નેજા પાણી ઉતરતા. અર્થાત્ ઘરમાં હંસાનું એકચક્રી શાસન ચાલતું. હંસા એટલે માસ્તરનો વિસામો.
હંસાની બા કયારેક ભૂલથી પણ હંસાને ખીજાય તો તે દોડીને પિતાના ખોળામાં લપાઈ જતી. પત્ની ઘણીવાર ટોકતી પણ ખરી.
“ કંઈ તમારે એકને જ નવી નવાઈની દીકરી છે? દીકરીની જાતને આટલા લાડ સારા નહીં. કાલ સવારે સાસરે વળાવવી પડશે ત્યારે આકરું લાગશે. એને ને તમને પણ. “
અને જયારે એ સમય આવ્યો ત્યારે ખરેખર આકરું, ખૂબ આકરું લાગ્યું હતું માસ્તરને. હંસાને વિદાય આપતી વખતે તેમની આંખોમાં અનાયાસે દરિયો ઉમટયો હતો. એથી જ તો હંસાને નજીકના ગામમાં પરણાવી હતી. જેથી મન પડે ત્યારે દીકરીને જોઈ કે મળી શકાય. પણ લગ્ન પછી બે મહિનામાં જ હંસાના પતિની બદલી દૂર મધ્ય પ્રદેશમાં આવેલા ભોપાલમાં થઈ જવાથી હંસાને શહેરમાં જવાનું થયું ત્યારે માસ્તરને એ બહુ ખૂંચ્યું હતું. પણ હવે એનો કોઈ ઉપાય નહોતો. આમ પણ કયો પિતા વહાલસોયી દીકરીને કાયમ પોતાની પાસે રાખી શકતો હોય છે? દીકરીને વળાવતા બાપની એક આંખમાં દીકરીની જુદાઈના આંસુ તગતગતા હોય તો બીજી આંખમાં તેને સારી જગ્યાએ પરણાવ્યાનો હાશકારો પણ છવાતો હોય છે. એક કર્તવ્ય, જવાબદારી પૂરી કર્યાનો સંતોષ બાપના દિલને ટાઢક આપી રહેતો હોય છે. માસ્તરને પણ હંસાને સારું ઘર અને સારો વર મળ્યાનો હાશકારો થયો હતો. દીકરીની જુદાઈનો અસાંગરો ચોક્કસ સાલ્યો હતો. પણ સમય દરેક વાતનું ઓસડ છે એ ન્યાયે ધીમે ધીમે માસ્તર ટેવાતા ગયા. સંસારનો આ ક્રમ છે. આ જ વાસ્તવિકતા છે એ વાતનો સ્વીકાર થઈ જવાથી પીડા ઓછી થઈ હતી.
પણ આજે માસ્તર ફરી એકવાર એ પીડા અનુભવી રહ્યા હતા. હંસાને સુવાવડ આવે એમ હતી. ત્યાં શહેરમાં તેની પાસે અન્ય કોઈ સગા નહોતા. તેની તબિયત સારી નહોતી એવા સમાચાર આવવાથી હંસાની બા તેની પાસે ગઈ હતી.
માસ્તર છેલ્લા પાંચ દિવસથી કાગડોળે હંસાના સમાચારની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પણ હજુ સુધી કોઈ સમાચાર નહોતા આવ્યા. એટલે તે ગમગીની ઓઢીને બેઠા હતા.
પાંચ-પાંચ દિવસ થઈ ગયા. હજુ હંસાના સમાચાર કેમ ન આવ્યા? માસ્તર મનોમન વિચારી રહ્યા. અનેક શંકા, કુશંકાઓ મનને ઘેરી રહી હતી. વરસાદને લીધે પોસ્ટઑફિસ સુધ્ધાંના ફોન ઠપ થઈ ગયા હતા. માસ્તર મનોમન એકલા એકલા મૂંઝાતા કે મૂરઝાતા હતા. જીવ કયાંય લાગતો નહોતો. શું થયું હશે? હંસા બરાબર તો હશે ને? કોઈ મુશ્કેલી તો નહિ થઇ હોય ને? આજે પાંચ પાંચ દિવસ વીતી ગયા. કોઈ સમાચાર કેમ નથી ?
પાંચ દિવસ જાણે પાંચ વરસ જેવા લાંબા બની ગયા હતા.
પાંચ વરસ ..અને.. ?
આ શબ્દ સાથે જ વીજળીના ઝબકારની જેમ માસ્તરની નજર સામે પાંચ પાંચ વરસથી રોજ દીકરીના પત્રની રાહ જોતો, દેવસ્થાનની જેમ નિયમિત રીતે રોજ સવારે પોસ્ટઑફિસે ધક્કા ખાતો અલી ડોસો તરવરી ઊઠયો. જેને પાગલ માનીને પોતે અનેક વાર મજાક ઉડાવી હતી એ ડોસાની યાદ આજે તેમના મનમાં ન જાણે કેવો યે અજંપો જગાવી રહી. એક વહાલસોયા બાપની વ્યથા પોતે કેમ ન સમજી શકયા ? આજે અલી ડોસાના ધક્કા તેમને સમજાઈ રહ્યા હતા, પૂરેપૂરા સમજાઈ રહ્યા હતા. પોતે તો પાંચ દિવસમાં વ્યાકુળ બની ગયા હતા. તો પાંચ પાંચ વરસથી કાગડોળે, દીકરીના પત્રની પ્રતીક્ષા કરતાં બાપની હાલત કેવી હશે? માસ્તરના પ્રાણમાં વ્યાકુળતા ઘેરાઈ હતી. પોતે કોઈ પાપ કર્યું છે એ ભાવના અંતરમાં ઉત્પાત મચાવી રહી હતી. પણ હવે? હવે શું કરી શકે પોતે? પોતાના એ પાપની સજા કયાંક હંસાને તો નહીં મળે ને? અલી ડોસાના નિઃસાસા પોતે લીધા હતા. એ ડંખ, એ અપરાધ ભાવના તેમના હ્રદયને કોરી રહી. માનો કે વીજળીના એક ચમકારે મોતી પરોવાઈ ગયું.
કોઈ અમંગળ આશંકાથી માસ્તર ફફડી ઊઠયા. પોતાની એ ભૂલ, અપરાધની સજા કયાંક હંસાને તો નહિ મળે ને? આ વિચારે માસ્તર ધ્રૂજી ઊઠયા. નક્કી એમ જ. નહીતર હંસાના સમાચાર આવ્યા વિનાના રહે જ નહિ. હવે પોતે શું કરે? શું કરી શકે? હવે તો અલી ડોસાની માફી માગી શકાય એમ પણ કયાં હતું? પોતે હવે કેમ કરે પ્રાયશ્વિત? કયાંય સુધી એ આંખો બંધ કરીને બેસી રહ્યા. કયારેક ઝાડ નીચે તો કયારેક પોસ્ટઑફિસના બાંકડે બેસેલો અલી જાણે તેમની સામે આતુર, અધીર આંખે જોઈ રહ્યો હતો. આ ક્ષણે પણ જાણે એ માસ્તરને પૂછી રહ્યો હતો.
“માસ્તર, મારો કાગળ આવ્યો છે ?''
અને માસ્તર સફાળા જાગી ઉઠયા. બંધ આંખો ખૂલી ગઈ.
હા, અલીની દીકરીનો કાગળ આવ્યો તો હતો. પોતે જ લક્ષ્મીચંદ સાથે જઈને એની કબર પર મૂકયો હતો. શું હશે એ કાગળમાં? પાંચ પાંચ વરસ સુધી દીકરીએ બાપને કેમ રાહ જોવડાવી હશે? કેમ કાગળ નહીં લખ્યો હોય? અને હવે લખ્યો છે તો શું લખ્યું હશે? એ સમયે તો એવું કશું જાણવાની પરવા કયાં કરી હતી? એવો કોઈ વિચાર પણ મનમાં પ્રવેશ્યો નહોતો. તદ્દન નિર્લેપતાથી એ કાગળ કબર પર મૂકાયો હતો. ત્યારે કશું યે સ્પર્શ્યું નહોતું.
પરંતુ આજે એ કાગળ, અલી કે અલીની એ કદી ન જોયેલી દીકરી માસ્તરના મનમાં અજંપો જગાવી રહ્યા. એ દીકરીને જાણ હશે કે એનો બાપ હવે આ દુનિયામાં નથી રહ્યો? એને સમાચાર મળ્યા હશે? કેવી હશે એની દીકરી? એણે છેક પાંચ પાંચ વરસ બાદ કેમ કાગળ લખ્યો હશે? શું લખ્યું હશે? એને ખબર હશે કે એનો બાપ હવે આ દુનિયામાં નથી રહ્યો?
તેમના મનમાં વિચાર ઝબૂકયો. બની શકે કબર પર મૂકેલો એ કાગળ કદાચ હજુ ત્યાં જ હોય. પોતે તપાસ કરવી જોઈએ. એક માનવ સહજ જિજ્ઞાસા સાથે જુદી જુદી અનેક લાગણીઓના ઉધામા તેમના દિલમાં મચી રહ્યા. જે હોય તે પણ પોતે એકવાર કાગળની તપાસ તો કરવી જોઈએ, અચૂક કરવી જોઈએ.
તેમણે ઘડિયાળમાં નજર નાખી. રાતના દસ વાગી ચૂકયા હતા. રામજી અને જમના બધું કામ પતાવીને થોડી વાર પહેલા જ ફળીયામાં જ આવેલી તેમની નાનકડી ઓરડીમાં સૂવા ગયા હતા. ચાંદ, તારા વિનાના વાતાવરણમાં ઘેરો અંધકાર છવાયો હતો. ગરજતા વાદળાં થાકીને શાંત થયા હતા. ધીમી ધારે વરસતા વરસાદે પણ પોરો ખાધો હતો. પણ આવા કસમયે તો કબ્રસ્તાન તરફ કેમ જવાય? સવાર પડવાની રાહ જોવી જ રહી. એક નિઃસાસો નાખી માસ્તર ધીમે પગલે ઘરમાં ગયા. કાળી ડીબાંગ રાત ખર ખર ખરતી રહી.
રસોડામાં જઈ માસ્તરે માટલામાંથી પાણીનો ગ્લાસ ભર્યો. ધીમે ધીમે પાણી પીધું. ગ્લાસ પાણિયારે ઊંધો વાળ્યો. પછી ઓરડામાં જઈને પોતાના લોખંડના પલંગ પર લંબાવ્યું. રોજની ટેવ મુજબ હાથમાં માળા લીધી.
આંગળીઓ માળાના મણકા પર યંત્રવત સરકતી રહી. મન તો વિચારોના વમળમાં ન જાણે કયાંયે ગોથાં ખાતું રહ્યું. રાત તો આજે કેવી યે લાંબી બની હતી. આંખમાં નીંદરનું એકે કણસલું ડોકાય એમ નહોતું. આખી રાત એક અજંપામાં, વ્યાકુળતામાં પડખાં ફેરવતા ફેરવતા જ વીતી. અર્ધ જાગૃત અવસ્થામાં મનમાં હંસા, અલી ડોસો અને તેની દીકરી ડોકિયાં કરતાં રહ્યાં.
ક્રમશ :
(nilamhdoshi@gmail.com)