ભવનાથના મહાશિવરાત્રીના મેળાની આ 10 તસવીરો આપને જૂનાગઢમાં હોવાનો અહેસાસ કરાવશે
જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો હવે અંતિમ ચરણમાં છે અને આવતીકાલે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થશે, મેળા દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મહાઆરતીમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી, મેળાને લઈને સમગ્ર ભવનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મંદિરો, અખાડા, આશ્રમો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે, નાગા સાધુઓના દર્શન માટે લોકોની ભીડ જોવàª
10:07 AM Feb 17, 2023 IST
|
Vipul Pandya
જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો હવે અંતિમ ચરણમાં છે અને આવતીકાલે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થશે, મેળા દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મહાઆરતીમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી, મેળાને લઈને સમગ્ર ભવનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
મંદિરો, અખાડા, આશ્રમો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે, નાગા સાધુઓના દર્શન માટે લોકોની ભીડ જોવા મળે છે, આ મેળામાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પણ ઉપસ્થિત છે, કિન્નર અખાડા ખાતે સાધુ સંતોએ પૂજન અર્ચન કર્યું હતું તો નાગા સાધુ જે ભસ્મ લગાવે છે તેનું પણ વિશેષ મહત્વ છે, ભસ્મ નાગા સાધુનું વસ્ત્ર છે.
મેળામાં માત્ર સાધુ પાસે જ દાન માંગતા જંગમ સાધુની અગમ વાણી સાંભળવી પણ એક લ્હાવો છે, મહાશિવરાત્રી પર્વ દરમિયાન મુચકુંદ મહાદેવ ખાતે 25 લોકોએ સન્યાસ લીધો હતો, મહાશિવરાત્રી મેળામાં ચાલતાં અન્નક્ષેત્રોમાં લોકો સેવા કરીને ધન્યતા અનુભવે છે તો સાથે મેળામાં ચકડોળનું પણ લોકોમાં અનેરૂ આકર્ષણ જોવા મળે છે.
જૂનાગઢના ગરવા ગિરનારની તળેટી કે જે ભવનાથ વિસ્તાર તરીકે ઓળખાય છે અને અહીં બિરાજમાન છે ભગવાન ભવનાથ મહાદેવ અને ભવનાથમાં મહા વદ નોમ થી ચતુર્દશી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. આ મેળો ભક્તિ ભજન અને ભોજનનો મેળો છે, આ મેળામાં પુણ્યનું ભાથું બાંધવા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે, મહાશિવરાત્રીના પર્વને લઈને ભવનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, સાધુ સંતો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે અને મહા આરતી કરવામાં આવે છે, આ મહાઆરતીના દર્શનમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે.
મહાશિવરાત્રી એટલે ભવનાથ માટે મોટો ઉત્સવ, અને આ મહાશિવરાત્રીના પર્વને લઈને સમગ્ર ભવનાથ વિસ્તારમાં જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાય છે, ભવનાથ વિસ્તારમાં આવેલા તમામ મંદિરો, આશ્રમો અને અખાડાઓમાં રોશની કરવામાં આવે છે, રાત્રીના સમયે તમામ ધાર્મિક સ્થાનો રોશનીથી ઝળહળી ઉઠે છે અને એક સુંદર નજારો જોવા મળે છે, રાત્રીના સમયે પણ ભવનાથમાં લોકો ખાસ રોશની જોવા માટે ઉમટી પડે છે અને ભવનાથના મેળાની સુંદરતાનું દર્શન થાય છે.
મહાશિવરાત્રીનો મેળો એટલે નાગા સાધુનો મેળો અને મોટી સંખ્યામાં નાગા સાધુઓ આ મેળામાં આવે છે ત્યારે લોકો પણ આ નાગા સાધુના દર્શન કરે છે, ધુણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓ ચલમ ફુંકતાં હોય છે અને તેમની લાંબી જટા સાથેનું રૂપ જાણે શિવના દર્શન થતાં હોય તેવો ભાવ જગાવે છે. નાગા સાધુઓ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે, ભગવાન ભોળાનાથના ભક્ત હોય નાગા સાધુ ભસ્મને જ માતા પિતા અને ભસ્મને જ પોતાનું વસ્ત્ર માને છે, ભસ્મ જ તેનું રક્ષણ પણ કરે છે, ભસ્મ લેપન શરીરની કોઈ શોભા નથી પરંતુ તેના અનેક ગુણો પણ છે અને તમામ ઋતુમાં નાગા સાધુને તેનાથી સુરક્ષા મળે છે.
સનાતન ધર્મમાં જુદા જુદા તેર અખાડા છે, જેમાં જૂના અખાડા સૌથી મોટો અખાડો છે, આ ઉંપરાંત અગ્નિ અખાડા, આવાહન અખાડા, ઉદાસીન અખાડા વગેરે અખાડાઓ પણ છે અને હવે કિન્નર અખાડો પણ સામેલ થયો છે અત્યાર સુધી કિન્નરો સમાજથી વંચિત હતા કે તેમને જૂદી જ દ્રષ્ટિએ જોવાતા હતા પરંતુ હવે કિન્નર સન્યાસીઓ પણ છે અને તેમના અખાડા પણ છે, જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો પણ શામીલ થયો છે અને અખાડાના મહામંડલેશ્વરો પણ આ મેળામાં ઉપસ્થિત રહે છે અને રવાડી તથા શાહીસ્નાન સહીતની પરંપરામાં પણ તેઓ જોડાય છે.
મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોના દર્શન સાથે જંગમ સાધુની અગમ વાણી પણ માણવા જેવી હોય છે, ભગવાન શિવની જાંઘમાંથી જંગમની ઉત્પતિ થઈ હતી, શિવરાત્રી દરમિયાન તેઓ અગમ વાણી ગાય છે, જંગમ સાધુ માત્ર સાધુ સંતો પાસેથી જ દાન માંગે છે, સંસારીઓ પાસે તેઓ કોઈ દાન માંગતા નથી, ભગવાન શિવના ગુણગાન સાથેની તેમની વાણી સાંભળવી પણ એક લ્હાવો છે.
મહાશિવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે મુચકુંદ મહાદેવ મંદિર ખાતે સન્યાસ દિક્ષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં 17 પુરૂષો અને 7 મહિલાઓએ સન્યાસ દિક્ષા લીધી હતી, મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીએ સન્યાસ દિક્ષા આપી હતી, સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને માનવ સેવાના હેતુથી ઘર્મની રક્ષા હેતુ સન્યાસ દિક્ષા આપવામાં આવે છે, સન્યાસીઓ ધર્મની રક્ષા કરતાં હોય છે સામાન્ય રીતે કુંભના મેળામાં સન્યાસની દિક્ષા અપાય છે પરંતુ ભવનાથનો મેળો પણ કુંભ મેળા સમાન છે અને ગિરનારનું સાનિધ્ય હોય, આ ક્ષેત્ર મોટું તિર્થક્ષેત્ર હોય ભવનાથમાં પણ સન્યાસની દિક્ષા આપવામાં આવી હતી.
ભવનાથના મેળામાં લાખોની સંખ્યામા ભાવિકો ઉમટી પડે છે ત્યારે ઘાર્મિક સ્થાનો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, ભાવિકોને ગરમા ગરમ ભોજન પિરસવામાં આવે છે, જેમાં એક સેવાનો ભાવ રહેલો છે, ભવનાથના મેળામાં અંદાજે 100 થી વધુ નાના મોટા અન્નક્ષેત્રો કાર્યરત છે, ભૂખ્યાને ભોજનનું સુત્ર તો અહીં સાર્થક થાય છે પરંતુ ભવનાથમાં આવતાં ભાવિકો ભુખ્યા ન જાય, લોકોની સેવા થાય તે હેતુ અન્નક્ષેત્રો કાર્યરત છે, લેઉવા પટેલ સમાજ, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ચા, કોફી, પાણી અને અન્નક્ષેત્ર ચલાવવમાં આવે છે, ગત વર્ષે દોઢ લાખ લોકોને ચા પાણીની વ્યવસ્થા કર્યા બાદ ચાલુ વર્ષે પાંચ લાખ લોકોને ચા પાણી આપવાનો સંસ્થાનો લક્ષ્યાંક છે, આજે અડધી ચા માટે પણ 10 રૂપીયા ચૂકવવા પડે છે ત્યારે અહીં ચોવીસે કલાક નિઃશુલ્ક ચા પાણીની સુવિધા આપીને ભાવિકોની સેવા કરવામા આવે છે.
આપણે ત્યાં લોકમેળા યોજાય તેમાં ચકડોળનું ખાસ્સુ મહત્વ છે, લોકો મેળામાં મનોરંજન માટે આવે છે, ભવનાથના મેળામાં ભજન ભોજન સાથે આનંદ પણ માણી શકાય છે, મેળામાં ચકડોળનું નાના બાળકોની લઈને તમામ લોકોને આકર્ષણ હોય છે અને ચકડોળમાં બેસવા પણ પડાપડી થતી હોય છે, ભવનાથના મેળામાં ચાલતાં ચકડોળ ગ્રાઉન્ડમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળે છે, ચકડોળવાળા પણ મેળા દરમિયાન સારી એવી કમાણી કરી લેતાં હોય છે તો લોકો ચકડોળમાં બેસીને મેળાનો આનંદ માણતાં હોય છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં અનાદિકાળથી આયોજીત થતા ભવનાથ મેળા સાથે જોડાયેલી છે આ લોકવાયકાઓ, ભગવાન શિવ ખુદ આવે છે રવાડીમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article