મંગલફેરામાં છુટી ગયેલા બે ત્રણ સૌંદર્ય તીર્થોને કરીએ યાદ…
ગઇકાલની વાતને ફરી વાગોળી લઇએ અને આ મંગલફેરામાં છુટી ગયેલા બે ત્રણ સૌંદર્ય તીર્થોને યાદ કરી લઇએ… ફિલ્મ ‘ મહેંદી રંગ લાગ્યો’ એ જમાનામાં ખૂબ સફળ રહેલી ફિલ્મ છે એના ત્રણ કારણો મહત્વના ઉલ્લેખી શકાય. એક તો એમાં વ્યસનમુક્તિનો સામાજીક ઉદ્દેશ્ય ખૂબ જ રસપ્રદ કથા સાથે વણી લેવાયો હતો. બીજુ એમાં સિલ્વર સ્ક્રીનનો જ્યુબિલી સ્ટાર રાજેન્દ્રકુમારે પહેલી અને છેલ્લી વખત ગુજરાતી ચલચિત્રમાં હિર
ગઇકાલની વાતને ફરી વાગોળી લઇએ અને આ મંગલફેરામાં છુટી ગયેલા બે ત્રણ સૌંદર્ય તીર્થોને યાદ કરી લઇએ…
ફિલ્મ ‘ મહેંદી રંગ લાગ્યો’ એ જમાનામાં ખૂબ સફળ રહેલી ફિલ્મ છે એના ત્રણ કારણો મહત્વના ઉલ્લેખી શકાય. એક તો એમાં વ્યસનમુક્તિનો સામાજીક ઉદ્દેશ્ય ખૂબ જ રસપ્રદ કથા સાથે વણી લેવાયો હતો. બીજુ એમાં સિલ્વર સ્ક્રીનનો જ્યુબિલી સ્ટાર રાજેન્દ્રકુમારે પહેલી અને છેલ્લી વખત ગુજરાતી ચલચિત્રમાં હિરોની ભૂમિકા ભજવી અને ત્રીજુ કારણ સંગીતકાર અવિનાશ વ્યાસનું કર્ણમધુરસંગીત ( જોકે અવિનાશ વ્યાસના સંગીત વિષે તો એક જુદુ પ્રકરણ એક આખું પુસ્તક કરવું પડે ) ફિલ્મનું ટાઇટલ સોંગ મહેંદી તે વાવી માળવે તે લોકગીતને અવિનાશ વ્યાસે ગુજરાતની માટીની ગંધને અકબંધ રાખીને સામાન્ય રીતે દુર્લભ કહી શકાય તેવા સૂર, સામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકર પાસે આ ગરબો ગવડાવીને આપણને આપણા લોકસંગીતની તાસીર અને તાકાતનો પરિચય કરાવ્યો. આ આખાયે ગીત ગરબામાં લહેકા, ઉચ્ચારો અને ગરબાની હાકલ સાંભળતા તેઓ સહેજપણ બિનગુજરાતી કલાકાર લાગ્યા નથી. ગરબાની શરૂઆતમાં જ મુકાયેલો છંદ “ કંઠે રૂપનું હાલરડુંને ઝાંઝરનો ઝમકાર, ઘુંઘટમાં જોબનની જ્વાળા…. “ સાંભળતા જ એક ગુર્જર નારીની ઓળખ પ્રસ્થાપિત થઇ જાય છે. તો વળી આ ગીતના બીજા ભાગમાં “ લાંબો ડગલો મુછો વાંકડી, શિરે પાઘડી રાતી… “ છંદમાં ગુજરાતી પુરુષની અસ્મિતા અને ઓળખ ગીતને એક જુદો જ અર્થ આપે છે. આ ફિલ્મના અન્ય ગીતો પણ ગીતકાર - સંગીતકાર અવિનાશ વ્યાસને ગુજરાતી ચલચિત્રમાં શાનદાર પ્રવેશ કરાવે છે.
એવું જ ફિલ્મ ‘ અખંડ સૌભાગ્યવતી ‘ આશા પારેખના અભિનયને કારણે આપણાં ગુજરાતીંઓમાં એક આગવું જ આકર્ષણ ઉભું કરે છે. કદાચ આ પહેલી ગુજરાતી ફિલ્મ હશે જેમાં નયનરમ્ય રીતે આપણને આપણા અમદાવાદનું દર્શન થાય છે. કાંકરિયાનું તળાવ કે નગીનાવાડીમાં નાયક - નાયિકાને ગીત ગાતા જોઇને આપણને આપણાપણાનો અહેસાસ થાય છે. આ ફિલ્મની બીજી જ એક વિશેષતાનીવાત કરતાં આગળ વધીએ તો મૂળ ગુજરાતી પણ હિન્દી ફિલ્મ જગતમાં સિક્કો જમાવી ચૂકેલા સમર્થ સંગીતકાર કલ્યાણજી આનંદજીએ સંગીત આપ્યું હતું અને ફિલ્મનું ટાઇટલ સોંગ લતાજી પાસે ગવડાવ્યું હતું. “ તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી “ એ ગીત એ જમાનામાં બધા ગુજરાતી લગ્નોની ઉજવણીમાં કન્યાવિદાય વખતે બેન્ડવાજા ઉપર વાગતું અચૂક સંભળાતું હતું. વળી આ ફિલ્મમાં જૂની રંગભૂમિનું ગીત “ ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે “ ગાયક મન્નાડે અને ગાયિકા કમલ બારોટે અસ્સલ રંગભૂમિના ગીતના અંદાજમાં ગાઇને ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી.
ગુજરાતી ચલચિત્રોના મંગલફેરાની આ યાત્રામાં હજુ તો એવા ઘણાયે સૌંદર્યતીર્થોને વાગોળીશું - અત્યારે અટકીએ….
( ક્રમશ: )
Advertisement