અમદાવાદ જિલ્લાના બાવળા ખાતેથી 'આદર્શ સહકાર ગામ યોજના'નો શુભારંભ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે 'આદર્શ સહકાર ગામ યોજના'ના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને લઈને જે કલ્પના કરી હતી તે આજે 'આદર્શ સહકારી ગામ યોજના' થકી સાકાર થતી જોવા મળી રહી છે.અમિત શાહે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ - નાબાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્àª
03:07 AM Apr 11, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે 'આદર્શ સહકાર ગામ યોજના'ના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને લઈને જે કલ્પના કરી હતી તે આજે 'આદર્શ સહકારી ગામ યોજના' થકી સાકાર થતી જોવા મળી રહી છે.
અમિત શાહે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ - નાબાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના સહયોગથી મોડલ કો-ઓપરેટીવ વિલેજ'નો શુભારંભ કરવા બદલ નાબાર્ડ અને જી.એસ.સી બેંકના સૌ અધિકારી અને પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીનું 75મું વર્ષ દરેક માટે મહત્વનું છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃદ્ધિ આવી છે. આ કાર્યક્રમમાં સહકારી માળખું કેટલુ મજબૂત થયું છે તેની સાક્ષી મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનું કામ તો કર્યું જ છે, પરંતુ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની વર્ષો જૂની માંગ પણ પૂરી કરી છે. સાથે સાથે આગામી સમયમાં ભારતની બઘી જ પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીને કમ્પ્યુટરાઇઝડ કરી સોફ્ટવેર આપવાનું કામ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થવા જઈ રહ્યું છે.
દેશમાં સહકારી ક્ષેત્રનું માળખું એટલું સુગ્રથિત છે કે, સહકારી ક્ષેત્ર મજબૂત થાય તો દેશનો ગરીબ માણસ -ખેડૂત- પશુપાલક એમ બધા જ મજબૂત બનશે એમ અમિત શાહે ઉમેરતા કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગ્રામીણ ક્ષેત્ર અને ગ્રામીણમાં રહેતા યુવાનો વધુ પ્રવૃત્તિમય થયા છે અને દેશના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદી દેશના દરેક ગામડાઓ સંપૂર્ણ સુવિધાથી સજ્જ બને અને ટેકનોલોજી યુક્ત બને એ દિશામાં પણ આગળ વધી રહ્યા છે. શહેરની સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ થાય તેવા સશક્ત ગામની કલ્પના નરેન્દ્રભાઇ મોદીએ કરી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. કો-ઓપરેટિવ અંગેની વાત કરતા અમિત શાહે જણાવ્યું કે, આજે કૃષિ ધિરાણ દરમાં 25 ટકા, ખાતર વિતરણમાં 31 ટકા, ખાંડના ઉત્પાદનમાં 31 ટકા તેમજ દૂધના ઉત્પાદનમાં 40 ટકાથી વધુનો સહકાર સહકારી માળખું આપી રહ્યું છે, આમ આજે કો-ઓપરેટીવ ક્ષેત્ર અનેક ગતિવિધિઓ સાથે સંકળાઇ ગયું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર કો-ઓપરેટીવ ક્ષેત્રને વધુમાં વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે એમ અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે પેટ્રોકેમિકલ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતના બે પનોતાપુત્ર PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને નિર્દેશનમાં ગુજરાત વધુમાં વધુ પ્રગતિ કરી રહ્યું છે. સહકારી ક્ષેત્રમાં પણ ગુજરાત એક આગવું સ્થાન ધરાવતું થઈ ગયું છે. આજે જે આદર્શ સહકારી ગામ યોજનાનો શુભારંભ છે એ આવનારા દિવસોમાં સમગ્ર દેશ માટે એક મોડલ બનશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આદર્શ ગામ યોજનાની કલ્પના કરી હતી તે આજે સાકાર થઇ રહી છે. આ આદર્શ સહકાર ગામ યોજના થકી અનેક લોકોને રોજગારીના અવસરો હવે ગામમાં જ મળવાના છે. એટલું જ નહિ આજે ભારતના સહકાર માળખાની વાત દેશ અને વિદેશમાં પણ થઈ રહી છે એમ પાટીલે જણાવ્યું હતું.
આ પ્રસંગે પંચાયત મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ કહ્યું કે, આજનો રામનવમીનો દિવસ ગુજરાતમાં એક સોનાનું કિરણ લઈને આવ્યો છે કેમ કે આજે ગુજરાતમાં સહકારી ગામનો યોજનાનો શુભારંભ થયો છે. આદર્શ સહકારી ગ્રામ યોજના પહેલ કરવા બદલ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ -નાબાર્ડ અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના સૌ અધિકારી અને પદાધિકારીઓને અભિનંદન પણ મંત્રીએ પાઠવ્યા હતા. જી.એસ.સી બેંકના ચેરમેન અજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, આઝાદ દેશના ઇતિહાસમાં સૌ-પ્રથમવાર સહકારી વિભાગની રચના કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્રને એક નવી દિશા આપી છે.
આજે આદર્શ સહકારી ગ્રામ યોજનાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ થયો છે તેનો અમને સૌને ગૌરવ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ અવસરે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, નાબાર્ડના ચેરમેન જી.આર. ચિંતાલા, ચીફ જનરલ મેનેજર ડૉક્ટર જ્ઞાનેન્દ્ર મણી, વાઇસ ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Article