વેપારીનું અપહરણ કરી ખંડણીમાં 50 લાખ લીધા, વધુ લાલચ જાગી ફરી 50 લાખ લેવા જતા ભરાઇ ગયા
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરની નહેરુ ચોકડી પાસે હનુમાનજી મંદિર પાસે ક્રિષ્ના ઈલેક્ટ્રીક નામની સબમર્સીબલ અને પેનલ બોર્ડની દુકાન ધરાવતા વેપારી પ્રવીણભાઈ ગોવિંદભાઈ પટેલ રાબેતા મુજબ સવારે દુકાન ખોલીને બેઠા હતા. પાંચ-છ દિવસ પહેલાં સવારે અજાણ્યા બે શખ્સો આવી પહોંચ્યા હતા અને વેપારીને કહ્યું કે, અમારે પેનલોનું કામ કરાવવું છે તમે ગલુદણ જોવા માટે આવો. વેપારી પણ ગલુદણ જવા માટે સહમત
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરની નહેરુ ચોકડી પાસે હનુમાનજી મંદિર પાસે ક્રિષ્ના ઈલેક્ટ્રીક નામની સબમર્સીબલ અને પેનલ બોર્ડની દુકાન ધરાવતા વેપારી પ્રવીણભાઈ ગોવિંદભાઈ પટેલ રાબેતા મુજબ સવારે દુકાન ખોલીને બેઠા હતા. પાંચ-છ દિવસ પહેલાં સવારે અજાણ્યા બે શખ્સો આવી પહોંચ્યા હતા અને વેપારીને કહ્યું કે, અમારે પેનલોનું કામ કરાવવું છે તમે ગલુદણ જોવા માટે આવો. વેપારી પણ ગલુદણ જવા માટે સહમત થઈ ગયા હતા અને એ જ દિવસે વેપારી ગલુદણ પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી પ્લાનિંગ કર્યા મુજબ બે શખ્સોએ વેપારીનું અપહરણ કરી લીધું હતું ગળા પર છરી રાખીને રૂા.૫૦ લાખની ખંડણી માગી હતી. વેપારીએ સગા સંબંધીઓને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરી ને ખંડણીખોરોને આપ્યા હતા.અને ખંડણીખોરો ૫૦ લાખ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા.
બીજીવાર 50 લાખ માંગવા આવ્યા તો વેપારીના મિત્રોએ પકડીને મૂઢ માર માર્યો
જો કે અપહરણકર્તાઓને વધુ લાલચ જાગી હતી અને વેપારીને ફોન કરીને બીજા ૫૦ લાખ આપવા માટે માગણી કરી હતી. વેપારી આ વખતે છેતરાય તેમ નહોતો અને તેણે અપહરણકર્તાઓને કહ્યું કે, કાલે સવારે તમે દુકાને આવીને ૫૦ લાખ લઈ જાવ. વેપારીએ અગાઉથી પ્લાનિંગ કરીને દુકાન પાસે ૧૦થી ૧૫ મિત્રોને બોલાવી રાખ્યા હતા. અપહરણકર્તાઓ દુકાનમાં આવ્યા અને વેપારી પાસે ૫૦ લાખ માગવા લાગ્યા હતા ત્યારે વેપારીના મિત્રોએ આવી પહોંચ્યા હતા અને બે શખ્સોને મૂઢ માર માર્યો હતો. બે શખ્સોને મેથીપાક આપીને પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી.
એક આરોપી ઇડરનો, બીજો આરોપી બિંછીવાડાનો
પ્રાથમિક વિગતો એવી જાણવા મળી રહી છે કે, પકડાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપી મુકેશકુમાર કાનજીભાઈ પટેલ ઈડર નજીક આવેલા માથાસુરનો છે તો બીજો આરોપી સંજયસિંહ કમલસિંહ જાટવ રાજસ્થાનના બિંછીવાડાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓને દેવું થઈ જતાં વેપારીના અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને ૫૦ લાખની ખંડણી વસૂલવામાં સફળ રહ્યા હતા. જો કે બીજા ૫૦ લાખની લાલચમાં આ બંને આરોપીઓ ઝડપાઇ ગયા હતા. દહેગામમાં હાલ આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement