બસ હવે અમારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી, શ્રીલંકામાં લોકોનો પોકાર
શ્રીલંકામાં
સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. જીવન જરૂરી વસ્તુ અને ખાવાના પણ હવે લોકોને ફાંફા
પડી રહ્યા છે. શ્રીલંકામાં આર્થિક અને ખાદ્ય સંકટના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ
બની ગયું છે. આલમ એ છે કે લોકોને એલપીજી ગેસ અને જરૂરી ખાદ્યપદાર્થો નથી મળી
રહ્યા. આ દરમિયાન, વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે, દેશ ખરાબ પરિસ્થિતિમાંથી
પસાર થઈ રહ્યો છે અને સરકાર ખાદ્ય સંકટનો સામનો કરવા માટે આગામી વાવેતર સત્ર માટે
પૂરતા પ્રમાણમાં ખાતર ખરીદશે.હાલમાં શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણ, તેલ, ખાદ્યપદાર્થો અને આવશ્યક
દવાઓની ભારે અછત છે, જેના કારણે અર્થવ્યવસ્થાને ખૂબ જ નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા
રાજપક્ષેએ રાસાયણિક અને ખાતર ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે
ખેતરોમાં પાકને નુકસાન થયું હતું અને અનાજની અછત સર્જાઈ હતી. સરકારને અન્ય
દેશોમાંથી ખાણી-પીણીની આયાત કરવી પડી અને તેના કારણે મોંઘવારી વધી. વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વિટ કર્યું હતું કે મે અને ઑગસ્ટની સિઝન
માટે ખાતર મેળવી શકાય તેમ નથી, પરંતુ સપ્ટેમ્બર અને માર્ચની સિઝન માટે ખાતરની વ્યવસ્થા કરવા માટે
જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પીએમ વિક્રમસિંઘે લોકોને પરિસ્થિતિની ગંભીરતાને
સમજવા અને સ્વીકારવાની અપીલ કરી છે. રોયટર્સ અનુસાર, કોલંબોમાં ફળો વેચતી એક
મહિલાએ કહ્યું કે, બે મહિનામાં દેશમાં સ્થિતિ કેવી બની ગઈ તે ખબર નથી. દેશમાં
સિલિન્ડરની કિંમત 5000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે એપ્રિલમાં આ કિંમત 2675 રૂપિયા હતી. લાંબી રાહ
જોયા બાદ માત્ર 200 સિલિન્ડરની ડિલિવરી થઈ હતી. અમે ગેસ અને ખોરાક વિના કેવી રીતે
જીવીશું?
અંતે
અમારી પાસે એક જ વિકલ્પ હશે કે આપણે ભૂખે મરી જઈશું.