ભારતે માત્ર 3 દિવસમાં જીતી ટેસ્ટ, અશ્વિન-જાડેજા આગળ ઓસ્ટ્રેલિયા ઘુંટણિયે પડ્યું
બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એક ઈનીંગ અને 132 રનથી વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દાવ 177 રનમાં અને બીજો દાવ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગયો હતો. નાગપુર ટેસ્ટમાં ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 400 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતે 223 રનની લીડ મેળવી હતી. પરંતુ ભારતીય દિગ્ગજ અશ્વિનની બોલિંગ સામે કાંગારુ ટીમે ઝડપથી સમેટાઈ જતા ત્રીજા દિવસે ટેસ્ટનુ પરીણામ સામે આવ્યુ હતુ.
નાગપુર ટેસ્ટનુ પરિણામ માત્ર ત્રીજા દિવસે જ સામે આવ્યુ છે. ભારતે આ દરમિયાન મેચના ત્રણેય દીવસે બેટિંગ કરી હતી. જ્યારે નાગપુરમાં ઓસ્ટ્રેલિયાને તેની બંને ઈનીંગ ઝડપથી સમેટાઈ જવા પામી હતી. પિચને દોષ દેવાઈ રહ્યો હતો, એ જ પિચ પર રોહિતની સદી ઉપરાંત નવમાં ક્રમે આવેલા અક્ષર પટેલે 84 રન નોંધાવ્યા હતા.
અશ્વિને તરખાટ મચાવ્યો
સ્ટીવ સ્મીથ 25 રન નોંધાવી અણનમ રહ્યો હતો. જ્યારે બીજા છેડે એક બાદ એક ખેલાડીઓએ વિકેટ ગુમાવી હતી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયનોને એક બાદ એક પેવેલિયનનો રસ્તો મપાવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને વારાફરતી પેવેલિયન મોકલ્યા હતા. ખ્વાજાના રુપમાં ભારતને પ્રથમ સફળતા 7 રનના ઈનીંગ સ્કોર પર મળી હતી. ખ્વાજાએ 5 રન નોંધાવ્યા હતા. ડેવિડ વોર્નરે 41 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. જેનો શિકાર અશ્વિને કર્યો હતો.
અશ્વિને 5 કાંગારુઓનો શિકાર કર્યો
મેટ રેનશો (2 રન, 7 બોલ), પીટર હેન્ડ્સકોમ્બ, (6 રન, 6 બોલ) અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી (10 રન, 6 બોલ)નો શિકાર અશ્વિને કર્યો હતો. અશ્વિને કમાલની બોલિંગ કરીને પોતાની ફિરકીની જાળમાં 5 કાંગારુઓનો શિકાર કર્યો હતો. માર્નસ લાબુશેન 17 રન નોંધાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર થયો હતો. જાડેજાએ પેટ કમિન્સને 1 રનના વ્યક્તિગત યોગદાન પર જ આઉટ કર્યો હતો. શમી અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.
રોહિત શર્માની સદી
ત્યારબાદ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાએ 400 રન કર્યાં. રોહિત શર્માએ 120 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બોલિંગની સાથે સાથે બેટિંગ પણ શાનદાર કરી દેખાડી. જાડેજાએ 70 રન કર્યાં. જાડેજાને અક્ષર પટેલનો પણ સાથ મળ્યો. અક્ષર પટેલે 84 રનનું યોગદાન આપ્યું. તેણે શમીની સાથે 52 રનની ભાગીદારી કરી. જો કે શમી વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં અને 47 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન કરીને આઉટ થઈ ગયો હતો. શમીને પણ મર્ફીએ જ પોતાનો શિકાર બનાવ્યો અને એલેક્સ કેરીના હાથમાં શમીને કેચ આઉટ કરાવી દીધો હતો.
આપણ વાંચો- RRR ની મદદથી ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં