અમેરિકાની ચેતવણી પછી પણ ભારત રશિયા સાથે સંબંધ ન બગાડવા મક્કમ
સંયુક્ત
રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી રશિયાને બહાર કરવાનો ઠરાવ સંયુક્ત
રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા પસાર કરવામાં આવ્યો છે. જ્યારે ભારતે
આ વખતે પણ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવના
સમર્થનમાં 93 દેશોએ મતદાન કર્યું,
જ્યારે 24 દેશોએ
ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું. 58 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ પહેલા અમેરિકાએ ભારતના રશિયા સાથેના સંબંધોને લઈને ટિપ્પણી
કરી હતી અને ચેતવણી આપી હતી. ત્યારે હવે ભારતે અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા
અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું કે અમે રશિયા સાથેના અમારા સંબંધોને લઈને ખૂબ જ
ખુલ્લા છીએ. અમારા કાર્યોને રાજકીય રંગ ન આપવો જોઈએ. અમે રશિયા સાથે આર્થિક સંબંધો
સ્થાપિત કર્યા છે, અમારું ધ્યાન વર્તમાન સંજોગોમાં આ સ્થાપિત આર્થિક સંબંધોને સ્થિર
કરવા પર છે. અમારા કાર્યોને રાજકીય રંગ ન આપવો જોઈએ. તેમની પ્રતિક્રિયા પહેલા
અમેરિકાએ રશિયા સાથે ભારતના આર્થિક સંબંધો પર ટિપ્પણી કરી હતી. બાગચીનું નિવેદન
તેમની પ્રતિક્રિયાના રૂપમાં આવ્યું છે.
બાગચીએ કહ્યું કે એવું ન
વિચારો કે આવું કોઈ દબાણ છે. પ્રતિબંધોની વાત છે પણ તે આખા ધંધામાં નથી. ધંધો ચાલે
છે, તેલનો વેપાર પણ થાય છે. અમારું ધ્યાન રશિયા સાથેના અમારા સ્થાપિત
આર્થિક સંબંધો જાળવવા અને સ્થિર કરવા પર છે. અમેરિકાએ કહ્યું હતું કે યુક્રેન
હુમલાને કારણે રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તેથી જે દેશો તેને બાયપાસ કરે છે તેમણે ગંભીર પરિણામો ભોગવવા માટે
તૈયાર રહેવું જોઈએ.
અમેરિકાના ડેપ્યુટી NSA દલીપ સિંહે કહ્યું હતું કે, અમેરિકા નથી ઈચ્છતું કે
ભારતની ઊર્જા અને અન્ય આયાતમાં રશિયાનો હિસ્સો વધે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે
ભારતે એવી આશા ન રાખવી જોઈએ કે જો ચીન ક્યારેય LACનું ઉલ્લંઘન કરશે તો રશિયા
તેના બચાવમાં આવશે. અહીં રશિયા અને યુક્રેન વચ્ચે 40 દિવસથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત અન્ય દેશોએ
રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે અને તેઓ અન્ય દેશો પર પણ દબાણ કરી રહ્યા છે કે
તેઓ રશિયાથી દૂર રહે અને પ્રતિબંધોનું પાલન કરે. જોકે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને દલીપ
સિંહના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ કૂટનીતિની ભાષા નથી. આ
જબરદસ્તીની ભાષા છે. કોઈએ આ વ્યક્તિને કહેવું જોઈએ કે એકપક્ષીય દંડાત્મક પ્રતિબંધો
આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.